બા બન્યાં શારદા અને જેઠાણી બની બા

Published: 19th January, 2021 12:27 IST | Sanjay Goradia | Mumbai

હા, ‘દેરાણી જેઠાણી’ નાટકની ટીમને અમે ‘બા રિટાયર થાય છે’માં સમાવી લીધી અને ‘શારદા’માં પદ્માપરાણીને ફાઇનલ કર્યાં

‘શારદા’ના સર્જક: આપણાં જાણીતાં લેખિકા વર્ષા અડાલજા
‘શારદા’ના સર્જક: આપણાં જાણીતાં લેખિકા વર્ષા અડાલજા

‘સંજય, તું મને મળ, મારે તારી સાથે વાત કરવી છે.’

મને આપણાં જાણીતાં લેખિકા વર્ષા અડાલજાનો ફોન આવ્યો. ફોનમાં તેમણે મને રૂબરૂ મળવા આવવાનું કહ્યું. અમારા નાટક ‘દેરાણી જેઠાણી’ના ગુજરાતમાં શો શરૂ થયા એટલે અમે મુંબઈ માટે નવા નાટકની તૈયારીમાં લાગી ગયા. અમારી પાસે ‘બા રિટાયર થાય છે’ના રાઇટ્સ હતા, જે નાટક અમે કૌસ્તુભ ત્રિવેદી બૅનરમાં કરવાનું વિચારતા હતા. બાના રોલ માટે પદ્‍મારાણી સિવાય બીજું કોઈ વિચારી પણ ન શકાય એટલે અમે પદ્‍માબહેન પાસે જવાનું હજી વિચારતા હતા, પણ અમે મનનો એ વિચાર અમલમાં મૂકીએ એ પહેલાં વર્ષાબહેનના ફોનને કારણે વાતમાં વળાંક આવ્યો. વર્ષાબહેનને મળવા હું તેમના ઘરે ગયો. એ મીટિંગમાં વર્ષાબહેને મને કહ્યું કે તેં અને શફી ઈનામદારે મને આ નાટક લખવાનું કહ્યું હતું, નાટક આખું રેડી છે.

સ્વાભાવિક રીતે મને તો યાદ જ હતું. એ નાટકનું ટાઇટલ ‘શારદા’ હતું. મેં તમને જે-તે સમયે એની વાત પણ કરી હતી. તેમણે મને કહ્યું કે આ નાટકમાં પહેલો હક તારો છે. જો તું ના પાડશે તો જ હું કોઈ બીજા પ્રોડ્યુસર પાસે જઈશ.

‘શારદા’ની વાર્તા એક એવી મહિલાની હતી જેની ઉંમર હતી અંદાજે ૬૫ વર્ષ. સાવ અભણ એવી મહિલાના આ જ કારણે હસબન્ડને બહુ પ્રૉબ્લેમ થતો હોય છે, એ અભણ હોવાને કારણે ઘરનાઓને પણ બહુ તકલીફ થતી. તકલીફનો નિકાલ ન આવે તો તે મજાક બની જતી હોય છે. એવું જ આ મહિલા સાથે બને છે. તેને વારંવાર મહેણાંટોણાં સહન કરવાં પડે છે કે ‘તને અંગ્રેજી આવડતું નથી. તારામાં એકેય જાતની ગતાગમ નથી, જેને લીધે તું બધાનાં કામ બગાડે છે અને ગોટાળા કરે છે.’ મહેણાંની ચરમસીમાએ એ મહિલા એક દિવસ નક્કી કરે છે કે બહુ થયું હવે, હું ભણવાનું શરૂ કરીશ. આ નિર્ણયમાં એ લેડીને તેના જ દીકરાની વહુ સાથ આપે છે અને તે કહે છે, હું તમને ભણાવીશ. સમય પસાર થતો જાય છે અને એક દિવસ હસબન્ડને હાર્ટ-અટૅક આવે છે. હવે હસબન્ડથી કામ નથી થતું અને સંજોગ એવા ઊભા થાય છે પેલી લેડી બિઝનેસ પોતાના હાથમાં લઈ લે છે. તમને યાદ હોય તો આવી જ કોઈક વાર્તા હતી શ્રીદેવીની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ની. ઓરિજિનલ વાર્તા કરતાં ફિલ્મની વાર્તામાં ઇન્ટરવલ પછી ચેન્જ હતો, પણ અભણ, ઇંગ્લિશ નહીં આવડવું એ બધું એમનું એમ જ હતું. હવે આપણે આવીએ વર્ષા અડાલજાની વાત પર.

નાટકની વાર્તા તો મને ખબર જ હતી. મને થયું કે આ નાટક મારે કરવું જોઈએ. મેં કૌસ્તુભને વાત કરી. કૌસ્તુભ પણ નાટક માટે તૈયાર થયો, પણ તેણે એક સજેશન આપ્યું કે જો આપણે ‘શારદા’ કરતા હોઈએ તો શારદા નામનું જે લીડ કૅરૅક્ટર હતું એ આપણે પદ્‍માબહેન પાસે કરાવીએ અને ‘બા રિટાયર થાય છે’માં બાનું કૅરૅક્ટર આપણે બીજા પાસે કરાવીએ. મને પણ આઇડિયા સારો લાગ્યો એટલે અમે નક્કી કર્યું કે ‘શારદા’ પદ્‍માબહેન પાસે કરાવીશું. અમારી સામે યક્ષપ્રશ્ન એ આવ્યો કે હવે ‘બા’ કોણ બનશે?

મેં જ રસ્તો કાઢ્યો અને કૌસ્તુભને કહ્યું કે આપણે ‘શારદા’ તારા પ્રોડક્શનમાં કરીએ અને સંજય ગોરડિયા પ્રોડક્ષન્સમાં ‘બા રિટાયર થાય છે’ કરીએ અને ‘દેરાણી જેઠાણી’ની આખી ટીમને ત્યાં સેટ કરી દઈએ. બાનો રોલ રૂપા દિવેટિયા કરે, અશોક ઠક્કર કરતા હતા એ બાપુજીનો રોલ હું કરી લઉં. મેહુલ બુચ અને અભય ચંદારાણા બાના બે દીકરાઓનો રોલ કરે, મીનલ પડિયાર ઘરની મોટી વહુ બને અને નાની વહુ માટે આપણે કોઈ ઍક્ટ્રેસને લઈ લઈએ. આવું કરવાનો એક મોટો ફાયદો પણ હતો. એક બાજુ ‘દેરાણી જેઠાણી’ના શો પણ ચાલે અને એક જ ટીમ હોવાને લીધે સાથોસાથ ‘બા રિટાયર થાય છે’ના પણ શો થઈ શકે. બધું નક્કી થયું એટલે અમે નાની વહુના રોલમાં અમિતા ચોકસીને ફાઇનલ કરી તો દીકરીના રોલમાં ભૂમિકા રાજડા લઈ આવ્યા.

અમને મનમાં હતું કે જેવું ‘બા રિટાયર થાય છે’ ટાઇટલ અનાઉન્સ કરીશું કે તરત જ બૉક્સ-ઑફિસ પર તડાકા બોલી જશે, લાંબી લાઇન લાગશે, પણ એવું થયું નહીં. નાટક બહુ સારું ગયું નહીં. નાટક ઠીકઠીક બન્યું હતું. શફીભાઈની ગેરહાજરીમાં નાટક મેં ડિરેક્ટ કર્યું હતું. નાટકના ૫૦૦ શો સુધી હું સતત સાથે રહ્યો હતો એટલે મને એની નાનામાં નાની મૂવમેન્ટની ખબર હતી. બન્ને નાટકો સરસ ચાલી રહ્યાં હતાં. દર રવિવારે અમે બે શો કરતા હતા. બપોરે ‘બા રિટાયર થાય છે’ અને સાંજે ‘દેરાણી જેઠાણી’ અથવા તો એનાથી અવળું. આનો ફાયદો ‘દેરાણી જેઠાણી’ને બહુ થયો. અમે એ નાટકના ૨૦૦ શો પૂરા કર્યા. આ અમારું પહેલું નાટક હતું જેના ૨૦૦ શો થયા. અમે ટ્રોફી પણ બનાવી અને મોટી પાર્ટી પણ કરી અને ત્યાં જ અમને ‘દેરાણી જેઠાણી’ નાટક માટે અમેરિકાની ઑફર આવી, પણ અમેરિકાની એ ટૂરમાં અમારી બન્ને દેરાણી અને જેઠાણી એટલે કે રૂપા દિવેટિયા અને મીનલ પડિયારે આવવાની ચોખ્ખી ના પાડી દીધી. પછી શું થયું, અમે અમેરિકા નાટક લઈને ગયા? ‘દેરાણી જેઠાણી’ના રોલ માટે અમને કોણ મળ્યું અને એવી બધી વાતો કરીશું આવતા મંગળવારે.

જોકસમ્રાટ

છોકરી: મારે એવો છોકરો જોઈએ છે જે શાંત, સુશીલ, હોશિયાર અને હૅન્ડસમ હોય.

છોકરો: એક જ ઝાડની ઉપર કેરી, દ્રાક્ષ, સફરજન, દાડમ બધું ન મળે ગાંડી.

ફૂડ ટિપ્સ: મોહન પૂડલાવાલા

મિસળ-યાત્રા ગયા મંગળવારે પૂરી કર્યા પછી મેં નક્કી કર્યું કે હવે મુંબઈની એવી જગ્યાએ જાઉં જ્યાં આપણા સબર્બ્સવાસીઓ બહુ જઈ શકતા નથી. હું વાત કરું છું મુંબઈની એવી દવાબજાર, કાપડબજાર, ઝવેરીબજાર જેવી બજારો જે વેપારીઓથી ધમધમતી હોય છે. એ બજારમાંથી ગાડી તો શું પગપાળા જવામાં પણ તકલીફ પડે એવી ભીડ હોય છે ત્યાં. અગાઉ આપણે કેમિકલ બજારમાં મળતી કચોરી-ભેળની વાત કરી છે, પણ આ વખતે ફરીથી એ દુનિયામાં પાછા જવાનું નક્કી કર્યું. આવું નક્કી કરવાનું એક ખાસ કારણ એ કે આ બધી બજારોમાં અલગ પ્રકારની અને એટલી જ સ્વાદિષ્ટ વાનગીઓ હોય છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. એ વાનગીઓ ટેસ્ટી રાખવી પણ પડે, કારણ કે ત્યાં કૉમ્પિટિશન પણ એટલી જ છે.

જીવનનાં ૩૨ વર્ષ મેં ખેતવાડીમાં કાઢ્યાં છે અને તમને અગાઉ કહ્યું છે એમ દવાબજારમાં બે વર્ષ નોકરી પણ કરી છે એટલે આખો વિસ્તાર આમ મને મોઢે. હા, નવી અને તાજી માહિતીઓનો અભાવ હોય એટલે મેં મારા માસીના દીકરા દેવેન ગોરડિયાને પૂછ્યું કે ત્યાં કઈ-કઈ આઇટમ ખાવા જેવી છે. દેવેન સાથે વાત થયા પછી બીજા પણ બે જણ સાથે મેં વાત કરી અને એ વાતચીતના આધારે મેં લિસ્ટ તૈયાર કર્યું. આજે ઘરે જમવાનો નથી એવું કહીને હું તો ચા-નાસ્તો કર્યા વિના જ ઘરેથી નીકળીને સીધો પહોંચી ગયો ઝવેરીબજારમાં મોહન પૂડલાવાળાને ત્યાં. આ મોહન પૂડલાવાળાનું એક્ઝૅક્ટ ઍડ્રેસ હું તો ઠીક, બીજું કોઈ પણ આપી નહીં શકે છતાં તમને સમજાવું. મુમ્બાદેવી પહોંચીને તમારે ગૂગલ-મહારાજને પૂછી લેવાનું કે મોહન પૂડલાવાળા ક્યાં આવ્યું. એ પછી આગળનો રસ્તો એ તમને ચીંધશે. ક્યાંય અટવાઈ જાઓ તો રૂબરૂ કોઈ પણ દુકાનવાળાને પૃચ્છા કરી લેવી.

મોહનભાઈએ બાવન વર્ષ પહેલાં આજે જે દુકાન છે એની આગળ નાનકડી લારી લઈને પૂડલા બનાવવાનું શરૂ કર્યું હતું. એ સમયથી તેમના પૂડલા બહુ ફેમસ થયા. સમય જતાં તેમણે એ જ લારીની પાછળની બે ગાળાની દુકાન લઈને પોતાની મોહન પૂડલાવાળા નામની રેસ્ટોરાં શરૂ કરી. આજે પણ ત્યાં મુખ્યત્વે પૂડલા જ બને છે. પૂડલામાં પણ ઘણી વરાઇટી; બ્રેડ પૂડલા, ટમૅટો પૂડલા, ચીઝ બ્રેડ પૂડલા, ચીઝ પૂડલા, ચીઝ ટમૅટો પૂડલા, મગની દાળના પૂડલા અને એવા બીજા અનેક. સાદા પૂડલા પણ હોય. આ સાદા પૂડલા પર બ્રેડની સ્લાઇસ આપે અને એની સાથે લીલી ચટણી, ખજૂર-આમલીની મીઠી ચટણી અને લસણની લાલ ચટણી આપે. આ ત્રણ ચટણી પૂડલાની મજામાં રંગત ઉમેરી દે છે. પૂડલા સતત બનતા જતા હોય અને તમને ગરમાગરમ જ આપવામાં આવે.

પૂડલા ખાઈને તા હું આફરીન પોકારી ગયો. પેટપૂજા પૂરી કરીને હું પૈસા આપવા ગયો, પણ ત્યારે જે ભાઈ પૂડલા બનાવતા હતા તે મને ઓળખી ગયા. તેમણે કાઉન્ટર પર બેઠેલા ભાઈને કહ્યું કે પૈસા ન લેતા. આ ભાઈ તો એ જ છે જેમનાં નાટકો આપણે યુટ્યુબ પર જોઈએ છીએ. ત્યારે ખબર પડી કૅશ-કાઉન્ટર પર જે દાદા બેઠા છે તે ખુદ મોહનભાઈ, જે ભાઈ પૂડલા બનાવતા હતા તે મોહનભાઈના દીકરા લાલાભાઈ. દીકરો પૂડલા બનાવે અને પપ્પા પૈસા ઉઘરાવે. આનાથી ઉત્તમ બીજું કશું હોઈ જ ન શકે. ‘જાત મૂઆ વગર સ્વર્ગ નહીં’ એનું આ જીવંત ઉદાહરણ. મિત્રો, હવે તમે ઝવેરીબજાર કોઈ પણ કામસર કે પછી ઉઘરાણી કરવા માટે જાઓ ત્યારે આ મોહનભાઈ પૂડલાવાળાને ત્યાં જવાનું ચૂકતા નહીં. બધી રીતે સાતે કોઠે દીવા થશે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK