Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનની મનમાની કઈ રીતે અટકાવી શકાય?

મનની મનમાની કઈ રીતે અટકાવી શકાય?

01 November, 2020 08:00 AM IST | Mumbai
Kana Bantwa

મનની મનમાની કઈ રીતે અટકાવી શકાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક વૃક્ષ પર બે પંખી રહે છે. અદ્દલ એકમેક જેવાં જ. એકબીજાના મિત્ર. એક પક્ષી વૃક્ષના ટેટા ખાય છે, બીજું કશું ખાતું નથી, બસ પહેલા પક્ષીને જોયા કરે છે, છતાં આ બીજું પંખી પહેલા કરતાં વધુ બળવાન છે. આ વાત માંડુક્ય ઉપનિષદના ત્રીજા મંડુકનો પ્રથમ શ્લોક છે. ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણએ આ જ રૂપકને થોડું વિસ્તાર્યું છે. આપણે આ વાતના આધ્યાત્મિક દર્શનમાં નથી ઊતરવું. આપણો પ્રશ્ન એ છે કે તમે ક્યારેય તમારા મનને નિહાળ્યું છે? નીરખ્યું છે? ધારીને જોયું છે? અલપઝલપ પણ જોયું છે ખરું? કે પછી ક્યારેય જરા જેટલી ઝાંખી પણ કરી છે? ક્યારેય મન અને તમે અલગ છો એ વિચાર્યું છે? અનુભવ્યું છે?

મનને જે જોઈ શકે છે તે સુખી થાય છે. બીજી રીતે કહીએ તો જે મનથી અલગ થઈને રહી શકે તે માણસ ક્યારેય દુખી થતો નથી. તે જીવનમાં સફળ થાય છે અને સુખી પણ રહે છે. માણસના સુખ અને દુ:ખ બન્નેની ચાવી મન છે. માણસને સફળ કે નિષ્ફળ બનાવનાર મન છે. ડરાવનાર કે નિર્ભય બનાવનાર મન છે. પાપી કે પુણ્યશાળી બનાવનાર મન છે. સારો કે ખરાબ બનાવનાર મન છે. મન જેવું હશે એવા તમે બનશો, મન તમને પોતાના જેવા બનાવશે. સફળ કે નિષ્ફળ કે સારા કે ખરાબ બનવાનું એટલું મહત્ત્વ નથી જેટલું મહત્ત્વ સુખી થવાનું છે અને સુખનું તો એકમાત્ર દ્વાર મન છે. મોટા ભાગના માણસો મનને અલગ જોઈ શકતા નથી. તેમને માટે તો મન જ પોતે છે. મન અને પોતે એક જ હોવાનો અનુભવ થવાનું કારણ એ છે કે તેને મળેલા નામથી શરૂ થઈને બાકી બધું જ મન સાથે જોડાય છે. તેને આવતા વિચારો મન દ્વારા થાય છે. તેના દ્વારા કરાતા નિર્ણયો મન કરે છે. તેને રોકનાર મન છે. તેને ઉશ્કેરનાર મન છે. તેને દયા કરવા માટે પ્રેરનાર મન છે, તેને ક્રોધ કરવા માટે હુકમ કરનાર મન છે. તેને મોહ તરફ ખેંચનાર મન છે, તેને ઈર્ષા તરફ ધકેલનાર મન છે. એ જેકંઈ કરે છે એની પાછળ મન છે એટલે મનને અલગ કરીને જોવાનો તેને વિચાર પણ ક્યારેય નથી આવતો અને અલગ કરીને જોવાનો વિચાર સુધ્ધાં નથી આવતો, એટલે મન જેકાંઈ કરે છે એ પોતે કરે છે એવું માની લે છે અને એટલે મનની મનમાની ચાલતી રહે છે. ખરેખર મન કહે છે એ બધું તમે કરો છો? મન તમારી પાસે કશુંક કરાવે છે કે તમે મન પાસે કરાવો છો? સીધો પ્રશ્ન, તમે મનના ગુલામ છો કે મન તમારું ગુલામ છે? તમે મનના માલિક છો એવો જવાબ આપવો તમને ગમશે, પણ આ જવાબ સાચો હોવાની સંભાવના બહુ ઓછી છે.



મન સતત સક્રિય રહે છે, સતત દોડતું રહે છે એવું કહેવાય છે. એટલે એવું લાગે છે કે મનને આળસ નહીં થતી હોય, પણ વાસ્તવમાં મન બહુ આળસુ છે. આળસુ છે એટલે તે તમારા મોટા ભાગના કામને ઑટો મોડ પર મૂકી દે છે. આ ઑટો મોડને આપણે ઘરેડ, ટેવ કહીએ છીએ. દિવસમાં એવાં અસંખ્ય કામ છે જે આપણે માત્ર ટેવવશ કે ઘરેડવશ કરીએ છીએ. જેકોઈ કામ રોજિંદું કે રૂટીન હોય એ બધાં જ કામને કરવાની મન એક ટેવ પાડી દે છે, એક પ્રોગ્રામ બનાવી દે છે, જે મુજબ એ કામ સાવ અજાણપણે, વિચાર્યા વગર જ થઈ જાય. તમે કહેશો કે વિચારવું ન પડે એ તો સારી બાબત છેને? સારી બાબત છે, બ્રશ કરવા જેવી સામાન્ય ક્રિયા માટે પણ, ધીમે-ધીમે મન તમારી મોટા ભાગની દિનચર્યાનો પ્રોગ્રામ્સ બનાવી નાખીને એને પણ ઑટો મોડમાં મૂકી દે છે. પછી સ્વજનો સાથેના બિહેવિયરને ઑટો મોડમાં મૂકે છે. તમારાં રોજિંદા તમામ કામને યંત્રવત્ કરી દે છે. તમે એક મશીનની જેમ કામ કરતા થઈ જાઓ છો એટલે તમને યંત્રવત્ જ બધું કરવાની ટેવ પડતી જાય છે. નવું થતું નથી, નવું વિચારાતું નથી, તમે ઘરેડને સ્વીકારી લો છો, તમારો વિકાસ અટકી જાય છે. યંત્રની જેમ જ બધું કરવાની ટેવને લીધે તમે જ્યાં ક્રીએટિવ કામ કરવાનું હોય, જ્યાં વિચારવાનું હોય, જ્યાં અલગ કરવાનું હોય ત્યાં પણ વિચારતા નથી અથવા વિચારી શકતા નથી. આ મનની આળસનું છેલ્લું પરિણામ છે. જ્યાં સુધી તમે મનને અલગ જોશો નહીં ત્યાં સુધી એનું અસ્તિત્વ દેખાશે નહીં, તેને તમે ટપારી શકશો નહીં.


  શું ફરક પડશે મનને અલગ કરવાથી કે મનને જોવાથી? જ્યાં સુધી તમે પોતાને મનથી અલગ નહીં જાણો ત્યાં આ ફરક પણ સમજવામાં થોડી મુશ્કેલી પડશે. ફરક એ પડશે કે તમે મન જ્યાં ખોટું હશે ત્યાં એને વારી શકશો, એને અટકાવી શકશો, એના પર નિયંત્રણ આવશે. વૃત્તિઓ પર નિયંત્રણ આવશે. તમે વધુ સંતુલિત રહી શકશો. તમારા નિર્ણય ભાવનાઓથી કે લાગણીથી નહીં, બુદ્ધિથી પ્રેરાયેલા હશે. એ વધુ ચોક્કસ હશે. તમે વધુ ક્રીએટિવ થઈ શકશો. તમે પરંપરા તોડી શકશો. તમે નવું અને અલગ કશુંક કરી શકશો. પરાપૂર્વથી એ જ વ્યક્તિ ક્રાન્તિ કરી શક્યો છે, પરિવર્તન લાવી શક્યો છે, સફળ થઈ શક્યો છે જેણે નવું વિચાર્યું છે, નવું કર્યું છે. તમે પણ એવા બની શકો જો મનની ગુલામી છોડી શકો તો, પણ ૧૦૦ મણનો સવાલ એ છે કે મનને ગુલામ બનાવવું કેમ?

  આ જગતનું સૌથી મુશ્કેલ કામ મનના માલિક બનવાનું, મનને ગુલામ બનાવવાનું છે. સૌથી અઘરું કામ. એનાથી દુ:સાધ્ય, કઠણ, વિકટ કામ અન્ય કશું જ નથી. ભગવદ્ ગીતામાં જ્યારે કૃષ્ણ અર્જુનને મનને નિયંત્રણમાં રાખવાનું કહે છે ત્યારે અર્જુન જવાબ આપે છે. આ જવાબમાં પ્રશ્ન છુપાયેલો છે. અર્જુન કહે છે, ચંચલં હિ મન: કૃષ્ણ! પ્રમાથિ બલવદૃઢમ્. તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્. હે કૃષ્ણ, મન ચંચળ, બળવાન, દૃઢ અને વિહ્‍વળ બનાવી દેનાર છે, એનું નિયંત્રણ કરવું એ પવનને કાબૂમાં લેવા જેવું મુશ્કેલ કામ છે. કૃષ્ણનો જવાબ સુંદર છે. તેઓ કહે છે, મનનું નિયંત્રણ ખરેખર બહુ મુશ્કેલ છે, પણ અભ્યાસ દ્વારા એને નિયંત્રિત કરી શકાય છે. અભ્યાસેન તુ કૌન્તેય. સાવ સીધી ભાષામાં રસ્તો બતાવ્યો છે. અભ્યાસ કરો. અર્થાત્ મન જે કશું ઘરેડમાં કરે છે એનાથી અલગ કરતા રહેવાનો અભ્યાસ કરો. મન જે કશું કરે છે એને જુઓ. મનને જુઓ, મન અલગ દેખાશે એટલે એને ગુલામ બનાવવાનું પણ સંભવ બનશે. તમે મનને કમાન્ડ આપવાનું શરૂ કરો. અત્યાર સુધી એની જ મનમાની ચલાવી, હવે તમારી મરજી ચલાવો. એનાં કાર્યોને જુઓ. એમાં તમારા ઇચ્છિત ફેરફાર કરો. નિર્ણયને તમારી દૃષ્ટિથી, અલગ દૃષ્ટિથી તપાસો. નિર્ણય કઈ રીતે લેવાયો છે એ જુઓ. રોજ અમુક બાબતોમાં મનનું ધાર્યું ન થવા દો, પોતાનું ધાર્યું કરો. ધીમે-ધીમે તમે માલિક બનતા જશો, પણ આ પ્રક્રિયાનો મન જોરદાર વિરોધ કરશે, ધ્યાન રાખજો કે સૌથી પહેલાં તો મનને અલગ જોવાના વિચાર સામે જ મન સવાલ ઉઠાવશે. પછી એ એવું સમજાવશે કે તમે મનને અલગ જુઓ જ છો, તમે નિર્ણય પોતે જ કરો છો, તમે ઘરેડમાં વહ્યા નથી. તમે જે કશું કરો છો એ એકદમ તટસ્થ, સાચું અને સંતુલિત વિચાર કર્યા પછી જ કરો છો એવું તે તમને બીજા તબક્કામાં ઠસાવવાનો પ્રયત્ન કરશે છતાં તમે પ્રયત્નો ચાલુ રાખશો તો એ તમને બિવડાવશે. તમને આવું કરવાની નિરર્થકતા સમજાવશે. આવું કરવાથી સ્ટ્રેસ ઊભો થાય છે એવું બતાવવા એ નકલી સ્ટ્રેસ પણ ઊભો કરશે છતાં જો તમે તાબે નહીં થાઓ તો મન પ્રયત્ન છોડી દેશે અને તમને સાથ આપવાનું શરૂ કરશે. કામ લાગે છે બહુ સહેલું, પણ છે અતિકઠિન. શરૂઆત બહુ સહેલી છે, મનને અલગ થઈને જુઓ. આટલું તો કરી જ શકાશેને પ્રિય વાચક?


(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 08:00 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK