ઠાકરે : જ્યારે વિચાર એક હોય ત્યારે વિચારધારા કેવી રીતે જુદી થઈ શકે?

Published: 28th December, 2018 08:52 IST | મનોજ નવનીત જોષી

આ આખી વાત આવી રહેલી ફિલ્મ ‘ઠાકરે’ના ટ્રેલર પછી અચાનક જ મનમાં જન્મી છે. બાળ ઠાકરેએ શરૂ કરેલી શિવસેનાની વિચારધારા હિન્દુત્વની છે અને એ જ આ દેશની વિચારધારા હોવી જોઈએ

સ્વર્ગસ્થ બાલ ઠાકરે
સ્વર્ગસ્થ બાલ ઠાકરે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?  

કોઈ એક મુદ્દે તમારો વિચાર બદલાય એ સમજી શકાય, એમાં કશું ખોટું પણ નથી અને એમાં કશું અહિત પણ નથી. આજે કોઈ એક વાત પર તમને પ્રેમ ઊભરાતો હોય એ જ વાત પર થોડા સમય પછી તમને તિરસ્કાર છૂટે તો એમાં તમે ચેન્જ થઈ ગયા એવું કહેવું અયોગ્ય છે. બને કે ગઈ કાલ સુધી તમારી પાસે અધૂરી માહિતી હતી એટલે તમને અણગમો હતો એવી વાત પર પણ પ્રેમ દર્શાવતા હતા અને આજે તમને વાસ્તવિકતા સમજાઈ ગઈ હોય. ખોટું નથી, જરા પણ ખોટું નથી કે તમારા વિચારો બદલાયા હોય. જોકે મહત્વનું એ પણ એટલું જ છે કે તમારા બદલાયેલા આ વિચારો કઈ વાત સાથે, કઈ ચર્ચા સાથે જોડાયેલા છે.

ધારો કે આજે તમે હિન્દુત્વમાં માનતા હો, હિન્દુત્વ સાથે જોડાયેલા હો અને પ્રખર હિન્દુમતવાદી હો અને એ પછી તમે રાતોરાત એ વિચારાધારા ત્યજીને કોઈ નવી જ દિશામાં આગળ વધવા માંડો તો માનવું કે તમે તમારી જાત સાથે જ અન્યાય કરી રહ્યા છો. આ અન્યાય, જાત સાથે થતો આ અન્યાય તમે ક્યારેય પૂર્ણપણે નિભાવી નથી શકતા. ક્યારેય ભૂલવું નહીં કે હૃદય બદલી શકાય, પણ હજી વિજ્ઞાન બ્રેઇન-ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી નથી શક્યું. તમારા વિચારો બદલાય એ સમજી શકાય, પણ તમારી વિચારધારા કોઈ હિસાબે બદલાવી ન જોઈએ. વાસ્તવિકતા પણ એ જ છે કે એ ક્યારેય બદલાતી નથી અને એટલે જ બદલાયેલી વિચારધારામાં ગેરવાજબીપણું અકલ્પનીય હોય છે.

આ આખી વાત આવી રહેલી ફિલ્મ ‘ઠાકરે’ના ટ્રેલર પછી અચાનક જ મનમાં જન્મી છે. બાળ ઠાકરેએ શરૂ કરેલી શિવસેનાની વિચારધારા હિન્દુત્વની છે અને એ જ આ દેશની વિચારધારા હોવી જોઈએ. એમ છતાં કહેવાનું મન થઈ આવે ખરું કે મરાઠીઓને શિવસેના પોતાની લાગે છે. એવી જ રીતે ગુજરાતીઓમાં ભાજપ હંમેશાં ઘરની પાર્ટી રહી છે અને એ પણ સ્વાભાવિક છે. વિચારધારા બદલી ન શકાય, વિચારધારા બદલાવી પણ ન જોઈએ. ક્યારેય નહીં, કોઈ જ દિવસ નહીં. ભાજપ હોય કે શિવસેના હોય, જો એકમેક પ્રત્યેનો વ્યવહાર અકબંધ રાખવો હોય તો ક્યારેય ભૂલવું નહીં કે તમારા અસ્તિત્વની સાથોસાથ તમારે તમારા હરીફના કે પછી તમારા પ્રતિસ્પર્ધીના અસ્તિત્વને પણ સ્વીકારવું જોઈશે.

જો એ સ્વીકારવામાં તમે માર ખાઈ ગયા, થાપ ખાઈ ગયા તો એવા સંજોગો ઊભા થઈ જશે કે રડવા માટે ખૂણો શોધવો પડશે. ભાજપ અને શિવસેના એકબીજા વિના આજે અધૂરપ અનુભવી રહ્યા છે. આ અધૂરપ હકીકતમાં ક્યાંક ને ક્યાંક અહમ્નું પરિણામ છે. હું કહીશ કે મહેરબાની કરીને ક્યારેય મોટા ભાઈએ નાના ભાઈનો વાદ ન કરવો જોઈએ અને નાના ભાઈએ ક્યારેય મોટા ભાઈના ચાળા પાડવાના રસ્તે ચાલવું ન જોઈએ. બન્ને ભાઈઓનું અસ્તિત્વ અલૌકિક છે તો બન્ને ભાઈઓની અનિવાર્યતા પણ એકદમ આવશ્યક છે. ભાજપ અને શિવસેના વિનાનું મુંબઈ તો અકલ્પનીય છે જ, પણ બન્નેનો એકબીજાને સાથ ન મળે તો આ રાષ્ટ્ર પણ અધૂરું છે એવું પણ સ્વીકારવું જ જોઈએ. લોકસભાનું ઇલેક્શન નજીક આવે છે ત્યારે કહેવું છે કે જો એક થઈ શકાતું હોય તો થઈને સાથે આવી જાઓ, કારણ કે આ ગજગ્રાહમાં મૂળભૂત રીતે તો આ બન્ને પાર્ટીનો સમન્વય ધરાવતી વિચારધારાના પ્રેમમાં રહેલા અમારા જેવા લોકોએ જ જીવ બાળવાનો સમય આવ્યો છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK