Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૨૦૨૭નો વર્લ્ડ કપ ધોની જિતાડી શકે છે

૨૦૨૭નો વર્લ્ડ કપ ધોની જિતાડી શકે છે

11 September, 2020 02:29 PM IST | Mumbai
J D Majethia

૨૦૨૭નો વર્લ્ડ કપ ધોની જિતાડી શકે છે

એક વાત કહું તમને કે ધોની કોચ બનશે, જોજો તમે.

એક વાત કહું તમને કે ધોની કોચ બનશે, જોજો તમે.


રિટાયરમેન્ટ જાહેર કર્યા પછી ધોની સાત વર્ષે કેવી રીતે વર્લ્ડ કપ જિતાડે એવું જો તમને મનમાં આવ્યું હોય તો વાંચી લો આખી વાત...

થોડા વખત પહેલાંના એક આર્ટિકલમાં મેં લખ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની હિન્દુસ્તાનને ૨૦૨૭માં વર્લ્ડ કપ લાવી આપી શકે. કેવી રીતે તે વર્લ્ડ કપ લાવી આપશે એ વાતને અહીંથી આપણે કન્ટિન્યુ કરવાની છે. આમ તો કોઈ પણ ક્રિકેટપ્રેમી ગણતરી કરે કે પછી મારી જેમ વિચાર કરે તો તેને સમજાઈ જશે કે હું શું કહેવા માગું છું અને એની ગણતરી શું છે, પણ જેને સમજાયું નથી તેમને માટે વાત આગળ વધારીએ.
અત્યારે આપણે ૨૦૨૦માં છીએ. ૨૦૧૯માં આપણે વન-ડે ઇન્ટરનૅશનલ મૅચનો વર્લ્ડ કપ જોઈ ચૂક્યા છીએ એટલે હવે બીજો વર્લ્ડ કપ ૨૦૨૩માં થશે. ૨૦૨૭માં ધોની કેવી રીતે આપણને વર્લ્ડ કપ જિતાડી શકે એની પાછળનું મારું ગણિત જરા સમજવા જેવું છે. આ અને આવતા વર્ષે એટલે કે ૨૦૨૧ની એમ બન્ને આઇપીએલ ધોની રમશે અને જો એ ફિટ હશે, ફૉર્મમાં હશે તો ૨૦૨૨ પણ રમી લેશે, એ પછી આવશે ૨૦૨૩ના વર્લ્ડ કપની વાત અને એ આઇપીએલના એ સમયે પણ ધોની આઇપીએલમાંથી નિવૃત્તિ લે એવું બને.
૨૦૨૩ના વર્લ્ડ કપનું જે પરિણામ આવે એ અને ખરું કહું તો આપણે જીતી પણ શકીએ છીએ. એ વર્લ્ડકપ ઇન્ડિયામાં રમાવાનો છે અને ગયા વર્ષે જે રીતે લોકોનું પ્રિડિક્શન્સ તોડતું રિઝલ્ટ આવ્યું કે હોસ્ટ કન્ટ્રી વર્લ્ડ કપ ક્યારેય જીતતું નથી તો આપણે માનીએ કે એ જ વાત કન્ટિન્યુ થાય અને હિન્દુસ્તાન ૨૦૨૩માં જીતે જ જીતે, પણ અત્યારે મારી જે વાત છે એ ૨૦૨૭ના વર્લ્ડ કપની એટલે આપણે પાછા એ મુદ્દા પર આવી જઈએ.
૨૦૨૩માં વિરાટ કોહલી જ આપણો વન-ડેનો કૅપ્ટન હશે એવું માનીને અત્યારે ચાલીએ. માનવાની વાત એટલા માટે કે વચ્ચે ક્યાંક એવું નાના પાયે ચાલુ થયું હતું કે વન-ડેનું સુકાન રોહિત શર્માને આપવું જોઈએ, લિમિટેડ ઓવર્સની મૅચમાં એ વધારે સારી રીતે નેતૃત્વ કરી શકે છે, પણ એ બન્ને વિશે બોલવા જેટલું મારું નૉલેજ નથી કે પછી નથી મને એ મુદ્દે પ્રકાશ પાડવાનો કોઈ અધિકાર. મારી સમજણ પણ ક્રિકેટિંગની એટલી નથી કે એ બન્ને વિશે હું આવી કોઈ વાત કરું અને આમ પણ એ હિન્દુસ્તાનના હિતમાં પણ નથી.
વિરાટ કોહલી બહુ સરસ કૅપ્ટન છે અને અત્યાર સુધીના તેના નેતૃત્વમાં આપણાં પરિણામો સારાં જ આવ્યાં છે. બહુ જ સ્પેશ્યલ ટૅલન્ટ કહેવાય એવી ટૅલન્ટ છે એટલે એ અને રોહિત બન્ને એકસાથે ટીમમાં રમતાં-રમતાં ૨૦૨૩નો વર્લ્ડ કપ જિતાડી દે એવી આશા. ૨૦૨૩નો વર્લ્ડ કપ એ બન્ને જિતાડી દે પછી પણ આપણે ધારીએ કે વિરાટ અને રોહિત હજી રમતા હોય. આ ધારણાનું કારણ સમજી લઈએ. અત્યારે કોહલીની ઉંમર ૩૨ વર્ષની અને રોહિત શર્માની ૩૩ વર્ષની. વાત કરીએ ૨૦૨૭માં, એ સમયે વિરાટ હશે ૩૯નો અને રોહિત થશે ૪૦ વર્ષનો, જ્યારે ધોની હશે ૪૬ વર્ષનો. તમને થશે કે આ ઉંમર-ઉંમર ક્યાં રમવા માંડ્યા, પણ આ એક ગણિત છે જે સમજવાનું છે.
હું ઇચ્છું કે વિરાટ અને રોહિત જેવા બૅટ્સમૅન બહુ લાંબું રમે, પણ તમે જુઓ તો બધા પ્લેયર્સની એક ઉંમર હોય. ૩૫ પછી ફિટનેસ જાળવી શકવી અઘરી છે. ૩પના થાઓ, પછી ૩૬, પછી ૩૭ અને ૩૮... એ બધાં વર્ષોની એક મર્યાદા છે. અત્યારે જે પ્રકારે ક્રિકેટમાં ફીલ્ડિંગ થાય છે, જે પ્રકારે રન લેવાની વાત છે, એકેક રન કેવી સિચુએશનમાં દોડીને લેવાતો જાય છે, સામેના ફીલ્ડર પણ એટલા જ ચપળ હોય કે તે તમને રનઆઉટ કરી શકે. ક્રિકેટમાં બોલિંગ-બૅટિંગની સાથે છેલ્લાં થોડાં વર્ષોથી ફીલ્ડ‌િંગ બહુ મહત્ત્વની બની રહી છે એટલે તમે એક બૅટ્સમૅન તરીકે સારા ફૉર્મમાં હો તો પણ ચાલતું નથી; જેમ કે સચિન તેન્ડુલકર સારા ફૉર્મમાં હતો છતાં અમુક રીતે તમારું શરીર, તમારી ઇન્જરી, તમારું ફૉર્મ તમને સાથ ન આપતું હોય જેને માટે તમે જાણકાર હો, જેને માટે તમે આટલો વખત દેશની ટીમને જિતાડતા આવ્યા હો. એક ઉંમર પછી આ મુદ્દા પણ તમારા માનસ પર અસર કરવા માંડે છે. વાત કરીએ રોહિત અને વિરાટની, તો તેમને વિચાર આવે અને એ લોકો ૨૦૨૭ સુધી થોડા વહેલા રિટાયર થાય તો કદાચ તેઓ ટીમમાં ન હોય એટલે આપણે થોડું પાછા આવીએ. ૨૦૨૩માં વર્લ્ડ કપ પછી ધોની આઇપીએલમાંથી રિટાયર થાય અને ત્યાં સુધી રમાયેલી વર્લ્ડ કપની અને આઇપીએલમાંથી તેને જે ખેલાડીમાં હીર દેખાતું હોય તે અને સાથે એકાદ-બે વર્ષમાં આવેલા નવા ખેલાડીઓ સાથે ટીમ બનાવી ૨૦૨૭ના વર્લ્ડ કપને અને એ પહેલાંનાં બે વર્ષે રમાતા ટી૨૦ વર્લ્ડ કપ તથા આઇસીસી ટ્રોફીને ધ્યાનમાં રાખીને ધોની પોતાના જેવો લીડર, કૂલ કૅપ્ટન આપી શકે છે. જો તેને ૨૦૨૩ પછીનાં પાંચ-દસ વર્ષ માટે ભારતની એક ટીમ બનાવવાની જવાબદારી સોંપવામાં આવે તો.
આપણને બધાને ખબર છે કે છેલ્લાં વર્ષોમાં ધોનીએ કેવા પ્રકારની ટીમને બિલ્ટ કરી છે. આપણા સારા-સારા સ્પિનરે ધોની કેટલો મદદરૂપ થાય છે વિકેટ લેવામાં, કેવી રીતે બોલિંગ કરવાથી માંડીને પિચનું રીડિંગ સુધ્ધાં. આ એક એવો કૅપ્ટન છે જે દરેકેદરેક દેશમાં રમ્યો છે અને જીત્યો પણ છે. ટૉસથી માંડીને પિચ-રીડિંગ જેવી બાબતો ઘણી વાર મહત્ત્વની સાબિત થતી હોય છે, એમાંયે વર્લ્ડ કપની મૅચમાં તો ટૉસ અને નિર્ણય બહુ, બહુ, બહુ જ મહત્ત્વના સાબિત થતા હોય છે. બને કે ત્યારે એવી-એવી ટેક્નૉલૉજી અને પરમિશન પણ આવી ગઈ હોય જેમાં ચાલુ મૅચે કોચ કૅપ્ટન સાથે ડિસ્કશન કરી શકતા હોય કે પછી ઇન્સ્ટ્રક્શન આપી શકતા હોય. અત્યારે ફુટબૉલના કોચ અધવચ્ચે પોતાના કૅપ્ટનને ઇન્સ્ટ્રક્શન આપતા જ હોય છે. પૉસિબલ છે કે ધોની કોચ બને ત્યાં સુધીમાં આ પરમિશન મળી ગઈ હોય.
કઈ રીતે કૅપ્ટન અને ટીમને ડેવલપ કરી શકાય એ ધોનીથી બેસ્ટ આપણે ત્યાં કોઈ જાણતું નથી. આપણે પોતે અનુભવી ચૂક્યા છીએ કે ધોની જવાબદારી સંભાળવામાં કેવો નિષ્ઠાવાન છે. હું એમ કહી શકું કે ધોની જેટલો શ્રેષ્ઠ કોચ કોઈ હોઈ ન શકે. ધોની જ્યારે ૨૦૨૩ પછી ટીમ પ્રીપેર કરશે ત્યારે તેનું લક્ષ ટી૨૦ના વર્લ્ડ કપથી માંડીને બીજી ટુર્નામેન્ટ અને ટ્રોફી હશે, પણ સૌથી મોટું લક્ષ વર્લ્ડ કપ હશે. એ વર્લ્ડ કપ જે આપણે ૧૯૮૩માં અને એ પછી આપણે ધોનીના નેતૃત્વમાં ૨૦૧૧માં જીત્યા છીએ એ જ ધોની કઈ રીતે આપણને, આપણા આખા દેશને ૨૦૨૭માં ફરી એક વાર નવો ચમત્કાર દેખાડી શકે છે. જોકે આ વાત થઈ ૨૦૨૩ પછીની અને એ પહેલાં કોઈ કોચ આવી શકે તો મને એ રાહુલ દ્રવિડ દેખાય છે, જેણે હમણાં અન્ડર-19 ટીમને રનર્સઅપ બનાવી હતી. રાહુલ દ્રવિડ પણ હમણાં ખૂબ નવા પ્લેયર્સને બહુ સારી રીતે ટ્રેઇન કરી રહ્યો છે. તમને યાદ હોય તો રાહુલ દ્રવિડ પણ વિકેટકીપર અને બૅટ્સમૅન છે. ધોની જેટલો તે કૅપ્ટનશિપમાં સફળ નથી રહ્યો, પણ એ એક બહુ સારો લીડર છે. મને એમ છે કે રવિ શાસ્ત્રી પછી વચ્ચે ક્યાંક થોડા સમય માટે રાહુલ દ્રવિડ આવી શકે છે અને એ પછી ૨૦૨૩ પછી મને ધોની ક્યાંક દેખાય છે. જો ધોની કોચ તરીકે આવી જાય તો હિન્દુસ્તાનના વર્લ્ડ કપ જીતી જવાના ચાન્સ બહુ બ્રાઇટ છે. એનું તમને એક લૉજિકલ કારણ પણ કહું.
૨૦૨૩ પછી ધોની પોતાના ૪૬થી પ૦ના ગાળામાં હશે અને જે લોકો અત્યારે ક્રિકેટમાં તૈયાર થઈ રહ્યા છે, સ્કૂલ અને કૉલેજના લેવલ પર તે ૨૦થી ૩૦ વર્ષની આયુમાં હશે. બેસ્ટ ટીમ બિલ્ટ કરવા માટે કોચ બધાનો આઇડલ હોવો જોઈએ. અત્યારની આ સ્કૂલ-કૉલેજની ટીમે ધોનીને જોયો છે, તેને જોઈ-જોઈને તેઓ શીખ્યા છે, શીખે છે. તેમની ટેક્નિક ક્રિકેટરો ફૉલો કરે છે. એના વિડિયો જોઈને જો શીખતા હોય તો ધોની પ્રત્યક્ષ કોચ કરે તો એ કેટલો રિસ્પેક્ટ આપનારું હોય. બીજી વાત, કોચ અને પ્લેયર્સના રિલેશન, એ કમાન્ડમાં રિસ્પેક્ટ બહુ હોવી જોઈએ. તમે ઘણી વાર વાંચ્યું હશે કે કોચને કૅપ્ટન સાથે નથી ફાવ્યું. આવા સમયે ટીમ પર્ફોર્મ ન કરી શકે, પણ ધોની એવી વ્યક્તિ છે જે ક્યારે કોઈ કન્ટ્રોવર્સીમાં નથી આવ્યો તો સાથોસાથ ટીમમાં તેનું માન પણ એકદમ જળવાયેલું રહે છે. માત્ર ટીમમાં નહીં, દેશના દરેકેદરેક નાગરિકને ધોની માટે રિસ્પેક્ટ છે તો પ્લેયર્સને તો કેટલું હોય. આ રિસ્પેક્ટનો સીધો લાભ આપણને ૨૦૨૭માં મળી શકે છે. આ અને આવાં બીજાં ઘણાં કારણો અને તારણો છે મારાં, જેના આધારે હું કહું છું કે ૨૦૨૭માં ધોની જો કોચ બને તો તે હિન્દુસ્તાનને ક્રિકેટનો વર્લ્ડ કપ લાવી આપશે અને એક વાત કહું તમને કે ધોની કોચ બનશે, જોજો તમે.



નમ્ર અરજ ગયા વીકમાં છપાયેલા મારા આર્ટિકલમાં એક તસવીર પણ સાથે છપાઈ હતી. એ ફોટોમાં ઠાકોરજી અને શ્રી રમણલાલજી મહારાજનાં ચિત્રજી છે એટલે એ કાગળ કચરામાં ન જાય એનું ધ્યાન રાખજો અને એને પધરાવવાનો પ્રયત્ન કરજો.
આભાર.
આપનો જેડી.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 02:29 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK