Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે એકલા હો ત્યારે કેવા હોવ છો?

તમે એકલા હો ત્યારે કેવા હોવ છો?

10 February, 2020 05:51 PM IST | Mumbai Desk
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

તમે એકલા હો ત્યારે કેવા હોવ છો?

તમે એકલા હો ત્યારે કેવા હોવ છો?


મોટા ભાગના પરિણીત પુરુષોની એક છૂપી ખ્વાહિશ હોય છે. ક્યારેક તક મળે તો પત્ની, બાળકો કે પરિવારના અન્ય સભ્યો વિના એકલા પોતાના પુરુષમિત્રો સાથે બૉય્ઝ ટ્રિપ પર જવાની. એવી જ રીતે મોટા ભાગની પરિણીત મહિલોની પણ એક છૂપી ખ્વાહિશ હોય છે. ક્યારેક તક મળે તો પતિ, બાળકો કે પરિવારના અન્ય સભ્યો વિના એકલી પોતાની ગર્લ્સ ગૅન્ગ સાથે નાઇટઆઉટ પર જવાની. જેમને આવો ચાન્સ મળે છે તેઓ ઝડપી લે છે અને જેમને નથી મળતો તેઓ મનોમન એની કલ્પના કરી ખુશ થયા કરે છે. આમ જોવા જાઓ તો તેમાં કશું ખોટું પણ નથી. પોતાના મિત્રો કે પોતાની સખીઓને મળી મોજમજા કરવી એ કોઈ પાપ નથી, પરંતુ એ માટે પોતાના પાર્ટનર કે બાળકોને મૂકી એકલાં જ જવાનું લૉજિક થોડું અજુગતું છે. પતિઓને પૂછશો તો તેઓ એવું કહેતા સાંભળવા મળશે કે પત્ની કે બાળકો સાથે ન હોય તો અમને પુરુષોને તો જ્યાં જે મળે એ ચાલી જાય. સારી કે ખરાબ હોટેલથી માંડી સારા કે ખરાબ ભોજન સુધી બધું ફાવી જાય. પત્નીઓને પૂછશો તો તેઓ એવું કહેતી સાંભળવા મળશે કે પતિ કે બાળકો સાથે ન હોય તો અમે મહિલાઓ તેમના તરફની અમારી જવાબદારીઓથી મુક્ત રહી શકીએ. ન સાથે નૅપિસ, ડાયપર, દૂધની બૉટલ્સ કે નાસ્તાના ડબ્બા લેવાનાં કે ન બૅગમાંથી કપડાં કાઢી કે મૂકી આપવાનાં.
વાતમાં થોડું તથ્ય તો છે, પરંતુ અધૂરું છે. વાસ્તવમાં એકલા જઈને લોકો ફક્ત પોતાની જવાબદારીઓ કે ફરજોથી જ છૂટવા નથી માગતા, પણ પોતે સતત જે સારા અને સંસ્કારી હોવાનો નકાબ પહેરીને ફરતા હોય છે એનાથી મુક્ત થવા માગતા હોય છે. થોડા અલ્લડ, થોડા બેફિકર, થોડા બિન્દાસ અને થોડા તોફાની બનવા માગતા હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આવી બાય્ઝ ટ્રિપ્સ કે ગર્લ્સ નાઇટઆઉટ એક સામાન્ય આઉટિંગ જ હોય છે, પરંતુ કેટલીક વાર એમાં જે  થાય છે એ નવાઈ પમાડે એવું હોય છે. કેટલીક વાર એવી મહિલાઓના કિસ્સા સાંભળવા મળી જાય છે જેઓ આવા ગર્લ્સ નાઇટઆઉટ પરથી દારૂના નશામાં ધૂત પાછી ફરી હોય છે. તો કેટલીક વાર એવા પુરુષોના કિસ્સા પણ સાંભળવા મળી જાય છે જેઓ આવી બૉય્ઝ ટ્રિપ પરથી વન નાઇટ સ્ટૅન્ડના ગિલ્ટ સાથે અથવા લગ્નબાહ્ય સંબંધના ભાર સાથે પાછા આવ્યા હોય છે.
ચોક્કસ આવાં કામો માણસ એકલો હોય ત્યારે જ તેનાથી થાય છે, પરંતુ માણસ એકલો હોય ત્યારે જ કેમ આવું થાય છે? વાસ્તવમાં એકલો હોય ત્યારે માણસ પોતાના સારા અને સંસ્કારી હોવાના નકાબથી મુક્ત થઈને ફરતો હોય છે. એ અંચળો ઊતરી જાય પછી જે રહી જાય એ જ માણસનું ખરું વ્યક્તિત્વ હોય છે. કોઈ જોવાવાળું નથી, કોઈને સારું લગાડવાનું નથી એવી બાંહેધારી હોય ત્યારે સામે જે પરિસ્થિતિઓ આવે કે પોતાની સાથે જે કોઈ ઘટનાઓ ઘટે એમાં માણસ જે રીતે વર્તે છે એમાં જ તેના ચરિત્રનું સાચું પોત પ્રકાશતું હોય છે. તમને શું લાગે છે? શા માટે આટલા બધા લોકો ઇન્ટરનેટ પર ખરા-ખોટા ધંધા કરતા જોવા મળે છે? કારણ કે તેમને ખબર છે કે અહીં કોઈ તેમને જોવાવાળું નથી, અહીં તેમની ઓળખ સંપૂર્ણપણે છૂપી રહી શકે છે.
ટૂંકમાં પ્રલોભનો તો સતત આપણી આસપાસ હોય જ છે. એ લોકલાજ જ છે જે આપણને એ પ્રલોભનો તરફ આકર્ષાતાં અટકાવે છે, પરંતુ એક વાર એ શરમનો ભાર હટી જાય પછી આપણે એ પ્રલોભનો તરફ આકર્ષાઈએ છીએ કે નહીં એ જ આપણી ખરી કસોટી હોય છે. તેથી તમે તમારા પાર્ટનરને ક્યારેય દગો નહીં આપો એ તો ત્યારે જ ખાતરીપૂર્વક કહી શકાય જ્યારે તમને એવું કરવાની તક મળે તેમ છતાં તમે એમાંથી પોતાની જાતને બચાવીને પાછા ફરો. કે પછી તમને કોઈ બીજાની મિલકતમાં બિલકુલ રસ નથી એ તો ત્યારે જ છાતી ઠોકીને કહી શકાય જ્યારે કોઈ જોવાવાળું ન હોવા છતાં તમે રસ્તે પડેલી બે-બે હજારની નોટ ઉપાડ્યા વિના આગળ વધી જાઓ.
બલકે વ્યક્તિના કૅરેક્ટરની પરખ માટે આવી બૉય્ઝ ટ્રિપ, ગર્લ્સ નાઇટઆઉટ, સાઇબર ક્રાઇમ કે રસ્તે પડેલી નોટોની પણ જરૂર નથી. પોતાનાથી નાના કે ઊતરતી કક્ષાના લોકો સાથે તમે કેવું વર્તન કરો છો એના પરથી પણ તમે મનથી કેટલા સારા કે દિલથી કેટલા ઉદાર છો એ પરખાઈ જાય છે. ઘરના વડીલો કે ઑફિસમાં બૉસ સાથે તો આપણે જખ મારીને પણ સારું વર્તન કરવું પડતું હોય છે, પરંતુ ઘરના નોકરો કે ઑફિસના પ્યુન્સની સાથે આપણે જે રીતે વર્તાવ કરીએ છીએ એના દ્વારા પણ આપણી સંસ્કારિતા પુરવાર થતી હોય છે. ઘરમાં પાર્ટી ચાલતી હોય ત્યારે મહેમાનોને આગ્રહ કરી-કરીને ભોજન ખવડાવનારી મહિલા કેટલી સારી છે એ તો એ જ સમયે તેના રસોડામાં વાસણ ધોતી કામવાળીને જઈને પૂછવું જોઈએ. તમને રસ્તામાં ઊભેલા જોઈ લિફ્ટ આપવા તૈયાર થયેલા તમારા પાડોશી વાસ્તવમાં કેટલા સારા છે એ તો એ જ સમયે તેમની ગાડી ચલાવનાર ડ્રાઇવર સાથે તેઓ કેવી રીતે વાત કરે છે એના પરથી જાણી શકાય છે.
આમ તમને ખરાબ કે ખોટાં કામ કરતી વખતે કોઈ જોવાવાળું ન હોય અથવા તમે ખરાબ કે ખોટાં કામ કરો ત્યારે તમારી સામે થવાવાળું ન હોય ત્યારે આ બે પરિસ્થિતિઓમાં જ તમે શું કરો છો એ વધુ મહત્ત્વનું છે. આપણે બધા જ જાતજાતના મુખવટા પહેરીને ફરતા હોઈએ છીએ. ન ફક્ત બીજાને સારું લગાડવા માટે, પરંતુ ખુદ પોતાની જાતને પણ સારું લગાડવા માટે. જ્યાં સુધી કટોકટીની ઘડીએ એ મુખવટો સરકી ન જાય ત્યાં સુધી એને પહેરી રાખવામાં કશું ખોટું નથી. આપણા બધામાં જ કેટલાક સદ્ગુણો છે અને કેટલાક દુર્ગુણો છે. વળી એ સદ્ગુણો અને દુર્ગુણો વચ્ચેનું દ્વંદ્વ પણ સતત ચાલુ જ રહે છે. તેથી ચરિત્રની ખરી કસોટી દુર્ગુણરહિત હોવામાં નહીં, પરંતુ એને દબાવી રાખવામાં છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કોઈ જોવાવાળું કે સામે થવાવાળું ન હોય. શું તમે આ કરી શકો છો?


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2020 05:51 PM IST | Mumbai Desk | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK