ફ્લૅટ લેવામાં પ્રૉબ્લેમ થાય છે?

Published: 28th September, 2012 18:08 IST

એક ચોક્કસ ઘરમાં તમારું દિલ અને મન વસી ગયાં છે. સોદો લગભગ પતી ગયા જેવો જ છે. તમે ટોકન મની આપવા જાઓ છો અને વેચનાર અચાનક ફરી જાય છે. તમને ગમતું ઘર મળી ગયા પછી પણ ઘણું બધું બની શકે છે. ઘર ખરીદનારા મોટા ભાગના ગ્રાહકોને સર્વસામાન્યપણે નડતી મુશ્કેલીઓ વિશે તૈયારી કરી લેવી સારી.ઘર વેચનારનો વિચાર બદલાઈ જાય : નસીબ જો તમને સાથ આપતું નહીં હોય તો ઘર ખરીદતી વખતે એક અત્યંત ભયંકર સમસ્યા તમારી સમક્ષ ઊભી થઈ શકે છે. ઘર વેચનારાઓ ધીરજ ધરવામાં અને અનેક વિકલ્પો વિશે વિચાર કરવામાં ઉસ્તાદ હોય છે. તમે સોદો ફાઇનલ કરી લીધા પછી જો તમે તેની પાસેથી લખાણ લીધું નહીં હોય તો બીજો કોઈ ગ્રાહક વેચનારનો સંપર્ક કરીને તમારા કરતાં ઊંચી ઑફર કરી શકે છે અથવા તો એવું પણ બને કે વેચનારને જગ્યા રીડેવલપમેન્ટમાં જશે એવી શક્યતા લાગે તો તે થોડી રાહ જોવાનો નિર્ણય લઈ શકે છે.

ઉકેલ : એવા સંજોગોમાં તમે વાતચીત કરવાની તમારી આકર્ષક કળાનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કરી નહીં શકો. દલાલ કે આસપાસના પાડોશીઓને પૂછપરછ કરીને વેચનાર પાર્ટી જેન્યુઇન છે કે નહીં એની ખાતરી કરી લો. તમે ફ્લૅટ બુક કર્યા પછી તરત રજિસ્ટર્ડ કરાવી લો જેથી સામેની પાર્ટીને ફેરવિચાર કરવાની તક ન મળે.

ઓછી લોનની શક્યતા : બૅન્કો લોન આપવા માટે પડાપડી કરી રહી છે ત્યારે સામાન્ય માન્યતા એવી છે કે ઘર ખરીદવા માટે સહેલાઈથી લોન મળી રહે છે. જોકે તમે એમ ધારીને બેઠા હો કે ઓછામાં ઓછી ૯૦ ટકા લોન તો મળશે જ અને એવા સમયે બૅન્ક જો ૮૦ ટકા લોન મંજૂર કરે તો શું થાય એની કલ્પના કરી જુઓ. એવા સંજોગો દિવસો અને મહિનાઓ સુધી તમારી ઊંઘ વેરણ કરી શકે છે.

ઉકેલ : સોદો ડન કરો એ પહેલાં તમને કેટલી હોમલોન મળી શકે એમ છે એ વિશે તપાસ કરી લેવી એ શ્રેષ્ઠ ઉકેલ છે. તમે જે બૅન્કની લોન લેવા ઇચ્છતા હો એનો સંપર્ક કરો અને તેઓ તમારા માટે કેટલી લોન મંજૂર કરશે એ જાણી લો. એની સાથોસાથ એ પણ તપાસ કરી લો કે તમે જે પ્રૉપર્ટી ખરીદવા ઇચ્છો છો એના પર લોન મંજૂર થશે કે નહીં થાય. એ પછી પણ જો કોઈ સમસ્યા ઊભી થાય તો મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી પૈસા ઊભા કરો.

ફાઇનૅન્સની સમસ્યા : ઇચ્છા ન હોવા છતાં આવા સંજોગોમાં કલ્પના પણ કરી ન હોય એવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઘર ખરીદવાની બાબત એવી છે કે તમારી આર્થિક પરિસ્થિતિમાં જરા જેટલો ફેરફાર મુશ્કેલી ઊભી કરી શકે છે. નોકરી છૂટી જવી કે અંગત કટોકટી જેવા સંજોગોમાં આર્થિક સહાયની જરૂર ઊભી થાય છે અને એના કારણે તમે મૂંઝવણમાં મુકાઈ શકો છો.

ઉકેલ : આવી કટોકટી માટે અગાઉથી પ્લાનિંગ કરો અને એનો સામનો કરવા તૈયાર રહો. લમ્પસમ રકમ એક તરફ મૂકો, ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખો જેથી તમારા હાથ સંપૂર્ણપણે બંધાઈ ન જાય.

દસ્તાવેજો ગુમાઈ જવા : યોગ્ય દસ્તાવેજો વિના ઘર ખરીદવાની તમારી પ્રક્રિયા અટકી જશે અથવા અચોક્કસ સમય સુધી વિલંબમાં મુકાઈ જશે. નવો ફ્લૅટ ખરીદવાના પૈસા ઊભા કરવા જો તમે તમારો અત્યારનો ફ્લૅટ વેચવા ઇચ્છતા હશો તો કોઈ પણ પ્રકારની અડચણ વિના તમારો ફ્લૅટ વેચી શકો એ માટે તમારે બધા દસ્તાવેજો હાથવગા રાખવા પડશે.

ઉકેલ : નવી જગ્યા ખરીદવાનો તમે વિચાર કરો એ જ ક્ષણે તમારા જૂના ફ્લૅટના સંબંધિત દસ્તાવેજો હાથવગા છે કે નહીં એ તપાસી લો. દસ્તાવેજો હાથવગા ન હોય તો એ ભેગા કરવાનું શરૂ કરી દો. આવા સંજોગોમાં દસ્તાવેજોની યોગ્ય પ્રકારે જાળવણી એ જ એકમાત્ર ઉકેલ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK