કાશ, પક્ષીઓનું પણ HR હોય, ઉત્તરાયણે આકાશમાં રજા હોય

Published: Jan 12, 2020, 16:48 IST | bhavya gandhi | Mumbai Desk

આરંભ હૈ પ્રચંડ : આ પંક્તિના શબ્દોમાં રહેલા પેઇનને ઓળખવાની કોશિશ કરજો અને બે દિવસ પછી આવતી સંક્રાન્તિએ પતંગ ઉડાડવાને બદલે ટેરેસ પર સૌ સાથે બેસીને પિકનિક કરજો

મજા કરવા માટે જ હોય, મજા માણવા માટે જ હોય, પણ એનો અર્થ એવો નથી કે તમારી મજા બીજાની સજા બને અને તમે એ પણ ચલાવી લો. જરા પણ નહીં. બે દિવસ પછી, મંગળવારે ઉત્તરાયણ છે. આકાશમાં રંગબેરંગી પતંગો હશે, બધા ફ્રેન્ડ્સ ઘરે આવશે, રિલેટિવ્સ આવશે અને બહુબધી ધમાલ સાથે સૌ મજા કરશે, પણ એ મજામાં આપણે ક્યાંક ને ક્યાંક પક્ષીઓનો ભોગ પણ લઈશું. હું નાનો હતો ત્યારથી આ વાત સાંભળતો આવ્યો છું. જૈન છું એટલે અહિંસાના સિદ્ધાંતો ત્વરિત રીતે મનમાં રહી જતા હોય છે, પણ એમ છતાં જ્યારે આંખ સામે આપણા જ હાથે પક્ષી મરતાં હોય એનો વિચાર આવવાનું શરૂ થયું એટલે એમ પણ કંપારી છૂટવાનું શરૂ થઈ ગયું.

પતંગની દોરીને કારણે મરતાં કે ઘવાયેલાં પક્ષીઓની આંખોમાં તમે જોયું છે, એની વેદનાને પારખવાનો પ્રયાસ ક્યારેય કર્યો છે ખરો? ચાઇનીઝ દોરી પર બૅન છે, પણ એમ છતાં આપણી દોરી પણ એ ચાઇનીઝ દોરીથી કંઈ કમ નથી. કાચ ચડાવેલી એ દોરીથી જો માણસની ગરદન વેતરાઈ જતી હોય અને માણસનો પણ જીવ નીકળી જતો હોય તો પક્ષીઓની ગરદનનો વિચાર કરો. આપણી આંગળીની જાડાઈ પણ વધારે કહેવાય એવી પાતળી એમની ગરદન હોય છે. કાચ ચડાવેલી દોરીથી એ ગરદનની શું હાલત થાય એ ક્યારેય વિચાર્યું છે તમે? જરા વિચારજો, એક વખત, આ રીતે ઘાયલ થયેલાં પક્ષીઓની આંખ જોશો તો તમને એમાં રહેલી પીડા દેખાશે. માળામાં રહેલાં પોતાનાં બચ્ચાંઓ પાસે જવાની એની જિજીવિષા દેખાશે અને જઈ નહીં શકવાની લાચારી પણ એ આંખોમાં ટળવળતી તમને દેખાશે.
પતંગ નહીં ઉડાડવા માટેની આ ઝુંબેશને તમે ક્યાંય હિન્દુત્વવિરોધી નહીં ગણતા. ગણવાની કોઈ જરૂર પણ નથી. જો તમને એવું લાગતું હોય કે આપણા જ તહેવારો માટે આવી નકારાત્મક વાતો થાય છે તો મારે તમને કહેવું છે કે જરા પણ એવું માનવાની જરૂર નથી કે આ કોઈ ચાલ છે. ના, અહીં માત્ર ને માત્ર જીવની વાત છે, નિર્દોષ જીવની વાત છે અને એનું ધ્યાન રાખવું એ માનવધર્મ છે. સૃષ્ટિને સાચવી રાખવાનું કામ કરતાં પક્ષીઓની પૃથ્વીને કેવી આવશ્યકતા છે એ જરા યાદ કરજો અને જો તમને ખબર ન હોય તો ગૂગલ ખોલીને એક વખત પક્ષીઓની અનિવાર્યતા જોઈ લેજો. તમને ખબર પડશે કે પક્ષીઓ કઈ હદે માણસનું જીવન જીવવાલાયક બનાવી રાખે છે.
પાકમાં થતી જીવાતને મારવાનું કામ આ પક્ષીઓ કરે છે. જો જગતમાં પક્ષીઓ નહીં રહે તો એક પણ પાક તમે ખાઈ શકો એવો નથી રહેવાનો. ચકલીઓ જુઓ તમે. આ ચકલીઓ હવામાંથી એવા બૅક્ટેરિયા મારે છે જે બૅક્ટેરિયા માણસ માટે હાનિકારક છે. તહેવાર છે, મજા માણવાની હોય, ઉત્સવો ઊજવવાના હોય અને તહેવારોનો આનંદ માણવાનો હોય, પણ આપણો આ આનંદ કોઈની પીડા ન બને એની પણ દરકાર કરવાની હોય. તમારા આનંદને જોઈને બીજા લોકોને ખુશી થવી જોઈએ, એને પણ આનંદ થવો જોઈએ, પણ ઉત્તરાયણના દિવસે એ નથી થઈ રહ્યું. એ દિવસે પક્ષીઓ ઘવાય છે, પક્ષીઓના જીવ જાય છે અને આગળ કહ્યું એમ, પતંગની દોરીને લીધે માણસોનો પણ જીવ જાય છે. પહેલાં ટેરેસ પરથી પડવાને કારણે ઇન્જર્ડ થવાના કે જીવ ગુમાવ્યા હોય એવા કિસ્સા બનતા હતા, પણ હવે દોરી તો જીવ લેવા માંડી છે.
તમારે તહેવાર ઊજવવો છેને, તો એની રીત બદલાવો. કોઈ ના નથી તહેવારની ઉજવણી માટે. જે જલસા કરવા છે એ બધા કરો. ટેરેસ પર જાઓ, પાર્ટી કરો, ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરો. મ્યુઝિક-સિસ્ટમ પણ લઈ જાઓ ટેરેસ પર અને બધા ધમાલ કરો, પણ એમાંથી માત્ર પતંગની બાદબાકી કરી નાખો. હું તો કહીશ કે ટેરેસ પર જઈને પક્ષીઓને ચણ પણ આપો અને જુઓ, કેવાં પક્ષીઓ તૂટી પડે છે એ ચણ પર. બહુ મજા આવશે તમને એ જોવાની. હું તો હંમેશાં આવું કરવાનું કહેતો હોઉં છું. ફટાકડા સામે પણ મારો કોઈ વિરોધ નથી અને એ પછી પણ હું એટલું કહું કે એ ફોડવાની જરૂર નથી. ફટાકડા ફોડીને ભાગવા જતાં ઘણા ફ્રેન્ડ્સને મેં પડતા જોયા છે, દાઝતા જોયા છે અને આ બધા પછી વાતાવરણમાં પૉલ્યુશન તો ઊભું થાય જ છે.
હું આવી વાત કરું એટલે મારા ફ્રેન્ડ્સની આર્ગ્યુમેન્ટ હોય છે કે તું આપણા ફેસ્ટિવલને ના કેવી રીતે પાડી શકે, ઇટ્સ અવર ફેસ્ટિવલ. વી શૂડ એન્જૉય ઇટ.
વાત આપણા અને એ લોકોના ફેસ્ટિવલની છે જ નહીં અને એ પછી પણ જો તમને એવું લાગતું હોય તો હું કહીશ કે ભલા માણસ, એ ચૂલામાં પડે તો તમે પણ ચૂલામાં પડશો? એ પાપ કરે તો તમે પણ પાપી બનવા રાજી થશો? નહીં થાઓને, એ જગ્યાએ તમે તમારી બુદ્ધિ વાપરશોને, જો તમે બુદ્ધિ વાપરવાના હો અને જો તમે સારા-ખોટાનો ભેદ સમજી શકવાના હો તો પછી અહીં શું કામ તમને એ નથી સમજાઈ રહ્યું. બકરી ઈદના દિવસે બકરાઓનો જીવ ન લેવાય એવું આપણે કહીએ જ છીએ અને એ પછી કોઈએ એ વાત માનવી કે ન માનવી એ તેમના મનની મરજી છે. જેમ એ લોકો પોતાની મરજી મુજબનું કરવા તૈયાર હોય છે એમ તમે પણ કરવા તૈયાર છો, પણ વાત માત્ર એટલી જ છે કે કોઈ ખોટું કરે એટલે આપણે પણ ખોટું કરવાનું?
લૉજિક સાથે વાત વિચારશો તો વાજબી પરિણામ મળશે. મહાદેવને દૂધ ચડાવવાને બદલે તમે એ દૂધ કોઈ બાળકને પિવડાવશો તો બાળક પણ ખુશ થશે અને મહાદેવ પણ રાજી જ થવાના. જગતનો કયો ભગવાન એવો છે જે આવા સત્કર્મને નારાજગી સાથે જુએ અને ધારો કે જુએ તો એ ભગવાન ભગવાન
નથી. સિમ્પલ.
અમારો તહેવાર અને તેમનો તહેવાર એવી બધી વાતોથી હવે આપણે આગળ વધવું પડશે અને આવી આર્ગ્યુમેન્ટના આધાર પર જવાબ આપવાનું પણ છોડવું પડશે. જે ખોટું છે એ ખોટું જ છે. પછી એ કોઈની પણ વાત હોય અને કોઈનો પણ તહેવાર હોય. વાત કોઈની પણ હોય અને કોઈ પણ મજહબની હોય. બસ, સાચું શું અને ખોટું શું, લાભદાયી શું અને નુકસાનકારક શું એ જ જોવાનું છે અને એ જ જોતા રહેવાનું છે. આફ્ટર ઑલ, આપણે બધા એક જવાબદારી સાથે જીવીએ છીએ અને નાનાની જવાબદારી મોટા પર છે. ફૅમિલીમાં પણ એ જ નિયમ છે. બાળકોની જવાબદારી પેરન્ટ્સની હોય છે, એ જ રીતે આપણે સૃષ્ટિ માટે કરવાનું છે. આપણી જવાબદારી છે પક્ષીઓને સાચવવાની અને એને ઈજા ન થાય એનું ધ્યાન રાખવાની. આ ઉત્તરાયણના દિવસે પતંગ નહીં ચડે તો ચાલશે, સંબંધોને આસમાનની ઊંચાઈ દેખાડો. આ ઉત્તરાયણે પતંગ કપાય નહીં તો ચાલશે, તમારી અંદર રહેલા ઈગોને કાપવાનું કામ કરો, પણ કોઈનો જીવ જાય એવું કૃત્ય ન કરો. જરા વિચારો કે તમારી દોરીથી રસ્તા પરથી નીકળતા કોઈ બાળકનો જીવ ગયો તો? તો તમે ક્યારેય તમારી જાતને માફ નથી કરી શકવાના. ક્યારેય નહીં.
જો તમને આ ખબર જ છે તો પછી શું કામ ચેતવું નહીં? શું કામ સજાગ થઈને એવું કામ કરવાનું અટકાવવું નહીં. ટેરેસ પર જાઓ અને ઊંધિયા-પાર્ટી કરો. એ બધાને બોલાવો જેને આખા વર્ષમાં મળવાનું નથી બન્યું. બપોરની પાર્ટી ફૅમિલી સાથે કરો અને મોડી સાંજે બધા ફ્રેન્ડ્સને બોલાવીને ઉત્તરાયણ ઊજવો. એમાં વધારે મજા આવશે, એમાં વધારે આનંદ આવશે અને એ આનંદને જ મહત્ત્વ આપવાનું છે, કારણ કે એ આનંદ નિર્દોષ આનંદ છે. એમાં પતંગનું યુદ્ધ નથી, પણ એમાં પ્રેમના સંબંધો છે અને દિવસના અંતે કોણે કેટલી કાપી એ યાદ રાખવા કરતાં તો બહેતર છે કે દિવસના અંતે એ યાદ રાખીએ, કોણે કેવી મજા કરાવી. બસ, બીજું કશું નહીં.
ઍડ્વાન્સમાં, હૅપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK