પરિવારમાં પ્રેમ અને સંપ જાળવી રાખવા માટે નિખાલસતા જરૂરી

Published: 31st October, 2011 19:25 IST

કાંદિવલીમાં રહેતી વાગડ વીસા ઓસવાળ સમાજની રોશની પ્રેમલ છેડાનાં લગ્નને ૭ વર્ષ થયાં. અત્યારે તેને ૬ વર્ષનો એક દીકરો નૈતિક છે. સાસરામાં તેને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે એ વિશે તે કહે છે, ‘આપણે જેવું વાવીએ એવું જ લણીએ. મેં સાસરિયાંમાં આવીને ઘરની દરેક વ્યક્તિને પોતાની માની, એના બદલામાં તેમણે મને એટલો બધો પ્રેમ આપ્યો છે કે જેને હું શબ્દોમાં વ્યક્ત ન કરી શકું.’ એક વહુ તરીકેના ઘરપરિવાર વિશેના રોશનીના શું વિચારો છો એ જાણીએ તેના જ શબ્દોમાં.(પીપલ-લાઇવ - બહૂ હો તો કૈસી? - શર્મિષ્ઠા શાહ)

આદર્શ વહુની વ્યાખ્યા

જે સ્ત્રી ઘરના દરેક સભ્યની લાગણીનો ખ્યાલ રાખે અને સાસરિયાંનું નામ રોશન કરે તે જ આદર્શ વહુ. પોતાનાં સંતાનોનો સારી રીતે ઉછેર કરીને સારા સંસ્કાર આપવાની દરેક સ્ત્રીની ફરજ છે. કોઈ પણ પરિવારમાં પ્રેમ અને સંપ જાળવી રાખવા માટે નિખાલસતા જરૂરી છે. જ્યાં દરેક વ્યક્તિ એકબીજા સાથે નિખાલસતાપૂર્વક ચર્ચા કરી લે ત્યાં મનભેદને અવકાશ જ રહેતો નથી.

લગ્ન પહેલાં અને પછી

મને લગ્ન પહેલાં જૉઇન્ટ ફૅમિલીની ખૂબ જ ઇચ્છા હતી. સાસુ-સસરા, નણંદ-દિયર હોય તો ઘર ભર્યું-ભર્યું લાગે અને મને એવું જ સાસરિયું મળ્યું છે. અત્યારે મારો દીકરો કેવી રીતે ૬ વર્ષનો થઈ ગયો એ પણ મને ખબર પડી નથી. મારા પતિ ખૂબ જ પ્રેમાળ સ્વભાવના છે અને મને દરેક વાતમાં સહકાર આપે છે.

બન્ને પરિવારોમાં ફરક

હું હૉસ્ટેલમાં રહીને જ ભણી છું એટલે ઘરમાં રહેવાનું ઓછું જ મળ્યું. અને જ્યારે ઘરમાં રહેવાનો મોકો આવ્યો ત્યારે મારી માતા ભૂકંપમાં ગુજરી ગયાં હતાં. લગ્ન પછી મને સાસુ-સસરા, નણંદ-દિયર, દાદાજી-દાદીજીના રૂપમાં એક સંપૂર્ણ ફૅમિલી મળી. અમારું કુટુંબ બહુ મોટું નથી, પણ પરિવાર એકતાંતણે બંધાયેલો છે એટલે વારતહેવારે કે જન્મદિવસ જેવા પ્રસંગોમાં આખો પરિવાર એકઠો થાય છે. મારું સાસરિયું જેટલું મૉડર્ન છે તેટલું રૂઢિચુસ્ત પણ છે. અહીં જેટલું બંધન છે એટલી છૂટ પણ છે. સામાજિક વ્યવહારમાં અહીં રિવાજોને મહત્વ આપવામાં આવે છે તો નવી આધુનિક જીવનશૈલીને પણ અમારે ત્યાં અપનાવવામાં આવી છે. મારા પિયરમાં સાદો ખોરાક ખવાતો હતો, જ્યારે અહીં રસોઈમાં વૈવિધ્ય છે. કોઈક વાર મને રસોઈ બનાવવાનો કંટાળો આવે તો મારા સાસુ રસોઈ બનાવી લે છે.

સાસુ સાથે શૉપિંગ

મારા કરતાં મારાં સાસુની ચૉઇસ સારી છે એટલે હું તેમની સાથે જ શૉપિંગ માટે જાઉં છું. મોટે ભાગે તો હું માગું એ પહેલાં જ તેઓ મારા માટે નવી-નવી વસ્તુઓ ખરીદી આવતાં હોય છે. મને કંઈ પણ જોઈએ તો હું મારા પતિને બદલે મમ્મીજી પાસે જ માગણી કરું છું, કારણ કે મને
ખાતરી હોય છે કે તેઓ મારી દરેક ઇચ્છા પૂરી કરશે.

શિખામણ સારા માટે

મારાં સાસુ મને ક્યારેક પ્રેમથી મારી ભૂલ સમજાવે તો પણ હું ખરાબ ન લગાડું, કારણ કે મને ખબર જ હોય છે કે તેઓ મારા સારા માટે જ કહે છે. તેમની દરેક શિખામણ સાચી હોય છે અને તેમને અનુસરવાથી મને ફાયદો જ થાય છે. તેમની પાસેથી મને ઘણું જ શીખવા મળ્યું છે.

દીકરીની જેમ પ્રોત્સાહન

મારા ઘરમાં મારાં નણંદ કે દિયર પાસે ફોન નહોતો, પણ સૌથી પહેલાં મમ્મીજીએ મને મોબાઇલ ફોન લઈ આપ્યો. અહીં આવીને મેં કુકિંગ-ક્લાસ કર્યા અને અત્યારે કમ્પ્યુટર-ક્લાસ કરી રહી છું. મેં મારી ફ્રેન્ડ સાથે મળીને ફેન્સી ચીજવસ્તુઓનું એક્ઝિબિશન પણ કર્યું. આમ મારા દરેક કાર્યમાં મને પ્રોત્સાહન મળે છે.

સાસુ ચેતનાબહેનનું વહુ માટે મંતવ્ય

મેં મારી વહુ પાસે કોઈ મોટી અપેક્ષા નહોતી રાખી. મને કામ કરી આપે તેવી વહુ નહોતી જોઈતી, પરંતુ મારા દીકરાને સુખી રાખે અને એક વ્યક્તિ તરીકે હસમુખી તથા ડાહી વહુ જોઈતી હતી. રોશની પરણીને આવી ત્યારે ફક્ત ૧૯ વર્ષની જ હતી એટલે મેં પણ તેને સમય આપ્યો અને ધીરે-ધીરે ટ્રેઇન કરી. આજે હું મારી વહુ માટે આખા ઘર સાથે પણ લડી શકું એવી આત્મીયતા અમારી વચ્ચે છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK