બ્રહ્માજીની ડિસ્પેન્સરી

Published: Mar 18, 2020, 17:38 IST | Sejal Ponda | Mumbai

ઈમાનદારી અને પ્રામાણિકતા આપણા જીવનનું, ચારિત ઘડતર કરે છે. આપણને એક બહેતર મનુષ્ય બનાવે છે. આપણામાં માણસાઈ જન્માવે છે. ઈમાનદારીથી કામ કરતી વખતે, ઈમાનદારીથી સંબંધો સાચવતી વખતે આપણે પૂરો જીવ લગાડી દેવાનો; પણ સજાગતા સાથે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક મહિનો થયો તમારી ખાંસી જતી નથી. મને કંઈક સિરિયસ લાગે છે. હવે બ્લડ-ટેસ્ટ કરાવી જ લો, કારણ કે મારી દવાની સાથે બહારની દવાનો જે કોર્સ આપ્યો છે એ પણ તમને અસર નથી કરી રહ્યો. ડૉક્ટરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. બ્લડ-ટેસ્ટ કરાવવાની હા પાડી હું ડૉક્ટરની ડિસ્પેન્સરીમાંથી નીકળી. મનમાં જરા ઉચાટ થઈ ગયો. હવે કંઈ નવું ઊભું ન થાય તો સારું. આજકાલ કોઈ પણ બીમારી શરીરમાં ઘર કરી જાય છે. મનમાં થોડી ચિંતા વ્યાપી રહી. આ ચિંતા બ્લડ રિપોર્ટ હાથમાં આવવાનો હતો ત્યાં સુધી રહી.

સાંજે બ્લડ રિપોર્ટ આવ્યો. રિપોર્ટ ખોલું કે નહીં એની અવઢવ સાથે ડૉક્ટરને ત્યાં પહોંચી. ડૉક્ટર બ્લડ રિપોર્ટ જોઈ મારી સામે મલકાયા અને બોલ્યા ઃ હીમોગ્લોબિન તો ઘણું સારું છે. બીજા કાઉન્ટિંગ પણ પ્રૉપર છે. એકદંરે રિપોર્ટ નૉર્મલ છે. મને હાશકારો થયો.

ખુશ થતાં ડિસ્પેન્સરીમાંથી નીકળી. મારી મિત્રનો ફોન આવ્યો કે બ્લડ રિપોર્ટમાં શું નીકળ્યું? અને મેં કહ્યું ઃ રાઇટરના બ્લડ રિપોર્ટમાંથી શું નીકળે? ઈમાનદારી, પ્રામાણિકતા, સંઘર્ષ, મહેનત. અને અમે બન્ને હસી પડ્યાં.

પછી વિચાર આવ્યો કે ખરેખર વ્યક્તિના બ્લડમાં કેટલી ઈમાનદારી, પ્રામાણિકતા છે એના આંકડા બ્લડ રિપોર્ટમાં નીકળતા હોત તો! અને એક કવિતા લખાઈ ગઈ.

બ્રહ્માજીની ડિસ્પેન્સરી

બ્રહ્માજીએ નવો રૂલ કાઢ્યો

દરેક મનુષ્યએ

એના લોહીમાં

કેટલી ઈમાનદારી અને પ્રામાણિકતા છે એના આંકડા બતાડવા પડશે

એ સાથે જ મનુષ્યએ કરેલા સંઘર્ષ, ખોટાં કામ, સારાં કામના આંકડાઓ પણ સામે આવશે

ઈમાનદારી ટેસ્ટ બ્રહ્માજીએ સૂચવેલી લૅબમાં જ થશે

અને બીજા દિવસથી

લૅબમાં ટેસ્ટિંગ માટે મનુષ્યોની લાંબી લાઇન લાગવા લાગી

કલાકો પછી મારી બ્લડ ટેસ્ટ થઈ

બીજા દિવસે મનમાં ફડકા સાથે હું રિપોર્ટ લેવા પહોંચી

મારા હાથમાં રિપોર્ટની સાથે

શરબતની બૉટલ જેવી એક મોટી બૉટલ પકડાવવામાં આવી

પૂછતાં ખબર પડી કે

આટલાં વર્ષો દરમિયાન

તમે ઈમાનદારીપૂર્વક વહાવેલાં આંસુને બ્લડમાંથી અલગ કરી

તમને સોંપવામાં આવે છે

ઈમાનદારી, પ્રામાણિકતા, મહેનત, સંઘર્ષ, સકારાત્મકતા, લાગણીશીલતા, સંવેદનશીલતાના આંકડા

તમારા બ્લડમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં નીકળ્યા છે

જે જીવન માટે હાનિકારક

અને ભયજનક છે

તમારે તાત્કાલિક ઈલાજ કરાવવો પડશે

મેં પ્રશ્ન કર્યો ઃ ઇલાજ? ખર્ચો કેટલો આવશે?

સામેથી જવાબ મળ્યો ઃ તમારામાં બહુ ખર્ચો છે

ઈમાનદારી, પ્રામાણિકતા, મહેનત,

સંઘર્ષ ઓછા કરવા માટે

રોજ જાતને કટકે કટકે મારવી પડશે

ઈમાનદારીનું નમક ઓછું કરો

થોડીક ચાલાકીની શુગર ઉમેરો

સવારે એક ટાઇમ જીભ પર મરચું મૂકવાનું

બપોરે જૂઠનો આથો આવે એવા માણસો સાથે સત્સંગ કરવાનો

રાત્રે સૂતા પહેલાં માફીની ગોળીનો ત્યાગ કરવાનો

હું ત્યાં જ ઢળી પડી

મને બ્રહ્માજીની ડિસ્પેન્સરીમાં

ઍડ્‌મિટ કરવામાં આવી

ખુદ બ્રહ્માજી મળવા આવ્યા

બોલ્યા ઃ એક હદ પછી ઈમાનદારી, પ્રામાણિકતા બીમારી બની જાય છે

મેં કહ્યું જેટલી ઈમાનદારી લઈને જન્મી હતી

એનાથી વધારે દેખાશે તો શું મને મૃત્યુ નહીં મળે?

બ્રહ્માજીએ હસતાં-હસતાં મારા હાથમાં પેન અને પેપર પકડાવ્યાં અને કહ્યું ઃ

ઈમાનદારી ઉપર એક કવિતા લખો

અને મેં ટાઇટલ આપ્યું ઃ

‘બ્રહ્માજીની ડિસ્પેન્સરી’

અને મારી આંખ મીંચાઈ ગઈ‍

વધારે પડતી ઈમાનદારી નુકસાનકારક છે એની ભગવાન સાથે કલ્પના કરી આ કવિતા લખી હતી. જેમાં ઈમાનદારીના વધતા કાઉન્ટિંગને ઓછા કરવાની વાત ભગવાનના રેપ્રિઝેન્ટટિવે કરી. ઈમાનદારીથી જીવતા લોકોને મોટી રકમ ચૂકવવી પડે છે એ વિચારને કટાક્ષરૂપે રજૂ કર્યો. અને આ વાસ્તવિકતા પણ છે. વધુપડતી પ્રામાણિકતા, ઈમાનદારીનો બીજા લોકો ફાયદો ઉપાડી તમને હાંસિયામાં ધકેલી દે છે. જોકે એનો અર્થ એવો નથી કે ઈમાનદારી છોડી દેવી. ક્યારેય નહીં. ગમેતેટલી તકલીફ કેમ ન પડે! ઈમાનદારી અને પ્રામાણિકતા આપણા જીવનનું, કેરેક્ટરનું ઘડતર કરે છે. આપણને એક બહેતર મનુષ્ય બનાવે છે. આપણામાં માણસાઈ જન્માવે છે. ઈમાનદારીથી કામ કરતી વખતે, ઈમાનદારીથી સંબંધો સાચવતી વખતે આપણે આપણો પૂરો જાન લગાડી દેવાની પણ સજાગતા સાથે સજાગ રહેવાનું. બીજા આપણો ઉપયોગ ન કરી જાય, આપણને મૂરખ ન બનાવી જાય એની સાવચેતી જરૂર રાખવી. બાકી જેની રગેરગમાં ઈમાનદારી છે તેણે કોઈનાથી ડરવાની જરૂર નથી. ભગવાનના ચોપડે યોગ્ય આંકડાઓની ગણતરી થાય જ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK