સુરતમાં હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોનો પોલીસ પર પથ્થરમારો

Published: May 08, 2020, 13:56 IST | Agencies | Mumbai Desk

ધોળકામાંની કંપનીમાં ૨૧ કર્મચારીઓ કોરોના પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

૭૫૦થી વધુ કેસ રિપોર્ટ કરનાર સુરતમાં અમદાવાદની જેમ જ સંપૂર્ણ લૉકડાઉન શનિવારથી અમલી બનાવવામાં આવશે અને અહીં પણ પછી દવા અને દૂધની દુકાનો જ અઠવાડિયા દરમિયાન ખુલ્લી રહેશે. બીજી તરફ શહેરમાં ફરી એક વખત પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વખતે કોરોનાના સંક્રમણના ખતરાને કારણે હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોએ હોબાળો કરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદમાં પોલીસ ઍક્શનમાં આવી હતી અને લોકોને વિખેરવા પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા. સુરત શહેરના સચિન વિસ્તારમાં બુધવારે રાત્રે આ બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે. મળતી માહિતી પ્રમાણે હોમ ક્વૉરન્ટીનમાં રહેલા લોકોએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો.

ધોળકામાંની કંપનીમાં ૨૧ કર્મચારીઓ કોરોના પૉઝિટિવ

ગાંધીનગર : (જી.એન.એસ.) આજે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી કોરોનાથી દૂર રહેલા જામનગરમાં કોરોના વાઇરસે પગપેસરો કર્યો છે ત્યારે આજે મળતી માહિતી પ્રમાણે જામનગરમાં કોરોના પૉઝિટિવની સેવા કરતા ડૉક્ટરોને વાઇરસનો ચેપ લાગ્યો છે. જામનગરથી અમદાવાદ મોકલવામાં આવેલા તબીબને કોરોના પૉઝિટિવ આવ્યો છે. અમદાવાદ મોકલવામાં આવેલા બે ડૉક્ટરને કોરોના પૉઝિટિવ આવતાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદના ધોળકાની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા બે દિવસમાં ૨૫ પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ૨૫ પૉઝિટિવ કેસમાંથી ૨૧ કેસ એક કંપનીના કર્મચારીઓના છે, જ્યારે ચાર અન્ય લોકો સામેલ છે. અમદાવાદ ગ્રામ્યમાં હાલ કોરોનાના ૮૧ જેટલા પૉઝિટિવ કેસ નોંધાયેલા છે. જે-જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં પણ કોરોનાના વધુ ૪ કેસ આજે સામે આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કલોલમાં ૧, નાંદોલમાં બે, વાસણામાં ૧ કેસ નોંધાયા છે. આજે કુલ ૪ કેસ જિલ્લામાં નવા નોંધાયા છે. આ તમામ પૉઝિટિવ કેસ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ પરિવારજનો કોરોના સંક્રમિત થયા હોવાથી તેમના સંપર્કમાં આ નવા ૪ કેસ આવ્યા છે. ગાંધીનગરના દહેગામમાં પણ વધુ ૩ કેસ પૉઝિટિવ સામે આવ્યા છે. નાંદોલમાં વધુ બે કેસ પૉઝિટિવ નોંધાયા છે. દહેગામમાં વાસણા ચૌધરીમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જ દહેગામ તાલુકામાં કોરોનાનો આંક ૧૪ પર પહોંચી ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK