
દેશભરના યુવાનોના આક્રોશ સામે આખરે સરકારે નમતું જોખવું પડ્યું છે. ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહ સાથેની મુલાકાત બાદ ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ બળાત્કારના દોષીઓને સજાની જોગવાઈ વધારીને ફાંસી સુધી કરવામાં આવશે એવો સંકેત આપ્યો હતો. ગઈ કાલે તેમણે ૨૩ વર્ષની યુવતી પર ગૅન્ગ-રેપની ઘટનાની તપાસ માટે તથા હિલાઓની સુરક્ષા વધારવા માટેની ભલામણો કરવા જુડિશ્યલ કમિશનની રચના કરવાની જાહેરાત કરી હતી. શિંદેએ યુવાનોને આંદોલન બંધ કરવા માટે પણ વિનંતી કરી હતી.
શિંદેએ કહ્યું હતું કે આ કેસમાં બેદરકારી દાખવવા બદલ પાંચ પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૅન્ગ-રેપના આરોપીઓને ફાંસીની માગણી તેજ થઈ છે ત્યારે શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે બળાત્કારના દોષીઓની સજામાં વધારો કરવા કાયદામાં ફેરફાર કરવામાં આવશે. શિંદેએ જોકે આ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે એવી શક્યતાને નકારી કાઢી હતી.