Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘરમાં કેવી રીતે બનાવશો ઑર્ગેનિક અને નૅચરલ રંગો?

ઘરમાં કેવી રીતે બનાવશો ઑર્ગેનિક અને નૅચરલ રંગો?

20 March, 2019 10:44 AM IST |
રુચિતા શાહ

ઘરમાં કેવી રીતે બનાવશો ઑર્ગેનિક અને નૅચરલ રંગો?

હેપ્પી હોલી

હેપ્પી હોલી


સેલિબ્રેશન તન, મન અને જીવનને નવપલ્લવિત કરવા માટે અનિવાર્ય છે. એટલે ઉજવણી તો થતી જ રહેવી જોઈએ. એમાંય રંગોનો તહેવાર તો તમારા આખા અસ્તિત્વને રંગીન બનાવવાની તક છે. એની તરફ દુર્લક્ષ્ય કેમ સેવાય? જોકે પર્યાવરણને બચાવવા અને હોળીના રંગોમાં વપરાતા કેમિકલથી જાતને બચાવવા હવે ઘણા લોકો ધૂળેટીની ઉજવણીથી અંતર રાખવાનું પસંદ કરી રહ્યા છે. વાત સાચી છે કે રંગોનો તહેવાર ક્યાંક આપણા જીવનને બેરંગ ન કરે એની દરકાર રાખવી જ જોઈએ. આ વિષય પર લગભગ દર વર્ષે ચર્ચા થાય છે છતાં એ રંગો માર્કેટમાં ધોકલે કુટાય છે. અલબત્ત, છેલ્લાં થોડાંક વષોર્માં કેમિકલયુક્ત સિન્થેટિક રંગો નથી વાપરવા એેવું માનનારો વર્ગ મોટો થઈ રહ્યો છે. જોકે કોઈનું કંઈ જ બગાડ્યા વિનાયે ઈચ્છા હોય તો ઉજવણી થઈ જ શકે છે. આવી રહેલી જાગૃતિ આ વચ્ચે ધુળેટીમાં વપરાતા રંગો ઇકોફ્રેન્ડલી વાપરવાની દિશામાં ઘણા લોકો સક્રિય પણ થયા છે. જોકે ઑર્ગેનિકને નામે માર્કેટમાં વેચાઈ રહેલા રંગો ખિસ્સાને પરવડે એવા નથી. બીજી બાજુ ઑર્ગેનિકને નામે જે રંગો આપણા હાથમાં પકડાવાઈ રહ્યા છે એ ખરેખર કેટલા ઓર્ગેનિક છે એની ખાતરી નથી. આ બધાનું એક સૉલ્યુશન છે હોમ-મેડ કલર્સ. તમારા ઘરમાં જ રહેલી વસ્તુમાંથી પણ તમે ધારો તો રંગોનું નિર્માણ કરી શકો છો અને ધુળેટીને રંગીન અને સ્વાસ્થયવર્ધક બનાવી શકો છો. ઘરમાં રહેલી હાથવગી સામગ્રીઓથી ધુળેટીના રંગો કેવી રીતે બનાવી શકાય એની રેસિપી વાંચો આગળ.

લાલ



નૅચરોપેથ ડૉ. કલ્પના સંઘવીની દૃષ્ટિએ લાલ જ નહીં, પણ કોઈ પણ સૂકો રંગ બનાવવા માટે તમે બેઝ પાઉડર તરીકે આરા લોટનો ઉપયોગ કરી શકો છો. આ લોટમાં અત્તરનાં ટીપાં, ગુલાબજળનાં થોડાંક ડ્રૉપ્સ ઉમેરીને એને ફ્રેગરન્સ આપી શકાય. આરા લોટને બદલે ચોખાનો લોટ પણ એક સારો ઑપ્શન છે. સાથે જ એને બે-ત્રણ દિવસ સાચવવાની દ્રષ્ટીએ બ્રાસનો પાઉડર ઉમેરી શકાય. સૂકો લાલ કલર બનાવવા માટે તમે જાસૂદ, લાલ ગુલાબ જેવાં લાલ રંગનાં ફૂલોને છાંયડામાં સૂકવી એનાં પાંદડાંનો ભૂકો મિક્સ કરી શકો છો. ગુલાબના ફૂલનાં પાંદડાંને તડકામાં અથવા માઇક્રોવેવમાં સૂકવો તો એ કરકરાં થશે અને એનો પાઉડર આસાનીથી બની શકશે. આરા લોટમાં રક્તચંદનનો પાઉડર નાખીને પણ સૂકો લાલ રંગ બનાવી શકશો. ભીનો લાલ રંગ બનાવવા માટે સફેદ ચૂનાના પાણીમાં હળદર નાખવાથી લાલ રંગનું પાણી બની જશે. એ સિવાય ચંદનનો પાઉડર પાણીમાં મિક્સ કરીને પણ લાલ રંગનું પાણી બની શકે છે.


કેસરી

હોળીના વિવિધ રંગોમાં ભગવા રંગનું મહત્વ ઘણું છે. આ રંગ બનાવવા માટે ઑરેન્જ રંગના ગલગોટાનાં ફૂલને છાંયડામાં સૂકવીને અથવા માઇક્રોવેવમાં ડ્રાય કરીને એનો પાઉડર આરા લોટમાં ઉમેરી શકાય. યાદ રહે, અમુક ફૂલોને તડકામાં સૂકવશો તો એ કાળાં પડી જવાની સંભાવના વધુ હોય છે. એવી જ રીતે સંતરાની છાલને સૂકવીને એનો ભુક્કો પણ લોટમાં મિશ્ર કરી શકાય છે. ઑરેન્જ રંગનું પાણી બનાવવા માટે ગલગોટાનાં ફૂલને આખી રાત પલાળીને અથવા એને ઉકાળીને ઑરેન્જ રંગનુ પાણી બનાવી શકાય છે. મેંદીને પલાળીને એમાંથી પાણી કાઢશો તો પણ લાલાશ પડતા ઑરેન્જ રંગનુ પાણી મળી શકે છે. એ સિવાય જો બજેટ સારું હોય તો આખી રાત સારી ગુણવત્તાનું કેસર ભીંજવી રાખો તો પણ ઑરેન્જ કલરનું પાણી મળી રહેશે.


લીલો

ગ્રીન કલરની પોતાની ખૂબીઓ છે જ. મનને શાંત કરીને પ્રકૃતિનો અહેસાસ કરાવતા આ રંગને બનાવવા માટે લીલી મેંદીના પાઉડરને આરા લોટ સાથે મિક્સ કરીને એ કલર બનાવી શકો છો. યાદ રહે, અહીં મેંદી અને લોટની ક્વૉન્ટિટી સરખી રાખવી. લીલા રંગનું પાણી બનાવવા માટે લગભગ દરેક લીલી ભાજી ઉપયોગી બની શકે છે. કડવા લીમડાનાં પાનને પાણીમાં ઉકાળીને એની પેસ્ટ બનાવીને એને ગાળી લો તેમ જ સુગંધ માટે એમાં થોડાંક અત્તરનાં ટીપાં અથવા નીલગિરિનું તેલ પણ ઉમેરી દો તો એ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી સાબિત થશે. પાલકની ભાજી પણ એના માટે બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે છે.

પીળો

પીળો રંગ બનાવવા માટે ચણાનો લોટ અને હળદર બેસ્ટ ઑપ્શન છે. બે ભાગ હળદર અને ચાર ભાગ ચણાનો લોટ ઉમેરીને સીધી અને સરળ રીતે પીળો રંગ બનાવી શકાય છે. પીળા રંગનાં ગલગોટાનાં ફૂલને પાણીમાં ઉકાળી લો અથવા બીજા કોઈ પણ પીળા રંગનાં ફૂલને ઉકાળશો તો લિક્વિડ પીળો રંગ તૈયાર થઈ જશે. બસ્સો ગ્રામ આરારુટનો લોટ લઈ એમાં સો ગ્રામ હળદર, ૫૦ ગ્રામ ગલગોટાનાં ફૂલનો પાઉડર, વીસ ગ્રામ સંતરાની છાલનો પાઉડર અને દસેક ડ્રૉપ્સ લેમનગ્રાસ અથવા ચંદનના તેલનાં ટીપાં (અથવા પાઉડર પણ ચાલે) ઉમેરી એક બાઉલમાં બધું જ બરાબર મિક્સ કરી દો એટલે ઑરેન્જ ગુલાબી રંગનો એકદમ નિદોર્ષ કલર તૈયાર છે.

ભૂરો

ભૂરા રંગના ગુલમહોરનાં ફૂલ આ જ સીઝનમાં ઊગતા હોય છે. આ ફૂલને છાંયડામાં સૂકવી નાખો અને એનો ઝીણો પાઉડર મિક્સરમાં બનાવી દો તો તમારો ભૂરો રંગ તૈયાર છે. લિક્વિડ ભૂરા રંગને બનાવવા માટે આ જ ફૂલને પાણીમાં ઉકાળી નાખો. એવી જ રીતે ભૂરા રંગનાં અન્ય કોઈ પણ ફૂલ તમારી આજુબાજુ ઊગતાં દેખાય તો એની પેસ્ટ બનાવીને સૂકવી નાખશો તો તમારા માટે સરળતાથી ભૂરો રંગ તૈયાર થઈ જશે.

ગુલાબી અને જાંબુડી

અંદરથી સહેજ રાણી અને જાંબુડી રંગના બીટના નાના-નાના ટુકડા કરીને એને સૂકવી નાખવા અને એને મિક્સરિંગ કરીને એનો પાઉડર બનાવી લેવો અને એમાં થોડો બેઝ પાવડર તરીકે આરા લોટ ઉમેરી દો એટલે સૂકો રંગ તૈયાર છે. એને શેડ આપવા માટે લોટની માત્રા વધારી કે ઘટાડી શકો છો. લિક્વિડ રંગ માટે પાણીમાં ઉકાળી અથવા કુકરમાં સીટી મારીને બફાઈ ગયા પછી એની પેસ્ટ બનાવી ગાળી લેવી. એવી જ રીતે જાંબુડી તથા ગુલાબી રંગનાં ફૂલનો ઉપયોગ પણ કરી શકાય છે.

કથ્થઈ

મેંદી અને આમળાનો પાઉડર મિક્સ કરીને બ્રાઉન કલર બનાવી શકાય છે. એ સિવાય જીરાનો પાઉડર પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ જ મિક્સરને પાણીમાં પલાળીને ગાળી લો તો લિક્વિડ કલર તૈયાર થઈ જશે.

કૃત્રિમ રંગોથી શું નુકસાન થઈ શકે છે

આર્ટિફિશ્યલ રંગોનો ઉપયોગ કરવાથી આપણી આંખ, સ્કિન, વાળ, કાન અને ફેફસાને નુકસાન થઈ શકે છે. ડર્મેટોલૉજિસ્ટ ડૉ. દિવ્યા શર્માના કહેવા મુજબ બજારમાં વપરાતા સિન્થેટિક રંગોમાં લીડ ઑક્સાઇડ, ક્રોમિયમ આયોડિન, ઍલ્યુમિનિયમ બ્રોમાઇડ, મરક્યુરી સલ્ફાઇટ, કૉપર સલ્ફેટ જેવા કેમિકલનો ઉપયોગ થાય છે. આ બધાં કેમિકલ આંખ, કાન, સ્કિન ઉપરાંત શરીરના ઇન્ટરનલ ઑર્ગનને પણ નુકસાન કરે છે. ચામડી પર પર ચાંઠાં પડવાં, ખંજવાળ આવવી, શ્વાસની તકલીફ પણ થઈ શકે છે. આટલું વાંચ્યા પછી હવે તમે તો કેમિકલવાળા સિન્થેટિક રંગો નહીં જ વાપરો એ ભરોસો છે, પરંતુ બીજા કોઈએ તમારી જાણબહાર તમને આવો રંગ લગાવી જાય તો પછી શું કરવું?

કેમિકલયુક્ત રંગ કાઢવા માટે કેરોસીન વગેરેનો ઉપયોગ ટાળવો. હોળી રમવા બહાર જાઓ એ પહેલાં જ આખા શરીરમાં સરખા પ્રમાણમાં તલના તેલથી માલિશ કરીને જ બહાર નીકળવું.

સૌથી પહેલાં હૂંફાળા પાણીથી મોઢું ધોઈને ઉપરછલ્લો રંગ કાઢવાનો અને પછી ચણાના લોટમાં રાઈનું તેલ અને દહીં ઉમેરીને તૈયાર ઉબટનથી ધીમે ધીમે મસાજ કરીને વધારાનો રંગ કાઢવાના પ્રયત્ન કરવા. હોળીના રંગોને કાઢવા માટે સાબુ અથવા હાર્શ શૅમ્પૂનો ડાયરેક્ટ ઉપયોગ ટાળવો.

આટલું ધ્યાન રાખજો

ડ્રાય કલરના બેઝ માટે તમે આરાલોટ અથવા ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો.

લોટની વાસ ન આવે એ માટે જુદા જુદા પ્રકારનાં ઍસેન્શિયલ ઑઇલ અથવા રોઝ વૉટરનો ઉપયોગ કરી શકો છો.

બે દિવસ એને સંઘરવાનો હોય તો એમાં બ્રાસનો પાઉડર ઉમેરી શકાય છે.

આ રંગોને વધુ દિવસ સાચવી ન શકાય એટલે તાજા બનાવીને જ એને વાપરી કાઢવા.

જે સૂકા રંગ બનાવતા હો એમાં એ રંગનાં ફૂલોની પાંખડીનો ઉપયોગ કરી શકો છો. છાંયડામાં સૂકવેલી ફૂલની પાંખડીઓ પોતાનો ઓરિજિનલ રંગ જાળવી રાખે છે.

ખાવામાં વપરાતા રંગોને પણ તમે હોળીના રંગો તરીકે ઉપયોગમાં લઈ શકો છો. જોકે એમાં પણ કેમિકલ તો છે જ. બેશક, ખાઈ શકાય એવા કેમિકલ હોવાથી બહાર મળતા હોળીના રંગ કરતા ઓછું નુકસાન કરશે.

આ પણ વાંચો : આ હોળી-ધુળેટીમાં કરીએ ખાઈ-પીને જલસા

ધુળેટીનું શાસ્ત્રીય મહત્વ

આપણા મોટા ભાગના તહેવારોની પાછળ વિજ્ઞાન છે એની તમને ખબર છે. ધુળેટી શું કામ મનાવાય છે એ વિશે નૅચરોપેથ કલ્પના સંઘવી કહે છે, ‘ફાગણ મહિનો એ ઋતુનો સંધિકાળ છે. શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆત થાય. ઉનાળા માટે શરીરને તૈયાર કરવા માટે ધુળેટીમાં પાણી અને કેસૂડાનો ઉપયોગ થતો. કેસૂડાનાં પાન પણ ફાગણ મહિનામાં સોળે કળાએ ખીલતાં હોય છે. કેસૂડો, ચંદન અને કેસરના ઉપયોગથી ઉનાળા માટે સ્કિનને તૈયાર કરવાની પ્રથા ધુળેટી દ્વારા ઊજવવાની શરૂ થઈ, જે ત્વચાને તેજસ્વી બનાવવાનું કામ કરતા હતા. હકીકતમાં પહેલાં ધુળેટીથી ત્વચાનું રક્ષણ થતું હતું. જોકે આજે એ જ ધુળેટીમાં વપરાતા રંગોને ત્વચાને નુકસાન પહોંચાડવાનું કામ કરી બેસે છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 10:44 AM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK