વિધવા HIV પૉઝિટિવ મહિલા કહે છે કે... સમાજ કૅન્સરના પેશન્ટ્સને સ્વીકારે તો અમને કેમ નહીં?

Published: 1st December, 2014 03:36 IST

પોતાના પતિને કારણે HIVનો ભોગ બનેલી, આ રોગની સાથે-સાથે સમાજની નફરત અને એની અવહેલનાની પીડા સહન કરી રહેલી એક સ્ત્રી પૂછે છે સમાજને કે મારો શું વાંક છે? આજે વલ્ર્ડ એઇડ્સ નિમિત્તે એક HIV પૉઝિટિવ વિધવાની વાત તેના જ શબ્દોમાં...
સ્પેશ્યલ સ્ટોરી - જિગીષા જૈન


હું મૂળ કચ્છની રહેવાસી છું. લગ્ન કરીને મુંબઈ આવેલી અને હાલમાં મલાડમાં મારી બે દીકરીઓ સાથે રહું છું. છેલ્લાં ૧૭ વર્ષથી હું HIVથી પીડાઈ રહી છું. તમે મારું નામ જાણવા ઉત્સુક હશો, પરંતુ માફ કરજો એ હું તમને નહીં જણાવી શકું. ‘મિડ-ડે’એ જ્યારે મને મારું નામ અને મારો ફોટો આપવાની વાત કરી ત્યારે મેં એને હાથ જોડીને વિનંતી કરી કે મારું નામ ન છાપો, મારો ફોટો ન આપતા; પણ મારી વાત લોકો સુધી જરૂર પહોંચાડજો. તેમણે આ વાત માન્ય રાખી.

હું HIV પૉઝિટિવ સ્ત્રી છું એવું કહેવા કરતાં એમ કહીશ કે હું HIV પૉઝિટિવ વિધવા સ્ત્રી છું. આ વાક્યથી સમજવાવાળા ઘણું સમજી ગયા હશે. મારા પતિ બાર વર્ષ પહેલાં એઇડ્સને કારણે મૃત્યુ પામ્યા હતા. દરેક સ્ત્રીને તેના પતિ પાસેથી પ્રેમ અને સંપત્તિ મળતાં હોય છે. મને તેમના તરફથી ભેટમાં HIV મળ્યો છે. ૧૭ વર્ષની કારમી શારીરિક પીડા અને સમાજની નફરત, અછૂત હોવાનો એક-એક અહેસાસ કરતી વખતે મારા મનમાં એક જ પ્રfન જાગતો કે મારો વાંક શું? મારા પતિએ ભૂલ કરી એ ભૂલની સજા મારે શા માટે ભોગવવી? તે તો મૃત્યુ પામીને છૂટી ગયા, મારું શું?

હું, મારા પતિ અને બે દીકરીઓ સુખી સંસારને ભોગવતાં. હું ત્રીજી વાર પ્રેગ્નન્ટ બની ત્યારે ચેક-અપમાં ખબર પડી કે મને HIV છે. એ સમયે એના ઇલાજની સારી સુવિધા ઉપલબ્ધ નહોતી એટલે ડૉક્ટરની સલાહ મુજબ મારે મારા બાળકને કોખમાં જ મારી નાખવું પડ્યું. મને તો ખબર પણ નહોતી કે આ HIV એટલે શું? મારાં સાસરિયાંને ખબર પડી કે તરત જ પોતાના લોકો પરાયા બની ગયા. મારી જેઠાણીએ ઘરમાં એલાન કરી દીધું કે ઘરમાં મને કોઈએ પાણી પણ અડવા ન દેવું. હું માગતી કે મને પીવા માટે પાણી આપો તો પણ કોઈ આપતું નહીં.

ણ્ત્સ્નું નિદાન, બાળકને ગુમાવી દેવું, ઘરના લોકોનો આવો વ્યવહાર આ બધાની અસર મારા મગજ પર પડી. હું ગાંડી થઈ ગઈ. લગભગ છ-સાત મહિના એવો સમય હતો કે હું બધાને મારવા દોડતી, રાડો પાડતી. મને બાથરૂમ-સંડાસની પણ સૂધ નહોતી રહી. આ દરમ્યાન મારી દીકરીઓને જમવા માટે મારા પતિ તેમને જેઠાણીને ત્યાં લઈ જતા. તે મારી દીકરીઓને કૂતરાને ખવડાવવાનાં બિસ્કિટ ખાવા માટે આપતી. તેમની જમવાની થાળી અને ગ્લાસ અલગ રાખતી અને તેમની પાસે જ ધોવડાવતી. મારી દીકરીઓને HIV નથી છતાં મારે કારણે અછૂતનો વ્યવહાર તેમની સાથે પણ થયો. શારીરિક અને માનસિક રીતે હું ભાંગી પડી હતી. મારું વજન ફક્ત ૧૭ કિલો થઈ ગયું હતું. શરીરમાં કશું બચ્યું નહોતું. પથારીવશ એવી હું વિચારતી હતી કે આજે મરું કે કાલે.

મલાડમાં જ એઇડ્સ કૉમ્બેટ ઇન્ટરનૅશનલ નામની સંસ્થા છે જેના પરિચયમાં હું આવી. એણે મારો ઇલાજ કરાવડાવ્યો. મને ઇલાજથી ફરક પાડવા લાગ્યો ત્યારે આપોઆપ મનોબળ મક્કમ બનવા લાગ્યું. મેં વિચારી લીધું કે મારે જીવવું છે મારી બન્ને દીકરીઓ માટે. તેમને આમ છોડીને હું નહીં જઈ શકું. HIV સામેનો જંગ દવાઓએ સરળ બનાવ્યો. એ સમયે જ મારા પતિનું મૃત્યુ થયું. આર્થિક રીતે કોઈ ટેકો નહોતો અને સાસરાવાળાએ હાથ ઉપર કરી લીધા. પિયરમાં કોઈ હતું નહીં જે મદદ કરી શકે. ગમે એમ કરીને મેં મારી છોકરીઓને ભણાવી. આજે મારી મોટી દીકરી ગ્રૅજ્યુએશનના ત્રીજા અને નાની બીજા વર્ષમાં છે. મોટી દીકરી ટ્યુશન કરીને, નાની દીકરી પાર્લરનું થોડું કામ કરીને અને હું ભરતકામ કરીને જીવન ટકાવવાની કોશિશ કરીએ છીએ; પરંતુ કશું પૂરતું પડતું નથી.

અમને સમાજથી ડર લાગે છે એટલે અમે કોઈને કહેતા જ નથી કે મને HIV છે. આજે પણ જેને ખબર છે એવા મારા ઘરના લોકોના ઘરે જો અમે જમવા જઈએ તો તેઓ મારી અને મારી દીકરીઓની થાળી અલગ જ રાખે છે. અમને ભૂલથી પણ અડાઈ ન જાય એની ચોક્કસ કાળજી રાખે છે. મારી દેરાણી જે મારા દુ:ખમાં મને સહારો આપતી તેને પણ મારી સાથે ન બોલવા માટે દબાણ કરવામાં આવે છે.

મારા પર વીતી એ તો મેં સહન કર્યું, પરંતુ હવે મારી દીકરીઓ ઉંમરલાયક થઈ ગઈ છે. મારે તેમનાં લગ્ન કરવાં છે. મને ખૂબ જ ડર લાગે છે. આ સમાજ મારી માસૂમ દીકરીઓને અપનાવશે? મને એટલો બધો ડર લાગે છે કે હું મારી દીકરીઓને કહું છું કે આપણે કોઈને કહીશું જ નહીં કે મને HIV છે, જો કહીશું તો તમારી સાથે કોણ લગ્ન કરશે? તે બન્ને ના પાડે છે અને કહે છે કે કશું છુપાવીને કરવું નથી.

હું આજે પણ વિચારું છું કે મારો શું વાંક છે? HIVનો ઇલાજ તો દવાઓ કરી રહી છે, પરંતુ મારી બીજી તકલીફોનું શું? અહીં મને મારું નામ આપવામાં કે ફોટો આપવામાં કોઈ તકલીફ ન હોત જો આ સમાજે મને અપનાવી હોત. હું શા માટે બધાથી છુપાતી ફરું છું? મને આ સમાજ ગુનેગારની જેમ જુએ છે તો મને એ સમજાવો કે મારો ગુનો શું છે? HIVને બદલે કૅન્સર જેવી કોઈ બીમારી હોત તો આખો સમાજ મને એક ફાઇટર સમજત. કહેત કે વાહ, શું લડત આપી છે કૅન્સર સામે. HIV સામે હું લડી છું અને આજે પણ મારી દીકરીઓ માટે અડીખમ ઊભી છું. હું માનું છું કે હું ગ્રેટ નારી છું. તમે એવું માનો છો ખરા?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK