Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંજોગો પર હસતા રહીએ

સંજોગો પર હસતા રહીએ

02 June, 2019 01:48 PM IST |
હિતેન આનંદપરા

સંજોગો પર હસતા રહીએ

સંજોગો પર હસતા રહીએ


અર્ઝ કિયા હૈ

કેટલીક વાર સંજોગો એવા આઘાત આપે કે આંખોમાંથી અશ્રુ સુકાય જ નહીં. નિયતિ આપણા હાથમાં નથી હોતી. આપણે નિયતિના હાથમાં હોઈએ છીએ. આનો ઉપાય શું? રમેશ પારેખ ગાંધીજી વિશેના એક કાવ્યમાં કહે છે: ભાઈ, હસવું બસ. જ્યારે ક્લેશનો કોઈ ઉપાય ન જડે ત્યારે બધું હસી કાઢવું. મહેફિલનો આગાઝ અમદાવાદસ્થિત કવયિત્રી રેણુકા દવેના તાજા કાવ્યસંગ્રહ પ્રિયજનની સંગેમાંની કેટલીક પંક્તિઓથી કરીએ.



જાતને થોડી ઘસતા રહીએ
સંજોગો પર હસતા રહીએ
જ્યાં જ્યાં જેમ અનુકૂળ ત્યાં ત્યાં
આગળ, ઉપર ખસતા રહીએ


આપણી વિચારધારા બધા પાસેથી કશુંક મેળવવાની જ હોય છે. આ વિચારધારા જ્યારે બીજાને આપવા માટે પ્રેરાય ત્યારે જિંદગીનો ટર્નિંગ પૉઇન્ટ ગણવો. એક ઉંમર કમાવાની હોય, તો એક ઉંમર આપવાની હોય. નવી સરકાર બન્યા પછી નરેન્દ્ર મોદીએ સંસદભવનમાં આપેલા પ્રવચનમાં કહ્યું એમ હવે ભારતમાં ફક્ત બે જાતિ રહેવી જોઈએ - ગરીબ અને જે ગરીબોને મદદ કરે છે તે. આ વિચાર ક્રાંતિકારી છે. ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ વગેરેના ભેદ ભૂલી આર્થિક આધારને જો મહત્વ અપાય તો આપણી ઘણી સામાજિક સમસ્યાઓ ઝડપથી ઉકેલાઈ શકે. રેણુકા દવેના વિચારને જ આગળ વધારીએ...

સામાનું મન કળતા રહીએ
જરૂર પડે તો ઢળતા રહીએ
માન મહત્તા મૂકી છેટાં
ઝરણાં સમ ખળખળતા રહીએ


આ સમાજ પૈસાને કારણે ચળકતો ભલે લાગે, પણ ઊજળો તો સેવાને કારણે જ બને છે. આ બન્ને વિભાવનામાં ફરક નિયોન સાઇનની ઝાકઝમાળ અને ઘરના ગોખલામાં બળતા દીવાની જ્યોત જેવો છે. જે બધાને દેખાય એના કરતાં જે બધાને નથી દેખાતું એવું અજવાળું ક્યાંક ને ક્યાંક પડ્યું જ હોય છે. આજે સમય માનસિકતા બદલવાનો છે.

કોઈ પણ દેશ પરિવર્તન પામે એમાં તેના શાસકની દીર્ઘદૃષ્ટિની સાથે પ્રજાની સમજણ પણ એટલી જ જરૂરી છે. સત્તરમી લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ ભલભલા ચમરબંધીઓને ઘરે બેસાડી દીધા. પ્રજાને ઠગવા નીકળેલું અહંકારી મહાગઠબંધન પ્રજાની કોઠાસૂઝ નીચે કચડાઈને કાંકરા બની ગયું. સલાહકારો જે ન શીખવી શકે એવી ઘણી વાતો સમય શીખવી દેતો હોય છે. પ્રવીણ શાહ સ્વભાવમાં આવશ્યક પરિવર્તન માટે ભાર મૂકે છે...

ફેરવાશે પછી સિકલ એની
જળ નદીનાં, તળાવમાં આવે
સૌની સાથે હળી મળી રહીએ
એટલું જો સ્વભાવમાં આવે

સ્વભાવ બદલવો સહેલો નથી. અમુક ઉંમર થયા પછી કોઈ પણ વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન લાવવું મુશ્કેલ બનતું હોય ત્યારે આ તો સમાજનો સ્વભાવ બદલવાની વાત છે. પેઢી બદલાય ત્યારે એ શક્ય બને. જે સમાજ પરિવર્તન માટે તૈયાર નથી હોતો એ સંકુચિતપણાનો શિકાર બને. બારી વગરના ઘરમાં અકળામણ જ થાય. પરાજિત ડાભી સ્વભાવગત લાચારી અથવા તો લાચારીગત સ્વભાવની વાત કરે છે...

આ હાથ સાવ રદ્દી પસ્તી બની ગયા છે
અખબાર જેમ કિસ્મત ફાડી નથી શકાતી
જો હોય કોઈ બારી ખખડાવતાં જ રહીએ
આ ભીંત છે સમયની ઠેકી નથી શકાતી

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોયા પછી ટિકિટનું કોઈ મહત્વ રહેતું નથી. ટ્રેનમાં પ્રવાસ કરવા લીધેલી ટિકિટને આપણે પ્રવાસ પૂરો થયા પછી સાચવી રાખતા નથી. એની સામે વીજળીનું બિલ કે સોસાયટી મેઇન્ટેનન્સ બિલ સાચવીને રાખીએ છીએ. કદાચ ભવિષ્યમાં કોઈ ક્વેરી આવે કે પ્રૂફ તરીકે આપવાનું આવે ત્યારે ખપમાં લાગે. એ જ રીતે કઈ સ્મૃતિને વિખેરી નાખવી અને કઈ સ્મૃતિને સાચવવી એ આપણે નક્કી કરવાનું છે. આપણા મગજમાં એટલું બધું ઠલવાતું હોય છે કે જે કામનું હોય એ ખરા ટાંકણે જ બહાર ન આવે. ઘા-ઘસરકાને પકડી જ રાખીએ તો એ ધીરે ધીરે જખમનું સ્વરૂપ લઈ લે. દિનેશ કાનાણી એક એવી મોકળાશની વાત છેડે છે જે શહેરી જીવનમાં દુર્લભ થતી જાય છે...

એક કપ કૉફી અને તાજી હવા દે
કાં મને રાજીખુશીથી તું જવા દે!
આપણે બેઠાં રહીએ વૃક્ષ નીચે,
ચાલ આજે પંખીઓને બોલવા દે!

તાજી હવા ખાવા માટે લૅબોરેટરીમાં જવાનો વખત આવે એ સ્થિતિ આવકાર્ય નથી. વિfવ સામે જેટલો પડકાર ગરીબી દૂર કરવાનો છે એટલો જ મોટો પડકાર પર્યાવરણની રક્ષા કરવાનો છે. પવનઊર્જા‍ અને સૌરઊર્જા‍ કમાન્ડોની જેમ આ કાર્ય કરવા સક્ષમ છે. ઇલેક્ટ્રિક વાહનોનું આગમન વાયુપ્રદૂષણની સમસ્યાને હલ કરવા રામબાણ ઇલાજ બની શકે એમ છે. એક જમાનામાં જેમ ધડાધડ પેટ્રોલપંપ સ્થપાતા હતા એ જ રીતે આવનારા વરસોમાં ધડાધડ ચાર્જિંગ સ્ટેશનો ઊભાં થાય એની ઘડીઓ ગણાઈ રહી છે. પરિવહન માટે હાઈવે અને મેટ્રો ટ્રેન આકરી મહેનત કરી રહ્યાં છે. આ બધી ગતિવિધિઓમાં દરેક જણ પાસે આવાસ હોય એવું એક હઠીલું અને મુશ્કેલ સપનું દેશના શાસકો સામે છે. ભરત વિઝુંડા ઘરને પ્રેમથી સજાવીને સંસારને રસપ્રિય બનાવવાની ખેવના રાખે છે...

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં!
આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં!

સંબંધને પાંગરવા માટે એક સ્પેસ જોઈએ. કોઈ પણ વૃક્ષ અચાનક બીમાંથી મોટું થઈ જતું નથી. એને ઊગવા ને વિકસવા માટે નિર્ધારિત સમય જોઈએ. દેશને પણ ભ્રષ્ટાચારની નાગચૂડમાંથી નીકળી વિકાસના પથ પર આગળ વધવા સમય તો જોઈશે જ. આપણે એની પ્રતીક્ષામાં રહીએ.

આ પણ વાંચો : કૉલમ : ઈવીએમની ઇટ્ટાકિટ્ટા

ક્યા બાત હૈ

ગર્ભજળથી લઈને ગંગાજળ સુધી
આ સફર ચાલુ રહી અંજળ સુધી
એક આખું રણ કરી દીધું પસાર
તોય પહોંચ્યા ઝાંઝવાનાં જળ સુધી
એક બારી બંધ રહી વરસો સુધી
ને પીંછી પહોંચી હજુ કાજળ સુધી
વેંત છેટા રહી સદા મળતા રહ્યા
ટેરવાં પહોંચ્યાં ન અશ્રુજળ સુધી
માનવી અહીં સાવ કોરો રહી ગયો
ને મિશન પહોંચ્યું છે મંગળ જળ સુધી
રાતભર ગોરંભ લઈ જાગ્યા કર્યું
પાંપણો ભીંજાઈ છે ઝાકળ સુધી
હું રડી ને સાવ હળવી થઈ ગઈ
તેં ઉઠાવ્યો ભાર આખર પળ સુધી - રેણુકા દવે (કાવ્યસંગ્રહ: પ્રિયજનની સંગે)

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 01:48 PM IST | | હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK