Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ જ કામ આવે છે

એ જ કામ આવે છે

23 June, 2019 01:55 PM IST | મુંબઈ
હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ

એ જ કામ આવે છે

એ જ કામ આવે છે


અર્ઝ કિયા હૈ

પૈસા આવે એ બધાને ગમે. વરસાદ આવે એના પર માત્ર ખેડૂત નહીં, આપણો આખો દેશ નિર્ભર છે. કોઈ વૃદ્ધના એકાકી ઘરમાં નાનું બાળક આવે તો ઘરની કરચલીઓ એટલા સમય પૂરતી ઓસરી જાય. તક આવે ત્યારે એને ઝડપી લેનારને સફળતા સામેથી ચાંદલો કરવા આવે છે. રાકેશ ઠક્કર પળનું મહત્વ સમજાવે છે...



સરકી જશે ગફલત થશે તો, સાવધાની રાખજો
ક્યારેય નહીં આવે પરત એ પળ, લખીને રાખજો


સમયનો સ્વભાવ જ સરી જવાનો છે. આપણે તસવીર ક્લિક કરી સમયને સ્થિર કરી શકીએ, જે આપણી મહામૂલી સ્મૃતિ બની જાય. સમયનું આવું નૉસ્ટૅલ્જિક રૂપ આપણને સૌને ગમે છે. છતાં સમય પાસે પોતાની લાખ મુદ્રાઓ છે જે આપણી જિંદગીમાં વિવિધ ક્ષણે ઊપસતી રહે. એમાં ક્યારેક સ્નેહ હોય તો ક્યારેક સ્તબ્ધતા હોય, ક્યારેક આનંદ હોય તો ક્યારેક શોક હોય. ભરતીઓટની જેમ એની રમણા ચાલ્યા કરે. પ્રતીક બારોટ કહે છે એ વિષયમાં બધા જ લોકો આજીવન વિદ્યાર્થી રહેવાના...

અશ્રુને એવું કહો આવે નહીં
એક આખું ઘર તણાતું હોય છે
ફક્ત છે શબ્દો અઢી ને તે છતાં
જિંદગી આખી શિખાતું હોય છે


અઢી અક્ષરમાં આખી પૃથ્વીને આવરી લેવાનું સામર્થ્ય છે. પ્રત્યેક જીવમાં એનું આરોપણ થયું છે. સંસારચક્ર એકલા ઘુમાવવું કઠિન છે. આ ચક્રમાં અનેક સંબંધો જોડાતા જાય અને પોતાની હૂંફ કે હાય ઉમેરતા રહે. વર્લ્ડ કપની મૅચમાં અવારનવાર વરસાદનું વિઘ્ન આવે એવું તો જિંદગીએ કોઠે પાડી લેવું પડે. ક્લિનિકમાં ડૉક્ટર નેક્સ્ટની સૂચના આપે એમ સમસ્યા એક પછી એક સજીધજીને તૈયાર જ બેઠી હોય. એમાંથી કેટલીક સ્વયં આવી હોય ને કેટલીકને આપણે સામે ચાલીને નોતરી હોય. જૈમિન ઠક્કર ‘પથિક’ અનુભવને શરણે જવાની શીખ આપે છે...

કોઈ રીતે ક્યાં એમનો કોઈ જવાબ આવે
ના પત્ર આવે કે કદી પણ ના ગુલાબ આવે
ખુદની સમસ્યા હોય ને શોધો ઉકેલ બીજે?
થઈને નિવારણ શક્ય છે, જીવન કિતાબ આવે

જીવનકિતાબનાં અનેક પાનાંઓમાં ઘટના સચવાયેલી મળે. ક્યારેક વાર્તા આપમેળે આગળ વધી હોય તો ક્યારેક વાર્તાને આગળ વધારવા ઝઝૂમવું પડ્યું હોય. આ ઝઝૂમવું વર્ષોનું કે એકાદ-બે દાયકાનું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જો અડધી-પોણી જિંદગી સુધી લંબાય તો શ્વાસો હાંફી જાય. તરક્કીમાં કયું તત્વ નડે છે એ પરખાય જ નહીં. નિરાશાની કોઈ ક્ષણે રવિ દવે પ્રત્યક્ષ કહે છે એવો આક્રોશ નીકળી જાય...

બાળપણાની ઘટનાઓને ફાંસી દઈ દઉં
મારી સઘળી ઇચ્છાઓને ફાંસી દઈ દઉં
ચાલું છું પણ મંઝિલ ક્યાં આવે છે કોઈ?
થાય છે મનમાં રસ્તાઓને ફાંસી દઈ દઉં

ગુનેગારોને ફાંસી દેવાની ઇચ્છા થાય એવી ઘટનાઓ લાગલગાટ બની રહી છે. કુમળી વયની બાળકીઓ ઉપરના અત્યાચારોએ માઝા મૂકી છે. નિર્દોષતા ઉપર આચરાતી હીનતા પતનની નિશાની છે. કોઈ પ્રોડક્ટ હોય એમ કુમળાં બાળકોની ચોરી થાય છે જેથી તેમને ઉછેરી અંતે ભિખારીઓની ગૅન્ગમાં સામેલ કરી શકાય. પૈસા મેળવવા માટેની મથામણમાં મૂલ્યો કચરાપેટી પાસે ત્યજાયેલા નવજાત બાળકની જેમ લાચાર થઈ ગયાં છે. જીડીપીના આંકડામાં ડૂસકાંની ગણતરી નથી થતી. જો થાય તો દેશ નેગેટિવ ગ્રોથમાં આવી જાય. આર્થિક ઉન્નતિ સાથે સામાજિક સમરસતાનું સંતુલન ટકે એ અગત્યનું છે. ટકવાની દડમજલમાં નજર બહાર રહી જાય છે એવું એક સત્ય હર્ષ બ્રહ્મભટ્ટ ઉજાગર કરે છે...

મજા આવે કશું ત્રીજું કરે તો
ફક્ત લોકો જીવે છે ને મરે છે

જન્મ અને મરણ એ સાહજિક ઘટના છે. એ અલૌકિક હોવા છતાં સંખ્યાને કારણે સામાન્ય બની ગઈ છે. જન્મની વધામણી હોય તો મરણનો ઇનકાર કેવી રીતે હોઈ શકે? તબીબી જગતની સહાયથી મરણને ઠેલી શકાય, ટાળી ન શકાય. મુદ્દાની વાત છે શ્વાસ લેવાની રહેમ અને શ્વાસ અટકવાની રસમ વચ્ચે સાચુકલું જીવી જવાની. શ્વાસ આપણને કુદરતે આપ્યા છે, વિશ્વાસ આપણે કમાવો પડે છે. જિજ્ઞેશ વાળા મરણને મોભો આપે છે...

તમારા ઘરના દરવાજે કદી
ચિઠ્ઠી લખીને મોત ના આવે
ગમે ત્યારે ટળી જઈએ
હકીકતમાં રમકડાં રાખનાં છઈએ

પંચતત્વોથી આપણું શરીર બને છે. છતાં હકીકત એ છે કે આ પંચતત્વોમાંથી કોઈ પણ એક તત્વ મૃત્યુનું માગું લઈને આવે તો આપણે બેબાકળા થઈ જઈએ. પાણીમાં ગૂંગળાઈને થતું મોત બેબસી જન્માવે. અãગ્નની જ્વાળામાં હોમાઈ જતો દેહ લાક્ષાગૃહ સમાન લાગે. શ્વાસ રૂંધાવાથી થતું મૃત્યુ પીડાદાયક હોય છે. આકાશમાં ઊડતું વિમાન સંતુલન ગુમાવે અને પટકાય ત્યારે મશીન સાથે માણસોનો પણ સોથ વળી જાય. રસ્તાઓ પર થતા કરપીણ અકસ્માતોમાં જીવ રહેંસાઈને નીકળે છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારે મોત કોઈને ગમવાનું નથી. હાર્ટ-અટૅક કે અન્ય કોઈ કારણે પળમાં જ જેમના પ્રાણ ઊડી જાય એ લોકો ઉપર ઈશ્વરના આશીર્વાદ સમજવા. પ્રવીણ શાહ મૃત્યુના સ્વીકારની વાત કરે છે...

મૃત્યુથી જો ડરી ગયા તો
બે ડગલાં એ આગળ આવે

આગળ આવવાની વાતને રાષ્ટ્રીય ઘટનાના સંદર્ભમાં જોઈએ તો એક ક્રાંતિકારી વિચાર માટે વડા પ્રધાનના વડપણ હેઠળ સવર્પવક્ષીય બેઠક યોજાઈ. એક દેશ, એક ચૂંટણીનો આ વિચાર લાગુ પડવો જ જોઈએ. પાંચ વર્ષના ગાળામાં અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ ક્યાંક ને ક્યાંક ઊકળતો જ હોય. શક્તિ અને નાણાંનું રોકાણ દેશનાં કાર્યોમાં થવાને બદલે સત્તા મેળવવાની પ્રક્રિયા પાછળ થાય. જેમ જીએસટીનો પહેલાં ધોધમાર વિરોધ થયો, પણ પછી આખરે બધા પક્ષોએ અપનાવવો પડ્યો એમ આ કન્સેપ્ટ પણ અનેક ચર્ચાચિવારણા-સુધારણા પછી અમલમાં મુકાય એ દેશના હિતમાં રહેશે. શાસકપક્ષ કે વિરોધપક્ષ, દેશહિતથી ઉપર કોઈ ન હોવું જોઈએ. પરશુરામ ચૌહાણ કહે છે એમ હજી તો આવા ઘણા આઉટ ઑફ ધ બૉક્સ સુધારાઓ રાહ જોઈને બેઠા છે.

દૂરથી ના પૂછ તૂં મારી ખબર
રૂ-બ-રૂ પાસે તું આવે તો કહું
મેં લખ્યાં ગીતો મધુરા સ્મિતથી
તારા હોઠો પર સજાવે તો કહું

આ પણ વાંચો : વાત એ વીસરાય ના એવું બને

ક્યા બાત હૈ

શરૂ શરૂમાં તો ક્યાં કંઈ ખયાલ આવે છે?
ઘણું વીતે એ પછીથી જ ભાન આવે છે
ઘણું મળ્યું છે મને એમ જ્યાં વિચારું છું
જરી જરી જે ગુમાવ્યું તે યાદ આવે છે
અમે ભૂલો ય કરી ક્યાંક તો જતું ય કર્યું
અનુભવો જે મળ્યા એ જ કામ આવે છે
કરી શકું ન સમાધાન જાતની સાથે
ઘણું મથું છું હું; વચ્ચે સ્વમાન આવે છે
અમે તો પ્હેરીને કૂદી જ પડ્યા પૅરૅશૂટ
હવાનો જોઈએ, કેવો દબાવ આવે છે?
જરીક ધ્યાનથી જોશો તો તમને સમજાશે
દરેક શ્વાસને અંતે પડાવ આવે છે
નથી જ આવતી; જીદે ચડે જોઈ કોઈ ગઝલ
અને જો આવી ચડે તો કમાલ આવે છે - મકરંદ મુસળે

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 01:55 PM IST | મુંબઈ | હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK