આપવાની વાત છે

હિતેન આનંદપરા | Feb 04, 2019, 03:29 IST

માંગવા દોને સતત એની કને એ તરત કંઈ આપવાનો ક્યાં હતો!

આપવાની વાત છે

અર્ઝ કિયા હૈ

કોઈને કંઈ આપવાનું હોય તો સૌથી પહેલાં આપણા મનમાં એની ગણતરી ચાલે. પેમેન્ટ હોય કે પ્રતિભાવ, આપણી પાસે એક ત્રાજવું તૈયાર જ હોય. કેટલાક લોકો તો હકનું આપવામાં પણ ગલ્લાતલ્લા કરે. નરેન્દ્ર મકવાણા કહે છે એવી માનસિકતા ઉભય પક્ષે, ક્યારેક ચહેરા પર તો ક્યારેક પડદા પાછળ લપાયેલી જ હોય છે...

માંગવા દોને સતત એની કને
એ તરત કંઈ આપવાનો ક્યાં હતો!

ભારતમાં સૌથી વધુ વિલંબ ન્યાય આપવામાં થાય છે. કાચબાની ગતિએ કેસની સુનાવણી ચાલતી હોય. કેટલાક કેસમાં તો પેઢીઓ ઊકલી ગઈ હોય, પણ ચુકાદો ન આવે. રોજગારનો વિકટ પ્રશ્ન હળવો કરવો હોય તો આ ક્ષેત્ર એવું છે જેમાં હજારોની સંખ્યામાં નવી ર્કોટ શરૂ થાય તો લાખો લોકો માટે નવી જૉબ ઊભી થાય. ગુલામ અબ્બાસ નાશાદ એક સવાલ નીચલી ર્કોટને નહીં પણ સીધી ઉપરવાળી ર્કોટને પૂછે છે...

પૂછું છું રોજ ખુદને કે પામી શક્યો છે શું?
અલ્લાહ આપી આપીને આપી શક્યો છે શું?
નાશાદ એ હિસાબ હશે પાપ-પુણ્યનો
લીધું છે કેટલું અને આપી શક્યો છું શું?

જિંદગીમાં એક તબક્કો એવો હોય છે જ્યારે આપણે જગત પાસેથી મેળવવાનું હોય છે. કામ મેળવીએ, સંસાર મેળવીએ, સુખ મેળવીએ, નામના મેળવીએ. જિંદગીની અડધી મજલ કપાઈ ગઈ હોય પછી છાને ખૂણે હૃદય પૂછે કે તેં બીજાને આપ્યું ત્યારે આંખો પરથી કેટલાક પડદા હટી જાય. જિંદગીમાં એક સમય સમાજને પાછું વાળવાનો પણ આવે છે. સરયૂ પરીખ કહે છે...

રાખીને જે આપતો ને આપીને જે રાખતો
દાનને સ્વીકારવાથી ધન્ય જીવન થાય છે

સખાવતને કારણે સમાજ ટકી રહે છે. અન્યથા સમાજમાં અસમાનતા એટલીબધી છે કે એક વર્ગ પાસે કાર ક્યાં મૂકવી એની સમસ્યા છે તો બીજા વર્ગ પાસે રાતનું ભાણું બનશે કે નહીં એની ચિંતા છે. દેશની પ્રગતિ સાથે ધીરે-ધીરે લાખો લોકો ગરીબી રેખાની ઉપર આવે એ આવશ્યક છે. આશા રાખીએ કે આગામી દાયકામાં આ આંકડામાં તોતિંગ વધારો થાય. પ્રવીણ શાહ કહે છે વાતનું નિરીક્ષણ કરવું જરૂરી છે...

આ જીવન પર પ્રભાવ કોનો છે?
ભાવ ભીનો લગાવ કોનો છે?
ખુશીઓ બેસુમાર આપી છે
તોય લાગે અભાવ, કોનો છે?

ખુશીઓ બીજાને આપવાની સમજણ કેળવાય તો આ દુનિયા વધુ જીવવાલાયક બને. કુદરત તો આપણને આ જ શીખવાડે છે, પણ ખબર નહીં દુનિયાદારીની નિશાળમાં રહીને આપણી મતિ કેમ બદલાઈ જાય છે. સૂરજ પ્રકાશ આપવા બદલ પૈસા નથી માગતો. વૃક્ષ પ્રાણવાયુ પૂરો પાડીને પોતાનું બિલ નથી મોકલતું. મશીન કા ઠંડા પાનીવાળાને એક રૂપિયો આપીને પાણી પીએ એ રીતે નદી કે સરોવર કોઈ દિવસ આપણી પાસે રાતી પાઈ માગતી નથી. કુદરતે આપેલી સંપત્તિ આપણને વિનામૂલ્ય ઉપલબ્ધ છે. વ્યવહારજગતમાં એના પર પ્રાઇસ ટૅગ લાગતો જાય છે. પોતાની આજ ઊજળી કર્યા પછી અન્યની આવતી કાલ બહેતર થાય એ દિશાના પ્રયાસોની જરૂર છે. મધુમતી મહેતા આ વાતને પેઢી સુધી વિસ્તારે છે...

ગમગીન સુસ્ત સાંજને દિલાસો આપવા
શણગાર સજ્જ કોઈ એક કાલ જોઈએ
આર્ય કે કુતૂહલો ન હો તો ચાલશે
પણ બાળકોની આંખમાં સવાલ જોઈએ

આજનું બાળક આવતી કાલને ઘડવાનું છે. તેનો ઉછેર અત્યંત મહત્વનો છે. સ્વચ્છતા, પર્યાવરણ, દેશપ્રેમના પાઠ તેના લોહીમાં વણાય તો જ આગળ જતાં સારો નાગરિક બની શકે. મોઢામાં માવો મમળાવતી પેઢી પછી આપણને દેશપ્રેમને મમળાવતી પેઢી જોઈએ. જપાન જેવી દેશપ્રીતિ કેળવી શકે એવી શિસ્ત આ દેશ ઝંખે છે. રિષભ મહેતા એક પેચીદો સવાલ પૂછે છે...

ભોળપણ, અચરજ, અનુકંપા ગયાં
આપ શું આને કહો મોટા થવું?

મોટા થવાની સાથે ખોટા થવાની પ્રક્રિયા જાણે જીવનશૈલીમાં વણાઈ ગઈ છે. ગુનાઓ વધતા જ જાય છે. જેલો સાંકડી બનતાં-બનતાં સાવ સંકોચાઈ ગયેલી લાગે એટલા ગુનેગારો એમાં ઠલવાતા જાય છે. રાજકીય હોય કે ઔદ્યોગિક, સામાજિક હોય કે શૈક્ષણિક; પ્રત્યેક ક્ષેત્રમાં સત્ય અને અસત્યની લડાઈ ચાલતી જ હોય. તુરાબ હમદમ લખે છે...

કોઈ જડબાતોડ આપે છે જવાબ
પ્રશ્ન ક્યારેક જોખમાતો હોય છે
સત્યને તો શૂળીએ ચડવું પડે
જૂઠને ક્યાં કોઈ નાતો હોય છે

આ પણ વાંચો : કોઈ હૈયામાં ગયું લાગે છે

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ જૂઠ કપાસની જેમ ઊગતું જશે. નવા-નવા બેબુનિયાદ તથા વિકલાંગ આક્ષેપો સાથે રાજકીય પક્ષો મતદારોની મતિ ફેરવવા મેદાનમાં ઊતરશે. આક્ષેપ કરવામાં પુરાવા જોઈતા નથી, આરોપ ઘડવા માટે જરૂરી છે એ ચાલાક લોકોને ખબર છે. EVM મશીનની વિશ્વસનીયતા પર ફરી એક વાર બળાત્કાર થશે અને દેશને બૅલટ પેપરના જમાનામાં લઈ જવાની વરવી કવાયત પાછી શરૂ થશે. નેહા પુરોહિત કહે છે એવા નિરીક્ષકોનાં મંતવ્યોથી ટીવી સ્ક્રીન ઊભરાઈ જશે...

ઘાવ આપે એ શસ્ત્ર મારાં નહીં
આવ પાસે, જણાવ કોનાં છે
તું પ્રતિકાર બાદમાં કરજે
શોધજે પેચદાવ કોના છે?
ક્યા બાત હૈ
જિંદગી છે, ભલે વિપદ આપો
એક-બે ક્ષણ સભર, સુખદ આપો
કેમ પોંખાશે મારો પડછાયો?
તાડ જેવું તમે જો કદ આપો!
હા, વિકલ્પોનો યોગ છે મારે
સુદ ન આપી શકો તો વદ આપો
હુંય એ રાસમાં થઉં તન્મય
જો મને પણ શરદ પૂનમ આપો
હું બધું દર્દ પણ ઉધારી દઉં
જો ગઝલની મને સનદ આપો!
હુંય વણતાં શીખી લઈશ રાહી
એક એવું કબીરી પદ આપો - એસ. એસ. રાહી (ગઝલસંગ્રહ : કશ્મકશ)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK