હું મહોબતનો મુલક છું

હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ | મુંબઈ | Jun 30, 2019, 12:13 IST

આ સૃષ્ટિનો એક નાનકડો હિસ્સો હોવું એ નાની ઘટના નથી. હા, આ હોવાપણું ઓળખાતું નથી એનો રંજ મનોજ ખંડેરિયાના શેરમાં વ્યક્ત થાય છે...

અર્ઝ કિયા હૈ

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

કેટલીક વાર અવઢવની સ્થિતિ એવી વિસ્તરે કે આપણા હોવા વિશે જ શંકા જન્મે. હું છું એ શબ્દપ્રયોગમાં હયાતીનો સ્વીકાર છે. કોઈકને કહીએ કે હું છુંને - તો એનો અર્થ એ કે આપણે આપત્તિમાં એની સાથે ખડે પગે ઊભા રહીશું. છું શબ્દ માત્ર હોવાની જ પ્રતીતિ નથી કરાવતો, પણ એ પરમ તત્વ ઉપર શ્રદ્ધા જન્માવે છે જેની અપાર કૃપાને કારણે આપણે આ પૃથ્વી ઉપર છીએ. આ સૃષ્ટિનો એક નાનકડો હિસ્સો હોવું એ નાની ઘટના નથી. હા, આ હોવાપણું ઓળખાતું નથી એનો રંજ મનોજ ખંડેરિયાના શેરમાં વ્યક્ત થાય છે...

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ

આપણું મન સતત વિચરણ કરાવે છે. એક જગ્યાએ સ્થિર થઈને બેસવું એના સ્વભાવમાં નથી. કથાકાર ઉપદેશ આપી રહ્યા હોય ત્યારે પણ મનના એક છેવાડે રિલાયન્સ-ઇન્ફોસિસના ભાવ વધ્યા કે નહીં એનો વિચાર ચાલતો હોય. મંદિરમાં આરતીમાં જઈએ ત્યારે માત્ર તનથી જ જોડાઈએ. મન તો મલ્ટિપલેક્સમાં ફરતું હોય. પત્ની શિખામણ આપી રહી હોય ત્યારે મહ્દ અંશે પતિ એ સાંભળવાનો ડોળ કરતો નોંધાયો છે. પ્રત્યેક પતિની અભિનયક્ષમતા ઉપર એના આ દેખાવની સફળતા-નિષ્ફળતાનો આધાર રહે છે. ભરત વિંઝુડા કહે છે એવી સાલસતા સંબંધોમાં અનિવાર્ય છે...

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે
હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

બીજા આપણને નડે એ કરતાં વિશેષ આપણે જ આપણને વધુ નડતા હોઈએ છીએ. જાતને આયનામાં જોવી એ જુદી વાત છે અને ઓળખવી એ જુદી વાત છે. મોબાઇલ પર સ્વાઇપ કરીને ફોટો જોયા કરીએ એટલી સહજતાથી આપણો ચહેરો આપણી આંખમાં આવતો નથી. કેટલીક વાર તો કરચલી ક્યારે આવીને વળગી ગઈ એની જાણ થવામાં જ વર્ષો નીકળી જાય. મેગી અસનાની માનવીય અને સર્જકીય શૂન્યાવકાશની વાત કરે છે...

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે?
રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તોય ત્યાં ટકાતું નથી એવું કેમ છે?

વિચારો આપણને ટેબલટેનિસની જેમ રમાડ્યા કરે. આજે જે પરમ સત્ય લાગતું હોય એ આવતી કાલે હળાહળ જૂઠ લાગે. આજે જે વિરાટ લાગતું હોય એ પાંચેક વર્ષમાં વામન અવતાર ધારણ કરે. માન્યતા ક્યારેક અટકળને આધારે તો ક્યારેક અનુભવને ઘડાતી રહે. સર્જકો માટે વિષાદ એક સ્થાયીભાવ તરીકે ઊપસી આવવામાં માહેર છે. કવિ ભલે જાતે ભોગવતો ન હોય પણ અન્યની પીડા એની કલમથી અજાણી નથી રહેતી. કવિ જ્યારે પોતાની વાત કરતો હોય ત્યારે એ જરૂરી નથી કે એ પોતાની જ વાત કરતો હોય. એના ઝહેનમાં અન્ય કોઈનો અનુભવ પણ સામેલ હોઈ શકે છે. ભાવિન ગોપાણીનો શેર આવી જ અનુભૂતિ કરાવે છે...

આમ તો હું શબ્દમાં પણ સાંપડું
તું મને શોધે નહીં તો ના જડું
હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર
નાખ તારી હાજરીનું દોરડું

એકાકી જીવન વિતાવવું અશક્ય નથી, પણ અઘરું જરૂર છે. પ્રેમની પ્રાપ્તિ ન થઈ હોય એના મનમંદિરમાં જ્યોતનું રૂપાંતર જ્વાળામાં થઈ જાય. કસક એ બહુ બૂરી ચીજ છે. એની અણી દેખાય નહીં, પણ વાગે એવી કે ઓય મા પણ ન બોલી શકો. મરીઝ કહે છે એમ આ કસક દીવાનગીનું સ્વરૂપ ધારણ કરી લે છે...

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી

જે ઇચ્છીએ એ મળી જાય એવું સામાન્યત: બનતું નથી. પનિહારી ઇંઢોણી ઉપર બેડાં મૂકીને ચાલતી હોય એમ ઇચ્છાઓ આપણા માથે ચડીને મહાલતી હોય. કેટલીક ઇચ્છા એક ઠેસ વાગતાં ગબડી પડે તો કેટલીક એવી જક્કી હોય કે આપણે પછડાઈએ તોય એ ટસની મસ ન થાય. નેવુ વર્ષનો વરિષ્ઠ નેતા ખુરસી છોડવા રાજી જ ન હોય એમ ચોંટેલો જ રહે. જોકે હરજીવન દાફડા જરાક જુદો નિર્દેશ કરે છે...

આરામદાયક રાહની ઇચ્છા નથી
તલભાર સસ્તી ચાહની ઇચ્છા નથી
પૂજા કરું છું જીવતા ઇન્સાનની
દેવળ અને દરગાહની ઇચ્છા નથી

માણસમાં ભગવાન ન દેખાય અને ભગવાનમાં માણસ ન દેખાય એની દૃષ્ટિ ભટકેલી હોઈ શકે. એ દૃષ્ટિ અભણ પણ હોઈ શકે અથવા આશંકિત પણ હોઈ શકે. કદાચ એ નરસા અનુભવોને કારણે નેગેટિવ પણ બની ગઈ હોય. રાકેશ સગર સાગરના શેરમાં આ પીડા વર્તી શકાય છે...

ટકોરા ખાઈ ખાઈને ઘણું થાકી જવાયું છે
રહું છું હું હવે કાયમ ઉઘાડા દ્વારની માફક
હવે હું મ્યુઝિયમના એક ખૂણામાં સુશોભિત છું
જમાનાએ મને ફેંક્યો હતો ભંગારની માફક

‘આહિસ્તા આહિસ્તા’ ફિલ્મમાં નિદા ફાઝલીની ગઝલ હતી - કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા. જાવેદ અખ્તરના એક શેરમાં આ પંક્તિ હતી: હર ઘર મેં એક કમરા કમ હૈ. ક્યાંક કશુંક ખૂટ્યા જ કરે. ક્યારેક પ્રયાસોની ફળશ્રુતિ ન દેખાય તો ક્યારેક લાલસાનો અંત ન આવે. આવી પરિસ્થિતિમાં કોને શરણ જવું જોઈએ એ ગુલામ અબ્બાસ નાશાદ શીખવે છે...

નિષ્ફળ પ્રયાસ, થાક ને કિસ્મત અઝાબ લઈ
રસ્તાની ધૂળ ફાંકું છું મંઝિલના ખ્વાબ લઈ
શાયદ ખુદા લખી દે સફળતા જીવન વિશે
મસ્જિદના દ્વારે ઊભો છું કોરી કિતાબ લઈ

નિયતિએ આપણને કોરી કિતાબ લઈને મોકલ્યા છે. આપણે એમાં અક્ષર પાડવાના છે. આ અક્ષર પ્રેમના છે કે દ્વેષના છે, સ્નેહના છે કે સ્વાર્થના છે, કરુણાના છે કે ક્રૂરતાના છે એના આધારે આપણી છબિ ઘડાય છે. પ્રવીણ શાહ આ ઓળખને આંકે છે...

વ્યસ્ત છું ઇતવારની ઓળખ નથી
મોજ છું મઝધારની ઓળખ નથી
એક ઈfવર તત્વનો હું અંશ છું
છો મને અવતારની ઓળખ નથી

ઓળખ કેળવવી અને મેળવવી સહેલી નથી. એમાં પ્રતિબદ્ધતા સાથેનો પુરુષાર્થ જોઈએ. શિલ્પી એક જ ટાંકણેથી પથ્થરમાંથી શિલ્પ કોતરી શકે, પણ એ માટે એણે હજારો વાર ટાંકણાં તો મારવાં જ પડે. અશોક જાની આનંદ જિંદગીનો મર્મ સમજાવે છે...

જીવી જવા આ જિંદગી જીવવું પડે છે
અવસાદનાં ધાડાં બધાં આ ટાળવાં છે
દોડી રહ્યો છું જેની પાછળ હું અવિરત
નક્કી કરો એ લક્ષ્ય છે કે ઝાંઝવાં છે

આ પણ વાંચો : એ જ કામ આવે છે

ક્યા બાત હૈ
શ્વેત પારેવાં સમું કોઈ સરોવર શાંત છું
આંખ જો બદલું જરી તો હું સ્વયં વિક્રાંત છું

આમ છું કચડાયેલો-દુભાયેલો માણસ છતાં
જો કદી બાંયો ચઢાવું, હુંય રજનીકાંત છું

દો દુની પાંચ કરતાં આવડે છે ક્યાં મને?
હું ગણિતનો સાવ સીધો ને સરળ સિદ્ધાંત છું

ક્યાંક છું સારા સમયનું ફૂલગુલાબી સ્મિત, ને-
ક્યાંક હું કાળા સમયનો કારમો કલ્પાંત છું

પાંગરી છે મહેક મારી દૂર દેશાવર સુધી
હું મહોબતનો મુલક છું, ને પ્રણયનો પ્રાંત છું

છું મહોબતનો પૂજારી, ધર્મ મારો પૂછ ના
હું જ છું કલમો ખુદાનો, હું જ તો વેદાંત છું

પાને-પાને આંસુઓનાં તોરણો ઝૂલે હનીફ
પણ કથા જો વાંચશો તો છેવટે સુખાંત છું - હનીફ રાજા

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK