આને કહેવાય ગરબા-ફીવર: મોરારિબાપુએ કરી ડાન્સિંગ કથા

Published: 21st October, 2020 07:37 IST | Shailesh Nayak | Ahmedabad

શક્તિની ભક્તિ–આરાધનાનું નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે ગિરનાર પર માનસ જગદંબા કથાનું રસપાન કરાવી રહેલા વિશ્વપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુ કથા દરમ્યાન પહેલી વાર વ્યાસપીઠ પરથી નીચે ઊતરીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા.

મોરારિબાપુ
મોરારિબાપુ

શક્તિની ભક્તિ–આરાધનાનું નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે ગિરનાર પર માનસ જગદંબા કથાનું રસપાન કરાવી રહેલા વિશ્વપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુ કથા દરમ્યાન પહેલી વાર વ્યાસપીઠ પરથી નીચે ઊતરીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા. એટલું જ નહીં, ‘હેલ્લારો’ ફિલ્મના લોકપ્રિય થયેલા ‘વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, મીઠાના રણમાં વાગ્યો ઢોલ...’ ગરબા પર મોરારિબાપુ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબે ઘૂમીને મોરારિબાપુએ હળવાશથી કહ્યું હતું, ‘આ પ્રથમ ડાન્સિંગ કથા છે.’

ગુજરાતના ગરવા ગઢ ગિરનાર પર ચાલી રહેલી મોરારિબાપુની ‘માનસ જગદંબા’ કથાના ત્રીજા દિવસે સોમવારે કથાના આરંભમાં મોરારિબાપુ તેમની કથા દરમ્યાન પહેલી વાર વ્યાસપીઠ પરથી નીચે ઊતરીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા. ‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે...’ ગરબા સાથે મોરારિબાપુએ ગરબે રમવાની શરૂઆત કરી હતી અને પછી જાણીતા લોકગાયક નિરંજન પંડ્યા તેમ જ અન્ય કલાકારો સાથે ગરબાની રમઝટ જામી હતી અને એમાં પણ ગરબાનો રંગ જામ્યો ત્યારે ‘વાગ્યો રે ઢોલ, મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ...’ ગરબો શરૂ થતાં મોરારિબાપુ ઉત્સાહમાં આવી ગયા હતા અને પગના ઠેકા સાથે તાલ આપીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ ગરબા દરમ્યાન બાપુએ તેમની એનર્જી દર્શાવતાં રિધમ સાથે તાલ મિલાવીને અવનવાં સ્ટેપ્સ લઈને આનંદ માનાવ્યો હતો. બાપુ આ ઉપરાંત ‘તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે...’ ગીત પર જાતે જ માથે પાઘડી બાંધીને ગરબે રમ્યા હતા. બાપુએ ‘લાંબો ડગલો, મૂછો વાંકડી... છેલ છબિલો ગુજરાતી...’ પણ ગાયું હતું અને સાથીકલાકારો સાથે ગરબે રમ્યા હતા. બાપુ અને સાથીકલાકારોએ રાસ, ગરબા, ગરબી, પદ, કીર્તન, ભક્તિગીત, ફિલ્મી ગીત, દુહા, છંદ, ચોપાઈ, લોકગીત અને ભજન ગાઈને નવરાત્રિનો ઉત્સવ મનાવ્યો હતો.

કથા દરમ્યાન મોરારિબાપુએ કહ્યું હતું, ‘હે મા, અહીં સુધી આવ્યા હોઈએ અને કોઈ અનુભવ કર્યા વિના પાછા ફરીએ તો જીવતરમાં ધૂળ પડી.’

મોરારિબાપુએ હળવાશમાં કહ્યું હતું કે ‘આ ૮૪૯મી કથા છે જે પૈકી આ પ્રથમ ડાન્સિંગ કથા છે. કથા કરતાં મને કદી થાક ન લાગે, કારણ કે કથા જ મારી મોજ છે, મારો વિશ્રામ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK