Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > હિમાલય, કાશ્મીર, મસૂરી અને લેહમાં થતો સ્નોફૉલ એટલે શું?

હિમાલય, કાશ્મીર, મસૂરી અને લેહમાં થતો સ્નોફૉલ એટલે શું?

25 December, 2011 09:23 AM IST |

હિમાલય, કાશ્મીર, મસૂરી અને લેહમાં થતો સ્નોફૉલ એટલે શું?

હિમાલય, કાશ્મીર, મસૂરી અને લેહમાં થતો સ્નોફૉલ એટલે શું?



(સાયન્સ પ્લીઝ- જગદીશચંદ્ર ભટ્ટ)

ગયા સપ્તાહે આપણે શિયાળો ઠંડોગાર શા માટે હોય છે એની રસપ્રદ વિગતો જોઈ. આજે આપણે શિયાળામાં ફક્ત હિમાલય, કાશ્મીર, લદ્દાખ અને મસૂરી જેવાં પહાડી સ્થળોમાં શા માટે હિમવર્ષા થાય છે તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરે સ્થળોમાં બરફનો વરસાદ શા માટે નથી વરસતો એની મજેદાર માહિતી જાણીએ. કુદરતનો અજીબોગરીબ કરિશ્મા સમજીએ. આમ પણ અત્યારે શિયાળાની ઠંડી-ઠંડી મોસમ હોવાથી અનેક સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ નિસર્ગના ખોળામાં જઈને બે ઘડી હળવાફૂલ થઈ જાય છે, બરફના વરસાદનો ભરપૂર આનંદ માણે છે; કારણ કે ચોમાસાનો વરસાદ અને શિયાળામાં કાશ્મીર, મસૂરી જેવાં પ્રાકૃતિક સૌંદર્યમાં ઝૂલતાં સ્થળોએ થતી બરફની વર્ષા વચ્ચે ઘણો ફેર છે. વાતવરણમાં એવું કેવું પરિવર્તન થાય છે કે અધ્ધર આકાશમાંથી બરફનો વરસાદ (સ્નોફોલ) થાય છે.

હિમવર્ષા એટલે શું?
હિમવર્ષા એટલે કે સ્નોફૉલ. એ એક મજેદાર કુદરતી પ્રક્રિયા છે. પૃથ્વી પરનું જેકોઈ પણ સ્થળ વિષુવવૃત્તની નજીક હોય ત્યાંનું હવામાન સદાય સમઘાત (નહીં બહુ ઠંડી કે નહીં બહુ ગરમી) હોય, જ્યારે જે સ્થળ વિષુવવૃત્તથી દૂર હોય એનું હવામાન ટાઢુંબોળ હોય. વધુ સરળ રીતે સમજીએ તો જે સ્થળ પૃથ્વીના અક્ષાંશથી જેટલું દૂર કે ઊંચું તેમ એનું હવામાન વધુ ટાઢું હોય. ભારતનો નકશો જોઈએ તો હિમાલય, કાશ્મીર, લેહ, લદ્દાખ અને મસૂરી વગેરે સ્થળો ઊંચાં અક્ષાંશ પર હોવાથી ત્યાં બારે મહિના હવામાન ઠંડુંગાર રહે. વળી અત્યારે સૂર્યનારાયણ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી પૃથ્વીનોે ઉત્તર ગોળાર્ધ સૂરજથી વિરુદ્ધ બાજુએ છે એટલું જ નહીં, પૃથ્વી એની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ઝૂકેલી સ્થિતિમાં ગોળ-ગોળ ઘૂમે છે એટલે એના ઉત્તર ભાગમાં શિયાળો હોય.

આવી નૈસર્ગિક પરિસ્થિતિમાં હિમાલય, કાશ્મીર અને મસૂરી વગેરે સ્થળોએ ઠંડા પવનો ઉત્તરમાં ફૂંકાય. પરિણામે ત્યાંના વાતાવરણમાંનો ભેજ પણ અતિટાઢોબોળ થઈ જાય. સરવાળે ભેજમાંના લાખો સૂક્ષ્મ કણો હિમમય બની જાય અને તાપમાન કૂલ-કૂલ થઈ જવાથી એ ઠંડો ભેજ હિમવર્ષાના સ્વરૂપે વરસે. બસ, આ હિમવર્ષા એટલે જ સ્નોફૉલ. આવો જ સ્નોફૉલ ફક્ત આપણા હિમાલય, કાશ્મીર અને મસૂરી ઉપરાંત પડોશી દેશ ચીન, અફઘાનિસ્તાનથી લઈને ઇરાક, ઈરાન અને છેક યુરોપ ખંડનાં રાષ્ટ્રોમાં પણ થાય.

બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરે વિસ્તારો નીચા અક્ષાંશે હોવાથી ત્યાંનું તાપમાન ઠંડું જરૂર હોય, પરંતુ ત્યાંનો ભેજ થીજીને હિમમય ન બને. પરિણામે આ બધા વિસ્તારોમાં શિયાળો હોવા છતાં ક્યારેય હિમવર્ષા એટલે કે સ્નોફૉલ ન થાય. આપણું મુંબઈ ભારતના સધર્ન પેનિન્સુલામાં અને સાગરકિનારે હોવાથી અહીંનું ટેમ્પરેચર બારે મહિના સમઘાત રહે છે. ભલે પછી આખો ભારત શિયાળાની કડકડતી ટાઢમાં ઠૂંઠવાતો હોય, પણ મુંબઈનગરીમાં તો ઠંડી ફૂલગુલાબી જ હોવાની.

હિમવર્ષા અને હિમશિલા
સૌપ્રથમ આપણે આઇસ અને સ્નો વચ્ચેનો મૂળ તફાવત સમજીએ. આમ તો આઇસ અને સ્નો બન્ને અંગ્રેજી શબ્દો છે અને બન્નેનો અર્થ બરફ એવો થાય છે. આમ છતાં આઇસ અને સ્નો વચ્ચે આછોપાતળો ફેર છે. આઇસ અને સ્નો કૃત્રિમ અને કુદરતી એમ બન્ને રીતે બને.

આઇસ એટલે શું?

આઇસ કુદરતી રીતે બનવામાં પાણીના વિશાળ જથ્થાનો ઉપયોગ થાય એટલે કે શિયાળાની ગાત્રો થિજાવી દે એવી ઠંડીમાં કાશ્મીર, લેહ કે લદ્દાખનું કોઈ સરોવર કે નદીનું જળ અતિટાઢુંબોળ (ઝીરો ડિગ્રી ટેમ્પરેચર) થઈ જાય તો એ આઇસ બની જાય. વળી એ સરોવર કે નદીમાં આઇસની નાની-મોટી પાટો પણ તરતી જોવા મળે છે. શિયાળામાં કાશ્મીરના દલ લેકનું પાણી થીજીને બરફ થઈ જાય છે ત્યારે એના પર જુવાનિયા રમત રમતા હોય છે. આઇસની આવી જ વિશાળ પાટો ઍન્ટાર્કટિકામાં પણ તરતી જોવા મળે છે જેને હિમશિલા કહેવાય.

બીજું, આઇસ કૃત્રિમ રીતે કારખાનામાં પણ બનાવી શકાય. જોકે ફૅક્ટરીમાં આઇસ બનાવવા માટે પણ પાણીનો મોટો જથ્થો જોઈએ. હા, ફૅક્ટરીમાં બનતો આઇસ કદમાં મોટો અને વજનમાં બહુ ભારે હોય અને એનો રંગ આછોપીળો હોય. જોકે આઇસક્રીમ બનાવવા પાણી અને મીઠા (નમક)નો ઉપયોગ થાય. આઇસક્રીમની કોઠી બહાર મીઠું રાખવાથી પાણીનું ટેમ્પરેચર ઝીરો કે એનાથી પણ વધુ નીચું થઈ જાય. પરિણામે પાણી બરફમાં ફેરવાઈ જાય. આવી જ પ્રક્રિયા ઘરમાંના ફ્રિજમાં પણ બને. ફ્રિજમાંની નાની ટ્રેમાં પાણી ભરીને મૂકી રાખીએ તો થોડા કલાકો બાદ એ પાણીનું બરફ (આઇસ) બની જઈને એનાં નાનાં-નાનાં ચોસલાંમાં રૂપાંતર થઈ જાય છે.

સ્નો એટલે શું?
સ્નોનું સ્વરૂપ આઇસના સ્વરૂપ કરતાં થોડું અલગ હોય. સ્નો મોટા ભાગે પ્રાકૃતિક રીતે બને છે. વાતાવરણમાંનો ભેજ અતિઠંડો થઈ જાય એટલે કે વાતાવરણ ઝીરો અથવા એનાથી પણ ટાઢુંબોળ થઈ જાય ત્યારે એ બરફ કે સ્નોમાં ફેરવાઈ જાય. વળી સ્નો પેલા આઇસની જેમ કદમાં મોટો કે વજનમાં ભારે પણ ન હોય એટલે કે સ્નોની મોટી-મોટી પાટો કે પહાડ ન હોય. સરળ રીતે સમજીએ તો સ્નો વજનમાં અત્યંત હલકો અને ઝીણી-ઝીણી કણીઓનો બનેલો હોય અને રંગે સફેદ હોય  એટલે તો કાશ્મીર જતા સહેલાણીઓ સ્નોફૉલનો આનંદ માણતાં-માણતાં બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. જાણે બરફના નાના-નાના લાડવા. આમ આઇસ અને સ્નો વચ્ચે મુખ્ય ફેર એ છે કે આઇસ હંમેશાં ધરતી પર બને, જ્યારે સ્નો આકાશી હવામાનમાં થતા ઠંડાગાર પરિવર્તનને કારણે બને.

એક ખાસ વાત. ઍન્ટાર્કટિકા કે યુરોપના કોઈ સમુદ્રમાં તરતી મહાકાય હિમશિલા છેવટે તો પેલા સ્નોફૉલનું જ બીજું સ્વરૂપ છે. સરળ રીતે સમજીએ તો આકાશમાંથી વરસતા બરફ (સ્નો)નો વિપુલ જથ્થો પૃથ્વીની સપાટી પર પડીને થીજી જાય ત્યારે એનું વજન ઘણું વધી જાય અને એમાંથી બને છે હિમશિલા. વળી, સ્નો થોડા પ્રમાણમાં કૃત્રિમ રીતે પણ બની શકે. ઘરના ફ્રિજમાંની ટ્રેમાં બનતાં આઇસનાં નાનાં ચોસલાંની આજુબાજુ થોડો સ્નો પણ જોવા મળશે. ફ્રિજમાંના વાતાવરણમાંનો ભેજ અતિઠંડો બનીને સ્નો થઈ જાય, જોકે એનું પ્રમાણ બહુ જ ઓછું હોય.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 09:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK