મુંબઈ: બ્રીચ કૅન્ડીમાં સમાજસેવા કરતાં કિન્નરી કલ્ચરલ સેન્ટરને એન્ક્રોચમેન્ટની નોટિસ

હેમલ આશર | મુંબઈ | Apr 10, 2019, 10:35 IST

કિન્નરી કલ્ચરલ સેન્ટરને અચાનક મુંબઈ (શહેર)ના કલેક્ટરે ‘જમીન પચાવી પાડવા (એન્ક્રોચમેન્ટ) અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા’ બાબતે એવિક્શન નોટિસ મોકલતાં એ વિસ્તારના લોકોમાં આઘાત સહિત આશ્ચર્યની લાગણી ફેલાઈ છે

મુંબઈ: બ્રીચ કૅન્ડીમાં સમાજસેવા કરતાં કિન્નરી કલ્ચરલ સેન્ટરને એન્ક્રોચમેન્ટની નોટિસ
કિન્નરી કલ્ચરલ સેન્ટર

દક્ષિણ મુંબઈના બ્રીચ કૅન્ડી વિસ્તારના તાતા ગાર્ડન પાસે સાડાચાર દાયકાથી જનહિતની પ્રવૃત્તિઓમાં સક્રિય કિન્નરી કલ્ચરલ સેન્ટરને અચાનક મુંબઈ (શહેર)ના કલેક્ટરે ‘જમીન પચાવી પાડવા (એન્ક્રોચમેન્ટ) અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા’ બાબતે એવિક્શન નોટિસ મોકલતાં એ વિસ્તારના લોકોમાં આઘાત સહિત આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. સમાજસેવા કરતા કિન્નરી કલ્ચરલ સેન્ટરનો આરંભ ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની મહિલાએ કર્યો હતો.

asmi_shah

બ્રીચ કૅન્ડીનું કિન્નરી કલ્ચરલ સેન્ટર અને તેનાં ડિરેક્ટર અસ્મિ શાહ

બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ તેમ જ મોટેરાંઓ માટે યોગના વર્ગો જેવી પ્રવૃત્તિઓ ચલાવતા આ કલ્ચરલ સેન્ટરનાં ડિરેક્ટર અસ્મિ શાહ કહે છે કે ‘અમે દર વર્ષે પચાસ લાખ રૂપિયા ચૅરિટીમાં વાપરીએ છીએ. આ જમીન અમને ૧૯૭૨માં મળી અને કિન્નરી સાંસ્કૃતિક કેન્દ્રનો આરંભ ૧૯૭૪માં કર્યો. મારાં મમ્મી કુસુમ છત્રપતિએ આ સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કર્યું હતું. મમ્મી સ્વાતંત્ર્ય સેનાની હોવાથી તેમણે શરૂ કરેલું કેન્દ્ર કિન્નરી કૉંગ્રેસ નામે ઓળખાતું હતું. ત્યાં સાડીઓ, કપડાં, હસ્તકળાની ચીજો વગેરેના વેચાણ દ્વારા થતી આવકનો વપરાશ આર્થિક પછાત વર્ગના લોકોને મદદ માટે કરવામાં આવતો હતો. આ કલ્ચરલ સેન્ટર અમે નફો કમાવા માટે કરતા નથી. ૨૦૦૦ની સાલ સુધી મારી માતાએ આ સેન્ટર ચલાવ્યું હતું. ૨૦૦૦ના વર્ષમાં તેમના અવસાન પછી મેં સંચાલન સંભાYયું. અત્યારે ત્યાં જિમ્નૅસ્ટિક્સ, તાએ ક્વાન ડો, ભરતનાટ્યમ, કથાકથન, ચિત્રકળા અને હસ્તકળા તેમ જ હસ્તાક્ષર સુધારણાના વર્ગો ચલાવવામાં આવે છે.’

સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપતાં અસ્મિ શાહે જણાવ્યું હતું કે ‘વિવિધ પ્રવૃત્તિઓના ક્લાસિસ માટેના સ્ટાફને પગાર તેમ જ સંસ્થાના મેઇન્ટેનન્સના ખર્ચ બાદ વધતી રકમનો ઉપયોગ ગરીબોને મદદ માટે કરવામાં આવે છે. દર વર્ષે છેક ભાઈંદર કે થાણે સુધીના રહેવાસી ગરીબ પરિવારોનાં લગભગ બે હજાર જેટલાં બાળકોને સ્કૂલની ફી જેવી વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે. દરેક શૈક્ષણિક વર્ષના આરંભે ઓછામાં ઓછા હજારેક જરૂરિયાતમંદો મદદ માટે કિન્નરીના બારણે કતારમાં ઊભા હોય છે. અમે દર મહિને ૩૦ રૂપિયાના દરે કલેક્ટરને લીઝ ફી ચૂકવીએ છીએ. ૧૯૭૪થી ગ્પ્ઘ્ને વૉટર-ટૅક્સ અને પ્રૉપર્ટી-ટૅક્સ પણ ચૂકવીએ છીએ. જો અમે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી હોય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોઈએ તો આટલાં વર્ષોથી અમારી પાસેથી ટૅક્સ અને લીઝ ફી શા માટે લેવામાં આવે છે? અમે એન્ક્રોચમેન્ટ નોટિસની સામે કાનૂની લડત ચલાવીએ છીએ. અમે ડિવિઝનલ કમિશનરને અરજી કરીશું. કોઈ વગદાર વ્યક્તિ અમને હેરાન કરે છે.’

આ પણ વાંચો : મુંબઈ: નકલી મહિલા પોલીસે કરી પોલીસના ઘરે જ ચોરી

કલેક્ટરની ૨૧ ફેબ્રુઆરીની એવિક્શન નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ‘કિન્નરી કલ્ચરલ સેન્ટરના નેજા હેઠળ બાળકોની પ્લે સ્કૂલ, હૉબી જિમ્નૅશ્યમ અને યોગ ક્લાસિસ ચલાવવામાં આવે છે. એ જગ્યાનો વપરાશ વેપારી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. મુંબઈ (સિટી)ના કલેક્ટર શિવાજી જોંધળેએ જણાવ્યું હતું કે ‘કિન્નરી કલ્ચરલ સેન્ટરની જગ્યા પાછી લેવા માટે અમે નોટિસ મોકલી છે. આ લૅન્ડ ગ્રૅબિંગનો કેસ છે. અમે એ સાંસ્કૃતિક કેન્દ્રની લીઝની મુદત વધારી નથી. એ લોકો એ જગ્યામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરે છે. અમે એ જમીન પાછી મેળવીશું.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK