એક કૉલેજના પહેલા વર્ષમાં ભણતી અલ્લડ કિશોરી નામ તેનું પીહુ. તે હંમેશાં ખુશ રહે અને બીજાને ખુશ રાખે. એક દિવસ તે ચાલીને ઘર તરફ જતી હતી ત્યારે મકાનની ઉપરની બારીમાંથી અચાનક એક કુંડુ નીચે પડ્યું. પીહુને ઈજા થતાં-થતાં રહી ગઈ. બરાબર તેના પગ પાસે એ કુંડુ પડ્યું અને ભાંગીને ભુક્કો થઈ ગયું. એમાં ઊગેલો એક નાનકડો છોડ માટીમાંથી ઊખડી ગયો. પીહુને વાગ્યું નહીં, તેણે શું કર્યું ?...
તેણે માનવસહજ ઉપર એક દૃષ્ટિ કરી, પણ કોઈ બૂમાબૂમ કે ઝઘડો નહીં. તેણે ધીમેથી, કાળજીથી પેલા કુંડામાંથી ઊખડી ગયેલા છોડને જાળવીને મૂળ તૂટે નહીં એ રીતે ઉપાડ્યો અને પોતાની સાથે લઈ ઘરે ગઈ અને પ્લાસ્ટિકના એક ડબ્બામાં ફરી વાવી દીધો.
એક યુવાન છોકરો જેનું નામ રિયાન. તે રોજ જિમમાં જઈ કસરત કરે અને પછી એન્જિનિયરિંગ કૉલેજમાં ભણવા જાય. એક સવારે તે જિમમાંથી કસરત કરી ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં બ્રિજ હતો, રિયાન જૉગિંગ કરતો બ્રિજ ઊતરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે સામેથી એક મજૂર માલ ભરેલી હાથગાડી બ્રિજના ચડાણ પર ચડાવી રહ્યો હતો અને એમાં તેને ખૂબ જ મહેનત અને તકલીફ પડી રહી હતી. રિયાન દોડીને તે મજૂર પાસે ગયો અને હાથગાડીને પાછળથી ધક્કો મારી પુલના ચડાણ પર ચડાવવામાં મદદ કરી છેક સામે પાર પુલ નીચે સુધી તે મદદમાં રહ્યો અને પછી હજી મજૂર કંઈ કહે એ પહેલાં તો પાછો પોતાના રસ્તે દોડી ગયો.
એક ગરીબ મજૂર આખા દિવસની મજૂરી બાદ સાંજે ચા-બિસ્કિટ લઈ નાસ્તો કરવા બેઠો ત્યારે તેની નજર બાજુમાં બેઠેલા અશક્ત કુતરા પર પડી. તેણે તરત જ પોતાની પાસેનાં થોડાં બિસ્કિટમાંથી ચાર બિસ્કિટ કૂતરાને ખાવા આપ્યાં. કૂતરું ભૂખ્યું હતું, તરત બધાં બિસ્કિટ ખાઈ ગયું. મજૂર પણ ચા-બિસ્કિટ ખાઈ વળી પાછો કામ પર લાગી ગયો.
ઉપરોક્ત દરેક નાના પ્રસંગમાં એક વાત એ છે કે કોઈ પણ અપેક્ષા વિના કરવામાં આવેલું એક નાનું પણ ઉમદા કાર્ય, મદદ માટે લંબાવાયેલો હાથ, એક ખુશીની નાનકડી ઘડી મેળવવા આપણે એવા કામ કરવા જોઈએ જેની જોડે કોઈ અપેક્ષા જોડાયેલી ન હોય. સામે પાછું બદલામાં કંઈક મેળવવાની આશા જોડાયેલી ન હોય. અપેક્ષા વિના કરેલી અન્યની મદદ એ સાચું સેવાકાર્ય છે. કોઈ વાહ-વાહ નહીં, કોઈ આભારનો ભાર નહીં, કંઈક બદલામાં મેળવી લેવાનો ઇરાદો નહીં. જ્યારે તમે એ જાણવા છતાં કે આ વ્યક્તિ જરૂર પડે તમારી કોઈ મદદ નહીં કરી શકે છતાં તમે તે લોકોની મદદ કરવા હાથ લાંબો કરો છો ત્યારે એ મદદ માટે ઊઠતા હાથ પર ઈશ્વર પણ ફૂલ વરસાવે છે.