વસઈ રહેતા ૨૬ વર્ષના કુણાલ ભૂપતાણીનાં ૧૦ ડિસેમ્બરનાં લગ્ન થïવાનાં હતાં, પણ વિધાતાને કંઈ અલગ જ મંજૂર હતું. ગયા મહિને વિરાર ટ્રેનમાંથી પડી જતાં ગંભીર રીતે જખમી થયેલા કુણાલને મગજમાં ભારે ઈજા પહોંચતાં તે સારવાર દરમ્યાન કોમામાં જતો રહ્યો છે. મલ્ટિપલ ફ્રૅક્ચરને લીધે તેના પર ચાર સર્જરી થઈ ચૂકી છે, પણ અત્યારે હાલત એવી છે કે મગજને થયેલા નુકસાનથી કોમામાં રહેલો કુણાલ હોશમાં કયારે આવશે એના વિશે ડૉક્ટર પણ કંઈ કહેવાની સ્થિતિમાં નથી. એક તરફ પરિવારના એકમાત્ર આધાર એવા કુણાલની ગંભીર હાલતથી પહેલાંથી જ પરિવાર ટેન્શનમાં છે તો બીજી તરફ હૉસ્પિટલના બિલમાં રોજના થઈ રહેલા ધરખમ વધારાને કઈ રીતે પહોંચી વળવું એની ચિંતા તેમને સતાવી રહી છે.
ખબર નથી ક્યારે હોશમાં આવશે
હાલ માહિમમાં હિન્દુજા હૉસ્પિટલમાં ન્યુરો સજ્ર્યન ડૉ. કેતન દેસાઈની સારવાર હેઠળ રહેલા કુણાલની નાની બહેન રિચાએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં કુણાલભાઈને સારવાર આપવામાં આવી રહી છે. ડૉક્ટરોના કહેવા મુજબ તેઓ ક્યારે હોશમાં આવશે એ કહી શકાય નહીં, પણ અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલે છે એને કન્ટિન્યુ કરવા કહ્યું છે. સાંતાક્રુઝમાં શૅરબ્રોકરને ત્યાં કામ કરતા કુણાલભાઈ જ અમારા પરિવારનો આર્થિક આધાર હતા. પપ્પા ભૂપેન્દ્રભાઈ નાનું-મોટું કામકાજ કરીને મહિનાના બે-ત્રણ હજાર કમાવી લે છે. એટલે હવે ભાઈની સારવાર માટે બાકીની રકમ કેવી રીતે ઊભી કરવી એ જ સમજાતું નથી. ’
ડૉક્ટર શું કહે છે?
કુણાલની સારવાર કરી રહેલા ડૉક્ટરો પણ અત્યારે કંઈ કહી શકવાની સ્થિતિમાં નથી એમ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘ભાઈને હોશ ક્યારે આવશે એ વિશે તો ડૉક્ટરો પણ કંઈ કહેવાની હાલતમાં નથી. બે દિવસ પહેલાં જ તેમને આઇસીયુમાંથી જનરલ વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. બ્રેઇન પર ભારે સોજો હોવાને લીધે તેમના પર કોઈ ઑપરેશન કરી શકાશે નહીં. શરીર પર થયેલાં મલ્ટિપલ ફ્રૅક્ચરને લીધે ઑલરેડી તેમના પર ચાર સર્જરી થઈ ચૂકી છે અને હવે દવા અને ફિઝિયોથેરપી જ કરવી પડશે. બ્રેઇન પર રહેલા સોજા માટે પણ
દવા-ઇન્જેક્શનોને લીધે તે પોતાની મેળે હોશમાં આવે એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો નથી.’
હજી પંદર લાખનો ખર્ચ અપેક્ષિત
કુણાલના પપ્પા ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે ‘ઍક્સિડન્ટ બાદ તેને ઍપેક્સ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી પછી તેને ખારમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલ અને પછી તેને માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં અત્યાર સુધી તેના પર આંખની નીચેના હાડકાનું, લેફ્ટ શોલ્ડરનું, કોણીનું, હાથના કાંડાનું, આઇબ્રો પાસે પ્લાસ્ટિક સર્જરી જેવાં ઑપરેશન થઈ ચૂક્યાં છે અને એ બધાના મળીને અત્યારે લગભગ સાડાબાર લાખ રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યો છે. ગુરુવારે જ તેને આઇસીયુમાંથી જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. જનરલ વૉર્ડના રોજના ૧૪૦૦ રૂપિયાનો બેડ-ચાર્જ થાય છે. એની સાથે બે વૉર્ડબૉય રાખવા પડ્યા છે. એના રોજના ૧૩૦૦ રૂપિયા થાય છે. મલ્ટિપલ ફ્રૅક્ચરના ઑપરેશન બાદ તેની ફિઝિયોથેરપી ચાલુ કરવામાં આવી છે જેના રોજના ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા થાય છે. મગજ પર સોજો હોઈ તેનાં મોંઘાં દવા-ઇન્જેક્શન ચાલી રહ્યાં છે. એટલે હૉસ્પિટલનો રોજનો ખર્ચો આઠથી દસ હજાર રૂપિયા થાય છે. સારવાર હજી લાંબી ચાલશે એટલે રોજના આઠથી દસ હજાર રૂપિયા જોતાં હજી પંદરેક લાખનો ખર્ચો અપેક્ષિત છે.’
શું થયું હતું?
વસઈ રહેતો અને સાંતાક્રુઝમાં જૉબ કરતો કુણાલ ૧૬ ઑક્ટોબરના રોજ સાંજે ઑફિસથી છૂટીને સ્લો ટ્રેન પકડી બોરીવલી ગયો હતો. ત્યાંથી વિરાર ફાસ્ટ ટ્રેન પકડી હતી, પણ ભારે ભીડને લીધે ધક્કો લાગતાં તે બોરીવલી-દહિસર વચ્ચે પડી ગયો હતો. ગંભીર રીતે જખમી થયેલા કુણાલને તરત બોરીવલીની ઍપેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે કોમામાં જતો રહ્યો હતો.
કુણાલને મદદ કરવી છે?
કુણાલ ભૂપતાણીની સારવાર માટે કોઈ આર્થિક મદદ કરવા માગતું હોય તેઓ ૮૭૬૭૪ ૩૦૩૫૬ નંબર પર ફોન કરી શકે છે અથવા સીધો હિન્દુજા હૉસ્પિટલમાં કુણાલના નામ સાથે ચેક મોકલી શકે છે. ચેક મોકલવા માગતા લોકો P.D. Hinduja National Hospital & MRC નામ પર ચેક મોકલી શકે છે.