રાજસ્થાનમાં ભારે વરસાદ મૃત્યુઆંક વધીને ૨૭ થયો

Published: 24th August, 2012 06:07 IST

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. વરસાદને કારણે સર્જાયેલા વિવિધ અકસ્માતોનો મૃત્યુઆંક ગઈ કાલે વધીને ૨૭ થયો હતો. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધને ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે. જયપુર જિલ્લામાં અનેક રાહત કૅમ્પો ઊભા કરવામાં આવ્યા છે. મંગળવારથી ગઈ કાલ સુધીમાં એકધારા વરસાદને કારણે રાજ્યના સાત જિલ્લામાં પૂરનું સંકટ પેદા થયું છે.

rajasthan-rainરાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગઈ કાલે રેકૉર્ડ બ્રેક વરસાદ પડ્યો છે એ સાતે જિલ્લામાં રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. રાજ્યમાં વરસાદને કારણે સૌથી વધુ ૧૦ લોકોનાં મોત જયપુર જિલ્લામાં થયાં છે. આ ઉપરાંત સિકરમાં ચાર, ભીલવાડામાં ત્રણ, અલવર અને દૌસામાં બે તથા ચુરુ, ભરતપુર, ઝુંઝનુ અને ટોંકમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયપુર શહેરમાં નેહરગઢ, ગાલ્ટા ગેટ, સુભાષ ચોક, ભટ્ટા બસ્તી સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં હતાં.

ગુજરાતમાં વરસાદ લાવે એવી સિસ્ટમ વધુ એક વખત થઈ ફેલ

ગુજરાતમાં પ્રવર્તી રહેલા સાઇક્લૉનિક પ્રેશરને કારણે ગઈ કાલે ગુજરાતના ૧૩૯ તાલુકામાં હળવાં ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે આ સાઇક્લૉનિક પ્રેશર પણ ઓસરવું શરૂ થઈ ગયું હોવાથી હવે વધુ વરસાદની સંભાવના નહીંવત્ થઈ ગઈ છે. ગુજરાતના હવામાન વિભાગના સિનિયર ઓફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘વધુ એક વાર સિસ્ટમ ફેલ ગઈ છે.’

ગઈ કાલે સૌથી વધુ વરસાદ વડોદરા પાસે આવેલા છોટાઉદેપુરમાં એક ઇંચ પડ્યો હતો; જ્યારે વેરાવળમાં અડધો, કંડલામાં અડધો, વલ્લભવિદ્યાનગરમાં પોણો, મહુવામાં અડધો, અમદાવાદમાં અડધો, વલસાડમાં પોણો, ઈડરમાં પોણો અને જામનગરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK