Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચોમાસામાં રોગનો ભોગ ન બનવું હોય તો ખાસ આટલી કાળજી રાખો

ચોમાસામાં રોગનો ભોગ ન બનવું હોય તો ખાસ આટલી કાળજી રાખો

01 July, 2019 12:42 PM IST | મુંબઈ ડેસ્ક
અતુલકુમાર વ્રજલાલ શાહ

ચોમાસામાં રોગનો ભોગ ન બનવું હોય તો ખાસ આટલી કાળજી રાખો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અધ્યાત્મ જગતમાં ૧૨માંથી ૪ જાય તો જવાબ શૂન્ય આવે છે, કેમ કે ચોમાસાના ૪ મહિના વિશેષ આરાધનાની ઋતુ છે એમ આયુર્વેદમાં પણ ચોમાસાના ૪ મહિનાને રોગની ઋતુ કહી છે. એ વખતે જો ઋતુચર્યા બરાબર પાળવામાં આવે તો ચોમાસામાં રોગથી બચી શકાય છે. એટલે જ કહેવતોમાં પણ કહ્યું છે કે ‘શતમ્ જીવેત શરદ:’ એટલે કે તું ૧૦૦ શરદઋતુ જીવી જા. લગભગ આસો અને કારતક એ શરદઋતુના બે મહિના રોગોત્પાદક કહ્યા છે. એમાં બરાબર જીવતાં આવડી જાય તો બાકીના ૧૦ મહિના કોઈ તકલી પડતી નથી.

ઋતુ ૩ નથી પણ ૬ છે - હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, વર્ષા અને શરદ. આ વર્ષે ૧૫મી જૂને સાંજે ૫.૪૫ વાગ્યે સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ થયો છે ત્યારથી વર્ષાઋતુની શરૂઆત થઈ છે. હવે લગભગ બે મહિના સુધી આ વર્ષાઋતુરાણીનો દબદબો રહેશે. આયુર્વેદ ૬ મહિના આદાનકાળ અને ૬ મહિના વિસર્ગકાળ માને છે. આદાનકાળમાં બળ ઘટતું જાય છે અને વિસર્ગકાળમાં બળની ધીમે-ધીમે વૃદ્ધિ થાય છે. વર્ષા, શરદ અને હેમંત એ ૬ મહિના વિસર્ગકાળ છે એટલે હવે બળની વૃદ્ધિ ધીમે-ધીમે શરૂ થાય છે. વર્ષાઋતુમાં વાતાવરણમાં અને શરીરના બંધારણમાં વાયુની વૃદ્ધિ શરૂ થાય છે એથી આ કાળમાં ગર્ભધારણનો નિષેધ છે, કેમ કે એથી બાળક અલ્પબળવાળું બને છે.



પસીનો નીકળે એ સારું


મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાં મૃગશીર્ષ નક્ષત્રના ઠંડા પવનના વાયરા શરૂ થઈ જાય છે એટલે હવા સો કવા (રોગ) અને બફા સો નફા એટલે કે જેટલો પરસેવો વળે એટલા દોષ શરીરમાંથી બહાર જાય અને રોગ કાબૂમાં રહે છે. આ ઋતુમાં ત્રિદોષનો પ્રકોપ થાય છે જેમાં મુખ્યત્વે વાયુદોષનો વધારે પ્રકોપ થાય છે. જો માનવી જાગ્રત ન રહે તો ૮૦ પ્રકારના વાયુઓના રોગથી નબળા-દૂબળા અને વૃદ્ધ માણસો તો તરત રોગનો ભોગ બને છે એટલે ઠંડા પવનના સુસવાટા આવતા હોય એવી જગ્યામાં રહેવું નહીં અને જવું નહીં. ઠંડા, લુખ્ખા ખોરાક ન ખાવા તેમ જ ભોજન ગરમ અને ઘી-તેલવાળા સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરવું. વૈદ્ય રવજી વીસાવાડિયા કહે છે કે ‘વરસાદ, ભેજ, વાદળાંને કારણે સૂર્યની શક્તિ પૂરેપૂરી પ્રાપ્ત થતી ન હોવાથી ઊર્જા, ઉષ્મા, અગ્નિ તત્ત્વ ઓછું મળે છે એથી આખા વર્ષમાં વધારે મંદાગ્નિ આ ઋતુમાં થાય છે. ભૂખ લાગતી નથી એટલે કે સૂંઠ, મરી, લિંડીપીપર, તજ, તમાલપત્ર તેમ જ પીપરીમળ એટલે કે ગંઠોડા જેવા જઠરાગ્નિને પ્રબળ કરે એવા દીપન પાચનના પદાર્થો વધારે લેવા જોઈએ. દીપનની બધી દવાઓ જમતાં પહેલાં પાચનની બધી દવાઓ સામાન્ય રીતે જમ્યા પછી લેવાથી વધારે સારું કાર્ય કરે છે. આ સિવાયની આયુર્વેદિક બધી દવાઓ ભૂખ્યા પેટે લેવાથી ફાયદો કરે છે. પાચનશક્તિ મંદ થવાથી દીપન અને પાચનનું કામ કરતા ખાટા રસનું સેવન ભરપેટ કરવું જોઈએ. લીંબુનો રસ, ગાયના દૂધની છાશ, ગાયનું કે બકરીનું દહીં, કોકમ, બીજોરા વગેરે પદાર્થોનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. ખાટો રસ લઘુ હોવાથી તરત પચી જાય છે અને ગળ્યો રસ પણ વાયુને દૂર કરે છે, પણ એ લઘુ નથી, ભારે છે એટલે મંદાગ્નિ પણ કરી શકે છે. એથી વર્ષાઋતુમાં મધુર અને ખાટો રસ સાથે વાપરવો.’

ઉકાળેલું પાણી અને સવાર-સાંજ ધૂપ


ગાળેલું પાણી બારેમાસ ગરમ કરેલું ઠારેલું જ વાપરવું. અહીં રવજીભાઈ કહે છે, ‘આ ઋતુમાં તો ઠંડું પાણી ન જ પીવું કેમ કે ભેજ અને વરસાદને કારણે એમાં સૂક્ષ્મ જંતુઓ પેદા થઈ જતા હોય છે. એટલે ગાળેલું પાણી ઉકાળીને ગાળીને પીવું. વરસાદને કારણે જમીનમાં કચરો વગેરે ભેગો થવાથી સડીને અનેક પ્રકારના કીટાણુઓ પેદા થાય છે એથી ઉઘાડે પગે ચાલવું નહીં. જીવોની સુરક્ષા માટે જૈન મુનિઓ એથી જ ચાર મહિના એક જ જગ્યાએ વર્ષાવાસ કરતા હોય છે. આ ઋતુમાં સવાર-સાંજ ધૂપ કરવો બહુ જ હિતકારી છે. ધૂપથી વાતાવરણની શુદ્ધિ થાય છે. ઘંટડી વગાડતાં-વગાડતાં પૂર્વ દિશાથી શરૂ કરીને બધી દિશામાં ફેરવીને ઈશાન ખૂણામાં ધૂપને રાખવો. ચોમાસામાં ટાઇફૉઇડ, પ્લેગ, વિષમ જ્વર, કોલેરા, શરદી, ન્યુમોનિયા વગેરેના બૅક્ટેરિયા વાતાવરણમાં હોવાથી સંધ્યા ટાણે વિશેષ કાળજીપૂર્વક ધૂપ કરવો.’

આ ઋતુમાં ઉપવાસ લાભકારી

ચોમાસામાં મુસાફરી ન કરવી. પ્રવાસ-પર્યટનો ન આયોજવાં તેમ જ પલળવું પણ નહીં. કપડાં ભીંજાયાં હોય તો તરત બદલી નાખવાં અને કપડાં ભેજવાળા રહે તો તાવ આવવાની શક્યતા વધારે રહે છે. આગળ રવજીભાઈ કહે છે, ‘વર્ષાઋતુમાં ઉપવાસ, એકાસણાં વધારે કરવાં. આમ પણ દરેક ધર્મોમાં આ ઋતુમાં જ પર્વ વગેરે આવતા હોવાથી સહજપણે આયંબિલ, એકાસણાં, ઉપવાસ થઈ જતાં હોય છે. તપથી જઠરાતગ્ન પ્રદીપ્ત થાય છે.’

દિવસે સૂવું નહીં

આ ઋતુમાં દિવસે સૂવું નહીં એમ જણાવીને રવજીભાઈ કહે છે, ‘કારણ કે દિવસે સુવાથી ત્રિદોષ અને આળસની વૃદ્ધિ થાય છે. આયુર્વેદમાં એક શ્લોકમાં તો કહ્યું છે કે જમ્યા પછી જે સૂઈ જાય છે તેનું શરીર ભૂંડની જેમ વધે છે. મંદાગ્નિ અને વાયુના વિશેષ પ્રકોપને કારણે શરીર ગારા જેવું, લોચાયુક્ત બની જાય છે એથી બપોરે જમ્યા પછી ઊંઘ આવે તો બેઠાં-બેઠાં ઊંઘ લેવી. બે ભીંતના ખૂણા વચ્ચે બેસીને ઊંઘ લેવાથી બેઠા રહી શકાય છે અને આ રીતે ઊંઘવાથી આમાશય ફેફસાં, ગળું અને હાંસડીના ઉપરના ભાગના અંગોમાં કફ સ્થિર થઈને પડ્યો રહેતો નથી. એની સ્થિતિ આમાશયના નીચેના ભાગમાં હોવાથી જાગ્યા પછી નિદ્રા, આળસ અને ઘેન રહેતું નથી એથી બપોરનું ભોજન પણ હોશ અને જાગૃતિ રહે એવું ગોઠવવું. ભારે અને લુખ્ખા ખોરાક ખાવાને બદલે લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ તથા તીક્ષ્ણ આહાર ગોઠવવા.’

વહેલા ઊઠવું

આ ઋતુમાં સૂર્યોદય પહેલાં દોઢેક કલાક વહેલા જરૂર ઊઠી જવું. મોડે સુધી સુવાની ટેવ હશે તો ડાયાબિટીઝ, શરદી, ઍલર્જી, કફ, શ્વાસ, હૃદય-ફેફસાં, ગળું, નાક, કાન અને વિસ્મૃતિના રોગ પણ અડ્ડો જમાવશે. હાર્ટની નળી બ્લૉક થવાના, સ્મૃતિભ્રંશ, કફ, શીરોરોગ વગેરે મોડા ઊઠવાથી અસહ્ય બને છે. કસરત, તડકો અને મૈથુન વાયુને કોપાવતાં હોવાથી વર્જ્ય છે.

આ પણ વાંચો : અળસીનો આહારમાં ઉપયોગ ક્યારથી શરૂ કરો છો?

જૂનાં જવ, જૂનાં ઘઉં અને રાતા ચોખા ઘી-તેલથી વઘારેલાં વાપરી શકાય. ઘી-તેલથી સંસ્કારિત મગનું ઓસામણ પથ્ય છે. સ્નેહયુક્ત ઔષધિના ચૂર્ણથી શરીર ચોળવું હિતકારી છે, શરીરે પીઠી ચોળ્યા પછી સ્નાન કરવું, ચંદનના લેપો તથા ફૂલોની માળા ધારણ કરવાથી વર્ષાઋતુમાં રોગોથી બચી શકાય છે. - અતુલકુમાર વ્રજલાલ શાહ

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 12:42 PM IST | મુંબઈ ડેસ્ક | અતુલકુમાર વ્રજલાલ શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK