નાલાસોપારા (ઈસ્ટ)ના તુલિંજ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા હેડ કૉન્સ્ટેબલ સખારામ ભોયેએ ગઈ કાલે લગભગ ૮.૩૦ વાગ્યે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરની કૅબિનમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો હતો. હેડ કૉન્સ્ટેબલે તેની નાઇટ શિફ્ટ પૂર્ણ કરી હતી અને ત્યાર બાદ તેની સર્વિસ રિવૉલ્વરનો ઉપયોગ કરીને માથામાં ગોળી મારી હતી. જોકે તેના આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
સખારામ ભોયેએ પોલીસ-સ્ટેશનમાં ચાર વર્ષ પૂરાં કર્યાં હતાં. ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ-સ્ટેશનના તેના સાથીદારો કૅબિનમાં દોડી ગયા હતા અને તે લોહીલુહાણ અવસ્થામાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક પાસે આવેલી ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને સારવાર માટે ઍડ્મિટ કરાય એ પહેલાં જ મૃત જાહેર કરાયો હતો.
ઑક્ટોબર મહિનામાં વસઈ-વિરાર અને મીરા-ભાઈંદર શહેર નવા રચાયેલા મીરા-ભાઈંદર-વસઈ-વિરાર (એમબીવીવી) કમિશનરેટ હેઠળ આવ્યા હતા. આ પહેલો એવો કેસ છે જ્યાં ફરજ બજાવતા પોલીસે કામ કરવાની જગ્યાએ જ પોતાનો જીવ લીધો છે. ઘટના વિશે જાણ થતાં એમબીવીવીના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તુલિંજ પોલીસે ઍક્સિડન્ટલ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઇડ-નોટ મળી ન હોવાથી આ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે પોલીસ વિભાગે આ કેસ વિશે અતિ ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.
કામનું દબાણ જવાબદાર?
ઉલ્લેખનીય છે કે નવા રચાયેલા મીરા-ભાઈંદર-વસઈ-વિરાર (એમબીવીવી) કમિશનરેટ દ્વારા બુધવારે જ વસઈમાં પોલીસ-કર્મચારીઓ માટે વર્ક પ્રેશરને કઈ રીતે હૅન્ડલ કરવું એ વિશે સેમિનાર યોજાયો હતો. ૪૧ વર્ષના હેડ કૉન્સ્ટેબલના પરિવારમાં પત્ની અને ૧૨ વર્ષનો દીકરો છે. કામનું પ્રેશર આ પગલા પાછળનું કારણ હોવાની શક્યતા છે.
ખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 ISTથાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
6th March, 2021 10:11 ISTઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 ISTભાડાવધારો સરકાર માટે મુસીબત નોતરી રહ્યો છે?
6th March, 2021 10:06 IST