માણસ આમ સારો હતો

Published: May 06, 2020, 22:02 IST | Mumbai

સોશ્યલ સાયન્સ-આ વાક્ય આપણે માણસના ગયા પછી બોલતા હોઈએ છીએ. માણસ જ્યારે ધરતી પરથી વિદાય લે છે ત્યાર બાદ એ માણસનાં વખાણ શરૂ થાય છે. એ માણસ કેટલો નિર્મળ હતો, કેટલો શરીફ હતો, કેટલો માયાળુ હતો એવા અનેક ગુણોની આપણે ચર્ચા કરીએ છીએ.

માણસ જ્યારે હયાત હોય છે ત્યારે તેના ગુણોની ચર્ચા કેમ નથી થતી?
માણસ જ્યારે હયાત હોય છે ત્યારે તેના ગુણોની ચર્ચા કેમ નથી થતી?

આ વાક્ય આપણે માણસના ગયા પછી બોલતા હોઈએ છીએ. માણસ જ્યારે ધરતી પરથી વિદાય લે છે ત્યાર બાદ એ માણસનાં વખાણ શરૂ થાય છે. એ માણસ કેટલો નિર્મળ હતો, કેટલો શરીફ હતો, કેટલો માયાળુ હતો એવા અનેક ગુણોની આપણે ચર્ચા કરીએ છીએ. એ
માણસ સાથે આપણા સંબંધ કેટલા નજીકના હતા, એ માણસને આપણે ખૂબ અંગત રીતે ઓળખતા હતા એવી બધી ગુફ્તગુ આપણે કરતા હોઈએ છીએ. માણસ જ્યારે હયાત હોય છે ત્યારે તેના ગુણોની ચર્ચા કેમ નથી થતી? એ માણસ કદાચ આખી જિંદગી પોતાનાં વખાણ સાંભળવા તલપાપડ હતો. અને વક્રતા તો જુઓ માણસના ગયા પછી તેનાં ભરપૂર વખાણ થાય છે જે સાંભળવા એ માણસ
હયાત જ નથી.
આપણે માણસને સારો-ખરાબ એમ બે કૅટેગરીમાં વિભાજિત કર્યો છે. માણસ સારો હોય કે ખરાબ, દરેક માણસની અંદર એકાદ એવો ગુણ તો હોય જ છે જે આપણને પ્રેરણા આપી શકે છે. આમાં કોઈ અતિશયોક્તિ નથી. આપણે ખરાબ માણસમાં કોઈ સારો ગુણ શોધવાનો પ્રયત્ન કરતા જ નથી. એટલે આપણને ખરાબ માણસ માત્ર અને માત્ર ખરાબ લાગે છે. એવો ખરાબ માણસ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે આપણે ગુણો ગણાવીએ છીએ.
માણસ ગમેતેવો હોય માણસને ચાહવો જોઈએ. આપણી અંદર કોઈ માણસ માટે ગુસ્સો હોય, નફરત હોય તો એ નફરત આપણને જ બાળે છે, આપણું જ નુકસાન કરે છે. એ માણસે આપણી સાથે કેવું વર્તન કર્યું એ બધું જ ભૂલીને એક વખત માત્ર ને માત્ર એ ભાર, એ ગાર્બેજ મનમાંથી કાઢી નાખો. અને પછી જુઓ કેટલી હળવાશ લાગે છે.
સ્વીકારભાવ જીવન જીવવાની બેસ્ટ કળા છે. સ્વીકારભાવ વ્યક્તિનો હોય, સંબંધોનો હોય કે પરિસ્થિતિનો આ એવો ભાવ છે જેનાથી ભવ સુધરી શકે છે. ખાસ કરીને જે માણસ સાથે રોજનો વ્યવહાર થતો હોય એ માણસને તે જેવો છે તેવો સ્વીકારવો જોઈએ, કારણ કે દરેક માણસ નોખો છે. દરેક માણસ અનોખો છે. આપણે બધા જ મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ. જન્મ-મૃત્યુ વચ્ચેની જિંદગી એક એવી મુસાફરી છે જ્યાં ઓળખીતા, અણઓળખીતા દરેક સાથે આપણો નાતો બંધાય છે.
માણસ સાથે વહાલ થાય, વેર થાય, વ્યવહાર થાય, વચન અપાય તો શું
માણસની હયાતીમાં તેનામાં રહેલા ગુણનાં વખાણ ન થાય?
જે માણસો સાથે આપણે પર્સનલી કે પ્રોફેશનલી જોડાઈએ છીએ એ માણસ માટે આપણા મનમાં કેવા ભાવ આવે છે એ વિશે ખરેખર વિચારવાની જરૂર છે. આપણે આપણી અંદર કેટલી નફરત લઈને ચાલી રહ્યા છીએ! એવા માણસ વિશે વિચારો જેને તમે નફરત કરો છો. એ માણસનું નામ સાંભળતાં જ તમારા મનમાં કેવા ભાવ આવે છે એની ચકાસણી કરો. આપણે જે માણસ માટે મનમાં નફરત લઈને ફરીએ છીએ એ માણસને તો કંઈ જ ફરક નથી પડતો. એ માણસ આ દુનિયામાં નહીં હોય ત્યારે આપણે કદાચ દેખાડા ખાતર એકાદ સારો શબ્દ તેના માટે બોલીશું. એવું જ આપણા માટે પણ થશે. આપણે જ્યારે નહીં હોઈએ ત્યારે આપણી તકતીની સામે આપણાં વખાણ થશે.
ગુજરી ગયેલો માણસ તેની પાછળ તેનાં કેટલાં વખાણ થાય છે એ સાંભળી શકવાનો નથી. માણસને છેલ્લી ઘડીએ ઊંચકવા ચાર માણસો જોઈએ. એ જ રીતે માણસને આખી જિંદગી જીવવા ચાર સારા શબ્દોની ચોક્કસ જરૂર પડે છે. આપણા સારા શબ્દો માણસની અંદર જીવવાનું જોમ ઊભું કરતા હોય તો માણસની હયાતીમાં જ તેને એ શબ્દોનો મલમ લગાડી દેવો જોઈએ. સારા શબ્દો માણસને તેની એકલતામાં, ખરાબ સમયમાં હિંમત પૂરી પાડે છે. માણસના ગયા પછી જો કહેવું પડે કે માણસ સારો હતો તો એનો કોઈ અર્થ નથી.
માણસ આમ સારો હતો
થોડોક થોડોક ખારો હતો
તોયે માણસ આમ સારો હતો
થોડું થોડું જીવતો’તો
થોડું થોડું મરતો’તો
એની પાસે બીજો કોઈ ચારો નહોતો
માણસ આમ સારો હતો...
ઈશ્વરમાં માનતો’તો
ઈશ્વરને ભાંડતો’તો
એની પાસે સુભાગ્યનો ક્યારો નહોતો
માણસ આમ સારો હતો...
ઓછું એ બોલતો’તો
ઓછું એ વહેંચતો’તો
એની પાસે ઇન્દ્રનો ભંડારો નહોતો
માણસ આમ સારો હતો...
લવ યુ લવ યુ બોલતો’તો
હળવે હળવે છેતરતો’તો
એની પાસે જાદુઈ સિતારો નહોતો
માણસ આમ સારો હતો...
- સેજલ પોન્દા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK