Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હી ઇઝ પ્રવીણ જોશી, ગુજ્જુ ઍક્ટર-ડિરેક્ટર!

હી ઇઝ પ્રવીણ જોશી, ગુજ્જુ ઍક્ટર-ડિરેક્ટર!

28 January, 2021 04:19 PM IST | Mumbai
Latesh Shah

હી ઇઝ પ્રવીણ જોશી, ગુજ્જુ ઍક્ટર-ડિરેક્ટર!

હી ઇઝ પ્રવીણ જોશી, ગુજ્જુ ઍક્ટર-ડિરેક્ટર!


નવીનકોર ફિયાટ ટૅક્સી જય હિન્દ કૉલેજના ગેટ પાસે ઊભી રહી. એમાંથી ફુલ સ્લીવનું ચેક્સવાળું શર્ટ અને ગ્રે પૅન્ટ અને કોલ્હાપુરી ચંપલ સાથે ઊતરતા એક માણસને જોઈને સ્ટેપ્સ પર બેઠેલી વિદ્યાર્થીનીઓ આ હૅન્ડસમ કલાકાર પાસે ઑટોગ્રાફ લેવા ઊભી થઈ ગઈ. તેમના આગળ કપાળ પર આવતા વાળ અને પાતળી તલવારકટ મૂછમાં તે ખરેખર પર્સનાલિટી લાગતા હતા.

ગયા ગુરુવારનું રીકૅપ
દિનકર જાની મારી ચા પીવા કેસીમાં પધાર્યા. જાનીએ મને આઇએનટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. મને સાંજે આઇએનટીની ઑફિસમાં બોલાવ્યો અને કહ્યું, આઇએનટીમાં પ્રવીણ જોશીને મળવાનું છે. પ્રવીણ જોશીનું નામ સાંભળતાં જ કાન ચોંક્યા. ગુજરાતી રંગભૂમિના સુપરસ્ટાર  પ્રવીણ જોશીને મળવાનો મોકો મળશે. વાઓ! 
હું ક્યારે સાંજ પડે અને પ્રવીણ જોશીને મળું એની તલપ સાથે બેચેન થઈ ગયો. જેવો ‘મવાલી નથી બનવું, ઍક્ટર બનવું છે’નો નિર્ણય લીધો અને તક સામેથી દોડતી આવી. ક્યારે પડશે સાંજ અને ક્યારે મળીશ પ્રવીણ જોશીને?
૧૯૭૨-૭૩ના સમયમાં જવા પહેલાં
ટાઇમ પ્લીઝ!
નાટકો ભજવવાનું શરૂ થઈ ગયું એની ટચૂકડી વાર્તા કરી લઈએ. મેં મારા ડબ્લ્યુ એચડીસી પૉકેટ થિયેટરમાં પહેલો શો સુજાતા મહેતા અભિનીત ‘સુજાતા રંગરંગીલી’ નાટકનો કર્યો. ફરીથી આ રવિવારે સાંજે સાત વાગ્યે ‘સુજાતા રંગરંગીલી’ નાટકનો ૭૬મો પ્રયોગ પ્રાઇમ મૉલમાં રાખ્યો છે. આ ઝોળી થિયેટરનો ફ્રી શો છે. આશિષ ભટ્ટનું નાટક ‘કરસનદાસ કૉમેડીવાળા’‍ પ્રબોધન ઠાકરેમાં ભજવાયું. બીજા જ રવિવારે નિમેશ શાહનું ‘બબૂચક વર્સસ બબીતા’ ભજવાયું. સંસ્થાઓએ શોઝ ખરીદ્યા અને બુકિંગ પર ટિકિટો પણ વહેંચાઈ. સંસ્થાઓનો અને ટિકિટ ખરીદીને બેઠેલા પ્રેક્ષકોનો આભાર અને ગયા રવિવારે કૉમેડી કિંગ સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજજુભાઈની સિરીઝમાંનું એક નાટક ‘બ્લફમાસ્ટર ગુજુભાઈ’ રિલીઝ કર્યું. પબ્લિક શો. ઍડ્વાન્સમાં હાઉસફુલ થઈ ગયું અને ફરીથી દીનાનાથમાં છે. જજો જરૂર જોવા. પ્રેક્ષકો નાટકોના લાઇવ શોને આમ જ રિસ્પૉન્સ આપતા રહેજો. નાટકો ટીવી કે મોબાઇલ પર જોવાં અને લાઇવ જોવામાં આસમાન-જમીનનો ફરક છે.
 સરકારી થિયેટરો, પ્રબોધન ઠાકરે અને  દીનાનાથ મંગેશકર ઑડિટોરિયમ નાટક માટે સસ્તા દરે ઉપલબ્ધ થઈ રહ્યાં છે. મલાડના અસ્પી થિયેટરે પણ ભાડામાં સરસ રિલીફ ઑફર કરી સપોર્ટ જાહેર કર્યો છે એમ ત્યાંના મૅનેજર ભૌતેશ વ્યાસનું એલાન અને આમંત્રણ આવ્યું છે. નાટકના નિર્માતાઓ શરૂ કરો, યાહોમ કરો, ફતેહ છે આગે. લોકો અત્યારે મનોરંજનના ભૂખ્યા થયા છે. લોકો બાકીનાં બધાં ઑનલાઇન માધ્યમોથી કંટાળ્યા છે. લાઇવ ઇઝ લાઇવ. જીવંત એટલે ફુલ  ઑફ લાઇફ, વાઇબ્રન્ટ, દાદ, વાહ અને તાળીઓ. પ્રેક્ષકો અને કલાકારો આમને-સામને. જલસો જ જલસો. 
સ્થપાયેલા યુનિયન, વિશ્વ ગુજરાતી નાટ્ય સંઘને કહેવાનું કે સરકાર પાસેથી નાટ્યજગત માટે રાહતની ધા નાખે. પ્રેક્ષકોથી બનેલી સંસ્થાઓ, આગળ આવો અને નાટકો રાખો અને રખાવો. બોલો ગુજરાતી રંગભૂમિનો જય. હિમ્મત કરી નાટ્યપ્રયોગો કરતા નિર્માતાઓ અને તેમને સહકાર આપતા કલાકારોનો જય.
ચાલો ફરીથી આવીએ ૧૯૭૨-૭૩માં.
પ્રવીણ જોશીને આજે મળવાનું હતું. પ્રવીણ જોશી એટલે ગુજરાતી રંગભૂમિના ધુરંધર, ખેરખાં, બાહોશ દિગ્દર્શક જેમનાં નાટકો જોઈને બીજી ભાષાની રંગભૂમિના દિગ્દર્શકો પ્રેરણા પ્રાપ્ત કરતા. પ્રાચીનમાંથી અર્વાચીન અથવા જૂનીમાંથી નવી રંગભૂમિ તરફ પ્રેક્ષકોને આકર્ષવામાં પહેલ કરનારા ચુનંદા ડિરેક્ટરોમાંના એક શ્રેષ્ઠ ડ‌િરેક્ટર.
મેં ક્યારેય તેમને જોયા નહોતા પણ તેમના વિશે અઢળક, થોથાબંધ, થોકબંધ સાંભળ્યું હતું. એ સ્ટાર અભિનેતા હતા, એ મેધાવી દિગ્દર્શક હતા, એ નવી રંગભૂમિના પાયોનિયર હતા. યંગસ્ટર્સનો ક્રેઝ હતા. ખરું કહું તો તેમના જેવાં ગ્લૉસ, ગ્લૅમર અને સ્ટારડમ મેં હજી બીજા કોઈ કલાકારમાં એ લેવલનાં જોયાં નથી. પ્રવીણ જોશી એક આકર્ષણ હતા. નવા કલાકારો અને પ્રેક્ષકોને રંગભૂમિનો વળગાડ વળગાડનાર ગુરુત્વાકર્ષણ હતા. આજે તેમને મળવાનો મોકો જાની સરે આપ્યો હતો એ હું ગુમાવવા નહોતો માગતો. 
હું તેમને મળવાના સમયથી ફક્ત ત્રણ કલાક વહેલો જય હિન્દ કૉલેજ પર પહોંચી ગયો. એ સમયમાં આઇએનટીના અને સ્પેશ્યલી પ્રવીણ જોશીનાં નાટકોનાં રિહર્સલ જય હિન્દ ઑડિટોરિયમમાં થતાં. મારા સિવાય ત્યાં આઇએનટીના કોઈ કલાકારો કે ટેક્નિશ્યનો હતા નહીં. ઑડિટોરિયમમાં કૉલેજના વિદ્યાર્થીઓ કોઈ ફોક ડાન્સની પ્રૅક્ટિસ કરતા હતા. જય હિન્દ કૉલેજ એ જમાનામાં સૉફિસ્ટિકેટેડ અને બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ કૉલેજ તરીકે પ્રખ્યાત હતી. જય હિન્દ કેસીની જેમ સિંધી અસોસિએશનની કૉલેજ હતી. સિંધીઓ કયા દેશના વતની કહેવાય એ આજે પણ સમજાતું નથી. આ પ્રજાની કચ્છી જેવા જ ઉચ્ચારોવાળી ભાષા છે. આજે સિંધીઓ દુનિયાભરમાં છવાઈ ગયા છે. વગર વતનના, વગર રહેઠાણના સિંધીઓ આજે દુનિયાભરમાં છવાઈ ગયા છે. રૅગ્સ ટુ રીચીઝની દરેક સિંધીની બહુ જ રસપ્રદ વાર્તાઓ છે. એ હિન્દુજા હોય, મેલવાની હોય, ખુબચંદનાની હોય કે કર્મચાંદનાની હોય. ઓછા પ્રૉફિટમાં વધુ ધંધો કરવાની અને ગ્રાહકોને આકર્ષવાની તેમની અદ્ભુત ટેક્નિકો, તેમનું હાર્ડ વર્ક  અને તેમની સૂઝબૂઝ જબરદસ્ત હોય છે. મારા હિસાબે બિઝનેસમાં ઇઝરાયલિયો પછી બીજા નંબરે સિંધી પ્રજા આવે. સાથે ધર્મ અને એજ્યુકેશનમાં પણ તેમનું સારું પ્રદાન છે. પાઈ-પૈસા બચાવી-બચાવીને માલેતુજાર બની બેઠેલા સિંધી અમીરોની માલમિલકત વિશ્વભરમાં ફેલાયેલી છે.
જય હિન્દ કૉલેજ એટલે એ જમાનામાં સ્ટેટસવાળી કૉલેજ હતી. વાલકેશ્વર, પેડર રોડ, બ્રીચ કૅન્ડી, કફ પરેડ, ચર્ચગેટ, મરીન ડ્રાઇવ જેવા ધનાઢ્ય એરિયાના મોટા ભાગે પૈસાવાળા ઘરના, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા અને એસએસસીમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ જય હિન્દમાં જતા. જય હિન્દ અને કેસી બન્ને સિંધી કૉલેજ હતી પણ બન્ને‍ના સ્ટેટસમાં આસમાન-જમીનનો ફરક હતો એ સમયે. હું તો જય હિન્દમાં પહેલી વખત પ્રવીણ જોશીને મળવાના નામે આવ્યો હતો. જનરલી હું જય હિન્દ જવાનું અવૉઇડ કરતો હતો. લઘુતા ગ્રંથિને કારણે. કેસીમાં બિન્દાસ, જય હિન્દમાં બીકણદાસ એવા મારા જય હિન્દમાં પગ મૂકતાં, દાખલ થતાં, હૃદયમાં ભય અને નર્વસનેસને લીધે પલ્પિટેશન વધી ગયા હતા. એટલે જય હિન્દમાં ચક્કર લગાવી બહાર સ્ટેપ પર બેસી ગયો અને ત્યાં જ એક ખૂણો પકડીને બેસી રહ્યો. આંખ-કાન ખુલ્લા રાખીને કેસીથી અલગ કલ્ચરની છૂપી રીતે મજા માણતો રહ્યો. સમય ક્યાં પસાર થઈ ગયો એ જ ખબર ન પડી.
છ વાગ્યા અને મેં એક હાઇટમાં નાનાં બહેનને અને તેની સાથે જાની સરને આવતાં જોયાં એટલે હું રિસ્પેક્ટ આપવા ઊભો થઈ ગયો. જાની સરે સ્માઇલ  આપ્યું અને પ્રેમથી બોલાવ્યો, ‘હાય લતેશ.’ અને ‌તેમની સાથે આવેલાં મહિલા સાથે ઓળખાણ કરાવી. એ હતાં રીટા દેસાઈ. તેઓ પ્રવીણ જોશીનાં અસિસ્ટન્ટ હતાં. તેમણે સરસ સ્મિત પ્રસરાવ્યું. હું પુલકિત થઈ ગયો. જાની સરે થોડી વાર બાદ બધા આવી જાય એટલે ઑડિટોરિયમમાં આવવા કહ્યું. મને સમજ ન પડી કે બહાર જ બેસી રહું કે અંદર તેમની સાથે જાઉં કે શું કરું? આ અસમંજસમાં હું દાઢી પર હાથ રાખી વિચારવા લાગ્યો એટલી પળોમાં બન્ને અંદર કૅન્ટીનમાં જતાં રહ્યાં. થોડી વારમાં સુરેશ રાજડાને આવતા જોયા. એ પ્રવીણ સોલંકીના ફેવરિટ ઇન્ટરકૉલેજિયટ નાટ્યસ્પર્ધાના બેસ્ટ પ્લેના બેસ્ટ ઍક્ટર તરીકે નામના મેળવી ચૂક્યા હતા. બીજા બધા આર્ટિસ્ટો જેવા થોડા-થોડા ઓળખાતા લોકો પણ આવવા લાગ્યા જેમને હું પર્સનલી ‍ઓળખતો નહોતો. બધા અંદર જવા લાગ્યા એટલે હું વિમાસણમાં હતો કે હું  અંદર જાઉં કે ન જાઉં અને ત્યાં જ બ્લૅક ઍન્ડ યલો રંગની નવીનકોર ફિયાટ ટૅક્સી આવી ને બહાર જય હિન્દના ગેટ  પાસે ઊભી રહી. એમાંથી એક હૅન્ડસમ માણસ ફુલ સ્લીવનું ચેક્સવાળું શર્ટ અને ગ્રે પૅન્ટ અને કોલ્હાપુરી ચંપલ સાથે ઊતર્યો અને પૈસા ચૂકવી ગેટમાં એન્ટ્રી મારી. અને સ્ટેપ્સ પર બેઠેલી ત્રણ વિદ્યાર્થ‌િનીઓમાંથી એક બોલી, ‘હી ઇઝ પ્રવીણ જોશી. ગુજ્જુ ઍક્ટર-ડિરેક્ટર.’ બીજી બોલી, ‘હી ઇઝ હૅન્ડસમ.’ હું પ્રવીણ જોશીનું નામ સાંભળીને ચોંક્યો, ચમક્યો અને તેમને જોતાં રૂવાંડાં ઊભાં થઈ ગયાં. ઇનશર્ટ, એક હાથમાં 555 સિગારેટનું યલો ગોલ્ડન પાકીટ હતું. તેમના આગળ કપાળ પર આવતા વાળ અને પાતળી તલવારકટ મૂછમાં તે ખરેખર પર્સનાલિટી લાગતા હતા. 
તે સ્ટેપ ચડી રહ્યા હતા. સ્ટેપ પર બેઠેલી એક સુંદર દેખાતી છોકરી ઊભી થઈ અને તેમના ઑટોગ્રાફ માગ્યા. હું દિગ્મૂઢ થઈ ગયો. નાટકના હીરોના પણ ઑટોગ્રાફ લેવાય છે. વાહ!
હું તેમને સ્માઇલ આપું કે હૅલો કહું, શું કરુંના ડિલેમામાં હતો. વિચારીને ઍક્શન લઉં એટલી વારમાં તો તે જતા રહ્યા. આ સ્ટાર પ્રવીણ જોશીને મારે મળવાનું છે. ઓહ માય ગૉડ!
હું અંદર જવા વળ્યો ત્યાં જાની સર મારી તરફ આવતા જણાયા. તે મને શું કહેશે? મને પ્રવીણ જોશી નામના સ્ટાર સાથે મેળવશે કે ના પાડશે? જાણીએ આવતા ગુરુવારે.



માણો અને મોજ કરો જાણો અને જલસા કરો
ટેન્શન, સ્ટ્રેસ, વરીઝ, ફિકર, ચિંતા, આ બધી બીમારીઓ શહેરે માણસને આપી છે. કમાઓ, પૈસા બનાવો, ઇન્સ્ટૉલમેન્ટ અને ઈએમઆઇ અને તેમને પહોંચી વળવાની દોડધામમાં ક્યારે જીવનનો અમૂલ્ય જીવવાનો સમય વેડફાઈ જાય છે એ જ સમજ નથી પડતી. હવે જીવવા કરતાં શોઑફ અને આડંબરની કિંમત વધી ગઈ છે. એટલે પઝલ ગેમ ખેલતા મગજને રિલૅક્સ કરતાં શીખો. રિલૅક્સ થવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે દોસ્તો સાથે મોજ માણતાં શીખો. ખાઓ, પીઓ, જલસા કરો. રડો, હસો, મોજ માણો.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 04:19 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK