“મારી ટર્મ - કન્ડિશન અપનાવશે હું તેની સાથે જ લગ્ન કરીશ” (પીપલ લાઈવ)

Published: 13th December, 2011 07:20 IST

‘હવન’ સિરિયલમાં આસ્થાનું પાત્ર ભજવતી શ્રેણુ પરીખના મૅરેજ વિશેના વિચારો એકદમ નટખટ છે(પીપલ-લાઇવ - શાદી કા લડ્ડુ - અર્પણા ચોટલિયા)

‘હવન’ સિરિયલમાં આસ્થાના પાત્રથી ફેમસ થયેલી શ્રેણુ પરીખ મૂળ વડોદરાની છે. વૈષ્ણવ વાણિયા જ્ઞાતિની ૨૨ વર્ષની શ્રેણુ કહે છે કે લગ્ન કરવા માટે તે હજી ખૂબ નાની છે એટલે તેણે લગ્ન વિશે વિચારવાનું હજી શરૂ નથી કર્યું, પણ કેવો જીવનસાથી જોઈએ છે અને કેટલા જલસાથી લગ્ન કરવાં છે એ પ્રત્યે તે ખૂબ ક્લિયર છે. તેણે પોતાના જીવનસાથી માટે કેટલાક ગુણો ડિમાન્ડ કર્યા છે, જેમાંથી સૌથી વધુ ગુણો જે ધરાવશે એની જ સાથે તે પરણશે. જાણીએ એની આ શરતો છે શું.

અભી તો મૈં બચ્ચી હૂં

મેં ગયા વર્ષે જ મારી બૅચલર-ઇન ફાર્માસ્યુટિકલ્સની સ્ટડી કમ્પ્લીટ કરી એટલે હજી તો લગ્ન માટે વિચારવાનું નક્કી નથી કર્યું, પણ એટલી ખબર છે કે જ્યારે લગ્ન કરીશ ત્યારે એ ખૂબ જ ધમાકેદાર હશે. મારી ઉંમર હજી લગ્ન માટે ખૂબ નાની છે એટલે વિચારવાનું શરૂ કરીશ, પછી કોઈ મળશે ત્યાર બાદ હું લગ્ન કરીશ. બાકી લગ્ન એ એક એવો લાડુ છે જે ખાવો જ પડે છે, ખાધા વિના છૂટકો નથી.

બિગ ફેટ વેડિંગ

મેં મમ્મીને પહેલેથી જ કહી રાખ્યું છે કે જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે મારાં લગ્નનું સેલિબ્રેશન ૧૦ દિવસ ચાલવું જોઈએ. રોજ રાત્રે ગેટ-ટુગેધર, રોજ રાત્રે ગરબા રમવાના, સંગીતસંધ્યા, મસ્ત ખાવાનું અને મજા કરવાની. લગ્નને બહાને રોજ આખી ફૅમિલી અને ફ્રેન્ડ્સ મળે એની મજા જ જુદી હોય છે. હું તો મારી જાનમાં પણ નાચવા જવાની છું. લગ્ન એકદમ ફુલ ગુજરાતી સ્ટાઇલનાં દમદાર હોવાં જોઈએ.

જીવનસાથીની પસંદગી

હું ઘરમાં બધાની ખૂબ લાડકી છું. મારી મમ્મી તો મને કહે છે કે હું તારા માટે કોઈ તાતા-બિરલા ટાઇપનો મુરતિયો શોધી આપીશ, પણ મેં મારું વિશ-લિસ્ટ પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું છે. મારો લાઇફ-પાર્ટનર બનવા ઇચ્છતા છોકરામાં કયા ગુણો હોવા જોઈએ એ મેં નોટ કરી રાખ્યું છે. એમાંથી કેટલાક ગુણો એટલે તે ઘરજમાઈ બનવા રેડી હોવો જોઈએ અને જો નહીં તો હું જ્યારે કહું ત્યારે મને મારા પિયર લઈ જાય; દરેક વીક-એન્ડમાં પિક્ચર જોવા લઈ જાય; ભણેલો, પૈસાવાળો, વેલ સેટલ્ડ, ગુડ લુકિંગ, સમજદાર હોવો જોઈએ અને મને ઇમ્પ્રેસ કરતાં આવડવું જોઈએ. સૌથી વધુ અને મહત્વની વાત એટલે તે ગુજરાતી હોવો જોઈએ. આમાંથી જેનામાં સૌથી વધારે ગુણો હશે તેની સાથે હું લગ્ન કરીશ, પણ ગુજરાતી તો હોવો જ જોઈએ એ વાત સૌથી જરૂરી છે. બીજું એ કે મને રસોઈ બનાવતાં ન આવડે તો સાસુ કચકચ કરે એ મને નહીં ચાલે.

લવ-કમ-અરેન્જ્ડ

મારાં લગ્ન જો મને કોઈ ગમશે તો પણ અરેન્જ્ડ જ થશે; કારણ કે આમ તો મને કોઈ ગમશે તો મમ્મી-પપ્પા ના નથી જ પાડવાનાં, પણ હું એ ઘરેથી ભાગવાના કન્સેપ્ટમાં નથી માનતી એટલે એવો જ શોધીશ જે મારાં મમ્મી-પપ્પાને ગમે. મને તેમની ચૉઇસ ખબર છે અને તેમને દુ:ખ આપીને હું મારા માટે સુખ તો નહીં જ શોધું.

ઇન્ડસ્ટ્રીનો નથી જોઈતો

મને મારી ઇન્ડસ્ટ્રીનો છોકરો તો નથી જ જોઈતો. કેટલાય લોકો માનતા હોય છે કે સેમ પ્રોફેશનના લાઇફ-પાર્ટનર હોય તો પ્રૉબ્લેમ્સ ન થાય, પણ મારા વિચારો થોડા જુદા છે એટલે મને મારા પ્રોફેશનનો છોકરો તો નથી જ જોઈતો. આ ઉપરાંત છોકરો સારો દેખાય એ પણ જરૂરી છે. ખૂબ સારો નહીં દેખાતો હોય તો ચાલશે, પણ મારી સાથે ઊભો હોય ત્યારે જોઈને લોકોએ કહેવું જોઈએ કે ક્યુટ કપલ છે. સારો દેખાતો હોય એ ડિમાન્ડ છે પણ પ્રાયોરિટી નથી. મને સમજે એવો હશે તો ઉત્તમ.

‘રબ ને બનાદી જોડી’વાળો શાહરુખ નથી જોઈતો મારો દુલ્હો મેન્ટલી બૅલેન્સ્ડ હોવો જોઈએ, ફિલ્મ ‘રબ ને બનાદી જોડી’વાળો શાહરુખ મને નથી જોઈતો. સિમ્પલવાળો પણ નહીં જેને કંઈ ખબર ન પડે અને એવો પણ નહીં જે દરેક વાતને મજાકમાં લે. મને એવો છોકરો જોઈએ જેને પોતાનું સારું-ખરાબ વિચારવાનું મગજ હોય અને તેનું માઇન્ડ સ્ટેબલ હોય. મને ખુશ રાખે અને ફનલવિંગ હોય.

લિવ-ઇન નહીં

જો સાથે રહેવું જ હોય તો લગ્ન કરીને રહો. લગ્ન કર્યા વગર લિવ-ઇનના નામથી સાથે રહેવું મારા માઇન્ડમાં નથી બેસતું અને હું એ વાતને ક્યારેય સપોર્ટ નહીં કરું. મારા માટે લિવ-ઇન રિલેશનને કોઈ સ્થાન નથી, કારણ કે આમ લગ્ન વિના સાથે રહેવાથી તમે પોતાની લાઇફમાં કૉમ્પ્લિકેશન ઉમેરો છો.

મ્યુઝિકલ લગ્ન

મને ગાવાનો શોખ છે અને મારી આખી ફૅમિલી પણ ખૂબ મ્યુઝિકલ છે એટલે મારાં લગ્ન થશે ત્યારે મ્યુઝિકને ખૂબ માન હશે. રોજ ડીજે (ડિસ્ક જૉકી), ગરબા અને નાચવાનું ચાલશે. હું સાસરે જઈશ ત્યારે મારા ઘરના બધા જ મેમ્બરોનો મારા માટે એક મેસેજ લખાવીને લઈ જઈશ જે હું હંમેશાં મારી સાથે રાખીશ અને વાંચીને બધાને યાદ કરીશ. મારી ફૅમિલીને વધારે પૈસાની ઝાકમઝોળ નથી ગમતી, પણ ઇમોશનલ વાતોનો અમને ખૂબ શોખ છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK