વીતેલા વર્ષનું સરવૈયું જોયું તમે?

Published: Dec 27, 2019, 16:27 IST | Jamnadas Majethia | Mumbai

આમ તો ઈસુના આ વર્ષની સાથે આપણે કાંઈ લેવાદેવા નથી, આપણું નવું વર્ષ તો સાલમુબારકથી શરૂ થાય, પણ હવે બધા માટે જાન્યુઆરીની પહેલી તારીખ જ નવું વર્ષ છે એવા સમયે વીતેલા આ વર્ષના લેખાજોખા એક વાર જોઈ લેવા જોઈએ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

(આપણી વાત ચાલતી હતી શફી ઈનામદાર અને ‘થૅન્ક યુ કોકિલા’ અને શફીભાઈ સાથે જોડાયેલી યાદોની, પણ એ વાતોમાં એક નાનકડો બ્રેક લઈને આપણે વર્ષના આ અંતિમ વીક પર આવી જઈએ. શફીભાઈની વાતો આપણે આવતા વીકમાં કન્ટિન્યુ કરીશું.)

મૅરી ક્રિસમસ.

બુધવારે મને ‘તેનાલી રામા’ સિરિયલમાં કામ કરતા મારા કલાકારમિત્ર ક્રિષ્ના ભારદ્વાજનો આવો મેસેજ આવ્યો, જેમાં ક્રિષ્નાએ પોતાના તેનાલી રામાના લુકમાં હાથમાં એક પ્લૅકાર્ડ પકડ્યું છે, જેના પર ‘મૅરી ક્રિસમસ’ ઝગમગ-ઝગમગ થયા કરે છે. ક્રિષ્‍નાના મેસેજ પછી મેં તેને સામે હસતાં-હસતાં પૂછ્યું કે આ તેનાલી રામાને એ વખતે મૅરી ક્રિસમસ વિશે ખબર હતી, એને કાંઈ લેવાદેવા હતી. જવાબમાં તેણે પેલા શરમાઈ જાય એવા વાંદરાની ત્રણ ઇમોજિસ મને મોકલી.

આજકાલ આપણી જિંદગી આવી જ થઈ ગઈ છે. જે વાતો સાથે આપણને લેવાદેવા નથી હોતી, જે ચર્ચા સાથે આપણને લેવાદેવા નથી હોતી એ વાતો કે એ ચર્ચાઓ આપણા જીવનનો, રોજબરોજની ઘટનાનો બહુ મોટો હિસ્સો બનતો જાય છે. આ CAA અને NRC વિશે સમજાવતા ૧૦ લોકોના વિડિયો એકસાથે જોશો તો સ્પષ્ટતા કરતાં ઘણુંબધું મિક્સ થઈ જશે. મારે એના વિશે કોઈ સમજણ આપીને તમને ગેરમાર્ગે નથી દોરવા, તમે પોતે એના વિશે થોડું રિસર્ચ કરીને તમારી રીતે સમજી લેજો. હું પોતે મારો અભિપ્રાય સ્પષ્ટ કરી લઉં એ પછી આપીશ. હમણાં પાછા આપણે આપણી ક્રિસમસ અને બાકી બચેલા ૨૦૧૯ના દિવસો અને વીતેલા ૨૦૧૯ પર આવી જઈએ. લેવા કે દેવા વગર પહેલી જાન્યુઆરીએ આપણને આપણું નવું વર્ષ લાગે અને ડિસેમ્બરના આ દિવસોમાં મનમાં ને મનમાં કે પછી પેપર પર સરવૈયું કરવા માંડીએ. ભાઈ, આપણા ગુજરાતીઓનું નવું વર્ષ તો દિવાળી પછીના બેસતા વર્ષના દિવસથી હોય છેને, પણ આજકાલ કોને ગુજરાતી મહિનો યાદ હોય છે કે બેસતા વર્ષની તિથિ યાદ હોય છે. પહેલી જાન્યુઆરી એટલે નવું વર્ષ, પણ નવા વર્ષની વાત નવા વર્ષે, હમણાં તો આવીએ પાછા આપણે સરવૈયા પર. એવું કેમ થાય કે આપણે આપણા આ વર્ષને વાગોળતા બેસીએ અને જોઈએ કે કેવું રહ્યું એ? સારું રહ્યું હોય તો ખુશી થાય અને ન રહ્યું હોય તો હાશ, માંડ પૂરું થવા પર આવ્યું અને હવે આવતું નવું વર્ષ સારું જશે એવી આશા બાંધીએ. આપણી સાથે ઘણું સારું-ખરાબ, સાચું-ખોટું થયું હોય એનો તાગ કાઢીને સારાને વધાવીને ખરાબને ભૂલી જઈ, માફ કરી, નેગેટિવિટીને મનમાંથી ઓછી કરી નાખવાની. જીવનને પ્રૉફિટ અને લૉસમાં જોવાની આપણને અમુક ઉંમર પછી આદત પડતી જાય.

આ વર્ષે વધારે સારું થયું હોય અને ઓછું ખરાબ થયું હોય તો સારામાંથી ખરાબની બાદબાકી કરી નાખીને નફો, અને ધારો કે ખરાબ વધારે થયું હોય તો નુકસાન એવું સમજી લેવામાં સાર છે. જો નફો થયો હોય તો એ સારાં કર્મોની પૂંજીને બચાવી એને આગલા વર્ષમાં ઉમેરીને એની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરતા રહેવાનું. જુસ્સો વધી જાય, ઉત્સાહ આવે પણ ધારો કે નુકસાન થયું હોય, લૉસ થયો હોય તો એને પહોંચી વળવા માટે આવતા વર્ષે સારા સમાચાર, સારરં કાર્યો વધે એની વધુ મહેનતની તૈયારીથી જુસ્સો અને જોમ વધારી દેવાનાં, પણ એક વાત કહું કે ઘણા લોકોને આનાથી કોઈ જ ફરક ન પડે. એ તો એમ જ કહે પણ ખરા કે જેમ જવાનું છે એમ જશે, આપણે આપણું કાર્ય કરતા જવાનું.

મજાની વાત એ છે કે બધા પ્રકારના લોકોની થિયરી સાચી છે. હું જ્યારે મારા ભૂતકાળનાં વર્ષોમાં ડોકિયું કરું છું ત્યારે આવા બધા પ્રકારનાં વર્ષો યાદ આવે છે અને મને એવું લાગે છે કે આ નફા અને નુકસાનવાળા (ધંધાકીય નફા-નુકસાનની વાત નથી, પણ જીવનના સારા-ખરાબના ભેદની છે) વર્ષોમાં ઘણુંબધું બનતું હતું અને હું એની સામે, એની સાથે મારી મહેનત, મારું કર્મ કર્યે રાખતો. મારા વિચારોને મુક્તપણે રજૂ કરતો અને જે વર્ષોમાં જેમ જતું હોય એમ એને જવા દેવું, પણ આ વર્ષોમાં વર્ણવી શકાય એવા રસપ્રદ પ્રસંગો કે વળાંકો નહોતા આવતા. જીવનમાં કંઈ ન કર્યા વિના બેસી રહેવું યોગ્ય છે કે નહીં એ મોટા વિવાદનો વિષય છે એટલે હું એ બધાની વચ્ચે નહીં છેડું, પણ અત્યારે આપણા જીવનના પાછળના વર્ષમાં ડોકિયું કરું છું તો ઘણી ઘટનાઓએ આપણા જીવનમાં ઘણુંબધું બદલી નાખ્યું છે. આ વર્ષમાં મારી આસપાસ, આપણા સૌની આસપાસ ઘણું બદલાયું છે અને એના પર નજર નાખવી અને રાખવી રહી. પછી એ ભારતના રાજકારણનાં સમીકરતો હોય કે પછી વધી રહેલા બળાત્કારના હચમચાવી નાખતા સમાચારો કે પછી જીવનજરૂરિયાતની ચીજવસ્તુના ભાવો કે પછી વિકાસના માર્ગે પૂર ઝડપથી બંધાતા મેટ્રોના બ્રિજ કે ઊભું થતું ઇન્ફ્રાસ્ટક્ચર. સોશ્યલ મીડિયાનો આપણા જીવનમાં વધતોજતો પ્રવેશ અને એનાથી થતી અસરો અને આડઅસરો. ખાદ્ય ખોરાકોની વધતીજતી નવી-નવી વાનગીઓ અને વધતી ઉંમર સાથે કથળતી તબિયતો અને સામે આવતાં જતાં નવાં-નવાં હેલ્ધી કસરતનાં સેન્ટર્સ, ખાવાના ડાયટ પ્લાન અને બીજું ઘણું, ઘણું, ઘણું બધું. બધું નવું-નવું છે. સાથે નવી-નવી બીમારીઓ પણ લાવે છે જેનાં નામો આપણે સાંભળ્યા તો શું, કલ્પ્યાં પણ ન હોય. આપણે આ બધાના ઢગલામાં અટવાઈને પડ્યા છીએ અને જો તમને પણ તમારું પાછલું વર્ષ એવું લાગતું હોય તો ધીમે-ધીમે એને છૂટું પાડો અને જો નહોતું ગમ્યું કે નહોતું જોઈતું છતાં પણ તમારા પર થોપાયું હતું એને આ વર્ષે દૂર જ રાખજો અને જે ગમ્યું હોય, ઇચ્છતા હો એને નજીક કરવાનો, નજીક રાખવાનો પ્રયાસ કરજો, એવા સંકલ્પ કરજો. તમારા વિચારોને તમારા સુધી પહોંચવા દેજો જ અને તમારા માટેનો નિર્ણય તમારા મનમાં તો કરજો જ; કારણ કે આ મીડિયાનો પ્રવાહ અને પાવર એટલોબધો છે કે તમને પણ ઘણી વાર તમારા સુધી નહીં પહોંચવા દે અને એના પહેલાં પોતે પહોંચીને પોતાના વિચારોને તમારા બનાવી તમને પોતાની જેમ ધીમે-ધીમે બદલશે. અઘરું લાગતું હોય તો ધીમે-ધીમે વાંચો, પાછું વાંચો. સરળ રીતે કહું છું, તમારા જીવનમાં અને તમારા જીવન પર અસર થતી દરેક ઘટનાનો તમારો પોતાનો એક અભિપ્રાય બાંધો અને એ વ્યક્ત કરો, કારણ કે એનાથી તમે જીવંત થશો અને જીવંત રહેશો. નહીં તો આવનારું વર્ષ અને આવનારાં વર્ષો આપણને એટલાં બદલી નાખશે કે થોડાં વર્ષ પછી પાછળ ફરીને જોઈશું ત્યારે આપણને ગમતી દરેક વાતો મોટા ભૂતકાળની થઈને રહી જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભલે બદલાય, આસપાસનું પણ કૅરૅક્ટર નહીં બદલાય એવો સંકલ્પ કરો અને સાથે-સાથે એવા બીજા ઘણા સંકલ્પ કરો અને એ દોરી પર ચાલી શકો એવો પ્લાન બનાવો ૨૦૨૦ માટે. તમને ગમતી ચીજોના સંકલ્પ કરો.

એક બકેટ-લિસ્ટ બનાવો. બકેટ-લિસ્ટ સામાન્ય રીતે જીવનમાં શું-શું કરવું એનું હોય છે, પણ હું તમને જુદું બકેટ-લિસ્ટ બનાવવાનું કહું છું. બકેટ-લિસ્ટ એનું બનાવો કે આ વર્ષે હું શું-શું કરીશ અને એમાં ફક્ત તમારા શોખ પૂરા કરવાની વાતો પર નહીં, પણ તમારા આ વીતેલા વર્ષ પર ધ્યાન આપજો અને તમને જેકંઈ કરવાનું મન થયું હોય અને એ ન કરી શક્યા હો અને એ બધું કરવું પડ્યું હોય જેમાં તમારું મન નહોતું, પણ કરવું પડ્યું હોય એ બેમાંથી થોડું છૂટું પાડી, આગળ કહ્યું એમ, એ કરજો જે તમારે કરવું હતું. વધુ આ વર્ષે, નવા વર્ષે શું કરવાની વાતોમાં આવતા વીકે પણ એ આર્ટિકલ તમારા સુધી પહોંચશે એ પહેલાં નવું વર્ષ શરૂ થઈ ગયું હશે એટલે બે-ત્રણ એ વિશેની વાત.

૩૧ ડિસેમ્બરે લોકો ગાંડાની જેમ બહાર જઈને ભટકશે, ખૂબબધા ઍક્સિડન્ટ થતા હોય છે ડ્રન્ક-ઍન્ડ-ડ્રાઇવને કારણે. જો તમે એમાંના એક હો અને થોડો છાંટોપાણી કરવાના હો તો ડ્રન્ક-ઍન્ડ-ડ્રાઇવ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. બીજું, ખૂબ મજા કરજો, ખૂબ પોતાની જાતને એન્ટરટેઇન કરજો. ૧૨ વાગ્યે પોતાનાં સગાંસંબંધીઓને વિશ કરજો અને ન થાય તો એનો અફસોસ ન કરતાં, બીજા દિવસે જાગીને પણ નવું વર્ષ વિશ કરી શકાય. સૌથી મોટી વાત, સલાહ કે સૂચન આપવા જેવડો તો છું નહીં, પણ એમ છતાં રીલિજિયન અને પૉલિટિક્સ આ બે પર પીધા પછી કે પીધા વિના પણ વધારે ચર્ચામાં પડતા નહીં કે કરતા નહીં, નહીં તો આ એટલે કે ૨૦૧૯ અને આવતું એટલે કે ૨૦૨૦ કોઈનાં સારાં નહીં જાય માટે શાંતિ રાખજો અને બીજી જ વાતો કરજો.

મારા તરફથી તમને બધાને ખૂબ સુખી, આનંદમય, સફળ, શાંતિપ્રિય અને તમને ગમતું નવું વર્ષ જાય એવી શુભેચ્છા...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK