તમને પણ મળ્યોછે લેડી અમિતાભ બચ્ચનનો ખિતાબ?

Published: Feb 20, 2020, 17:17 IST | Varsha Chitaliya | Mumbai Desk

જ્યારે આપણે તાડ જેવી લાંબી મહિલાઓને જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય અથવા ઈર્ષ્યા થાય છે. જોકે હાઇટના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે આપણે આવી જ ઊંચી મહિલાઓ પાસેથી તેમને થયેલા અનુભવો વિશે જાણીએ

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દીપિકા પાદુકોણ, ક્રિતી સૅનન, આથિયા શેટ્ટી, સુસ્મિતા સેન, સોનાલી બેન્દ્રે જેવી અનેક અભિનેત્રીઓ તેમની હાઇટના કારણે ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલાં બૉલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોતાની હાઇટને લઈને કેવી અડચણોનો સામનો કરવો પડ્યો હતો એ વિશે વાત કરી હતી. અભિનેત્રીનું કહેવું હતું કે વધુપડતી ઊંચાઈના કારણે તેને લાઇફમાં ઘણા વિચિત્ર અનુભવો થયા છે. ઊંચાઈને લઈને થયેલા કેટલાક કડવા અનુભવો પણ શૅર કર્યા હતા.

સામાન્ય રીતે હાઇટને લઈને મહિલાઓમાં ટેન્શન જોવા મળે છે. આજથી બે દાયકા પહેલાં સરેરાશ ભારતીય મહિલાઓની હાઇટ પાંચ ફીટ ત્રણ ઇંચ જેટલી માંડ હતી. આજે જોકે સિનારિયો ચેન્જ થયો છે. જન્ક ફૂડ, મૉડર્ન લાઇફ-સ્ટાઇલ અને જિમના ક્રેઝને લીધે ગર્લ્સની સરેરાશ હાઇટ વધી છે. તેમ છતાં તાડ જેવી ઊંચી મહિલાઓને જોઈને ચોક્કસ આશ્ચર્ય થાય. લોકો તેમને ધારી- ધારીને જુએ છે. આજે આપણે આવી જ હાઇટેડ મહિલાઓને મળીને જાણીએ કે તેમને કેવી-કેવી અડચણોનો સામનો કરવો પડે છે તેમ જ તેમને જોઈને લોકોની પ્રતિક્રિયા શું હોય છે.

હાઇટ જોઈને લોકો મને ઍક્ટિંગ એન્ડ મૉડલિંગની સલાહ આપે છે
સૅન્ડવિચ ખાવા ઊભી હોઉં કે મૉલ્સમાં શૉપિંગ માટે નીકળું ત્યારે લોકો મારી સામે ટગર-ટગર જોયા કરે. કેટલાક દોઢડાહ્યા વળી આવીને પૂછે કે તમારી હાઇટ કેટલી છે? જોકે હું આવા પ્રશ્નોથી ટેવાઈ ગઈ છું એવો જવાબ આપતાં પાંચ ફીટ દસ ઇંચની હાઇટ ધરાવતી સાંતાક્રુઝની ૨૬ વર્ષની વિઝન મર્ચન્ટાઇઝર હિતેશા ગાલા કહે છે, ‘શરૂઆતમાં આવી રીતે અજાણ્યા લોકો મને હાઇટ પૂછતા ત્યારે થતું કે આટલી શું પંચાત કરતા હશે. હવે યુઝ્ડ ટુ થઈ ગઈ છું. મારા ફ્રેન્ડસર્કલ અને રિલેટિવ્સમાં ઘણા લોકોએ મૉડલિંગ અને ઍક્ટિંગમાં કિસ્મત અજમાવવાની સલાહ આપી છે. તો કેટલાક લોકોએ મને ઍર-હૉસ્ટેસ બનવાની ભલામણ કરી હતી. તેમનું કહેવું છે કે હાઇટના કારણે ગ્લૅમરસ ફિલ્ડમાં મને સારી તક મળી શકે એમ છે. નાનપણથી જ મારી હાઇટ ખૂબ સારી છે. જોકે એના કારણે મારા પેરન્ટ્સ સાઇક્લિંગ અને જમ્પિંગ જેવી ઍક્ટિવિટીથી દૂર રાખતા હતા. ચાઇલ્ડહુડમાં કેટલીક સ્પોર્ટ‌‌્સ ઍક્ટિવિટી મિસ થઈ ગઈ છે. હાઇટ વધુ હોવાના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. સૌથી મોટો ગેરફાયદો શૉપિંગમાં દેખાય. બધી જગ્યાએ ઍવરેજ ઇન્ડિયન ગર્લ્સની હાઇટ પ્રમાણે જ કપડાં મળતાં હોય તેથી ક્લોધિંગમાં સિલેક્ટિવ રહેવું પડે. વનપીસમાં શૉર્ટ ડ્રેસ લેવો હોય તો લેન્ગ્થમાં પ્રૉબ્લેમ આવે. જમ્પ સૂટ ફિટ ન થાય, પણ ગાઉન કે પલાઝો જેવા આઉટફિટ્સ ખૂબ સુંદર લાગે. અત્યારે મને લાગે છે કે હાઇટના લીધે મારી પર્સનાલિટીમાં ખાસ્સો ફરક પડ્યો છે. તમે નહીં માનો પણ હું આટલી હાઇટ સાથે હીલ્સવાળાં સૅન્ડલ પહેરું છું. હટકે પર્સનાલિટીના લીધે જ્યાં જાઉં બધા જલદીથી અટ્રૅક્ટ થાય. વર્ક પ્લેસ પર પણ તમારી હાઇટના લીધે તમારું કદ ઊંચું હોય એવી ફીલિંગ આવે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. હા, લાઇફ- પાર્ટનર શોધવામાં થોડી તકલીફ નડી શકે છે. કોઈ પણ ગર્લની ઇચ્છા હોય કે હસબન્ડ તેના કરતાં ઊંચો હોય.’ - હિતેશા ગાલા, સાંતાક્રુઝ

સ્કૂલમાં સૌથી ઊંચી હતી પણ અત્યારે ફૅમિલીમાં સૌથી બટકી છું
પાંચ ફીટ નવ ઇંચની હાઇટ ધરાવતાં દહિસરનાં ૪૨ વર્ષનાં ગૃહિણી નિરાલી શાહ જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે એ જમાનામાં તેમને બધા લેડી અમિતાભ બચ્ચન કહીને બોલાવતા, પરંતુ અત્યારે ફૅમિલીની વાત કરીએ તો તેમની હાઇટ બધા કરતાં ઓછી છે. તેમની ૧૩ વર્ષની દીકરી જિયા પાંચ ફીટ દસ ઇંચ જેટલી હાઇટ ધરાવે છે એટલું જ નહીં, નિરાલીબહેનના હસબન્ડ છ ફીટ તેમ જ ૧૭ વર્ષનો દીકરો છ ફીટ પાંચ ઇંચ ઊંચાઈ ધરાવે છે. તેઓ હસતાં-હસતાં કહે છે, ‘છેને સરસ મજાની વાત! મારા ઘરમાં હું સૌથી નીચી છું. નાનપણની વાત કરું તો સ્કૂલમાં મને છેલ્લી બેન્ચ પર બેસાડવામાં આવતી હતી. જો આગળ બેસું તો બોર્ડ પર શું લખ્યું છે એ પાછળની વિદ્યાર્થિનીઓને દેખાય નહીં. લાસ્ટ બેન્ચ પર મારી સાથે જે છોકરી બેસતી હતી તે બહુ જાડી હતી અને હાઇટ પણ ખાસ નહીં. અમારી જોડીને બધા દસ નંબર કહીને ચીડવતા. એક પાતળી ને લાંબી અને બીજી ઝીરો જેવી ગોળમટોળ. મારી દીકરીએ મારો આ વારસો જાળવી રાખ્યો છે. જિયા તેની સ્કૂલમાં સૌથી ઊંચી છે. લગ્નની ઉંમર થઈ ત્યારે મારા પેરન્ટ્સને લાગતું હતું કે આને મુરતિયો કેમ મળશે? આ બાબત જરાય તકલીફ થઈ નથી. પહેલો જ છોકરો જોયો ને પરણી ગઈ. જોકે હાઇટ વધુ હોવાના કારણે મહિલાઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ફુટવેઅરમાં કંઈ ન મળે. અમે મા-દીકરી જ્યારે પણ શૉપિંગમાં જઈએ અને જો માપનાં ફુટવેઅર મળી જાય તો ચાર-પાંચ જોડી એકસાથે ખરીદી લઈએ. એ જ રીતે રેગ્યુલર બ્રૅન્ડમાં અમારી સાઇઝના ડ્રેસ મળતા નથી. અમારા ડ્રેસ બહુ એક્સપેન્સિવ હોય છે. જોકે એક્સ્ટ્રા-ઑર્ડિનરી હાઇટના લીધે અમે બધી જગ્યાએ સેન્ટર ઑફ અટ્રૅક્શન હોઈએ. લોકો ટગર-ટગર જુએ અને અચરજ પામે એને હું પ્લસ પૉઇન્ટ માનું છું.’ - નિરાલી શાહ, દહિસર

ફ્રેન્ડ-સકર્લમાં બધા આઇફલ ટાવર કહીને ચીડવે છે
હાઇટથી તમારી પર્સનાલિટી અટ્રૅક્ટિવ લાગે છે, પરંતુ આવી યુવતીઓને ડે ટુ ડે લાઇફમાં નાની-નાની અડચણોનો સામનો કરવો પડે છે એવો મત વ્યક્ત કરતાં પાંચ ફીટ આઠ ઇંચની ઊંચાઈ ધરાવતી ઘાટકોપરની બાવીસ વર્ષની એમબીએની સ્ટુડન્ટ આશના મહેતા કહે છે, ‘અમને બન્ને બહેનોને હાઇટ વારસામાં મળી છે. મારી મોટી બહેન મેહાની હાઇટ પાંચ ફીટ સાત ઇંચ છે. જોકે મમ્મીની હાઇટ અમારા કરતાં પણ એક ઇંચ વધુ છે. હાઇટના લીધે અમને ટ્રેડિશનલ વેઅરની ખરીદીમાં ઘણી તકલીફ આવે છે. કોઈનાં લગ્નમાં સાડી કે ચણિયા-ચોળી પહેરવાનાં હોય તો પનો ટૂંકો પડે એટલે લેન્થ વધારવાના આઇડિયા શોધવા પડે. વેસ્ટર્ન ડ્રેસમાં વનપીસ લઈએ તો સ્ટોકિંગ્સ પહેરવા પડે. એવું જ ફુટવેઅરનું છે. અમારી સાઇઝમાં જોઈએ એવી ડિઝાઇન મળતી નથી. કદાચ કોઈ ડિઝાઇન ગમી જાય તો કલર્સમાં ચોક્કસ કૉમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવે. હીલ્સવાળાં સૅન્ડલ તો ભૂલી જ જવાનાં હોય. એકાદ વાર તો એવો સીન ક્રીએટ થયો છે કે નાની હીલ્સનાં સૅન્ડલ પહેર્યાં હતાં તેમ છતાં બૉય્ઝે સાથે ફોટો પડાવવાની ના પાડી દીધી. આપણે ત્યાં ગર્લ્સની જ નહીં, બૉય્ઝની હાઇટ પણ ઓછી હોય છે. મારા ફ્રેન્ડ-સકર્લમાં તો બધા મને આઇફલ ટાવર કહીને ચીડવે છે. ટ્રાવેલિંગનો ઇશ્યુ પણ છે. પગ લાંબા હોય એટલે નાની કારમાં બેસવાનું ફાવે નહીં. બસ-ટ્રેનમાં મુસાફરી દરમિયાન પગ ભટકાય. સ્કૂલ-કૉલેજમાં બેન્ચ પર બેસતી વખતે આવી સમસ્યા નડી છે. આ ઉપરાંત વધુ હાઇટ હોય એવી યુવતીઓ પર પોતાનું ફિગર મેઇન્ટેન કરવાનું પ્રેશર હોય છે. તમે પાતળા હો અથવા ઍવરેજ ફિગર ધરાવતા હો તો લોકોનું એટલું ધ્યાન ખેંચાતું નથી, પરંતુ હાઇટની સાથે હેવી બૉડી હોય તો બધા ધારી-ધારીને જુએ છે. ભારે શરીર અને ઊંચાઈ બન્ને હોય એવી મહિલાઓ ગ્રેસફુલ નથી લાગતી તેથી લાઇફ-પાર્ટનરની પસંદગીમાં લિમિટેશન્સ આવી જાય છે. હેલ્થની દૃષ્ટિએ જોઈએ તો મને લાગે છે કે ઊંચી મહિલાઓમાં લાંબા ગાળે બૅકપેઇનની શક્યતા વધી જાય છે. તેમણે હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.’ - આશના મહેતા, ઘાટકોપર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK