Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રંગ દેવતા નટરાજને ઘણી ખમ્મા

રંગ દેવતા નટરાજને ઘણી ખમ્મા

31 December, 2020 03:02 PM IST | Mumbai
Latesh Shah

રંગ દેવતા નટરાજને ઘણી ખમ્મા

રંગ દેવતા નટરાજને ઘણી ખમ્મા


ગયા ગુરુવારનું રીકૅપ આવતા ગુરુવારે આપવાનું કારણ છે આજે ૨૦૨૦ના વર્ષની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર છે. આ વર્ષના અંત પહેલાં બનેલી મહત્ત્વની ઘટનાઓ આલેખવી જરૂરી છે. ૨૦૨૦થી ૨૦૨૧માં કોરોના મહામારીએ લાઇવ આર્ટના હાલહવાલ કરી નાખ્યા છે. નાટકો માર્ચમાં બંધ થયાં એ થયાં. રંગભૂમિના કલાકારો, ટેક્નિશ્યનો અને નિર્માતાઓને બેહાલ કર્યા છે. મહામારીની મગજમારી કરીને બધી બીમારીઓથી બચી જેમતેમ પેટ ભરતા, પોતાની એફડી તોડીને કુટુંબીજનોનું ભરણપોષણ કરતા, ભીખ માગતા, હાથ લંબાવતાં શરમાતા કલાકારો-કસબીઓ આઠ મહિનાની લાંબી મજલ કાપીને નવા વર્ષ તરફ આશાની મીટ માંડીને બેઠા છે. અમુક કલાકારો સિરિયલ, વેબ-સિરીઝ, ફિલ્મોમાં ઑડિશન આપવા, કોરોનાની બીક હોવા છતાં જવા લાગ્યા. કોઈને થોડુંઘણું કામ મળ્યું, કોઈને ન મળ્યું. સંઘર્ષ જારી છે બધાનો!

મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે થિયેટરો ખોલવાની ટર્મ્સ અને કન્ડિશન સાથે હા પાડી. ૫૦ ટકા લોકોને ઑડિટોરિયમમાં બેસાડી શકાશે. બધાએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે. ડિસ્ટન્સ જાળવવું પડશે.



નિર્માતાઓને ફિકર એક જ વાતની હતી કે ઑડિયન્સ અને પ્રેક્ષકો આવશે કે નહીં?


થિયેટરનાં ભાડાં કેવી રીતે પરવડશે? કલાકાર-કસબીઓને પૂરું મહેનતાણું કેવી રીતે આપી શકાશે? સંજય  ગોરડિયાનું કહેવું છે કે માસ્ક પહેરીને લોકો હસશે કેવી રીતે? પ્રશ્નો, પ્રશ્નો, પ્રશ્નો, જેના કોઈ જવાબ મળતા નથી એટલે લોકો નાટક ભજવવાનું પાછળ ધકેલી રહ્યા છે. એમાં સરસ ઘટના એક એ બની કે જે ગુજરાતી નાટ્ય સંઘ ઊભો કરવાની હું મહેનત કરીને બધા નિર્માતાઓ, કલાકાર-કસબીઓને ભેગા કરી પ્રાઇમ મૉલમાં મીટિંગ્સ બોલાવીને સંસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરતો હતો એ કોરોનાના આગમનથી થોડો સમય બાબુલના કહેવાથી મીટિંગો બંધ કરી. એ બાબુલે મનોજ જોષી સાથે મળીને વિશ્વ ગુજરાતી નાટ્ય સંઘના નામે રજિસ્ટર કરી યુનિયન ઊભું કર્યું.

આ નાટ્ય સંઘ નામની સંસ્થા મને મૅડમ લોબોએ સોંપી હતી. એ એક રજિસ્ટર્ડ સંસ્થા હતી. મૅડમ લોબોની ઉંમર વધવાની સાથે એ મૃતપ્રાય હતી. તેમની ફાઉન્ટનમાં રાજાબાઈ ટાવર સામે ઑફિસ હતી એ મને સોંપી. તેઓ ભુલાભાઈ ઑડિટોરિયમ (હવે બંધ થઈ ગયું. ૧૯૮૦માં મંત્રાલયની બાજુમાં ધમધમતું નાટકનું થિયેટર હતું)માં મારું નાટક ‘ગેલિલિયો’ જોવા આવ્યાં ત્યારે તેમને નાટક બહુ ગમ્યું એટલે શાબાશી આપીને થોડા દિવસ બાદ તેમના ઘરે બોલાવીને નાટ્ય સંઘનું સુકાન મારા હાથમાં સોંપ્યું. હું નાટ્ય સંઘની ઑફિસ મૅડમ લોબો વતી ચલાવતો હતો.


ગુજરાતી રંગભૂમિના મહારથી ગિરેશ દેસાઈ મારા ઘનિષ્ઠ મિત્ર હોવાને લીધે તેઓ અને જયંત વ્યાસ અવારનવાર ફાઉન્ટનની ઑફિસમાં આવતા. એ સમયે ઑફિસમાં મારા મિત્ર શોભિત દેસાઈ અને ચંદ્રકાન્ત બક્ષી તેમ જ શફી ઈનામદાર પણ આવતા. ત્યારે એ નાટ્ય સંઘ પર આવેલા સરકારના એક પત્ર પરથી મને જાણ થઈ કે મહારાષ્ટ્ર સરકાર નાટ્ય કલાકાર-કસબીઓને રાહત આપે છે, એટલે મેં ગિરેશભાઈને મૅડમ લોબોની પરમિશન લઈને નાટ્ય સંઘ નામનું યુનિયન રચવાની વાત કરી. એક વાર યુનિયન બનીને રજિસ્ટર થઈ જાય એટલે મહારાષ્ટ્ર સરકાર પાસે ગુજરાતી કલાકાર-કસબીઓ માટે ઘર માગી શકાય. મેં અને ગિરેશ દેસાઈએ મળીને હું જ્યાં ‘મહાયાત્રા’ નાટકનાં રિહર્સલ કરતો હતો એ હૉલ શાંતિઃ નિવાસ જે ચર્ની રોડ સ્ટેશનની સામે હતો ત્યાં બધા કલાકાર-કસબીઓને ગિરેશભાઈની આગેવાનીમાં ભેગા કર્યા હતા. મીટિંગમાં સંવાદ સાથે અમુક વિવાદાસ્પદ, વાદવિવાદ, વિતંડાવાદ થયો અને યુનિયન બનાવવાનું સપનું પડી ભાંગ્યું. એ સમયે મરાઠી કલાકાર-કસબીઓને ઘર મળ્યાં, પણ ગુજરાતી કલાકારોને ન મળ્યાં. મહારાષ્ટ્રમાં તો ન મળ્યાં, ગુજરાતમાંય ન મળ્યાં.

ફરી એક વાર મેં અને ગિરેશભાઈએ બેએક વર્ષ રહીને પ્રયત્ન કર્યો, પણ એ પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો. એક વખતના ધુરંધર ગણાતા દિગ્દર્શક અને પ્રવીણ જોષીના ગુરુ જેને બધા બૉસ તરીકે સંબોધતા હતા તેઓ તેમના જીવનના પાછલા કાળ દરમ્યાન ભવન્સ ઑડિટોરિયમના મૅનેજર તરીકે નિયુક્ત થયા હતા તેઓ ગુજરી ગયા અને મૅનેજરની પોસ્ટ ખાલી પડી. મેં ગિરેશભાઈને ભારતીય વિદ્યા ભવન્સ ઑડિટોરિયમના મૅનેજર બનવા માટે સમજાવ્યા. ત્યારે ગિરેશભાઈ મારું નિર્મિત નાટક ડાયરેક્ટ કરતા હતા. શિવાજી પાર્કમાં રિહર્સલ ચાલતાં હતાં. તેઓ રાજી થયા એટલે બીજા દિવસે ભવન્સના ડિરેક્ટર રામકૃષ્ણ સરને અરજી આપી. ગિરેશ દેસાઈને રામકૃષ્ણ સરે ભવન્સના મૅનેજર તરીકે નિયુક્ત કર્યા. ત્યાં તેમણે મૅનેજર બનીને સ્પર્ધાઓ, ઍક્ટિંગ વર્કશૉપ્સ યોજી, પણ ગુજરાતી રંગભૂમિના કલાકાર-કસબીઓને સંઘ બનાવીને જોડી ન શક્યા.

કોરોનાકાળમાં મેં ફરીથી પ્રયત્ન આદર્યો. મેં પ્રાઇમ મૉલમા ‘ચિત્કાર’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક પૉકેટ  થિયેટર મારી સંસ્થા વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટરના નેજા હેઠળ બનાવ્યું, જેમાં ૧૦ વ્યક્તિ બેસીને પ્રાયોગિક નાટકો કરી શકે. ફરી યુનિયન બનાવવાનું બીડું ઝડપ્યું. રંગભૂમિના મહારથીઓને ભેગા કર્યા, ૮-૧૦ મીટિંગો કરી. મરાઠી નાટક યુનિયનના કૉન્સ્ટિટ્યુશનનો સહારો લીધો. બાબુલે સંજય વી. શાહની ઑફિસમાંથી બંધારણ ગુજરાતીમાં અનુવાદ કરાવ્યું. મેં કમિટીમાં કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા, બાબુલ ભાવસાર, અમી ત્રિવેદી, ભરત ઠક્કર, રાગિણી શાહ, મનોજ જોષી, સંજય ભાટિયા, ભૌતેષ વ્યાસ અને અન્ય મહારથીઓને જોડ્યા.

મનોજ જોષી અને સંજય ભાટિયા સિન્ટામાં કમિટીમાં હતા અને તેમણે નાટ્ય સંઘના નામે ‘બાબુલ કી દુઆ સે’  નવું યુનિયન રચ્યું. અભિનંદન મનોજ જોષી, ગુજરાતી રંગભૂમિમાંથી એક વધુ મંત્રી સરકારમાં બને એ અભ્યર્થના. ગુજરાતી રંગભૂમિના કલાકાર-કસબીઓના કલ્યાણાર્થે બે-ત્રણ યુનિયનો સ્થપાવાં જોઈએ.

સૌથી મોટી વાત કે વર્ષો બાદ આ વર્ષે વિશ્વ ગુજરાતી નાટ્ય સંઘ સ્થપાયું, બ્રાવો!

આ કોરોનાકાળમાં ત્રણ નાટકોથી ગુજરાતી રંગભૂમિ પર નાટકો શરૂ થયાં.

સૌથી પહેલું નાટક ભજવાયું તા. ૮-૧૧-’૨૦ના દિને રવિવારે સાંજે ૬ વાગ્યે લતેશ શાહ લિખિત-નિર્દેશિત, સુજાતા મહેતા અભિનીત એકપાત્રી નાટક ‘સુજાતા રંગરંગીલી’. WHDC પૉકેટ થિયેટર, પ્રાઇમ મૉલ, પાર્લામાં એનો ૭૫મો શો રજૂ થયો. સરકારમાન્ય નિયમ પ્રમાણે ૧૦૦ વ્યક્તિની કૅપેસિટીમાં ૩૩ પ્રેક્ષકોને ઍડ્મિશન આપ્યું. પ્રેક્ષકોએ થિયેટરમાં શો જોયા બાદ ઝોળી છલકાવી નાખી.

જોકે ઘરમાં લગ્નપ્રસંગ હતો એટલે વધુ શો ન થયા. મારા ભાઈ રમતારામની દીકરી તેજસ્વિનીનાં દેવલાલીમાં લગ્ન હતાં ધ્રુવ છેડા સાથે અને લિમિટેડ લોકોમાં હતાં, પણ અમારે વધુ સાવચેતીથી મોજમજા સાથે લગ્ન કરવાનાં હતાં અને બીજું, મારે મારું નવું નાટક ‘આયનાની આરપાર’નો બીજો અંક લખવાનો હતો એટલે વહેલા દેવલાલી જઈને બધી તૈયારી શરૂ કરવી પડી. હવે પાછા આવી ગયા એટલે ૧૪ જાન્યુઆરીથી અમારાં પ્રયોગાત્મક નાટકો પાછાં શરૂ થશે. જેમને પ્રયોગાત્મક નાટકો ભજવવાં હોય તેમને અમારું ભાવભીનું આમંત્રણ છે. ભલે પધારો.

નવેમ્બરમાં કમર્શિયલ નાટકો રજૂ કરવાની હિંમત ન કરી શક્યા.

ડિસેમ્બરમાં મહિનાની શરૂઆતમાં પુણેમાં મરાઠી નાટકો રજૂ થયાં. ગુજરાતી નિર્માતાઓએ સાંભળ્યું અને એક બાજુ ઇમ્તિયાઝ પટેલ લિખિત, આશિષ ભટ્ટ અભિનીત, આસિફ પટેલ નિર્મિત ‘કરસનદાસ કૉમેડીવાળા’ની પ્રબોધન ઠાકરે હૉલમાં ભજવ્યું.

મનોજ (વાલા) શાહે પ્રતીક ગાંધી અભિનીત ‘હું ચંદ્રકાન્ત બક્ષી’ એકપાત્રી નાટક ભજવવાનું થિયેટરમાં જાહેર કર્યું.

એમ લાગ્યું કે રંગભૂમિ ફરી સજીવન થઈ. ‘હું ચંદ્રકાન્ત બક્ષી’ હાઉસફુલ. ૨૦૦ની સીટિંગ-કૅપેસિટીવાળા પૃથ્વી થિયેટરમાં ૧૦૦ પ્રેક્ષકોએ ઍડ્વાન્સમાં ટિકિટો બુક કરાવી લીધી હતી. હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. હું અને સુજાતા શોમાં ગયાં. છૂટાછવાયા બેઠેલા માસ્ક પહેરેલા પ્રેક્ષકોમાં પ્રિય (હર્ષદ મહેતા) પ્રતીકને ખુલ્લા દિલથી, મોકળા મને ઝીલતા હતા. નાટકમાં પ્રતીકનો અભિનય સાહજિક અને લાક્ષણિક  હતો. અદ્ભુત!

અમે ત્યાંથી પૃથ્વીની ચા પીને નીકળ્યાં ટ્રાફિક જૅમ સમયે બોરીવલી જવા. પ્રબોધન ઠાકરેમાં આશિષ ભટ્ટના સરસ અભિનયથી ઓપતા નાટક ‘કરસનદાસ કૉમેડીવાળા’માં કમર્શિયલ નાટકો કરતાં, ભજવતાં, અડધી રંગભૂમિ ઊભરાઈ હતી. આસિફ પટેલે બધા ગુજરાતી રંગભૂમિના કલાકાર- કસબીઓ સાથે પ્રેક્ષકો સમક્ષ આશિષ ભટ્ટ દ્વારા પૂજા કરાવી. આસિફની હિમ્મતને દાદ આપવી જોઈએ.  સરકારી નિયમ પ્રમાણે ૫૦ ટકા પ્રેક્ષકો ભરી નાખ્યા કે ભરાઈ ગયા એની ખબર નથી, પણ શો હાઉસફુલ હતો. અભિનંદન. અમદાવાદમાં પણ એક નાટક ૨૭મીએ જ સાંજે પાંચ વાગ્યે ભજવાયું; નિર્માતા અભિલાષ ઘોડા, પ્રવીણ સોલંકી લિખિત, નિશિથ બ્રહ્મભટ્ટ દિગ્દર્શિત ‘એમ પૂછી ને થાય નહીં પ્રેમ.’ કૉન્ગ્રેચ્યુલેશન્સ ટુ ઑલ.

હવે બધા નિર્માતાઓએ આગળ આવવું જોઈએ શો કરવા માટે.

તેજપાલ, ભવન્સ, નેહરુ, અસ્પી અને અન્ય થિયેટરોએ સહકાર આપીને કોરોનાકાળ પૂરતી ભાડામાં અમુક અંશે રાહત આપીને નાટકોને સામે ચાલીને આમંત્રણ આપવું જોઈએ.

ગુજરાતી નાટ્ય યુનિયન તરફથી સરકારના દરવાજા ખટખટાવીને સબસિડી અને રાહતની માગણી રજૂ કરવી જોઈએ અને પ્યારા પ્રેક્ષકોએ શિસ્ત પાળીને પણ નાટકો જોવા જવું જોઈએ, જેથી નાટકો ભજવાય અને કલાકારો રંગભૂમિ પર સચવાય! રંગ દેવતા નટરાજને ઘણી ખમ્મા!

માણો અને મોજ કરો જાણો અને જલસા કરો

ભયમાં મય કે સમય ચાલતાં ક્યારેય થાકતો નથી. સમયમાં મય ન થતાં માણસ થાકી જાય છે અને મસાણનું મડદું બની જાય છે. મયમાં મય થઈ સમય બની જાઓ, જીવવાનો આનંદ માણો. થાક ચાલવાનો નથી, થાક આળસનો છે, થાક પગ ઉપાડવામાં આવતા કંટાળાનો છે. થાક કોરોનાના ભયનો અને ભયના વિચારનો છે. થાક ડરવાનો છે, શ્વાસે-શ્વાસે હાંફવાનો છે. થાક કેટલું બધું લાંબું જીવવાનો છે. થાક ઘરે પડી રહેવાનો છે. થાક થાકવાના વિચારનો છે. થાકવા કરતાં જે થાય એને થવા દો, આગળ ધપો અને મોજ માણો, ભયને જાણો અને જલસા કરો.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2020 03:02 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK