ફોટોફ્રેમમાં જકડાઈ જતી જિંદગી

Updated: Dec 04, 2019, 12:40 IST | Sejal Ponda | Mumbai

સોશ્યલ સાયન્સ: પૂર્ણતા-અપૂર્ણતા વચ્ચે જિવાતી જિંદગીનો સ્વીકાર કરવાનું આપણા જ હાથમાં છે. આપણી અને આપણી સાથે જીવતી વ્યક્તિની ખુશી, સ્મિત ફોટોફ્રેમમાં જકડાઈને ન રહે એ જોવાની જવાબદારી આપણી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હાઇકુ
ફોટોફ્રેમમાં
ખુશખુશાલ હું તું
વાસ્તવમાં શું?
ઘરની દીવાલ પર લગાડેલી આકર્ષક ફ્રેમ અને એમાં રહેલા ફોટો જોઈ સુખી પરિવારની સુગંધ પ્રસરી જાય. ફોટોફ્રેમમાં હસતા ચહેરા લગભગ દરેક ઘરની દીવાલની શોભા વધારે છે અને ઘરની શોભા ત્યારે વધે જ્યારે ફ્રેમના હસતા ચહેરા વાસ્તવમાં ખુશ હોય. ફ્રેમના આકાર પ્રમાણે ફોટો ગોઠવાઈ જાય, પણ જીવનમાં જુદી-જુદી વ્યક્તિઓ સાથે ગોઠવાઈ જવું સહેલું નથી હોતું.
ફ્રેમ કોઈ પણ હોય, એનો મૂળ સ્વભાવ જકડી રાખવાનો છે. ફ્રેમની એક પણ બાજુ ઢીલી પડે કે અંદર રહેલા ફોટોની જગ્યા થોડી ખસી જાય. આપણે પણ ફ્રેમ જેવા જ છીએ. આપણો મૂળ સ્વભાવ પણ સામેની વ્યક્તિને જકડી રાખવાનો, આપણી પકડમાં રાખવાનો, બંધનમાં બાંધી રાખવાનો છે. ક્યાંક એક છૂપો ભય આપણને સતાવતો હોય છે કે જો જરાક ઢીલ મુકાશે તો સંબંધનો આકાર બદલાઈ જશે. આપણો ભય બીજી વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવાની તાકાત ધરાવે છે.
દરેક ફ્રેમની પાછળની બાજુ જોનાર માટે તો અદૃશ્ય જ હોય છે. એનો મતલબ એ નથી કે ફ્રેમની બીજી બાજુ છે જ નહીં. જે અદૃશ્ય હોય એ રોમાંચક હોય. કુતૂહલ પેદા કરે એવું હોય. ફ્રેમની અંદર સમાયેલા ચહેરા વાસ્તવમાં આપણને છળતા હોય એવુંય બને. આપણું હાસ્ય ફ્રેમમાં સ્ટૅચ્યુ થઈ ગયું છે એનો ખ્યાલ જૂનો ફોટો આલબમ જોતાં આવે. ગમે ત્યારે આલબમના ફોટો જોઈએ તો એમાં એવી જ તાજગી મહેસૂસ થાય જે વરસો પહેલાં હતી. પણ વર્ષો પછી વાસ્તવિક જીવનમાં આ તાજગી વાસી બની ગઈ હોય.
સંબંધને કાટ ત્યારે લાગે જ્યારે સંવાદનું સ્વરૂપ વાદવિવાદમાં બદલાઈ જાય. સંવાદ હંમેશાં ગમતીલો અને મીઠો લાગે. વહાલો લાગે. સમય વીતતાં સંવાદનું સ્વરૂપ બદલવા લાગે. એ પછી સંબંધનું સ્વરૂપ બદલાવા લાગે. નવા સંબંધમાં ખુશખુશાલ થઈ ફોટો પડાવતા હોઈએ ત્યારે સહજ સંવાદ નીકળી જાય કે તારા વગર નહીં જિવાય. આવો ખુશખુશાલ ફોટો ફ્રેમમાં લાગી જાય અને પછી દીવાલ પર. દીવાલનો રંગ ચડે એમ સંબંધનો રંગ ઊતરતો જાય અને ખુશખુશાલ પડાવેલા ફોટો વખતે બોલાયેલો સંવાદ પણ બદલાઈ જાય. હવે આપણે કહેતા થઈએ કે તારી સાથે નહીં જિવાય. ત્યારે ખ્યાલ આવે કે આપણે તો ફોટો આલબમ અને ફ્રેમમાં જ ખુશ છીએ. વાસ્તવમાં નહીં.
જીવનમાં લાગણીના દરવાજા કરતાં માગણીના દરવાજા ખૂલે ત્યારે નોક-ઝોક તો થવાની જ. લાગણીના દરવાજે ઊભેલી બે વ્યક્તિઓનું સાથે રહેવું સહજ પ્રક્રિયા છે. માગણીના દરવાજે ઊભેલી વ્યક્તિ અસલામતી અનુભવતી થઈ જાય છે. જિવાતી અને જિરવાતી જિંદગી સાવ ભિન્ન છે. બે જુદી જિંદગી એકબીજાના જીવનની ઓટ પૂરી કરવા સાથે રહેવાનું નક્કી કરે. અને સમય જતાં એકબીજાની ખામીઓને જીરવી ન શકે. સંબંધની શરૂઆતમાં આપવાની, જતું કરવાની ભાવના લખલૂટ જોવા મળે. પછીથી આ ભાવના ખૂટતી દેખાય.
ઘરના દરવાજા પર વાગતી બેલનો અવાજ બદલાવા લાગે અને ઘરની અંદર પ્રવેશતા માણસનો અવાજ કર્કશ લાગવા લાગે ત્યારે સમજવું કે આપણું સ્મિત ફોટોફ્રેમમાં સ્ટૅચ્યુ થઈ ગયું છે. રસોડાના તીખા તમતમતા મસાલાનો સ્વાદ સ્વભાવમાં પણ ઊતરી આવે. લગ્નના માંડવે ફેરા ફરી વખતે સપ્તપદીનાં વચન એકબીજાને અપાય એના કરતાં પોતાની જાતને અપાય તો એ વચનનો ભાર નહીં લાગે.
વાદવિવાદનો સમય સહજ નીકળી જાય છે અને સંવાદનો સમય કાઢવો પડે છે એ આપણી જિવાતી જિંદગીની વાસ્તવિકતા છે. ‘ધ્યાન મારા ઉપર નથી તારું, કેટલું તારું ધ્યાન રાખું છું.’ બેફામ સાહેબના આ શેર જેવી ભાવના નવા સંબંધની શરૂઆતમાં ઉછાળા મારતી હોય છે. વર્ષો પછી આ શેર કહેવાનો ટોન અને શબ્દો સીક્વન્સ બદલાઈ જાય છે. તારું કેટલું ધ્યાન રાખું છતાં તારું મારા પર ધ્યાન જ નથી. કંઈક આવો ટોન અને શબ્દો સાંભળવા મળે.
એકબીજાના જીવનમાં ગોઠવાઈ જવું કંઈ સહેલું નથી. આપણે એકબીજાના જીવનમાં ત્યારે જ ગોઠવાઈ શકીએ જ્યારે એકબીજાને જેવા છે તેવા સ્વીકારી લઈએ. ટાગોરે કહ્યું છે કે ઃ તમારી અપૂર્ણતા છતાં જે તમને ચાહે એ જ તમારો ખરો મિત્ર. એમર્સને કહ્યું છે કે ઃ ઇફ યુ કૅન લવ મી ફૉર વૉટ આઇ ઍમ, વી શેલ બી હૅપિયર.
પૂર્ણતા-અપૂર્ણતા વચ્ચે જિવાતી જિંદગીનો સ્વીકાર કરવાનું આપણા જ હાથમાં છે. આપણી અને આપણી સાથે જીવતી વ્યક્તિની ખુશી, સ્મિત ફોટોફ્રેમમાં જકડાઈને ન રહે એ જોવાની જવાબદારી આપણી છે. આજે એક જૂનું આલબમ ખોલી, દીવાલ પર લટકતી ફ્રેમ જોઈ જાતને વચન આપીએ કે જ્યારે વિવાદ થાય ત્યારે એને સંવાદમાં બદલી નાખીશું અને માત્ર ફોટોફ્રેમમાં જ નહીં વાસ્તવમાં પણ ખુશખુશાલ રહીશું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK