હરિયાણા: ટિકટૉક સ્ટારની ગળું દબાવીને હત્યા, બે દિવસ પછી પલંગમાંથી મળ્યો મૃતદેહ

Published: Jun 30, 2020, 20:34 IST | Gujarati Mid-day Online Correspondent | Haryana

આરોપી બોયફ્રેન્ડની પોલીસે કરી ધરપકડ

ટિકટૉક સ્ટાર શિવાની કુમારી
ટિકટૉક સ્ટાર શિવાની કુમારી

દિલ્હીમાં રહેતી 16 વર્ષીય ટિકટૉક સ્ટાર સિયા કક્કરના મૃત્યુના સમાચાર હજી તાજા જ છે ત્યાં હરિયાણાની ટિકટૉક સ્ટારની હત્યાના સમાચારે લોકોને ચિંતામા મુકી દીધા છે. હરિયાણાના સોનીપતમાં રહેતી ટિકટૉક સ્ટાર શિવાની કુમારીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. હત્યા કરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી બીજું કોઈ નહીં પણ ટિકટૉક સ્ટારનો બોયફ્રેન્ડ આરીફ જ હતો.

મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે શિવાની ઘરની બહાર નીકળી હતી અને બહેનના મિત્ર નીરજના બ્યુટી પાર્લરમાં ગઈ હતી. ત્યાં બોયફ્રેન્ડ આરીફ તેને મળવા આવ્યો છે એવું બહેન શ્વેતાને તેણે ફોન પર કહ્યું હતું. પછી મોડી રાત સુધી શિવાની ઘરે ન આવી એટલે બહેન શ્વેતાને ચિંતા થઈ. તેણે શિવાનીને ફોન કર્યો પણ લાગ્યો નહીં અને પછી થોડીવારમાં શિવાનીનો મેસેજ આવ્યો કે હું હરિદ્વાર જાવ છું અને બે દિવસ પછી પાછી આવીશ. ઘટનાના બે દિવસ બાદ નીરજે બ્યુટી પાર્લર ખોલ્યું ત્યારે તેને અંદરથી દુર્ગંધ આવતી હતી. પછી પલંગ ખોલીને જોયું તો અંદર શિવાનીની લાશ પડી હતી. તેણે તત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આરોપી આરીફની પોલીસે ધરપકડ કરી છે

પરિવારજનોએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી શિવાનીના બોયફ્રેન્ડ આરીફની ધરપકડ કરી હતી. આરીફનું કહેવું છે કે, શિવાની છેલ્લા 15 દિવસથી તેની સાથે વાત નહોતી કરતી. એટલે તેને મળવા માટે શુક્રવારે બ્યુટી પાર્લર પર ગયો હતો. પણ શિવાનીએ આરીફને જોઈને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી તે જબરજસ્તી પાર્લરમાં ઘુસ્યો હતો. આરીફે શિવાનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજી નહીં અને બન્ને વચ્ચે બોલચાલ થઈ. પછી શિવાનીએ પોલીસને બોલાવવાની ધમકી આપી ત્યારે બન્ને વચ્ચે મારામારી થઈ અને રોષે ભરાયેલા આરીફે ગળું દબાવીને શિવાનીની હત્યા કરી દીધી. ત્યારબાદ મૃતદેહને પલંગમાં છુપાવીને ભાગી ગયો હતો.  

તમને જણાવી દઈએ કે ટિકટૉક પર શિવાનીના એક લાખ કરતા વધુ ફૉલોઅર્સ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK