Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોંઘવારીથી ત્રસ્ત યુવાને શરદ પવારને ઝીંક્યો લાફો

મોંઘવારીથી ત્રસ્ત યુવાને શરદ પવારને ઝીંક્યો લાફો

25 November, 2011 05:44 AM IST |

મોંઘવારીથી ત્રસ્ત યુવાને શરદ પવારને ઝીંક્યો લાફો

મોંઘવારીથી ત્રસ્ત યુવાને શરદ પવારને ઝીંક્યો લાફો


 

 




 

શું બન્યું?

૭૧ વર્ષના શરદ પવાર પાર્લમેન્ટ સ્ટ્રીટના એક લિટરરી ફંક્શનમાં ગયા હતા. ત્યાં ત્રીસીમાં રહેલા એક સ્થાનિક ટ્રાન્સર્પોટર હરવિન્દર સિંહે તેમના પર હુમલો કર્યો હતો. એ સમયે પવારની આસપાસ સમ ખાવા પૂરતી સિક્યૉરિટી હતી. હરવિન્દર સિંહે શરદ પવારને લાફો મારતાં તેમણે થોડીક ક્ષણ માટે સમતોલપણું ગુમાવી દીધું હતું. જોકે તેઓ તરત જ સ્વસ્થતા પાછી મેળવવા ઑડિટોરિયમના એક્ઝિટમાં ચાલ્યા ગયા હતા.

કોણ છે હરવિન્દર?

આ એ જ હરવિન્દર સિંહ છે જેણે તાજેતરમાં ભૂતપૂર્વ ટેલિકૉમ મિનિસ્ટર સુખરામ પર હુમલો કર્યો હતો. તેના પર હુમલો અને શારીરિક ઈજા પહોંચાડવાની વિવિધ કલમો લગાડવામાં આવી હતી. પવારને લાફો ઝીંક્યા બાદ તરત જ હરવિન્દરને પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડે પકડી લીધો હતો. એક અધિકારીએ તેને લૅપટૉપ ફટકાર્યું હતું તો અમુક લોકોએ તેને મુક્કા માર્યા હતા. હરવિન્દરે ‘તે કરપ્ટ છે’ એવી બૂમો પાડી હતી.

તંગદિલી ફેલાઈ

આ હુમલાના ખબર પ્રસરતાં આખા દેશમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહે એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારને ફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ પવારના નિવાસસ્થાને જઈને તેમને મળ્યા હતા. કૉન્ગ્રેસના સિનિયર નેતા પ્રણવ મુખરજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં આ શું ચાલી રહ્યું છે?

કૉન્ગ્રેસ શું કહે છે?

શાસક પક્ષ કૉન્ગ્રેસના પ્રવક્તા રશીદ અલવીએ આ હુમલા માટે યશવંત સિંહાના સ્ટેટમેન્ટને જવાબદાર ઠરાવ્યું હતું.  યશવંત સિંહાએ તાજેતરમાં કહ્યું હતું કે સતત ભાવવધારા રોકવાનાં નક્કર પગલાંના અભાવને લીધે લોકો હિંસાનો આશરો લઈને પોતાનો આક્રોશ બહાર કાઢશે. પક્ષના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે આવાં નિવેદનો લોકશાહી માટે સારાં ન કહેવાય અને આ પક્ષનો ઇરાદો બતાવે છે.

બીજેપી શું કહે છે?

જોકે બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે વળતો હુમલો કરતાં કહ્યું હતું કે ‘એ કમનસીબ વાત છે કે કૉન્ગ્રેસ એમ માને છે કે વિરોધપક્ષો લોકોને ભડકાવે છે. આ યોગ્ય નથી. આવો બનાવ બનવો જ ન જોઈએ. આ તો સલામતી-વ્યવસ્થામાં છીંડાં પ્રૂવ કરે છે.’

યશવંત સિંહાએ કહ્યું હતું કે મારા સ્ટેટમેન્ટને આ બનાવ સાથે કશું લાગતુંવળગતું નથી.

પવાર શું કહે છે?

સિનિયર નેતા શરદ પવારે કોઈ પણ પક્ષ પર બ્લેમ કરવાની ના પાડી દીધી હતી. તેમણે અને તેમની પુત્રી સંસદસભ્ય સુપ્રિયા સુળેએ પક્ષના કાર્યકરોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

પવારને પડેલી થપ્પડ પ્રકરણે કોણે શું પ્રતિક્રિયા આપી?

અણ્ણાએ બે અલગ-અલગ સ્ટેટમેન્ટ આપ્યાં

કૃષિપ્રધાન શરદ પવાર પર થયેલા હુમલા પર સોશ્યલ ઍક્ટિવિસ્ટ અણ્ણા હઝારેએ તિરસ્કારભર્યો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ તેમના સ્ટેટમેન્ટમાંથી ફરી જઈને આ હુમલાની નિંદા કરી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં ગઈ કાલે અણ્ણા હઝારેએ આ હુમલા બાબતે જણાવતાં કહ્યું હતું કે ‘તેમને લાફો માર્યો. એક જ લાફો માર્યો?’ ત્યાર બાદ તેઓ તેમના સ્ટેટમેન્ટ પરથી ફરી ગયા હતા અને કહ્યું હતું કે ‘હું આ હુમલાની નિંદા કરું છું. આવું હિંસાભર્યું કામ નહોતું કરવું જોઈતું. મારા મહારાષ્ટ્રના સપોર્ટર્સને અપીલ કરું છું કે તેઓ શાંત રહે.’

અણ્ણાએ જોકે પોતાના અગાઉના નિવેદનની ગંભીરતા સમજીને પવાર સમક્ષ માફી માગવાની પણ તૈયારી બતાવી હતી.

મનમોહન સિંહને જઈને શા માટે ન માર્યું? : રાજ ઠાકરે

શરદ પવાર પર હુમલો કરનારાને જો ભ્રષ્ટાચારનો એટલો બધો ગુસ્સો હોય તો તેણે મનમોહન સિંહને જઈને કેમ ન માર્યું? આવો સવાલ ગઈ કાલે એમએનએસના વડા રાજ ઠાકરેએ કર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવાર અમારા મહારાષ્ટ્રના સિનિયર નેતા છે. તેમના પર આ રીતે હુમલો થયો એ અતિશય નિંદનીય છે. મહારાષ્ટ્રનું જે પણ રાજકરણ છે એ હું જોઈ લઈશ. પંજાબમાં પણ બાદલના ઘર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે એટલે પંજાબ સુધારો અને શરૂઆત પોતાના ઘરથી જ કરો.’

સિક્યૉરિટીનો અભાવ : પૃથ્વીરાજ ચવાણ

દિલ્હીમાં કૃષિપ્રધાન શરદ પવાર પર થયેલા હુમલાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે નિંદા કરી હતી. પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘સિનિયર લીડરો અને પ્રધાનોની સિક્યૉરિટીમાં કમી હોવાનું આવી ઘટનાથી બહાર આવ્યું છે. શરદ પવારને વધુ સિક્યૉરિટી આપવી જોઈએ જેથી ફરીથી આવી કોઈ ઘટના ન બને.’

બાળ ઠાકરેએ પણ નિંદા કરી

શિવસેનાના વડા બાળ ઠાકરેએ શરદ પવાર પરના હુમલા સંબંધે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ‘રાજકીય મતભેદ ભલે હોય પણ પવાર મારા ખાસ મિત્ર છે. મરાઠી માણૂસનું આવું અપમાન મને માન્ય નથી.’

સિક્યૉરિટીમાં વધારો કરો : છગન ભુજબળ

એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના સિનિયર લીડર છગન ભુજબળે પણ શરદ પવાર પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘શરદ પવાર પર અટૅક થયો એની હું નિંદા કરું છું. ભાવવધારા માટે ફ્ક્ત શરદ પવાર જ જવાબદાર નથી. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ સિક્યૉરિટીમાં વધારો કરે.’

બંધનો કૉલ આપવામાં નથી આવ્યો : સચિન આહિર

એનસીપીના લીડર સચિન આહિરે પણ શરદ પવાર પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીપીના કાર્યકરોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું જોઈએ. કોઈએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ, જેથી આમઆદમીને હેરાન થવું પડે.’

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર અને રાજ્યના એનસીપીના પ્રેસિડન્ટ મધુકર પિચડે પાર્ટીના કાર્યકરોને આ આંદોલન રોકવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે બંધનો કોઈ કૉલ આપવામાં આવ્યો નથી.

ક્રિકેટ ર્બોડે પણ નિંદા કરી

ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ નિરંજન શાહે કહ્યું હતું કે ‘હું આ હુમલાની નિંદા કરું છું. ચાર દિવસ પહેલાં જ દિલ્હીના આ યુવાને ભૂતપૂર્વ મિનિસ્ટર સુખ રામને લાત મારી હતી; જે દુ:ખદાયક અને ક્ષમાને યોગ્ય નથી તથા સહન કરી લેવાય એવી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2011 05:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK