મહામારીની રજામાં મોક્ષમાળ

Published: May 15, 2020, 07:46 IST | Alpa Nirmal | Mumbai Desk

ભિવંડીના હર્ષિત શાહે દેવલાલીમાં એકલા કર્યું ઉપધાન : લૉકડાઉનમાં લાંબા સમયની ઇચ્છા પૂરી થઈ

લૉકડાઉનમાં લાંબા સમયની ઇચ્છા પૂરી થઈ
લૉકડાઉનમાં લાંબા સમયની ઇચ્છા પૂરી થઈ

છેલ્લા ૫૩ દિવસથી આપણે કોરોના-કોરોના કરી રહ્યા છીએ ત્યારે ભિવંડીનો એક યુવાન ક્રિયાઓ-ક્રિયાઓ કરી રહ્યો છે. આપણે ‘ગો કોરોના ગો’ કરી રહ્યા છીએ, તો તે ‘ગો  કર્મ-ગો  કર્મ’ કરી રહ્યો છે. યસ, આ લૉકડાઉનના પિરિયડમાં ૨૭ વર્ષના હર્ષિત શાહે નાશિક પાસે આવેલા દેવલાલીના કલાપૂર્ણમ્ તીર્થધામમાં એકલાએ જૈન  ધર્મનું અત્યંત મહત્ત્વનું ૪૭ દિવસનું ઉપધાન તપ કર્યું છે અને ગઈ કાલે તેણે તપની  પૂર્ણાહુતિરૂપે મોક્ષમાળ પહેરી  છે. તેને આ સમયના સદુપયોગ સ્વરૂપે ઉપધાન કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવાન તત્ત્વદર્શનસૂરીશ્વરજી મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘આ અચાનક મળેલી રજાઓમાં અનેક લોકોએ, સમયના અભાવે ન થઈ શકતી પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી, જૂના શોખ પૂર્ણ કર્યા તો કોઈએ નવી હૉબી ડેવલપ કરી. એ જ રીતે હર્ષિતે તેના મનમાં કેટલાંય વર્ષોથી રમી રહેલી ઉપધાન કરવાની ઇચ્છા પૂર્ણ કરી.’ 

    શુક્લધ્યાન વિજયમહારાજ આ કઈ રીતે બન્યું એ વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘એમાં એવું થયું કે વડા પ્રધાને જાહેર કરેલા જનતા-કરફ્યુના આગલા દિવસે હર્ષિત અમને મળવા બે-ત્રણ દિવસ માટે ભિવંડીથી દેવલાલી આવ્યો હતો અને ત્યારે જ જનતા-કરફ્યુની જાહેરાત થઈ અને પછી લૉકડાઉન થયું. બધું બંધ હોવાને કારણે હર્ષિતને પાછા જવાનું પૉસિબલ નહોતું બન્યું. અચાનક આ ફુરસદ મળી હતી. વળી તે અમારી સાથે   હતો એટલે અમારા બીજા સાધુમહારાજે હર્ષિતને ઉપધાન કરવાનો આઇડિયા આપ્યો.  હર્ષિતને એ આઇડિયા ગમી ગયો અને તેણે ગુરુદેવ પાસે આજ્ઞા લીધી.’ 
ગુરુદેવની સંમતિ મળતાં જ હર્ષિતે ભિવંડીમાં રહેતાં તેનાં મમ્મી-પપ્પા અને પત્ની પાસેથી અનુમતિ માગી. પત્ની ક્રિશા ખુશ થઈ અને રેણે તરત જ મંજૂરી આપી દીધી, કારણ કે તેને હર્ષિતની ઉપધાન કરવાની અદમ્ય ઇચ્છા વિશેનો ખ્યાલ હતો જ અને   તેનાં મમ્મી પણ રાજી-રાજી થઈ ગયાં.
  બીકૉમ ભણેલો હર્ષિત શાહ જૈન ભક્તિસંગીત ગાયક છે. છેલ્લાં ૧૧ વર્ષથી તે આ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. કામકાજને કારણે મહિનામાં ૨૦ દિવસ તે બહારગામ હોય છે. ઇન ફૅક્ટ છેલ્લાં ૪ વર્ષથી તે દેવલાલીમાં થતા ઉપધાનમાં સંગીત દ્વારા ભક્તિ કરાવે છે. 
જનરલી ઉપધાન જેવાં અનુષ્ઠાન સામુદાયિક સ્વરૂપે કરાવાય છે, જેમાં સેંકડો જૈનો જોડાય છે. દેવલાલીના કલાપૂર્ણમ્ તીર્થમાં અત્યાર સુધી ૩૭૦૦થી વધુ ભક્તોએ ઉપધાન તપ કર્યાં છે. આચાર્યશ્રી તત્ત્વદર્શનસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે, ‘આ વર્ષે પણ અહીં ઉપધાન તપનું આયોજન હતું, પરંતુ સરકારી આદેશને કારણે આ જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. દરમ્યાન હર્ષિતે ઉપધાન કરવાનો નિર્ણય લીધો એથી અહીંની ઉપધાન તપની પરંપરા તો જળવાઈ રહી અને સાથે સાવ એકલપંડે ઉપધાન કરવાનો નવો રેકૉર્ડ બન્યો. જોકે એ વાત પણ ઉલ્લેખનીય છે કે હર્ષિતે ખૂબ સીમિત વ્યવસ્થામાં આ તપ કર્યું છે. તેની ક્રિયાઓ માત્ર દૈહિક નથી રહી, બલકે આ ૪૭ દિવસની આરાધનામાં તેણે આંતરિક વિકાસ સાધ્યો છે.’

ગઈ કાલે હર્ષિતના જીવનનો ખૂબ મંગળ દિવસ હતો. ગઈ કાલે તેણે મોક્ષમાળા પહેરી હતી. આમ તો ઉપધાનના અંતિમ દિવસે માળાપ્રદાનનો અવસર ખૂબ ધામધૂમથી  ઊજવવામાં આવે છે, પરંતુ લૉકડાઉનને કારણે આ વન્સ ઇન લાઇફ ટાઇમ અવસર સાદાઈથી પાર પડ્યો હતો. તેના પેરન્ટ્સ, પત્ની કે કોઈ પરિવારજન હાજર નહોતાં રહી શક્યાં. હાજર હતા દેવ અને ગુરુ. 
હર્ષિત કહે છે, ‘એ ઘડીને હું ક્યારેય વીસરી નહીં શકું. પરિવાર સ્વરૂપે સાધુ-સાધ્વીજી મહાત્માઓ આ પ્રસંગે હાજર હતાં તો વડીલરૂપે સાક્ષાત્ પરમાત્માની હાજરી હતી.’

શું છે ઉપધાન તપ?
ઉપધાન તપ જૈન ધર્મમાં અતિમહત્ત્વનું તપ ગણાય છે. કુલ ૩ ઉપધાન કરવાનાં હોય છે. પહેલું ૪૭ દિવસનું, બીજું ૩૫ દિવસનું અને ત્રીજું ૨૮ દિવસનું. આ ત્રણેય ઉપધાનમાં  પૌષધ શાળામાં રહીને જૈન સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. ઇલેક્ટ્રિસિટી, કાચું પાણી કે કોઈ ઉપકરણ વાપરવાનાં નથી હોતાં તેમ જ એક દિવસ ઉપવાસ અને એક દિવસ નિવી કરવાની હોય છે, જેમાં એક જ ટાઇમ એક જગ્યાએ બેસીને લીલોતરી વગરનો ખોરાક લેવાનો રહે છે. એ ઉપરાંત એમાં ઘણી ધાર્મિક ક્રિયાઓ પણ કરવાની હોય છે.  જૈન શાસ્ત્ર અનુસાર પહેલા ઉપધાનના પહેલા ૧૮ દિવસ બાદ નવકાર મંત્ર ગણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અત્યંત માંગલિક તપની પૂર્ણાહુતિ બાદ માળારોપણ કરાય છે, જેને મોક્ષમાળ કહે છે.

‘હું ભક્તિ કરાવું છું, પરંતુ આ તપમાં જોડાઈ નહોતો શકતો. મારે પણ ઉપધાનની આરાધના કરવી હતી, પરંતુ શેડ્યુલને કારણે એકસાથે ૪૭ દિવસ કાઢવા ઇમ્પૉસિબલ  હતા એથી જ્યારે આ મોકો મળ્યો ત્યારે મને થયું કે આ તો પ્રભુની મારા પર કૃપા થઈ.   ગુરુમહારાજનો સત્સંગ, સહવાસ અને પૂર્ણ અટેન્શન. અરે, તેઓનો તો ઉપકાર માનું એટલો ઓછો.’- હર્ષિત શાહ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK