મહેનત અને હાર્ડ વર્ક: એક તક અને આસમાન અને એ પછી અંધકારની વિકરાળ દુનિયા

Published: Jul 06, 2020, 17:14 IST | Manoj Joshi | Mumbai

મહેનત કરીને આગળ વધનારાઓની સફળતા નક્કર અને મક્કમ હોય છે, જ્યારે તકનો લાભ લઈને કે પછી પીઠબળ મેળવીને આગળ વધનારાઓએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે એ પ્રકારે મળેલી સફળતા પરપોટા જેવી અને ફીણ સમાન હોય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહેનત કરીને આગળ વધનારાઓની સફળતા નક્કર અને મક્કમ હોય છે, જ્યારે તકનો લાભ લઈને કે પછી પીઠબળ મેળવીને આગળ વધનારાઓએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે એ પ્રકારે મળેલી સફળતા પરપોટા જેવી અને ફીણ સમાન હોય છે, જેનું આયુષ્ય લાંબું નથી હોતું અને એની આવરદા માટે કરેલી કોઈ પ્રાર્થના જરાપણ કામ લાગતી નથી. આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ, પણ સાથોસાથ એ પણ યાદ રાખવું જોઈએ કે નસીબજોગે જો તક મળી જાય અને ક્ષણિક સફળતા મળી જાય તો પણ તરત જ મહેનત પર લાગી જવું જોઈએ. આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અઢળક એવી વ્યક્તિઓ છે કે જેણે માત્ર અને માત્ર તકનો લાભ લઈને આસમાની સફળતા મેળવી હોય અને એ મેળવ્યા પછી ફરી એક વખત અંધકારમાં ગરક થઈ ગયા હોય. આ અંધકાર સૌથી વધારે ભયાનક અને વિકરાળ છે. એ અપસેટ કરવાનું કામ કરે છે તો સાથોસાથ એ જ અપસેટનેસ સાથે એ તમને ફરી વખત ક્યારેય ઊભા ન થઈ શકાય એવી ખરાબ રીતે પછડાટ પણ આપે છે. આપવામાં આવેલી એ પછડાટ વચ્ચે આજે અનેક એવા કલાકારો છે જે હજી પણ એ મારની પીડા સહન કરી રહ્યા છે.
એન્ટરટેઇનમેન્ટ હોય કે પછી અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, મહેનતથી ઉપર કંઈ હોઈ જ ન શકે. આપણે મહેનત કરવા માટે પૂર્ણપણે માનસિક સજ્જતા રાખવી પડશે અને એ માનસિક સજ્જતા વચ્ચે જ આપણે સૌએ આગળ વધવું જોઈએ. જો એ સજ્જતા મેળવી લીધી તો તમે ક્યારેય પરિણામની આશા સાથે જાતને નિરાશ કરવાનું કામ જાતે નહીં કરો. મહેનતમાં માનનારાઓના પણ અઢળક દાખલાઓ છે અને એ દાખલાઓ વચ્ચે જ અનેક એવા મજબૂત કલાકારો પણ આપણને મળ્યા છે જેણે એકેક દશક સુધી મજૂરથી પણ બદતર મજૂરી કરી હોય અને એના પછી અપ્રતિમ સફળતા પામી હોય. આપણે બાળકોને મહેનત માટે તૈયાર કરવા જોઈએ. મહેનત માટે બાળકોને તૈયાર કરવામાં નથી આવતાં એ સામાન્ય ફરિયાદ છે અને આ ફરિયાદ માટે મારું માનવું છે કે ન્યુક્લિયર ફૅમિલીનું જે ફૉર્મેટ વધ્યું છે એ જવાબદાર છે. આપણે સૌથી સારી રીતે અને સૌથી સક્ષમ રીતે બાળકને એ વાત સમજાવવી પડશે કે એના સિવાય પણ જગતમાં અનેક બાળકો એવાં છે જે અનેકગણાં હોશિયાર છે. તેમની હોશિયારી અને તેમના ટૅલન્ટને આપણે માન આપવું પડશે. જો માન આપી શકશો તો જ માન મેળવી શકશો અને જો માન મેળવવું હોય તો, અપાર અને તનતોડ મહેનત કરવાની તૈયારી પણ રાખવી પડશે. મહેનતનો કોઈ શૉર્ટ કટ નથી અને સફળતાની કોઈ સરળ ચાવી નથી. શાહરુખ ખાન બનવું હોય તો શાહરુખ જેવા હાર્ડ વર્કની તૈયારી દાખવવી પડશે. જો એ તૈયારી નહીં દાખવો તો તમને કિંગ ખાન કોઈ બનાવી નહીં શકે. અત્યારે નેપોટિઝમની વાતો ઇન્ડસ્ટ્રીમાં બહુ ચાલી હતી. હશે, ના નહીં, પણ એક વખત ઇન્ડસ્ટ્રીના એવા નબીરાઓ પણ જોઈ આવો, જેના નામની આગળ અને પાછળ ખાનથી માંડીને કપૂર અને ચોપરા લાગે છે અને એ પછી પણ એની સાથે કામ કરવા કોઈ રાજી નથી. મહેનત, મહેનતથી ઓછું ચાલશે નહીં અને મહેનતથી ઓછું કોઈ સ્વીકારશે નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK