નૂતન વર્ષાભિનંદન આજે આપજો સૌને દમદાર શુભેચ્છા

Published: 14th November, 2012 05:34 IST

સાચા હૃદયથી આપેલી શુભકામના સામેની વ્યક્તિના મનમાં અનેક નવી આશા અને શ્રદ્ધાનો સંચાર કરે છેબુધવારની બલિહારી - કિરણ કાણકિયા

ઝાકઝમાળ દીપાવલીની વિદાય થતાં જ ફરી એક વાર નવું વર્ષ આવી પહોંચ્યું. ૨૦૬૯-વિક્રમ સંવતનું નવું વર્ષ આકાશમાં સૂર્યનારાયણનાં રંગબેરંગી કિરણો પ્રસરાવતું આવી પહોંચ્યું છે. તેના આગમનને વધાવવા આપણે પણ સજજ બની ગયા છીએ. નૂતન વર્ષના પ્રભાતે આશાના સૂર્યોદયને વધાવવાનો આજે અવસર છે. વીતેલા વર્ષ દરમ્યાન મોંઘવારી, ભાવવધારો, હતાશા, નિરાશા અને કૌભાંડોમાં અટવાયેલા ભ્રષ્ટાચારની લીલા નિહાળ્યાં પછી પણ અરુણ પ્રભાતની આશા જાગી છે.

કવિશ્રી મકરંદ દવેના શબ્દોમાં

આંખ સામે ઊગતો દિન રાખીએ

જે મળી સૌરભ જીવનમાં ચાખીએ

કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ

રંગ અંગોમાં નવા ઘૂંટી જશે

શુભેચ્છાનું અત્તર

નૂતન વર્ષે આપણે અંતરમાં પડેલો અન્ય પ્રત્યેના સદ્ભાવ શુભેચ્છારૂપે વ્યક્ત કરીએ છીએ. શુભેચ્છાનું ઝરણું અંત:કરણની ગંગોત્રીનું નજરાણું છે. શુભેચ્છાનું અત્તર મનને શુભત્વની ભાવનાથી તરબતર બનાવે છે. એ જ એની સિદ્ધિ છે. શુભેચ્છાનું અત્તર સામેની વ્યક્તિના મનમાં નવીન આશા અને શ્રદ્ધાનો સંચાર કરશે. એની આત્મશક્તિ અને સંકલ્પબળ પરિપુષ્ટ બનશે અને એ જ એના જીવનમાં આવનારી આપત્તિઓ સામે લડવાનું બળ બનશે અને આવું થાય તો આપણી આપેલી શુભેચ્છા સાર્થક ગણાય. વળી, શુભેચ્છા પાછળ આશાવાદનું પરિબળ હોય છે અને એ જ આપણને જીવંત, પ્રગતિકારક-ગતિશીલ રાખે છે.

નવા વર્ષે નવો આશાવાદ


નૂતન વર્ષનું સૌથી મહત્વનું પાસું હોય તો એ છે આશાવાદ. નવું વર્ષ કાયમ આશાભર્યું હોય છે. ભલભલા નિરાશાવાદીઓ પણ આ સપરમા દિવસે નવી આશાઓ સેવતા હોય છે, કેમ કે એક પળ અથવા એક દિવસનો આવી આશાવાદ વ્યક્તિના જીવનને ભર્યું-ભર્યું બનાવે છે.

જીવનમાં ચડતી-પડતી, સુખ-દુ:ખ, હાર-જીત, આશા-નિરાશાનાં દ્વન્દ્વો વચ્ચે માણસે ટકી રહેવાનું છે. ‘આ દિવસો પણ વીતી જશે’ એ ઉક્તિને ધ્યાનમાં રાખીને હતાશ જીવનમાં નવી આશા સાથે નવા પડકાર સાથે જીવનને તરબતર બનાવવાનું છે. સંઘર્ષ દ્વારા મેળવેલી જીત વધારે મીઠી હોય છે. આશાના તંતુને ક્યારેય છોડવો નહીં. આશા અમર છે. જેવી ઉક્તિ લોકોના હૈયે જડાયેલી છે. નવું વર્ષ નવી આશા, નવાં અરમાનો, નવા ઉન્મેષો સાથે આપણા દિલમાં ગતિનો સંચાર કરે છે. અંતરને અનેરી ટાઢક આપે છે.

કૅનવાસ પર જ્યાં સુધી રંગ ન ભરાય ત્યાં સુધી એ કેવું નિસ્તેજ લાગે છે! બસ, આપણા જીવનનું પણ એવું જ છે. આનંદ, ઉલ્લાસ, ઉમંગ અને આશાના રંગ જીવનરૂપી કૅનવાસમાં ભરી દો. પછી જો જો... જીવનમાં કેવી બહાર આવે છે!

નવી, પાટી પર નવા અક્ષરો

નવા વરસે આપણે નવી પાટી પર આંક પાડીએ છીએ. ગઈ કાલ સુધી જે કંઈ બન્યું એ ગયા વરસની ઘટના છે, પરંતુ નૂતન વર્ષનો દિવસ ભવિષ્યનો સંકેત આપે છે. નવું વરસ એટલે ભાવિની દિશામાં ઊપડતું પ્રથમ પગલું. નવા વરસના પ્રથમ દિવસનો મહિમા હોય છે. આમ તો આ દિવસ બીજા કોઈ પણ દિવસ જેવો હોય છે. સૂર્ય તેના સમયે ઊગે છે - આથમે છે. છતાં વરસમાં એક દિવસ નવા વરસનો પ્રથમ દિવસ બની જાય છે. રોજિંદી ઘટમાળમાં નવું વરસ ઉગમબિંદુ છે. નવી પાટી પર નવા અક્ષરો પાડવાનો સંકેત કરે છે.

વ્યક્તિ તરીકે, સમાજ તરીકે, રાષ્ટ્ર તરીકે અને વિશ્વ માનવી તરીકે આ દિવસે આપણી નિષ્ઠાને નવેસરથી મૂલવવાની તક મળે છે. આપણે અન્યો માટે શું કરી શકીએ? તેને કઈ રીતે મદદરૂપ બની શકીએ!

આવ્યું છે નવુંનક્કોર વરસ, સવાર છે સલૂણી ને સરસ,

છિપાવવા કોઈની ભૂખતરસ, વરસ મિત્ર તું ઉદાર મને વરસ!!


કોઈ રાંકડા, ગરીબ ભૂખ્યા માણસને તમે પૈસા આપો, એના કરતાં તેને બિસ્કિટ, પાંઉ કે ગાંઠિયા લઈને ખવરાવો. જો-જો, તેના ચહેરા પર સંતોષનો, તૃપ્તિનો ધરવ નિહાળવા મળશે.

સાથે મળીને કરીએ પ્રાર્થના

નૂતન વર્ષે આશા સેવીએ કે ભૂખ્યાને ભોજન અને બેઘરને ઘર મળી રહે. મોંઘવારી અને ભાવવધારો કાબૂમાં રહે. ભ્રૂણહત્યા ન કરીએ અને દહેજના ખપ્પરમાં કોઈ સ્ત્રી ન હોમાય તથા સ્ત્રીઓનું જાતીય શોષણ, બળાત્કાર ન થાય. દેશમાં દરેક બાળકી શિક્ષણનો લાભ લે અને શિક્ષિત બને. સ્ત્રીઓ આત્મહત્યા કરવા ન પ્રેરાય તેવો માહોલ રચાય. વધુ ને વધુ વૃક્ષો વાવી હરિયાળું વાતાવરણ બનાવીએ જેથી પ્રદૂષણમુક્ત બની શકાય. વાહનોના અકસ્માતો ઓછા સર્જાય. સ્વચ્છતાને મંત્ર બનાવીએ તથા કોઈ પણ ચીજના અતિરેકના બગાડથી બચીએ. ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા સૌ કટિબદ્ધ થાય કે લાંચ લઈશું નહીં ને આપીશું નહીં અને હે પ્રભુ! કોઈ પણ કુદરતી આફત જેવી કે સુનામી, ભૂકંપ, વાવાઝોડુ વગેરે ન સર્જાય.

નવો ઉઘાડ

આ નૂતન વર્ષે આપણે પણ આપણા જીવનમાં નવી તાજગી અર્પે એવો નવો ઉઘાડ પામવો છે અને પામીને પણ પામવા જેવું કશુંક પરમ ગાંઠે બાંધીએ.

માત્ર કૅલેન્ડર બદલવાથી નવું વર્ષ શરૂ થતું નથી - નવું વર્ષ આત્મનિરીક્ષણ ઝંખે છે. આત્મવિકાસ, જન્મજાગૃતિ માટે કંઈક નવું કરવા માટે તત્પર થઈએ.

નવા પ્રાણ પુરાય જીવનમાં, નવો વેગ જીવન પામે નવા ઉમંગો ઊઠે હૃદયમાં, નવું વર્ષ તો કહેવાશે.

નૂતન વર્ષનો અરુણોદય નવાં અરમાનો, નવી કલ્પનાઓ, નવી આશાઓ, નવી તાજગી અર્પે એ જ મંગલભાવના! સૌ માટે નવું વર્ષ શાંતિમય નીવડે, જૂના રાગ-દ્વેષ ભૂલી સૌ સાથે પ્રેમથી હળીમળીને રહીએ. તથા સહુના જીવનમાં સુખ-સમૃદ્ધિ, નિરામય આરોગ્ય અને સદાય પ્રસન્નતા રહે એવી શુભકામના!

આજ મુબારક - કાલ મુબારક

દરિયા જેટલું વહાલ મુબારક

નવા વર્ષના સાલ મુબારક

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK