કોઈ સંપન્ન પરિવાર સુખી ક્યારે કહેવાય?

Published: 9th October, 2012 06:00 IST

જે પરિવારમાં વડીલોનો આદર હોય, પ્રેમભાવ અને એકતા હોય ત્યાં જ હૅપીનેસની કલ્પના કરી શકાય. ખૂબ જૂજ જોવા મળતા આવા એક કુટુંબની દાસ્તાનમંગળવારની મિજલસ - તરુ કજારિયા

પ્રવાસ મને બહુ ગમે છે. આમ તો આપણે કોઈક વ્યાવસાયિક કે અંગત કામસર કે પ્રસંગોચિત પ્રવાસ કરતા હોઈએ. પ્રવાસ કરીએ ત્યારેય એમાં રિલેક્સ થવાનો કે નવી જગ્યાઓ જોવા-માણવાનો હેતુ હોય, પરંતુ એ કામ કે હેતુ પૂરો કરવા ઉપરાંત પણ પ્રવાસ આપણને ઘણું બધું આપી શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એટલે કે ટ્રેન-પ્લેન કે બસમાં ટ્રાવેલ કરતાં-કરતાં બહારની દુનિયાનાં સતત બદલાતાં દૃશ્યો નજરને તૃપ્ત કરે છે તો સહપ્રવાસીઓની સંગતમાં જીવનને જોવાની નવી દૃષ્ટિ કેળવાય છે. કદાચ આ કારણસર જ બહારગામ જવાનું ગમે છે. દરેક પ્રવાસ પહેલાં ‘આ વખતે કયો નવો અનુભવ મળશે?’ એ કુતૂહલ ધબકતું હોય છે.

તાજેતરમાં એક ટ્રેનપ્રવાસ દરમિયાન એક મજાના પરિવારનો સંગાથ થયો. એક યંગ કપલ, તેમની આઠેક મહિનાની બેબી અને યુવાનની મમ્મી. એ લોકો સંપન્ન ઘરના હતા એ તો તેમના પહેરવેશ અને લગેજ પરથી જણાઈ આવતું હતું. એ પરિવારનું નામ-ઠામ તો જાણતી નથી, પરંતુ ઓગણીસ કલાકની જર્ની દરમ્યાન જે જોયું એના પરથી લાગ્યું કે તેઓ સુખી પણ હતા!

સંપન્ન એટલે કે ધનવાન કે અમીર હોય તે ઑલવેઝ સુખી હોય એવું સામાન્ય રીતે મનાતું હોય છે, પણ હકીકત હંમેશાં એ નથી હોતી. ઍની વે! એ યંગ પુત્રવધૂ અને તેની પચાસ-પંચાવન વર્ષની સાસુ વચ્ચેનું ટ્યુનિંગ અને અન્ડરસ્ટૅન્ડિંગ, યુવાનની પત્ની માટેની કાળજી, બન્નેનો મમ્મી માટેનો આદર અને તે ત્રણેયનો પેલી નાનકડી ઢીંગલી માટેનો પ્રેમ જોઈ હૃદય આનંદથી તરબોળ થઈ ગયું. અને આ બધાથી વધુ સુખદાર્ય તો તેમના ઘરના અન્ય સભ્યો, જે ત્યાં હાજર નહોતા તેમનો એકમેક સાથેનો લગાવ અને એકમેક માટેની કાળજી જોઈને થયું!

મોડી સાંજે મુંબઈથી જર્ની શરૂ થઈ ત્યારથી તે બીજે દિવસે બપોરે જયપુર સ્ટેશન પર ઊતર્યા ત્યાં સુધી તે નાનકડી બાળકી એક પણ વાર રડી નહોતી. ખિલ-ખિલ કરીને હસતી-હસતી કે ટગર-ટગર કરીને જોતી રહેતી હતી, અને તેના એ તંદુરસ્ત પ્રવાસ માટે ક્રેડિટ પેલા ત્રણેય ઍડલ્ટ્સને આપવી પડે. તેમના બધા જ પ્રયત્નો પેલી નાની બાળકીને કેમ કન્ફર્ટેબલ ફીલ કરાવવું એ દિશાના હતા. સિનિયર સ્ત્રી પોતાના અનુભવનો લાભ આપતી હતી તો યંગ પુત્રવધૂ ઉત્સાહ અને  વિવેકથી વર્તતી હતી. યુવાન પણ શક્ય હોય ત્યાં મા અને પત્નીને મદદરૂપ થતો હતો. એક પણ વાર તે કે તેની મમ્મી ઊંચે અવાજે બોલતાં ન સંભળાયાં! ના તો પેલી યુવતીના ચહેરા પર કંટાળાનો કે ચીડિયાપણાનો ભાવ જોવા મળ્યો! વાંચવામાં કદાચ આ વાત બહુ સામાન્ય લાગશે, પરંતુ પ્રૅક્ટિકલી એ કેટલું દુષ્કર છે એનો મોટા ભાગના લોકોને અનુભવ હશે.

આરામદાયી મોકળાશભર્યા ઘરની સગવડમાંથી નાના બાળકને ટ્રેનની મર્યાદિત જગ્યામાં જકડી રાખવું, સમય-સમય પર તેનું ફૂડ તૈયાર કરવું અને ચોકસાઈપૂર્વક તેને ખવરાવવું-પીવડાવવું, સાંકડી જગ્યામાં શાંતિપૂર્વક સુવડાવવું- આ બધુ જ બહુ સિસ્ટમૅટિકલી થતું હતું. ક્યારેક યુવતી તો ક્યારેક દાદી- એકબીજાની જરૂરિયાત પારખી બોલ્યા વિના જ બધું વારાફરતી સ્મૂધલી કરતાં હતાં. એ જોઈને મને કોઈ ઑફિસના અનુભવી, કાબેલ અધિકારીઓ તથા ઉત્સાહી યંગસ્ટર્સની ટીમ યાદ આવતી હતી. તે સાસુ-વહુની સંવાદિતાભરી જુગલબંદીનું રહસ્ય જાણવાનું મન થાય એ સહજ હતું. ત્યાં રાત્રે એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું! સાસુએ સૂચવ્યા મુજબ ત્રણેક જુદી-જુદી આઇટમ પેલી પુત્રવધૂએ તૈયાર કરી અને બેબીને જમાડવાની કોશિશ કરી, પણ પેલી ચૂઝી બેબીને એકેય પસંદ ન આવી. આખરે દાદીએ પૌત્રીને ખોળામાં લીધી અને તેને જમાડવા લાગી. સાથે જ તેમણે દીકરાના મોબાઇલ પરથી મુંબઈ ફોન જોડાવી સ્પીકર ફોન ઉપર રખાવ્યો. સામે છેડે તેમનો મોટો દીકરો હતો. તેને કહ્યું કે બેબી સાથે વાત કર. લાગે છે એ તને બહુ મિસ કરે છે. તરત તે ‘બડે ચાચુ’એ પ્રેમથી પેલી આઠ મહિનાની બેબી સાથે વાત કરવી શરૂ કરી. અજાણ્યા માહોલમાં જેની ગેરહાજરી સાલતી હતી તે ચાચુનો અવાજ પેલી ટબૂકડી કુતૂહલથી સાંભળતી રહી અને દાદીએ તેને જમાડી દીધી! પછી મુંબઈવાળા દીકરાને ફોન મૂક્યો! આ ઘટનાક્રમ દિલને સ્પર્શી જાય એવો સુખદ હતો. એક નાનકડી બાળકી જે સામે રિસ્પૉન્ડ પણ કરતી નથી, તેની સાથે દસ-પંદર મિનિટ સુધી વનસાઇડેડ સંવાદ જારી રાખનાર મુંબઈ બેઠેલા તે દીકરા પ્રત્યે માન ઊપજ્યું જ, પણ એનાથીયે વધુ આદર તે જાજરમાન સ્ત્રી પ્રત્યે જન્મ્યો! કેવા પ્રેમાળ પરિવારની તે વડીલ હતી! કેટલી અન્ડરસ્ટૅન્ડિંગ! એકબીજાની કૅર અને કન્સર્ન! જે કન્સર્ન અને વહાલ તેને પોતાની પૌત્રી માટે હતું એને એવા જ પસ્પ્રેક્ટિવમાં સમજવાની મૅચ્યોરિટી તેના મોટા દીકરામાં હતી. તે સ્ત્રીને મનમાં કોઈ જ સંકોચ કે ડર નહોતો કે દીકરો ઘઘલાવી નાખશે કે આ શુ ગાંડાવેડા છે! ઑન ધ કૉન્ટ્રેરી, તેને ખાતરી હતી કે દીકરો તેની વાત તરત સમજી જશે! અને નાના ભાઈની ટબૂકડી માટે પોતાનો ટાઇમ સ્પેર કરશે! ખરેખર એમ જ થયું હતુ! પછી તો નવી પેઢીની પુત્રવધૂએ  બહારગામ હોય એ દરમ્યાન દીકરીને જમાડવાનો સ્માર્ટ કીમિયો શોધી લીધો : ‘મમ્મીજી, બડે ભૈયા કી આવાઝ રેકૉર્ડિંગ કરકે MMS મંગવા લેતે હૈ!’

તે સ્ત્રી સાથે પછી વાતો કરવાની તક મળી. મુંબઈમાં બે દીકરાઓ, બે વહુઓ અને બે પૌત્રીઓ સાથે મમ્મી-પપ્પાનો તેમનો બહોળો પરિવાર છે. એમાં પ્રવર્તતા પ્રેમ અને આદરના સામ્રાજ્યની ઝલક મને જોવા મળી હતી. એટલે મારા મનનો સવાલ હોઠ પર આવી ગયો: ‘કઈ રીતે કરી લો છો આવું સુંદર સંચાલન?’ તેમણે કહ્યું : ‘આ જેમ મારા દીકરાને સાંભળ્યોને, એમ જ તેની પત્ની પણ એવી જ અટૅચ્ડ છે. બન્ને વહુઓ બહેનોની જેમ રહે છે, અને મારી તેમને સ્પષ્ટ સૂચના છે કે તમને ક્યારેય કોઈ ઇશ્યુ થાય કે કોઈ કંઈક કહે તો સૌથી પહેલાં મારી પાસે આવીને વાત કરવી. તે બન્ને મારા શબ્દનો આદર રાખે છે અને ઘરમાં ક્યાંય ક્લેશ નથી. બસ, ભગવાન પાસે પણ પરિવારની આ પ્રેમની મૂડી સતત વધતી રહે એટલું જ માગું છું, બીજી કોઈ માયા નથી જોઈતી!’ તેની વાત સાંભળી કેટલાય વત્સલ ચહેરાઓ નજર સામેથી પસાર થઈ ગયા. કમનસીબે તે બધા એટલા સૌભાગ્યશાળી નહોતા!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK