ખરાખરીની ખુદવફાઈ

Published: 1st November, 2020 14:06 IST | Dr. Dinkar Joshi | Mumbai

સુખ થોડુંક શીખવાથી નથી મળતું, પણ હજી શીખવાનું કેટલું બાકી છે એ જાણવાથી મળે છે અને કેટલું બાકી છે એ કદી જાણી શકાતું નથી, કારણ કે જ્ઞાન સીમિત છે અને અજ્ઞાન અસીમ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માણસ જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નો શા માટે કરે છે? અજ્ઞાન એ જ જો સુખ હોય તો જ્ઞાનની આવશ્યકતા શું છે? માણસ વેદકાળથી માંડીને આજના કોરોનાકાળ સુધી વધુ ને વધુ જાણકારી મેળવીને જ્ઞાની થવાના પ્રયત્ન શા માટે કરે છે? જ્ઞાની થવું એટલે અજ્ઞાનનું માપ લેવું. આ માપ લેતાં સમજાઈ જાય છે ત્યારે માણસને જ્ઞાનના સીમાડા ઓળખાઈ જાય છે અને આ સીમાડાની જાણકારી એ જ સાચું જ્ઞાન છે.

માનવજીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાક આ ત્રણ પાયાની જરૂરિયાતો છે. ખોરાક વિના માણસ ૨૫, ૫૦ કે ૧૦૦ જેટલા દિવસ સુધી ટકી શકે. પાણી વિના માણસ બહુ-બહુ તો બે-પાંચ દિવસ જીવન ટકાવી શકે અને હવા વિના થોડાક કલાકો જીવી પણ શકે છતાં માનવજીવનની કોઈ પણ પળ એવી નથી કે તેના મનમાં કોઈ ને કોઈ પ્રકારનો પ્રશ્ન પેદા ન થયો હોય. એમ કહે છે કે જીવનના અંતિમ શ્વાસ વખતે પણ માણસના મનની પ્રક્રિયા ચાલુ જ રહે છે. તેનાં તમામ અંગો લગભગ નિષ્ક્રિય થઈ ગયાં હોય તો પણ મન નામનું અંગ જે શરીરમાં ક્યાંય નથી એ સક્રિય હોય છે. એની પાસે વિચારો હોય છે, એની પાસે પ્રશ્નો હોય છે. આ કામ કરવાનું છે, આ કામ થયું નથી, આ કામ હવે ક્યારે થશે એવા કંઈ ને કંઈ પ્રશ્નો મરણ સમયે પણ ઘૂમરાતા હોય છે. 

બાળક જ્યારે જન્મે છે ત્યારે સંપૂર્ણ શુદ્ધ હોય છે. તેની પાસે કોઈ પ્રશ્ન હોતો નથી. જો કોઈ પ્રશ્ન હોય તો એ માત્ર એટલો જ હોય છે કે જનેતાના દૂધની શોધ. આમ તો આ પ્રશ્ન પણ હોતો નથી, પણ જન્મતાવેંત તેની આ જરૂરિયાત છે. જોકે તેને પોતાને પણ આ જરૂરિયાતની હજી ખબર હોતી નથી. અજ્ઞાનનું પરમ સુખ માણતી એ અવસ્થા ભારે સુખદ હોય છે.

જ્ઞાન અને અજ્ઞાન આ બે સમજવા જેવા શબ્દો છે. આપણે એને જે રીતે સમજીએ છીએ એ વ્યવહારિક સગવડિયો અર્થ છે. વાસ્તવમાં આ બે શબ્દો જે રીતે સમજાય છે એ કરતાં જુદા છે. અમુક જાણકારીને આપણે જ્ઞાન કહીએ છીએ. ન્યુટન એક ઝાડ નીચે ઊભો હતો અને એ ઝાડ પરથી એક ફળ નીચે પડ્યું ત્યારે તેને પ્રશ્ન થયો. આ ફળ ઉપરથી નીચે જ કેમ આવ્યું? વૃક્ષની શાખાથી છૂટું પડીને એ ઉપર કેમ ન ગયું? ન્યુટનના મનમાં પેદા થયેલા આ પ્રશ્ને જગતને જે જવાબ આપ્યો એ જવાબ ખરેખર જ્ઞાન જ હતું, પણ એમાં કંઈ નવું નહોતું. અગાઉ લાખો વૃક્ષો પરથી કરોડો ફળોને નીચે ટપકી પડતાં અસંખ્ય માણસોએ જોયાં હતાં. આવું જોનારા માણસો કંઈ બુદ્ધિહીન નહોતા; શાણા હતા, સમજદાર હતા. દુનિયાના પ્રશ્નો સમજી શકે એવા હતા અને આમ છતાં ન્યુટનને થયો એવો પ્રશ્ન કોઈને થયો નહોતો. આ પ્રશ્ને જગતને જ્ઞાન આપ્યું, એનો અર્થ એવો તો નથી જ થતો કે પ્રકૃતિનું સંપૂર્ણ જ્ઞાન માણસ પાસે આવી ગયું. ગુરુત્વાકર્ષણનું જ્ઞાન તો જગતમાં હતું જ, માત્ર એ આપણને જડ્યું નહોતું, ન્યુટનને એ જડી ગયું. જે રીતે કોલંબસ હિન્દુસ્તાનનો દરિયાઈ માર્ગ શોધવા માટે નીકળી પડ્યો અને તેને અમેરિકાનો દરિયાકિનારો મળી ગયો. તેને નવું જ્ઞાન મળ્યું, પણ અમેરિકાના આ દરિયાકિનારાને તેણે શરૂઆતનાં વર્ષોમાં હિન્દુસ્તાનનો જ કિનારો માન્યો હતો. અમેરિકાનો કિનારો મળ્યો એટલે નવું જ્ઞાન મળ્યું, પણ એ જ્ઞાન તે શોધતો હતો એ હિન્દુસ્તાનનો કિનારો નહોતો.

માધ્યમિક શાળામાં ભૂમિતિના વિષયમાં જ્યારે સમજણ નહોતી પડતી ત્યારે ભૂમિતિના પ્રમેયો અને આકૃતિઓને ફટાફટ હલ કરી શકનારા શિક્ષકો ભારે જ્ઞાની લાગતા. એમાંય પાયથાગોરસના પ્રમેય પાસે મારી નોટબુકનું પાનું સાવ કોરું રહેતું ત્યારે મને થતું કે જો પાયથાગોરસ આપણને આવડી જાય તો ભારે જ્ઞાની થઈ જઈએ. વખત જતાં થોડી વધુ મહેનત કર્યા પછી પાયથાગોરસ સમજાઈ ગયું. સમજાઈ ગયું ત્યારે ભારે આનંદ-આનંદ થઈ ગયો. એમ લાગ્યું જાણે આખી ભૂમિતિ આવડી ગઈ, પણ થોડી જ વારમાં સમજાયું કે ભૂમિતિ તો લાંબીલચક છે. પાયથાગોરસ તો પાયાની એક વાત થઈ, જે શિખાયું છે એ અલ્પ છે અને જે શીખવાનું બાકી છે એ તો અનંત છે, ત્યારે પહેલી જ વાર નજર સામે દીવો પ્રગટ્યો, અંધકારમાં પ્રકાશ ઝળાહળ થયો. સુખ થોડું શીખવાથી નથી મળતું, પણ હજી શીખવાનું કેટલું બાકી છે એ જાણવાથી મળે છે અને કેટલું બાકી છે એ કદી જાણી શકાતું નથી, કારણ કે જ્ઞાન સીમિત છે અને અજ્ઞાન અસીમ.

તો પછી માણસ જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નો શા માટે કરે છે? અજ્ઞાન એ જ જો સુખ હોય તો જ્ઞાનની આવશ્યકતા શું છે? માણસ વેદકાળથી માંડીને આજના કોરોનાકાળ સુધી વધુ ને વધુ જાણકારી મેળવીને જ્ઞાની થવાના પ્રયત્નો શા માટે કરે છે? જ્ઞાની થવું એટલે અજ્ઞાનનું માપ લેવું. આ માપ લેતાં સમજાઈ જાય છે ત્યારે માણસને જ્ઞાનના સીમાડા ઓળખાઈ જાય છે અને આ સીમાડાની જાણકારી એ જ સાચું જ્ઞાન છે.

માનવીય સંબંધોમાં જ્યારે પરસ્પરના સંબંધો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એક અદ્ભુત સમજદારી નજર સામે આવે છે. દુનિયાના સંખ્યાબંધ માણસો વચ્ચે જે સંબંધો વર્તાય છે એને આપણે આપણી સામાજિક જરૂરિયાત પૂરતા જુદા-જુદા નામથી ઓળખીએ છીએ. માણસ એક પ્રજાતિ છે અને પ્રજાતિઓ પરસ્પરના સંબંધોને આવા કોઈ નામથી સાંકળતી નથી. માણસ પરસ્પરના સંબંધોને ચોક્કસ નામથી ઓળખે છે. આમાં રહસ્યમય પ્રશ્ન એ જ પેદા થાય છે કે કોઈ સંબંધો એવા ને એવા તરોતાજા રહેતા નથી. માણસ આ જુએ છે, જાણે છે, સમજે છે અને છતાં એને આત્મસાત્ કરી શકતો નથી. સંબંધોનું રસાયણ જો એક વાર સમજાઈ જાય તો આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય ઓગળી જાય છે. આ રસાયણ પ્રાકૃતિક છે. એમાં કોઈ કશો ફેરફાર કરી શકે નહીં. વર્ષો પૂર્વે જે સંબંધો વચ્ચે ભાવ અને નિકટતા હોય એ જ ભાવ અને નિકટતા સદાય એવાં ને એવાં જ જળવાયેલાં રહે એવી અપેક્ષા રાખવી એ અજ્ઞાન છે. પ્રાકૃતિક રસાયણશાસ્ત્રને નહીં જાણવા બરાબર છે. આમાં કોઈ અપ્રામાણિક નથી હોતું, આ માત્ર વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો સ્વીકાર એટલે જ્ઞાન.

અંકગણિતમાં શૂન્યની કોઈ કિંમત નથી, પણ શૂન્ય વિના આખું અંકગણિત નથી. જેનું કોઈ મૂલ્ય નથી એ શૂન્ય એકડાની પછી મૂકવામાં આવે તો એનું મૂલ્ય દસ ગણું થઈ જાય છે. એકલો એકડો સાવ ખાલીખમ હોય છે, પણ એ એકડો જેવો શૂન્યને પોતાના પડખે લે છે કે તરત જ એ દસ ગણો સમૃદ્ધ થઈ જાય છે. આંકડાનું આ સૌંદર્ય સમજવા માટે દરેક મીંડાને આપણે ૧૦ ગણી વૃદ્ધિ પામતાં નામ આપ્યાં છે જેમ કે દસ, સો, હજાર, લાખ, કરોડ અને અબજ. અબજ પછીનાં ૧૭ શૂન્યોને દસ ગણી વૃદ્ધિ સાથે ભારતીય અંકશાસ્ત્રે ઓળખાવ્યાં છે, પણ વ્યવહારમાં અબજ પછી આપણે એને કામકાજમાં સ્વીકાર્યાં નથી. આજે બન્યું છે એવું કે આપણે આંકડાઓને એવી જબરદસ્ત જાળમાં ગૂંથીએ છીએ કે કયો આંકડો મોટો અને કયો આંકડો નાનો એ સમજવા માથું ખંજવાળવું પડે. અખબારમાં વાંચીએ છીએ કે ૨૧૪૩ લાખ કરોડ એટલે કેટલા અને ૧૨,૫૯૩ હજાર કરોડ એટલે કેટલા એ સમજવા માટે આપણું એકથી દસ સુધીનું અંકગણિત અપૂરતું થાય છે. અંકગણિત એટલે આંકડા, પણ આંકડા સાંકડા નથી હોતા. આંકડા સુખ, જ્ઞાન અને સંખ્યાબંધ પ્રશ્નોની ઓળખ આપે છે. એને ઓળખવા થોડી ખુદવફાઈ કેળવવી પડે. આ ખુદવફાઈ શબ્દ સમજવા જેવો છે. માણસ પ્રચંડ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ ખુદવફાઈ પાસે બે ક્ષણ બેસવું એ ભારે અઘરું કામ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK