Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનમાં સુખ સાથે રહીને પણ મળે અને એકલા રહીને પણ

જીવનમાં સુખ સાથે રહીને પણ મળે અને એકલા રહીને પણ

02 December, 2020 04:25 PM IST | Mumbai
Sejal Ponda

જીવનમાં સુખ સાથે રહીને પણ મળે અને એકલા રહીને પણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન-કૅનેડિયન ઍક્ટર અને કૉમેડિયન જિમ કૅરીનું એક સુંદર વાક્ય છે: જ્યારે તમે એકલા ખુશ રહેવાનું શરૂ કરો છો ત્યારે બધા જ તમારી સાથે રહેવાનું નક્કી કરે છે. વાંચીને ચહેરા પર સ્મિત આવી જાય અને વાક્યમાં રહેલો કટાક્ષ પણ સમજાઈ જાય.

માણસ કોઈ પણ સંજોગોમાં જીવતો હોય, જગતને ચંચુપાત કરવાની મજા આવતી હોય છે. જો માણસ એકલો રહેતો હોય તો તે એકલો શું કામ છે? તેની સાથે શું બન્યું એ જાણવાની ઉત્સુકતા જગતને હોય છે. માણસે એકલા ન રહેવું જોઈએ. કોઈ કમ્પૅન્યન શોધી લેવો જોઈએ. આખી જિંદગી એકલા રહેવું અશક્ય છે વગેરે જેવી સલાહ જગત એના પટારામાંથી બહાર ફેંકતો રહે છે. જગત એટલે આખું જગત નહીં, જગતના અમુક ટકા લોકો જેમની ચાંપતી નજર તેમના ઓળખીતાની દરેકે દરેક મૂવમેન્ટ પર હોય છે. જેમનો રસ... મદદ કરવાનો નહીં પણ માણસ એકલો કઈ રીતે જીવી શકે એ જાણવાનો વધુ હોય છે.



માણસ પરિવાર સાથે રહેતો હોય તો પણ જગતના એ અમુક ટકા મહાનુભાવોને એ જાણવામાં રસ હોય છે કે પરિવારમાં માણસ કઈ રીતે રહે છે. ઝઘડા થાય છે કે નહીં? પ્રૉપર્ટી કોના નામે છે? વર્ષમાં કેટલી વાર પરિવાર ફરવા જાય છે? ફરવા જાય છે તો સાથે જાય છે કે મિત્રો સાથે ફરવા જાય છે? મિત્રો સાથે ફરવા જાય છે તો પરિવાર સાથે ફરવા કેમ નથી જતા? શું પરિવાર સાથે મનમેળ નથી? તેમના મનમાં ઉદ્ભવતા આવા સવાલોનો જવાબ શોધવા આવા મહાનુભાવો સતત સંપર્કમાં રહેવાની કોશિશ કરતા‍ હોય છે. અને પોતાનો સંપર્ક ન થઈ શકતો હોય તો બીજા થ્રૂ પોતાના સવાલોના જવાબ શોધવાના પ્રયત્ન ચાલુ રાખે છે.


કોઈ પણ મનુષ્ય હોય, કાં તો તે સુખી રહી શકે કાં તો દુખી. હવે માણસ સુખી રહેતો હોય તો તેના સુખની ઈર્ષા કરનારાઓ એ માણસ સુખી કેમ છે એનું કારણ શોધવા પોતાનો સમય બરબાદ કરતા હોય છે. અને જો માણસ દુખી હોય તો એ માણસ વિશે ખોટી વાતો ફેલાવવામાં પોતાની મહાનતા સમજતો હોય છે.

માણસ એકલો હોય એટલે દુખી જ હોય, વિલાપ જ કરતો હોય એવી માન્યતા જગતના મોટા ભાગના લોકોમાં ઘર કરી ગઈ હોય છે. અને માણસ પરિવાર સાથે રહેતો હોય તો સુખી જ હોય, ખુશ જ રહેતો હોય એવી ગ્રંથિ મોટા ભાગના લોકો રાખીને બેસતા હોય છે. સંસારના કંસારની મીઠાશ વર્ષો સુધી અકબંધ રહેતી જ નથી એ વાસ્તવિકતા છે. એકે એવું ઘર કે પરિવાર નહીં હોય જ્યાં મનમુટાવ નહીં હોય, ડિફરન્સિસ નહીં હોય. જ્યાં આર્ગ્યુમેન્ટ ન થતી હોય કે જ્યાં માત્રને માત્ર સુખની રેલમછેલ રહેતી હોય. એ શક્ય જ નથી, કારણ કે જુદી-જુદી વ્યક્તિઓ એકસાથે રહેતી હોય ત્યાં મતભેદ તો થવાના જ છે. પણ એ મતભેદને દરેક પરિવાર પોતપોતાની રીતે હૅન્ડલ કરતા હોય છે. કોઈક જતું કરતું હોય, કોઈ ઉગ્ર બની જતું હોય, કોઈ મનમાં ગાંઠ રાખીને બેસતું હોય. જીવનમાં સુખ સાથે રહીને પણ મળે અને એકલા રહીને પણ મળી શકે. સાથે રહીને તમે સુખી થશો એની કોઈ ગૅરન્ટી નથી. એવી જ રીતે એકલા રહીને પણ તમે સુખી થશો એની પણ કોઈ ગૅરન્ટી નથી. સુખ આંતરિક અવસ્થા છે. એને સિંગલ વ્યક્તિ કે કપલ સાથે કોઈ લેવાદેવા જ નથી. માણસ સાથે રહીને સુખી કે દુખી રહી શકે. એવી જ રીતે માણસ એકલા રહી સુખી કે દુખી રહી શકે. બધું જ વ્યક્તિ પર નિર્ભર છે.


મૂળમાં આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એમાંથી સુખ શોધવાનું હોય. પરિવાર સાથે રહીને પણ દુખી રહેતા લોકોની કમી નથી અને એકલા રહીને ખુશ રહેતા લોકોને નજરઅંદાજ કરી શકાય એમ નથી. કોઈ વ્યક્તિ તમને સુખી કરી શકે, ખુશી આપી શકે એ બહુ બાલિશ વિચાર છે. હા, કોઈ વ્યક્તિના આવવાથી જીવનમાં બદલાવ આવી શકે, પણ તમે સંપૂર્ણ સુખી બની ગયા એવું તમે ન કહી શકો. તમારી મરજી પ્રમાણેનું કંઈ ન બન્યું તો તરત તમે દુખી થઈ જશો. આપણી અંદરની ઇચ્છા અને અપેક્ષા આપણને સુખ-દુઃખના વિચાર તરફ લઈ જાય છે.

એકલતા એટલે દુઃખ અને ભેગા રહેવું એટલે સુખ આ વ્યાખ્યા આપણે બનાવી છે. બન્ને સંજોગોમાં માણસ સુખ અને દુઃખ બન્નેનો અનુભવ કરી શકે છે. બન્ને સંજોગોમાં ન તો સુખ કાયમ રહે છે ન તો દુઃખ.

 કવિ મુકેશ જોશીની રચના છે ઃ

સુખની આખી અનુક્રમણિકા અંદર દુઃખનાં પ્રકરણ

તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ

ઘણી વ્યક્તિઓ એવું માનતી હોય છે કે જીવનની અનુક્રમણિકામાં ઈશ્વરે સુખનાં પ્રકરણ મૂક્યાં છે. પણ જ્યારે પ્રકરણ ઉઘાડાં પડે છે ત્યારે સુખ ગાયબ થઈ જાય છે અને દુઃખ વર્તાય છે. વાત આપણા નજરિયાની છે.

સુખી અને ખુશ રહેતા માણસ સાથે દરેક જણ જોડાવા માગે છે. એમાંય જો ખબર પડે કે એકલો રહેતો માણસ સુખી છે તો એ માણસને એક સમયે એકલો મૂકી દેનાર લોકો જ તેના સુખમાં કૂદકો મારવા થનગનતા હોય છે. તમે એકલા છો અને સુખી છો એ જાણીને તો તેમને રાત્રે કદાચ ઊંઘ નહીં આવતી હોય.

આપણે એ વાત તરફ ધ્યાન જ નથી આપ્યું કે સુખને એકલા કે બેકલા હોવા સાથે કોઈ સંબંધ જ નથી. સુખી થવું એક કલા છે. આ કલા માણસ ધીરે-ધીરે પોતાની અંદર ડેવલપ કરી શકે છે. તમે ખુશ છો એટલે તમે સુખી છો. તમે નાખુશ છો એટલે તમે દુખી છો. પસંદગી તમારી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 04:25 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK