Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હેન્ડસમ અને બ્યુટીફુલઃ પહેલી ફરજ છે તમારી

હેન્ડસમ અને બ્યુટીફુલઃ પહેલી ફરજ છે તમારી

09 August, 2020 06:25 PM IST | Mumbai Desk
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

હેન્ડસમ અને બ્યુટીફુલઃ પહેલી ફરજ છે તમારી

હેન્ડસમ અને બ્યુટીફુલઃ પહેલી ફરજ છે તમારી


આજે રવિવાર છે અને આજે રજા છે. આમ તો લોકડાઉન વચ્ચે મોટાભાગના દિવસ રવિવાર જેવા જ હતાં પણ એમ છતાં અનલોક ૩.૦ સીરિઝ ચાલે છે એટલે આપણે આજના આ દિવસને સાચાં રવિવાર તરીકે લઈ અને રવિવાર હોય એટલે રજા હોય, રજા હોય એટલે બધાને જલસો હોય. રજાની વાત છે ત્યારે કહું કે જેની રવિવાર વિકલી ઓફ નથી હોતી એવા લોકોની મને બહુ દયા આવે.
વીકલી-ઑફ રવિવારની જ હોવી જોઈએ અને રવિવારની રજામાં જ મજા છે. કોર્પોરેટમાં તો સન્ડેનો વીક્લી-ઑફ બોસિઝને જ મળે કે પછી સીનિયર ઓથોરિટીને મળે એટલે જો તમે સન્ડેનો વીકલી-ઑફ ભોગવતાં હો તો તમારે તમારી જાતને સીનિયર ઓથોરિટી માનવાની છે. રવિવારે કામ કરવાની વાત હંમેશા કંટાળો આપનારી લાગે. રવિવારે જાગીએ ત્યારથી જ રજાનો માહોલ હોય અને રજાના આ માહોલમાં બધાને નિરાંત હોય. એ મસ્ત રીતે આરામથી જાગવાનું, મસ્તમજાનો ગાંઠીયા અને ચાનો નાસ્તો કરવાનો. હું હંમેશા એવું કહું કે પંજાબીના માથે ફેંટો અને ગુજરાતીની પ્લેટમાં ગાંઠીયાનો મોટો બધો ઢગલો. આ બે જૂઓ એટલે તમારે સમજી જવાનું કે સામેની વ્યક્તિ કઈ કમ્યુનિટીની છે. મસ્ત નાસ્તો કરવાનો અને પછી લાંબા પગ કરીને ટીવી સામે બેસવાનું અને બાર વાગે એની રાહ જોવાની. બાર વાગી જાય એટલે જમવા માટે બોલાવે એટલે ફરી જમવા બેસી જવાનું અને બપોરે પેટ ભરીને જમવાનું. જમ્યા પછી આરામથી આડું પડવાનું અને ફરી નિરાંતની ઊંઘ લેવાની. આ શેડ્યુઅલ મોસ્ટલી બધાનું રવિવારે હોય છે અને એમાં કશું ખોટું પણ નથી.
રવિવારે રજા હોય એટલે સવારના ભાગે કોઈ કામ હોતું નથી અને ફેમિલી સાથે ટાઇમ પણ પાસ કરવા મળતો હોય છે એટલે મળેલી એ નિરાંતને પુરેપુરી માણવી એવું બધાના મનમાં હોય છે પણ મારે આજે તમને આ નિરાંતની વાત નથી કરવી. આજે તમને વાત કરવાની છે એ છે એક્સરસાઇઝની, વર્કઆઉટની.
શરીરને શ્રમ આપતી આ એક્સરસાઇઝ આજે નેવું ટકા લોકો કરતાં નથી અને આ નેવું ટકામાંથી ચાલીસ ટકા એવા છે જેમને એક્સરસાઇઝ કરવાના ફાયદા ખબર છે પણ એ પોતાની માટે સમય નથી કાઢી શકતાં અને કાં તો સમય હોય છે તો તે આળસ કરી જાય છે. આળસ આવે એટલે ડિરેક્ટલી કોઈ એવું કહે નહીં કે આળસને લીધે તે એક્સરસાઇઝ નથી કરતાં પણ એવું કહેવાને બદલે, એવું કરવાને બદલે જાતજાતના બહાનાઓ બનાવી લે અને બધાની સામે એવું દેખાડી દે કે આ એક્સરસાઇઝ ન કરો તો પણ કંઈ ફરક નથી પડતો, એ તો સ્ટાર લોકોના બધા પેંતરા છે. આવું માનનારાઓ પણ આજે અંસખ્ય છે, ફીટ તો તેમણે જ રહેવું પડે અને એ લોકો પણ કામ મેળવવા માટે ફીટ રહેવાની તસ્દી લે છે, આટલો પસીનો પાડે છે. ફીટ રહેવું એ માત્ર સ્ટારની જ નહીં, દરેકેદરેકની ફરજ છે અને એટલે જ મારુ માનવું છે એક્સરસાઇઝની આદત સૌ કોઈએ ડેવલપ કરવી જોઈએ. તમે માનશો નહીં પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર આપણે ગુજરાતીઓ (અને બીજા નંબરે પંજાબીઓ) ખાસ ઓળખાઇ જઈએ છીએ અને એની માટેનું કારણ છે આપણું પેટ. આપણાં મોઢામાંથી એક શબ્દ પણ બહાર આવે કે આપણે ઓળખાણ પણ આપીએ એ પહેલાં જ આપણું પેટ આપણી ચાડી ખાઈ દે છે કે આપણે ગુજરાતી છીએ. આ પેટ બહાર આવવાના ઘણાં કારણો છે અને એ કારણો તમને પણ ખબર છે. મસ્ત મજાનું ચટકેદાર ફૂડ ખાવું, જંકફૂડ નિયમીત રીતે ખાવું, સતત ચા પીવી, અગણિત સ્વીટસ ખાવી કે પછી મેં કીધું એમ, એક્સરસાઇઝ ન કરવી.
જરૂરી નથી કે તમે તમારી ઓળખ ભૂલીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કરવામાં આવે છે એવા ડાયેટ પર લાગી જાવ. ના, જરા પણ નહીં પણ હા, હું એક્સરસાઇઝનું ચોક્કસ કહીશ. આ આદત તો પાડવી જ જોઈએ.
મારી પર્સનલ વાત કરુ તો હું ઘણી બધી રીતે એક્સરસાઇઝ કરુ છું, જેમાં રોજ હું ઘરે જવા માટે સોળ ફ્લોર ચડીને જાઉં છું. આ છે તો એક્સરસાઇઝ પણ મારી રોજની આદત છે અને આ આદતને લીધે જ મને અમુક એક્સરસાઇઝની જીમમાં જરૂર નથી પડતી એવું કહું તો ચાલે. આપણે પણ રુટિનમાં આ જ કરવાનું છે. મેક્સિમમ ચાલવાનું કરી નાખીએ તો એનાથી ઘણાં લાભો થવાના છે. ચાલવું પણ એક કળા છે અને એ કળા બધાને આવડતી નથી હોતી. કેટલાક તો એવી રીતે ચાલે કે એના કરતાં પેલી ગોકળગાય વધારે ઝડપી લાગે. ચાલવામાં સ્ફૂર્તિ જોઈએ અને એનર્જી દેખાઇ આવવી જોઈએ.
હું વૉક ઉપરાંત કરાટે, મિક્સ્ડ માર્શલ આર્ટસ, હોર્સ રાઇડિંગ અને દરરોજ સવારના સમયે બે કલાક જીમ કરુ છું. જીમ કરું છુંનો અર્થ એવો નથી કે હું જીમમાં જઈને એક્સરસાઇઝ કરું છું. કોવિડના કારણે જીમ જેવું જ વર્કઆઉટ કરવાની આદત હવે ઘરમાં જ પડી ગઈ છે. પાર્કર પણ કરુ. બહુ મજા આવે આ પાર્કર કરવાની. ઘરમાં પાર્કર કરવા માટે તમારી પાસે થોડી એરેન્જમેન્ટ હોવી જોઈએ. કેવી રીતે થાય આ પાર્કર એની વાત કરતાં પહેલાં કહું કે આ પાર્કર શું છે એ જો જોવું હોય તો યુટ્યુબ પર જોઈ શકાશે. પાર્કર કરવામાં થોડું અઘરુ છે, અઘરુ પણ ખરું અને થોડું ડેન્જરસ પણ ખરુ.
પાર્કરને સરળ ભાષામાં સમજાવવાનું હોય તો એવું કહી શકાય કે એમાં વાંદરા બનવાનું હોય અને વાંદરા બનીને વાંદરાની જેમ જ એક ડાળીથી બીજી ડાળી પર કુદાકુદ કરતા રહેવાનું. પાર્કર કરતાં કોઈએ પણ વાંદરા બનીને એવી જ રીતે રહેવાનું. વાંદરાઓને ક્યારેય પેટ નથી હોતું એ તમે જોઈ લેજો અને એની પાછળનું કારણ પણ જો કોઈ હોય તો એ આ પાર્કર જ છે. પાર્કરમાં તમારે કોઈ જગ્યાએ પહોંચવા માટે કુદાકુદ કરીને પહોંચી જવાનું અને હા, એ પણ નક્કી કે જો તમે ભૂલથી ખોટી જગ્યાએ પગ મૂકી દીધો તો નીચે પડો અને નીચે પડો ત્યારે નીચે કોઈ ગાદલું કે મેટ નથી એટલે પડશો ત્યારે તમને લાગશે એ પણ નક્કી. મને પણ લાગ્યું છે અને મને લાગ્યું છે ત્યારે મેં હંમેશા માન્યું છે કે આ મારા માટે એક એર્વોડ છે અને અહીંથી મારે એક લેવલ અપ થવાનું છે. મને ની ઇન્જરી થઈ છે, બેક ઇન્જરી થઇ છે ને લેફ્ટ લેગમાં તો એટલું બધું લાગ્યું કે એક મોટો ખાડો પડી ગયો હતો. આ થવાનું કારણ રૉન્ગ પ્લેસમેન્ટ અને એને લીધે સીધો હું જમીન પર ફેંકાયો. જેટલું પણ અને જ્યાં પણ મને લાગ્યું છે એ બધાની નિશાની આજે પણ મારી સાથે છે. લાસ્ટ ટાઇમ હું સાત ફૂટની ઊંચાઈ પરથી નીચે પડ્યો હતો અને મને કંઈ થયું નહોતું. મૅ બી, હવે આદત પડી ગઈ છે પણ તમને પાર્કરની શરૂઆત કરવી હોય તો એ એક્સપર્ટની હાજરીમાં જ કરવાની છે. પાર્કર જયારે શરુ કરો ત્યારે એમાં કહેવામાં આવે છે કે વન ઇઝ નન એટલે કે એક વાર કયુર્ અને એ પુરુ થયા પછી એની કોઈ ગણતરી કરવાની નહીં અને એ ઝીરો બરાબર થઈ જાય છે. ટુ ઇઝ વન એટલે કે શરુઆત થઈ ત્યારે જ ગણાશે જયારે તમે બીજી વખત એ કરો છો અને થ્રી ઇઝ ડન એટલે કે તમે સતત એ જ કરતાં રહેશો તો જ એ ડન એટલે કે કાયમી ગણાશે. આ ડન એટલે કે સતતવાળી વાતને આપણે પકડી લેવાની છે. જો સતત કરતા રહો તો તમને પણ એક્સરસાઇઝ કરવાની આદત પડી જશે અને એક વખત આ આદત પડી તો એનો નશો પણ તમને ચડવાનો શરૂ થઈ જશે.
હું તમને એમ નથી કહેતો કે તમે માત્ર જીમ જ કરો કે પછી હાર્ડકોર એક્સરસાઇઝ કરો, કંઈ પણ કરો. ઝુમ્બા કરો અને ગમે તો યોગાસન-પ્રાણાયામ કરો, ડાન્સ ફાવે તો એ કરો અને વૉકિંગનો ટાઇમ રહે તો એ કરો. સવારના જો જોગિંગ માટે જઈ શકાય તો પણ બેસ્ટ. જે ગમે એ કરો પણ એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ કરશો તો તમારુ શરીર એક્ટિવ રહેશે. આપણાં બોડીના અમુક મસલ્સ એવા છે જેનો યુઝ ધીમેધીમે ઓછો થતો જાય છે અને જેમજેમ મોટા થતાં જઈએ એમ-એમ એ મસલ્સ પછી શિથિલ થતાં જાય છે. આ મસલ્સને ફરીથી એક્ટિવ કરવાના છે અને પેટ બહાર આવવા નથી દેવાનું. આ આપણો મક્સદ છે. હેન્ડસમ દેખાવા માટે વર્કઆઉટ કરવાનું કહેનારાઓ પણ ખોટાં નથી, હેન્ડસમ દેખાવું એ દરેક છોકરાની અને બ્યુટીફુલ લાગવું એ દરેક છોકરીની ફરજ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 06:25 PM IST | Mumbai Desk | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK