સ્કૂલોની આસપાસ ૧૦૦ યાર્ડના વિસ્તારમાં તમાકુ વેચાતી હોય તો પોલીસનો સંપર્ક કરો
Published: 2nd December, 2012 04:59 IST
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પ્રિન્સિપાલોને આ પગલું લેવા માટે સક્યુર્લર બહાર પાડ્યો
શહેરના ટીનેજરોમાં તમાકુના વપરાશ પર નિયંત્રણ લાદવા માટે રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે શહેરની દરેક સ્કૂલોના પ્રિન્સિપાલને તેમની સ્કૂલની આસપાસના ૧૦૦ યાર્ડ વિસ્તારમાં જો તમાકુનાં ઉત્પાદનોનું વેચાણ થતું હોય તો એની સામે પગલાં લઈ શકાય એ માટે વૉર્ડ ઑફિસરોને, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સને તેમ જ સ્થાનિક પોલીસ-સ્ટેશનોને આ વાતની જાણ કરવા માટે જણાવ્યું છે. શહેરની સ્કૂલો અને કૉલેજોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તમાકુનું સેવન કરતા હોવાની માહિતી મળવાને પગલે હવે સરકારે સ્કૂલોને આ પ્રવૃત્તિ વિરુદ્ધ ફરિયાદ કરવાનો આદેશ આપતો સક્યુર્લર ૨૭ નવેમ્બરે બધી સ્કૂલોને પહોંચતો કર્યો છે.
સાઉથ ઝોનના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બી. માને આ વિશે વાત કરતાં કહે છે કે સરકારને ખબર પડી છે કે વધારે ને વધારે ટીનેજર્સ તમાકુસેવન તરફ ધકેલાઈ રહ્યા છે, જેના કારણે એને આ પગલું લેવાની ફરજ પડી છે.
સાઉથ મુંબઈના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પોતાની વેબસાઇટ પર એક સક્યુર્લર અપલોડ કર્યો છે, જેમાં સ્કૂલને ખાસ ફૉર્મ ભરવાનું જણાવવામાં આવ્યું છે. ત્યાર પછી આ ફૉર્મને વૉર્ડ ઑફિસરને મોકલવાની સક્યુર્લરમાં સૂચના આપવામાં આવી છે. આ ફૉર્મ સલામ બૉમ્બે ઑર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ફૉર્મમાં શું છે?
આ ફૉર્મમાં તમાકુના વપરાશને લગતા અનેક સવાલો કરવામાં આવ્યા છે. આ સવાલોમાં શું સંસ્થામાં તમાકુવિરોધી કાર્યક્રમોનું આયોજન કરવા માટે કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે? નોડલ ઑફિસર અને પ્રિન્સિપાલનો નંબર શું છે? શું સંસ્થાની બહાર અહીં તમાકુનું સેવન અને વેચાણ ગેરકાયદે છે એવો નિર્દેશ કરતું કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું છે? શું સંસ્થામાં કોઈ તમાકુનું સેવન કરતાં અથવા તો લાઇટર, મૅચ-સ્ટિક, ઍશ-ટ્રે અથવા તો ગુટકાનાં પૅકેટ વેચતાં પકડાયું છે? શું સ્કૂલના ૧૦૦ યાર્ડના વિસ્તારમાં તમાકુના કોઈ ઉત્પાદનનું વેચાણ થાય છે?નો સમાવેશ થાય છે.
સુધરાઈ શું કહે છે?
આ વિશે વાત કરતાં મહાનગરપાલિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ સેલનાં ચીફ ઑફિસર ગીતા મોરે પાટીલ કહે છે કે ‘અમારી મહાનગરપાલિકાની બધી સ્કૂલોમાં સલામ બૉમ્બે ઑર્ગેનાઇઝેશને પૂરાં પાડેલાં બોર્ડ છે. અમારી સ્કૂલની આસપાસ જો કોઈ તમાકુનાં ઉત્પાદનોનું વેચાણ થતું હોય તો તરત જ આ વાતની જાણ ઑર્ગેનાઇઝેશનને કરવામાં આવે છે. જો સરકાર આ મામલામાં હવે પોલીસનો સંપર્ક પણ કરવાની સૂચના આપતી હોય તો આ એક સારું પગલું છે. હવે આના કારણે સ્કૂલોની બહાર તમાકુનાં ઉત્પાદન વેચવા જેવું બિનજવાબદારીભર્યું કામ કરતા દુકાનદારો વિરુદ્ધ પગલાં લેવાની હવે પોલીસની જવાબદારી બની જશે.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK