Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માય ડ્રીમ ગુરુ

માય ડ્રીમ ગુરુ

16 July, 2019 12:29 PM IST | મુંબઈ ડેસ્ક
રશ્મિન શાહ

માય ડ્રીમ ગુરુ

જાણીતાં સેલિબ્રિટિઝ

જાણીતાં સેલિબ્રિટિઝ


ગુરુ પૂર્ણિમા સ્પેશ્યલ

એવી વ્યક્તિ જેની પાસેથી શીખવાની તમન્ના હોય, એવી વ્યક્તિ જેની પાસેથી જાણવાની મહેચ્છા હોય અને એમ છતાં એ વ્યક્તિને મળી ન શકાયું હોય અને અંતે એ ડ્રીમ-ગુરુ બની ગયા હોય. જાણીતી સેલિબ્રિટી પોતાના જીવનના આવા જ ડ્રીમ ગુરુ વિશે વાત કહે છે
સિદ્ધાર્થ રાંદેરિયા : પ્રવીણ જોષી માસ્ટરોનો પણ માસ્ટર...
‘એક જ નામ પ્રવીણ જોષી. તેમના કામથી એ સ્તરે હું પ્રભાવિત છું જેની કોઈ કલ્પના ન કરી શકે. અદ્ભુત દિગ્દર્શક અને જ્યારે વાત દિગ્દર્શનની હોય ત્યારે સ્વાભાવિક રીતે ક્રાફ્ટનાં બધાં જ પાસાં આવી જાય. વાર્તા પસંદ કરવાનું તેમનું જ નૉલેજ હતું એ અદ્ભુત. એકેકથી ચડિયાતા અને એકબીજાથી સાવ વિપરીત એવા વિષયોનાં નાટકો અને એ પછી એ વિષયની માવજત. મને અનેક વખત વિચાર આવે કે આજે પણ નાટકો થઈ રહ્યાં છે, વાર્તાઓ નવી આવે છે, દિગ્દર્શકો પણ છે અને એ પછી પણ પ્રવીણ જોષીનાં નાટકોમાં જે વાત હતી એ કેમ જોવા નથી મળતી. ઑડિટોરિયમ પણ એ જ છે; પ્રેક્ષક, સેટની સજાવટ, લાઇટની ગોઠવણ અને ૩૦ બાય ૧૫નું સ્ટેજ. બધું એ જ છે અને એ પછી પણ પ્રવીણ જોષીનો પેલો ટચ જોવા નથી મળતો. અરે, નાટકનાં અનેક પાસાંઓમાં આજે આધુનિકતા આવી ગઈ છે, પણ એ આધુનિકતા પછી પણ આપણે પ્રવીણ જોષીનું સ્તર લઈ આવી નથી શકતા. ગમે એવી મહેનત કરો, ગમે એટલી બારીક આંખોથી દૃશ્યને જુઓ છતાં પણ. એનું કારણ છે પ્રવીણ જોષીનો મિડાસ ટચ. આ મિડાસ ટચ માટે હું તેને મારા ડ્રીમ ગુરુ ગણાવું છું.’
‘તમને કોઈનું ગુરુત્વ ગમે કે પછી એ મેળવવાની ઇચ્છા થાય એવી એક ઉંમર હોય છે. આ ઉંમરને સાયકોલૉજીમાં ઇમ્પ્રેસેબલ એજ કહેવામાં આવે છે. આ ઉંમરે માણસનું મન પેલા સ્પૉન્જ જેવું હોય. ગમતી વાત કે પછી ગમતી આદતને તે એ રીતે એબ્ઝોર્બ કરી લે. આવું થઈ જાય એનું કારણ છે પેલી કોઈની ઇમ્પ્રેશનમાં આવી જવાની ઉંમર, પણ એ ઉંમર વિતાવી દીધા પછી પણ કોઈનાથી પ્રભાવિત થઈ જવાય એવું જો બને તો માનવું કે સામેની વ્યક્તિમાં ખરેખર ટૅલન્ટ છે અને એ ટૅલન્ટમાં ૨૪ કૅરેટના સોના જેવી ગુણવત્તા છે. પ્રવીણ જોષી આવા જ ટૅલન્ટેડ ડિરેક્ટર હતા. તેમની કથાવસ્તુ, તેમનાં નાટકોનો ક્રાફ્ટ અને તેમનામાં દૃશ્ય જોવાની આગવી સૂઝ. પ્રવીણ જોષીએ કરેલાં નાટકો જોયાં હોય તેમને જઈને એક વખત પૂછશો તો તમને સમજાશે.’
‘તિલોત્તમા’, ‘વૈશાખી કોયલ’, ‘સંતુ રંગીલી’, ‘થૅન્ક યુ મિસ્ટર ગ્લેડ’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘મોગરાના સાપ.’ એક જુઓ અને એક ભૂલો એવાં આ નાટકો છે. આ નાટકોને ફરીથી બનાવી શકાય, પણ એ ન જ બનાવવાં જોઈએ, કારણ કે એમાં પ્રવીણ જોષીને જો મિડાસ ટચ હતો એ કોઈ લાવી શકે એમ નથી અને એનું કારણ છે કે એ ટચ પ્રવીણ જોષીની સાથે જ ગયો. મને જરાય કહેવામાં સંકોચ નહીં થાય કે હું પ્રવીણ જોષીને મારા ડ્રીમ ગુરુ માનું છું. મને તેમની પાસેથી એ શીખવું છે કે એક પણ ડાયલૉગ ન હોય તો પણ કેવી રીતે સામે બેઠેલા ઑડિયન્સના કાન ફાટી જાય એવો દેકારો સંભળાઈ રહ્યો હોય. મને પ્રવીણ જોષી પાસેથી એ પણ શીખવું છે કે કઈ રીતે શક્ય બને જેમાં હાથમાં માત્ર બે પાત્રો હોય અને એ બન્ને પાત્રો એક આખી દુનિયા ઊભી કરી શકવાને સમર્થ બની જાય. પ્રવીણ જોષી પાસેથી આ સિવાય પણ અનેક વાતો એવી છે જે શીખવા જેવી છે. માત્ર મારે જ નહીં, રંગભૂમિ સાથે જોડાયેલા એ સૌએ શીખવી જોઈએ. જોકે એ ખૂબીઓ હવે તો કોઈને શીખવા મળવાની નથી. સિવાય કે પ્રવીણ જોષીનો મિડાસ ટચ કુદરતે કોઈનામાં મૂક્યો હોય અને એ વ્યક્તિ રંગભૂમિમાં આવવાની હોય.’
મિલ્ખા સિંહ : જીવન જીવવાની સાચી રીત શીખવે મોહમ્મદ અલી...
‘જીવનમાં ક્યારેય કોઈ ગુરુની જરૂર નથી લાગી. સાચા રસ્તે અને નીતિ સાથેનું જીવન જો તમે જીવો તો તમે ક્યારેય કોઈ ભૂલ ન કરો. હું તો કહીશ કે સાચા માર્ગે ચાલવા માટે એક જ વાત મનમાં રાખવી જોઈએ, ઈશ્વર છે અને એ બધું જુએ છે. જીવન જીવવાની સાચી રીત પણ ભગવાન પાસેથી શીખવા મળતી હોય છે, પણ જો આ રીત શીખવે એવો કોઈ માણસ મને દેખાયો હોય તો એ છે મોહમ્મદ અલી. બૉક્સર મોમ્મદ અલીને મળવા માટે બે વખત પ્રયાસ કર્યો હતો, પણ દરેક વખતે કોઈ ને કોઈ કારણસર મારી તેમની સાથે મુલાકાત ન થઈ શકી. હવે તો તેમની હયાતી નથી એટલે તેઓ મળી શકવાના નથી, પણ જો મને કોઈ માણસને ગુરુ બનાવવો હોય તો હું મોહમ્મદ અલીને ગુરુ બનાવવાનું પસંદ કરું. તેમના જીવનમાં અનેક વખત એવું બન્યું કે તેઓ અપસેટ થઈને પોતાનું બધું છોડી શકે પણ એવું મોહમ્મદ અલીએ ક્યારેય થવા ન દીધું. સંજોગોને પોતાના પર હાવી થવા દેવાને બદલે તેમણે એ કઠિન પરિસ્થિતિ પર છવાઈ જવાનું પસંદ કર્યું, જેને લીધે આજે તેમનું નામ દુનિયાની મહાન વ્યક્તિઓમાં રહ્યું છે.
‘મોહમ્મદ અલીની ખાસિયતોમાંથી સૌથી વધારે જો કોઈ ખાસિયત મને ગમી હોય તો એ કે વિશ્વભરના ગોરા લોકો જ્યારે કાળાઓનો વિરોધ કરતા હતા ત્યારે એ વિરોધને સહન કરવાને બદલે તેમણે એનો સામનો કર્યો અને મન પર કાબૂ રાખીને તેમણે અંગ્રેજોની માનવામાં આવતી રમત એવી બૉક્સિંગમાં મહારત હાંસલ કરી. એક સમયે મોહમ્મદ અલીનો વિરોધ કરનારાઓ જ્યારે મોહમ્મદ અલી બૉક્સિંગના ચૅમ્પિયન બન્યા ત્યારે તેમના ચાહકો બની ગયા.
મોહમ્મદ અલીના ચાહકોમાં ધોળિયાઓ બહોળી સંખ્યામાં છે. પરિસ્થિતિ ગમે એવી વિપરીત હોય અને મોટો સમુદાય પણ ખોટી વાતને લઈને તમારો વિરોધ કરી રહ્યો હોય એવા સમયે પણ જો તમને તમારામાં શ્રદ્ધા હોય તો તમને કોઈ સફળતાથી રોકી નથી શકતું. મોહમ્મદ અલીને મારા ડ્રીમ ગુરુ ગણાવવામાં મને ગર્વ થાય. કારણ કે ગુરુ પણ એવા હોવા જોઈએ જેમાં ગુરુ હોવાનું કૌવત હોય, ગુરુ હોવાની ગુણવત્તા હોય. મોહમ્મદ અલીમાં એ કૌવત પણ હતું અને ગુણવત્તા પણ હતી. મોહમ્મદ અલીના કારણે જ બૉક્સિંગ આજે દુનિયાભરમાં આટલી જાણીતી થઈ અને બૉક્સિંગની બોલબાલા વધી. મને લાગે છે કે તેમને જે માન મળ્યું એ તેમણે કરેલા સંર્ઘષ કરતાં પ્રમાણમાં ઘણું ઓછું છે.’
રેમો ડિસોઝા‍ : ઓન્લી ઍન્ડ ઓન્લી માઇકલ જૅક્સન...
‘આપણા ઇતિહાસમાં એકલવ્યની વાત આવે છે એ આજના સમયમાં પણ એટલી જ સાચી છે, કારણ કે માઇકલ જૅક્સનના ડાન્સ જોઈ-જોઈને તૈયાર થનારાઓ માત્ર આપણે ત્યાં જ નહીં, પણ દુનિયાભરમાં હજારો-લાખો કોરિયોગ્રાફર છે. હું એક રિયલિટી શો જજ કરું છું, એમાં મને અનેક યંગસ્ટર્સ એવા મળે છે જેમણે ક્યાંય ડાન્સની કોઈ ઑફિશ્યલ ટ્રેઇનિંગ લીધી ન હોય અને માત્ર માઇકલ જૅક્સનના વિડિયો જોઈને ડાન્સ શીખ્યા હોય. અત્યારે તો એ વિડિયો કન્ટેન્ટ ઇન્ટરનેટ પર આસાનીથી જોવા મળે છે, પણ પહેલાંના સમયમાં એવું નહોતું, એ સમયે વિડિયો કૅસેટનો જમાનો હતો અને એ પણ માંડ મળતી. એ સમયે હું જામનગરમાં રહેતો અને જામનગરમાં ક્યાંય મને માઇકલ જૅક્સનની વિડિયો કૅસેટ મળતી નહીં. અમારે ત્યાં જે મહેમાન આવે એ
બધાને હું માઇકલ જૅક્સનની વિડિયો કૅસેટ લઈ
આવવાનું કહેતો. છેક એકાદ વર્ષ પછી મારે માટે એ વિડિયો કૅસેટ મુંબઈથી મારો કઝિન લઈ આવ્યો. એ કૅસેટ જોઈ-જોઈને હું એના પર ડાન્સ કરતો. એ સમયે હું હતો ૧૪-૧૫ વર્ષનો. એ દિવસોમાં મેં જોયેલું માઇકલ જૅક્સનનું ‘થ્રિલર’ અને
એની કોરિયોગ્રાફી આજે પણ યાદ છે, એનાં એકેએક સ્ટેપ્સ
મોઢે થઈ ગયાં છે. એ ક્યારેય ભુલાશે નહીં. માઇકલ જૅક્સન મારે માટે ડ્રીમ ગુરુ છે. તેમણે પોતે કરેલાં સ્ટેપ્સ પરથી જો અમારા જેવા હજારો કોરિયોગ્રાફર બનતા હોય તો જરા વિચારો કે તેમની પાસે શીખવવા જેવું કેટલું હશે, જે ક્યારેય બહાર જ ન આવ્યું.
જો માઇકલ જૅક્સન અત્યારે હયાત હોત અને તેમના સુધી પહોંચવાની મારી કૅપેસિટી હોત તો હું ચોક્કસ તેમની પાસે ગયો હોત અને તેમનો શિષ્ય બન્યો હોત. એકલવ્યની જેમ હું તેમને ફૉલો કરું અને આજના આ સ્થાન સુધી પહોંચી શકું તો જો હું તેમની પાસે ટ્રેઇનિંગ લઉં તો ક્યાં પહોંચી શકું એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. માઇકલ જૅક્સન માત્ર મારા નહીં, હજારો-લાખો લોકોના ડ્રીમ ગુરુ છે. હૃતિક રોશને પણ માઇકલ જૅક્સનના વિડિયો જોઈને જ ડાન્સ શરૂ કર્યો હતો. આજે તે બૉલીવુડનો બેસ્ટ ડાન્સર છે. માઇકલ જૅક્સનની માત્ર બૉડી જ નહીં, તેમના શરીરનાં એકેક ઑર્ગન ડાન્સ કરતાં. તેઓ લેજન્ડ હતા અને લેજન્ડ જ રહેશે. માઇકલ જૅક્સન ડાન્સ શબ્દનો પર્યાય છે અને આ પર્યાયને હું મારા ગુરુ બનાવીને તેમની પાસેથી શીખવાનો લાભ લઈ લઉં.
ભીખુદાન ગઢવી : કવિ દુલાભાયા કાગ મારા આરાધ્ય ગુરુ...
‘લોકસાહિત્યના ક્ષેત્રમાં આ નામ આરાધ્ય દેવ ગણાય, પણ હું કહીશ કે તેઓ મારા આરાધ્ય ગુરુ છે. હું એટલા માટે આવું કહેવાનું પસંદ કરીશ કે દેવતાને તમે પૂજતા રહો પણ જો ગુરુ હોય તો તમે તેની પાસેથી શીખી પણ શકો. ૭૦ના દસકામાં તેમનું અવસાન થયું એટલે હું તેમને ક્યારેય મળી ન શક્યો. એ સમયે લોકકલાકારના ક્ષેત્રમાં હું હજી પાપા પગલી કરતો હતો. નામ તેમનું સાંભળેલું, તેમને મળવાનું મન પણ બહુ થાય, પણ સંજોગો બને નહીં અને એક દિવસ ખબર પડી કે કવિ કાગ દેવ થઈ ગયા. બસ, મનની મનમાં રહી ગઈ કે હવે આ લોકસાહિત્યના ભીષ્મપિતામહને ક્યારેય મળી નહીં શકાય. લોકકલાની વાતો કેવી રીતે અને ક્યાંથી આવે અને એ વાતોને કેવી રીતે રસપ્રદ બનાવીને પીરસી શકાય એની આવડત તેમનામાં ભારોભાર હતી. એ આવડત તેમની પાસેથી શીખવાની બહુ ઇચ્છા હતી, પણ કહ્યું એમ પાપા પગલીના એ દિવસો હતા એટલે રૂબરૂ જવા વિશે વિચાર્યું નહોતું. વિચાર આવે એ પહેલાં આ ઘટના ઘટી એટલે પછી આ અફસોસ જિંદગીભર હૈયામાં રાખ્યો અને ભગવાન પાસે માગણી પણ કરી કે હવે જે જગ્યાએ જનમ આપે એ જગ્યાએ કવિ કાગનો આવાસ હોય.’
‘મુંબઈવાળાના શબ્દોમાં આ મારા ડ્રીમ ગુરુ અને મારા જેવા ગામઠી માણસની બોલીમાં કવિ કાગ ઈ મારા આરાધ્ય ગુરુ. તેમની પાસેથી શીખવા જેવી અનેક કળા હતી, આ કળામાં સૌથી મહત્ત્વની કળા એટલે તેમનું શબ્દભંડોળ અને તેમનો શબ્દવૈભવ. તેઓ એકધારા બોલી શકે અને તમે થાક્યા વિના તેમને સાંભળી શકો. દિવસ ક્યારે પૂરો થઈ જાય એની પણ ખબર ન રહે અને એ પછી પણ તેમની વાત્યું ખૂટે નહીં. જો મને કવિ કાગ સાથે રહેવા મળે તો હું તેમની પાસેથી જ્ઞાન લઉં અને જ્ઞાનની બાબતમાં અબજોપતિ થઈ જાઉં. કવિ કાગ સિવાય આ જગતમાં કોઈ એવું છે જ નહીં જેમને મળવાની મહેચ્છા હોય કે જેમને ન મળવાનો અફસોસ પણ રહ્યો હોય.’
મનોજ જોષી ઃ જો વિવેકાનંદ અને ચાણક્ય અત્યારે હયાત હોત તો...
‘ચાણક્ય મારા ફેવરિટ છે એવું કહું તો આ સમયે થોડું ગેરવાજબી લાગે, પણ મારે આજે ચાણક્યની સાથોસાથ સ્વામી વિવેકાનંદને પણ યાદ કરવા છે. આ બન્ને મહાનુભાવો વિશે વાત કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરીશ કે સમજણ અને શિક્ષણ આપે એ બધા ગુરુ જ છે, પણ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી મને એવી વાતોની સમજણ આવી જે પેરન્ટ્સ કે સ્કૂલ-કૉલેજ ટીચર્સ પાસેથી પણ નથી મળતી. ચાણક્ય ઉપરાંત સ્વામી વિવેકાનંદને પણ હું મારા ગુરુ માનું છું અને આ બન્ને મહાનુભાવો મારા ડ્રીમ ગુરુ પણ છે. જો વિવેકાનંદજી અત્યારે હયાત હોત તો મારી સોશ્યલ લાઇફ જુદી હોત. તેમનાં પુસ્તકોમાંથી પુષ્કળ શીખવા મળ્યા પછી પણ અનેક સવાલ એવા થયા છે જેના જવાબ મને ક્યારેય મળ્યા નથી કે મળે એવી શક્યતા પણ દેખાતી નથી. જો સ્વામી વિવેકાનંદ હયાત હોત તો હું તેમને મળીને મારી એ શંકાઓનું સમાધાન શોધી શક્યો હોત. સ્વામી વિવેકાનંદ ઉપરાંત જો મને કોઈને ગુરુપદ પર સ્થાન આપીને તેમની પાસેથી શીખવાની ઇચ્છા થઈ હોય તો એ ચાણક્ય છે.



આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન


ચાણક્યનાં નીતિસૂત્રો આજે પણ યથાર્થ છે અને એ પછી પણ એ નીતિનો સંપૂર્ણ અમલ થઈ શકતો નથી. જો ચાણક્ય અત્યારે હયાત હોત તો ચોક્કસપણે હું તેમની પાસે રહેવા ગયો હોત અને મેં તેમની પાસે રાજકીય ક્ષેત્રનું જ્ઞાન લેવાનું પસંદ કર્યું હોત. આ બન્ને મહાનુભાવો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને જાળવીને પણ વિશ્વ વિભૂતિના પદે પહોંચ્યા છે, જે દર્શાવે છે કે તમારા આચાર કરતાં પણ તમારા વ્યવહાર, વિચાર અને વાણી સૌથી વધારે મહત્ત્વનાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 12:29 PM IST | મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK