ગુલઝાર મોટા ગજાના સાહિત્યકાર છે એટલે ફિલ્મોમાં તેમણે અલગ તરાહની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો

Published: Apr 14, 2014, 05:50 IST

હૃષીકેશ મુખરજી, બાસુ ચૅટરજી અને ગુલઝારે પૅરૅલલ સિનેમાના આંદોલનમાં જોડાઈને સાર્થક ફિલ્મોના નામે કંટાળાજનક ફિલ્મો બનાવવાની જગ્યાએ ફિલ્મોની મુખ્ય ધારામાં રહીને મજેદાર પણ સાર્થક ફિલ્મો બનાવી હતી. આજે ફિલ્મઉદ્યોગમાં એવા અનેક દિગ્દર્શકો આવ્યા છે જેમણે હૃષીદા ને ગુલઝારની સ્કૂલને નવી ઓળખ આપી ને જૂના ફૉમ્યુર્લા ફિલ્મના યુગને ફગાવી દીધોમંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

આજે રાજકારણના ગલિયારામાંથી બહાર નીકળીને કલા અને કલાકાર વિશે વાત કરવાનો અવસર છે. સંપૂરણ સિંહ કાલરા ઉર્ફે ગુલઝારસાહેબને ૨૦૧૩નો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવાની જાહેરાત થઈ છે જે આનંદનો અવસર છે. ગુલઝાર નિર્માતા, નિર્દેશક, પટકથાલેખક અને ગીતકાર છે અને એનાથી વિશેષ તેઓ ઉર્દૂ ભાષાના સ્વનામધન્ય સાહિત્યકાર છે. સાહિત્ય માટે તેમને ૨૦૦૨માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ અવૉર્ડ આપ્યો હતો. ભારતમાં સાહિત્ય અને ફિલ્મ વચ્ચે બહુ ઓછો સંબંધ છે. ગુલઝાર એવા પહેલા માણસ છે, જેમણે ફિલ્મ માટેનો સર્વોચ્ચ અને સાહિત્ય માટેનો જ્ઞાનપીઠ પછીનો સર્વોચ્ચ અવૉર્ડ મેળવ્યો છે. ગુલઝારે સાહિત્ય અને ફિલ્મ વચ્ચે સર્જનાત્મક સંબંધ સ્થાપ્યો છે.

ગુલઝારનો જન્મ અત્યારે પાકિસ્તાનમાં આવેલા જેલમ જિલ્લામાં ૧૯૩૪માં થયો હતો. તેમનો પરિવાર વિભાજનના ઘણા સમય પહેલાં દિલ્હીમાં આવીને વસ્યો હતો એટલે તેમને વિભાજનના કારણે મૂળસોતા ઊખડી જવાની યાતના સહન કરવી પડી નહોતી. જોકે એક સંવેદનશીલ સાહિત્યકાર માટે પોતાની યાતના અને પરાયી યાતના વચ્ચે ફરક નથી હોતો. તેમણે ‘રાવી પાર૨ નામના પુસ્તકમાં વિભાજનની પીડા વિશે આપણને બેચેન કરી મૂકે એવાં કથાનકો લખ્યાં છે. ખાસ કરીને ‘દારજી’ અને  ‘રાવી પાર’ એ બે કથાનક વાંચવા જેવાં છે. દારજીની કથા એક રીતે તેમની પોતાની છે અને આમ જુઓ તો પંજાબના કૉન્ગ્રેસના નેતા કુલદીપ સિંહની છે. કુલદીપ સિંહ વિભાજન વખતે જીવ બચાવવા પાકિસ્તાનમાં મિયાંવાલી નજીક આવેલા પોતાના ગામને છોડીને હિજરત કરે છે. લાખો નિરાશ્રિતોના કાફલામાં જોડાઈને કુલદીપ સિંહ પરિવાર સાથે આ બાજુ આવી રહ્યા છે એમાં તેમની નાનકડી દીકરી અને તેનાથી નાનો પુત્ર પૂરણ સિંહ ખોવાઈ જાય છે. ભારતમાં આવ્યા પછી હાર્યા વિના કુલદીપ સિંહ આખી જિંદગી પુત્રી અને પુત્ર માટે ઝૂરતા રહે છે અને ખોળતા રહે છે. એક દિવસ તેમના વાંચવામાં આવે છે કે ફિલ્મો બનાવનાર ગુલઝારનું મૂળ નામ પૂરણ સિંહ છે અને તેમનો જન્મ પેલી તરફ થયો હતો. તેમનો અંતરાત્મા રહી-રહીને તેમને કહેતો હતો કે ગુલઝાર જ તેમનો પુત્ર છે અને ગુલઝારની કોઈ દલીલ તેમને ગળે ઊતરતી નહોતી. પુત્ર ગુમાવનાર એક બાપનો ઝુરાપો અને ગુમાવેલો પુત્ર પાછો મેળવવા બાપની આરજૂનું એવું અદ્ભુત વણાટકામ ગુલઝારે કર્યું છે કે આપણે અસ્વસ્થ થઈ જઈએ.

ગુલઝારે ફિલ્મ-કારકિર્દીની શરૂઆત પ્રસિદ્ધ ફિલ્મ-નિર્દેશક બિમલ રૉયના હાથ નીચે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કલકત્તાથી કરી હતી. બિમલ રૉયે કલાત્મક ફિલ્મો ઉપરાંત હિન્દી ફિલ્મજગતને ત્રણ વ્યક્તિની ભેટ આપી હતી. એક હૃષીકેશ મુખરજી, બીજા બાસુ ચૅટરજી અને ત્રીજા ગુલઝાર. આ ત્રણેએ હિન્દી ફિલ્મઉદ્યોગની મુખ્ય ધારામાં રહીને અનોખું કામ કર્યું છે. ૧૯૭૦ પછી પૅરૅલલ સિનેમાનું આંદોલન શરૂ થયું હતું, જે માંડ દોઢ દાયકો ચાલ્યું હતું. હૃષીકેશ મુખરજી, બાસુ ચૅટરજી અને ગુલઝારે પૅરૅલલ સિનેમાના આંદોલનમાં જોડાઈને સાર્થક ફિલ્મોના નામે કંટાળાજનક ફિલ્મો બનાવવાની જગ્યાએ ફિલ્મોની મુખ્ય ધારામાં રહીને મજેદાર, પણ સાર્થક ફિલ્મો બનાવી હતી. આજે ફિલ્મઉદ્યોગમાં એવા અનેક દિગ્દર્શકો આવ્યા છે જેમણે હૃષીદા અને ગુલઝારની સ્કૂલને નવી ઓળખ આપી છે અને જૂના ફૉમ્યુર્‍લા ફિલ્મના યુગને ફગાવી દીધો છે.

હૃષીકેશ મુખરજી કરતાં ગુલઝાર બહુઆયામી વ્યક્તિત્વ ધરાવે છે. દિગ્દર્શન, પટકથાલેખન અને ગીતકાર તરીકે ગુલઝારે પોતાની અનોખી જગ્યા બનાવી છે. બિમલ રૉયના અવસાન પછી ગુલઝાર મુંબઈ આવ્યા હતા અને ૧૯૭૧માં તેમણે તપન સિંહાની બંગાળી ફિલ્મની હિન્દી રીમેક ‘મેરે અપને’ બનાવીને સ્વતંત્ર ફિલ્મ-નિર્દેશક તરીકે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. મા તરીકેની ‘મધર ઇન્ડિયા’માંની નરગિસની ભૂમિકા આઇકનિક ગણાય છે, પણ મારું એવું માનવું છે કે ‘મેરે અપને’માં મીના કુમારીએ ભજવેલી માની ભૂમિકા નર્ગિસ કરતાં એક તસુ પણ ઊતરતી નથી. એ પછીથી ગુલઝારે એક એકથી ચડિયાતી અને અલગ કથાવસ્તુવાળી અનેક ફિલ્મો બનાવી છે. હૃષીકેશ મુખરજીની ફિલ્મો એકંદરે એક જ જેનરવાળી હતી, જ્યારે ગુલઝાર જેનરમાં બંધાયા નહોતા અને એ ત્યાં સુધી કે ‘અંગુર’ ફિલ્મ બનાવીને તેમણે તેમના મિત્ર હૃષીકેશ મુખરજીની જેનરમાં પણ પ્રવેશ કર્યો હતો. હૃષીદાની ‘ગોલમાલ’ની જેમ ગુલઝારની ‘અંગુર’ આઇકનિક કૉમેડી ફિલ્મ છે.

ગીતકાર તરીકે ગુલઝાર તેમના સમકાલીનોમાં અનોખા છે. સાવ ફ્લૅટ ગદ્યપંક્તિઓમાં લખાયેલું ગીત અમર બન્યું હોય એવું બહુ ઓછું જોવા મળે છે. ગુલઝારે બનાવેલી ફિલ્મ ‘ઇજાઝત’માં ગુલઝારે જ લખેલું ‘મેરા કુછ સામાન...’ આવું એક ગીત છે. નસીરુદ્દીન શાહ અને રેખાની ભૂમિકાવાળી સંબંધોની ઝીણી વાત કરનારી ‘ઇજાઝત’ ફિલ્મમાં એ ગીત જુઓ તો એક જ સમયે સંબંધોમાંની અપેક્ષા અને નિરર્થકતા ઊઘડીને સામે આવી જાય. ગુલઝારની માતૃભાષા  પંજાબી છે, ઉર્દૂ માધ્યમમાં ભણ્યા છે. તેમના કહેવા મુજબ તેમની પહેલી ભાષા ઉર્દૂ છે અને બીજી બંગાળી છે. આમ છતાં ભોજપુરીમાં લખેલું તેમનું ગીત ‘કજરારે કજરારે’ સાંભળીને જાણીતા હિન્દી સાહિત્યકાર કમલેfવર નાચી ઊઠયા હતા. તેમણે ગુલઝારને ફોન કરીને કહ્યું હતું કે કોઈ માણસ પરાયી ભાષામાં આવું મસ્તીભર્યું ગીત લખી શકે એ માની ન શકાય એવી આશ્ચર્યની વાત છે. ગુલઝાર ઘણી વાર ફ્લૅટ ગદ્યપંક્તિમાં ગીત લખીને એને અમર બનાવે, ઘણી વાર ‘તેરે બીના ઝિંદગી સે કોઈ...’ જેવા અર્થગંભીર ગીતને અમર બનાવે તો કેટલીક વાર ‘જંગલ બુક’ના મોગલી માટે ‘ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ’ જેવી અર્થહીન પંક્તિને પણ અમર બનાવી શકે છે. ગુલઝાર મોટા ગજાના સાહિત્યકાર છે એટલે ફિલ્મોમાં તેમણે અલગ તરાહની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK