ગુજરાતના હૅન્ડલૂમ અને હૅન્ડિક્રાફ્ટ કલાકારો કાગડોળે વાટ જોઈ રહ્યા છે મુંબઈનાં એક્ઝિબિશન ક્યારે ખૂલશે

Published: Sep 12, 2020, 17:44 IST | Bhakti D Desai | Mumbai

ભારતભરના કળાજગત સાથે સંકળાયેલા લોકો સીધી કે આડકતરી રીતે મુંબઈમાં નિયમિતપણે થતાં પ્રદર્શનો પર નભતા આવ્યા છે. એક્ઝિબિશન હબ ગણાતા મુંબઈના કળાજગતને તાળાં લાગ્યાં છે ત્યારે ગુજરાતના હાથસાળ અને હસ્તકલાના કસબીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતની ઓળખ એની પારંપારિક હસ્તકલા અને હાથસાળથી જ છે અને મુંબઈમાં આ કલાને એનું યોગ્ય મૂલ્ય મળે એ માટે મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકાર દ્વારા આખા વર્ષ દરમ્યાન અહીં વિવિધ પ્રદર્શનોનું આયોજન થતું હોય છે, કારણ કે મુંબઈ કલાપ્રેમીઓની નગરી છે. આખા ભારતની કલાઓનું વધુમાં વધુ વેચાણ મુંબઈમાં થાય છે. ભારતનાં નાનાં-નાનાં ગામડાઓમાં રહેતા કારીગરોની કળાને તેમની મોંમાગી રકમ આપનાર, તેમના કળા-કૌશલ્યને પોતાના ઘરના સુશોભનમાં, જીવનમાં અને પોષાકમાં સ્થાન આપનાર મુંબઈવાસીઓનું ભારતના કલા-કૌશલ્યના હુન્નરને જીવંત રાખવામાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે.

મુંબઈમાં લાગતાં પ્રદર્શનો અને વેચાણ પર દેશભરમાં રહેતા મહિલા ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના-મોટા અનેક કારીગર અને તેમનો પરિવાર જીવનનિર્વાહ માટે નિર્ભર છે. અહીં મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, આસામ, ત્રિપુરા, મેઘાલય, બનારસ, છત્તીસગઢ, લખનૌ, પશ્ચિમ બંગાળ આમ વિવિધ સ્થળેથી ઉત્તમ કારીગરો પોતાના હાથે બનાવેલી સાડીઓ, રેશમી અને વિવિધ હસ્તકલાથી બનેલા દુપટ્ટા, ગામેગામમાં વગાડાતાં વાદ્યો, માટીની વસ્તુઓ, કાચમાંથી બનાવવામાં આવતાં નાઇટ લૅમ્પ, ઝુમ્મર, લાકડાની વસ્તુઓ, વિવિધ પથ્થરમાંથી હાથેથી બનાવવામાં આવતાં રંગબેરંગી આભૂષણો, કાશ્મીરના ધાબળા, શૉલ, આમ પોતાના ગામની અને રાજ્યની વિશેષતાઓને અહીં રીટેલ અને હોલસેલ માર્કેટ મળી રહે એ માટે લઈને આવે છે.  કુમારસ્વામી હૉલ, રવીન્દ્ર નાટ્યમંદિર, કોલાબાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બાંદરા રેક્લેમેશન પાસે આવેલું ગ્રાઉન્ડ, બોરીવલીમાં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ, પ્રબોધન ઠાકરે હૉલ, પાર્લામાં અશોકા હૉલ અને અમુક સ્કૂલ અને કૉલેજ હૅન્ડલૂમ અને હૅન્ડિક્રાફટનાં પ્રદર્શનો માટે પ્રખ્યાત છે. અમુક કારીગરોના કહેવા મુજબ આખા વર્ષ દરમ્યાન દેશભરમાં જેટલું વેચાણ થાય છે એનાથી ક્યાંય વધારે માલ તેમનો મુંબઈમાં વેચાય છે. એવા અનેક કારીગરો છે જે વર્ષના આઠ મહિના મુંબઈમાં આ વસ્તુઓના વેચાણ માટે રહે છે અને મુંબઈને તેમની હસ્તકળા અને હાથસાળ દ્વારા બનેલી વસ્તુઓથી વધુ રંગીન બનાવે છે.

છેલ્લા અમુક મહિનાઓથી કારીગરોનાં જીવનમાંથી જાણે રંગ જ ઊડી ગયો છે. કોરોનાને કારણે થયેલાં લૉકડાઉને પ્રદર્શન અને વેચાણથી થતા વેપાર પર પણ તાળાં લગાડી દીધાં છે, જેની સીધી અસર કારીગરોનાં જીવન પર થઈ રહી છે. તેમને બે ટંક ભોજનનાં પણ ફાંફાં છે. આજે પણ ગામડામાં રહેતા આ કારીગરો ટેક્નૉલૉજી અને ઑનલાઇન માર્કેટિંગથી ઘણા દૂર હોવાથી આવક ઊભી કરવા અસમર્થ છે. મુંબઈ એક એવું વટવૃક્ષ છે જેની છાયામાં આખા ભારતના કારીગરો અને કસબીઓની હસ્તકલા અને હાથસાળની સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે. ભારત આત્મનિર્ભર બનશે, પણ મુંબઈએ એને કલાનિર્ભરતા અર્પી છે ત્યારે હવે શહેરની પ્રદર્શનશાળાઓ ખુલે એની રાહ જોવાય છે. ગુજરાતના અમુક કારીગરો આ દરમ્યાન મુંબઈને યાદ કરતાં આટલાં વર્ષોથી મુંબઈએ તેમના જીવનને અને કળાને કઈ રીતે ધબકતાં રાખ્યાં છે એ વર્ણવે છે અને લૉકડાઉનને કારણે કેવી સ્થિતિ સર્જાઈ છે એની વાતો કરે છે.

ભારતમાં સૌથી વધુ વેચાણ મુંબઈમાં જ થાય છે: અનુ પટેલ, અમદાવાદ

અમદાવાદમાં રહેતાં હૅન્ડલૂમનાં વેપારી અને કારીગર અનુબહેન પટેલ અહીં કહે છે, ‘મારી સંસ્થા મહિમા મહિલા સહકારી મંડળી લિમિટેડમાં હું ૪૫ કારીગરો સાથે વીસ વર્ષોથી કામ કરું છું. પટોળાં, મોડાલ સિલ્ક, અજરખનાં-બાંધણીનાં દુપટ્ટા, સાડીઓ, શાલ વગેરે વણતરનાં કપડાંનું વેચાણ કરું છું. મુંબઈમાં આખા વર્ષમાં આશરે આઠ વાર પ્રદર્શન અને વેચાણ માટે આવતી હોઉં છું. અહીંના લોકોનો કળા પ્રત્યેનો પ્રેમ જ અનેરો છે. મારે હિસાબે આખા ભારતની તુલનામાં સૌથી ઉચ્ચ સ્થાન વેચાણની દૃષ્ટિએ મુંબઈનું છે. વર્ષ દરમ્યાન દેશભરમાં જેટલું વેચાણ અમે કરીએ છીએ એમાંથી ૯૫ ટકા વેચાણ મુંબઈમાં જ થઈ જાય છે. અમારા કારીગરોની રોજગારી મુંબઈના કલાપ્રેમીઓ પર જ નિર્ભર છે. આત્મનિર્ભરતાથી જીવન ચલાવનાર ઉત્તમ હાથવણકરો છેલ્લા ચાર-પાંચ મહિનામાં બેરોજગારીનો ભોગ બની ગયા છે. તેમનાં બાળકોનું શિક્ષણ અને દરેક જરૂરિયાત મેળા અને પ્રદર્શનની આવક પર જ નભે છે. અમે પાંચ મહિના તો જેમતેમ ચલાવ્યું. હવે અમદાવાદમાં એક ૧૬ દિવસનું પ્રદર્શન શરૂ કર્યું છે ત્યાં થોડી આવક મળવા લાગી છે અને શ્રાદ્ધ પક્ષ પછીના પાંચ દિવસમાં વધુ વેચાણની શક્યતા દેખાઈ રહી છે. પરંતુ નાનાથી મોટા વર્ગના લોકોની આવક લૉકડાઉનને કારણે ઓછી થઈ છે અને કોવિડનો ડર પણ હજી લોકોના મનમાં છે તેથી પહેલાં જેવો ધંધો જામતાં અને કારીગરોના જીવનની ગાડી પાટે ચડતાં સમય લાગી જશે એ નક્કી જ છે. અમને મુંબઈએ ખૂબ પ્રેમ અને બરકત આપ્યાં છે. આજે પણ મુંબઈના ગ્રાહકો અમને ફોન કરીને યાદ કરે છે એની મને ખૂબ ખુશી છે.’ 

આખા વિશ્વમાં જો પાટણનાં પટોળાંની કોઈ સૌથી મોટી માર્કેટ હોય તો એ મુંબઈમાં છે: અશોક સાલવી, પાટણ

ભારતનો પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ એટલે પાટણનાં પટોળાં. આશરે નવસો વર્ષો જૂની એક એવી પારંપરિક કળા, જેનું વણતરકામ માત્ર હાથથી જ થઈ શકે છે. આમ તો હવે તો ઑથેન્ટિક પટોળાં બનાવનાર સાલવી કુટુંબ એક જ બચ્યું છે એટલે પટોળાં વેચવા ક્યાંય જવું પડે જ નહીં. પાટણનાં પટોળાના કસબી અશોક સાલવી કહે છે, ‘મારી પેઢીની પેઢીઓ પટોળાની હસ્તકારીગીરી કરે છે. મુંબઈના બધા જ મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ મારા ગ્રાહક છે. આ પાટણનાં પટોળાં વિશ્વવિખ્યાત છે. આ એક એવી અમૂલ્ય કળા છે જેનું વિદેશમાં પણ ખૂબ ઊંચું સ્થાન છે, છતાં પટોળાને લઈને મુંબઈ માટે હું કહીશ કે આખા વિશ્વમાં જો આની કોઈ મોટામાં મોટી માર્કેટ હોય તો એ મુંબઈમાં છે અને એ પણ આજથી નહીં, વર્ષોનાં વર્ષોથી અને જ્યારથી પટોળાં અસ્તિત્વમાં આવ્યાં છે ત્યારથી. દોઢ લાખથી લઈને સાત લાખ સુધીની કિંમત ધરાવતાં આ હાથ વણતરનાં પટોળાં ગુજરાતી તો ખરીદે છે પણ મુંબઈમાં રહેનાર અન્ય જાતિ, ભાષા, સંસ્કૃતિના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પણ ખરીદે જ છે.’

એક કારીગર તરીકે મુંબઈ આવવું ખૂબ ગમે છે: લોહાર રઝાક હુસેન, નખત્રાણા

કચ્છના નખત્રાણા ગામ અને તાલુકામાં રહેતા મિશ્ર ધાતુમાંથી બનતાં વાદ્યોના કારીગર લોહાર રઝાક હુસેન અહીં કહે છે, ‘મુંબઈના પ્રદર્શનમાં હું ઘણી વાર આવું છું. અમે મિશ્ર ધાતુમાંથી સારેગમ નામનું એક વાદ્ય, વિન્ડચાઇમ તથા જૂની અને ઍન્ટિક વસ્તુઓ પણ આમાંથી બનાવીએ છીએ, જેની મુંબઈમાં ખૂબ માગ છે. આ બધું કચ્છમાં જ બને છે અને દેશભરમાં એને અમે લઈ જઈને કલાને પણ પ્રચલિત કરીએ છીએ. સારેગમ વાદ્યની ખરીદી લોકો માત્ર વગાડવા માટે જ નહીં, પણ ઘરમાં એક સુશોભનના સાધન માટે પણ કરે છે. આના વેચાણમાં મુંબઈ મોખરે છે. એક કારીગર તરીકે લોકો જ્યારે એને જુએ, વગાડે અને અમારી કળાની પ્રશંસા કરે તો પણ અમને ખુશી થાય છે અને મુંબઈના ગ્રાહકોમાં અમે આ જ ઉત્સાહ જોઈએ છે. તેથી અહીંના લોકોને અમે ભૂલી નથી શકતા અને આવવું પણ ખૂબ ગમે છે.’

મંદીના સમયમાં પણ અમને મુંબઈમાં કદી ખોટ નથી ગઈ: કૃષ્ણા ઠક્કર, ભુજ

ભુજના હૅન્ડિક્રાફટ અને હૅન્ડલૂમનાં ખૂબ જાણીતા કલાકાર કૃષ્ણા ઠક્કર કહે છે, ‘હું છેલ્લાં પંદર વર્ષોથી બાંધણીનાં પોષાક, રંગબેરંગી અને વિવિધ કારીગરીથી સભર ઝોલા (થેલા), પાકીટ, બટવા વગેરે અનેક વસ્તુઓનું વેચાણ કરું છું અને મુંબઈમાં બાર મહિનામાંથી અગિયાર મહિના કામકાજ માટે આવું જ છું. મારી પાસે ૧૫૦ કારીગરો છે, જે ટાઇ ઍન્ડ ડાઇના કામમાં છે અને તે સૌનું ગુજરાન પ્રદર્શનોમાંથી આવતી આવક પર ચાલે છે. અન્ય શહેરોમાં મારું વેચાણ થાય છે, પણ મુંબઈમાં હું સૌથી વધારે માલ લઈને આવું છું અને એમાંથી ઓછામાં ઓછો ૭૦ ટકા માલ વેચાય છે, જ્યારે બીજી જગ્યાએ ઘણી વખત અમારો ખર્ચો પણ માંડ-માંડ નીકળે એવી પરિસ્થિતિ સર્જાય  છે. અહીંની એક વિશેષતા એ છે કે આટલાં વર્ષોમાં મંદીના સમયમાં પણ મુંબઈથી મેં ખોટ નથી ભોગવી. અહીં સ્ટોક વેચીને સદાય નફો જ લીધો છે અને આ દિલદારી માટે મુંબઈગરાઓની હું  ખૂબ આભારી છું.’

મુંબઈ આવો એટલે માલ વેચાઈ જ જાય, કદી વધે જ નહીં: ડાયાભાઈ સોની, પાટણ

પાટણથી ઑક્સિડાઇઝનાં આભૂષણોના કારીગર ડાયાભાઈ સોની કહે છે, ‘હું છેલ્લાં ચાલીસ વર્ષોથી માત્ર એક્ઝિબિશનના માધ્યમથી જ મારી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરું છું. બૅન્ગલોર, હૈદરાબાદ અને મુંબઈ આ ત્રણ શહેરોમાં વધારે જવાનું થતું હોય છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રદર્શનો થાય છે એમાં હું સહભાગી થાઉં છું. એક વર્ષમાં ઓછામાં ઓછા હું આઠથી નવ મહિના મુંબઈમાં વેપાર માટે રહું છું અને એમાંથી વધુમાં વધુ વેચાણ એટલે કે ૧૦૦ ટકા માલ મુંબઈમાં જ વેચાય છે. અન્ય શહેરોમાં ૯૦ ટકા જેટલું થાય, પણ આજ સુધી અહીંથી પાછા જતી વખતે મારે ક્યારેય મારો માલ ન વેચાય એવું નથી બન્યું. અમને હોલસેલ વેપારીઓ પણ આ શહેરે આપ્યા છે અને તેથી જ મારું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે. મને આ શહેર અને એના ગ્રાહકો પ્રત્યે ખૂબ માન છે.’

કળાની ખરી કદર મુંબઈ શહેરમાં થાય છે: ધર્મેન્દ્ર શાહ, ખંભાત

હવે હોલસેલ વેપારીઓ તરફથી ઑર્ડર મળતા હોવાથી ખુશી અનુભવતા ખંભાતના ધર્મેન્દ્ર શાહ અગેટમાંથી એટલે કે વિવિધ રાજ્યોમાંથી મળતા કીમતી અને સુંદર પથ્થરમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. તેઓ કહે છે, ‘આ પથ્થરને કપાવી અને પૉલિશ કરાવીને અમે હાથેથી એની પર કામ કરીને એમાંથી કૃત્રિમ ઝાડ, માળાઓ, પેન્ડન્ટ, નાઇટ લૅમ્પ જેવી અનેક વસ્તુઓ બનાવીએ છીએ. મારા આખા પરિવારએ આ કળા હસ્તગત કરી છે. હું ત્રીસ વર્ષોથી એક કારીગર તરીકે કામ કરું છું અને થોડાં વર્ષોથી વિવિધ પ્રદર્શનોમાં મુંબઈ આવતો રહું છું. મુંબઈ વિશે એક વાત ચોક્કસ કહીશ કે જ્યાં આખા દેશમાં ત્રીસથી ચાલીસ ટકા માલ વેચાય છે ત્યારે મુંબઈના પ્રદર્શનમાં મારો સો ટકા માલ વેચાઈ જાય છે. લૉકડાઉનના શરૂઆતના મહિના તો કામ બંધ જ હતું, પણ મુંબઈથી હોલસેલના વેપારીઓ હવે ઑર્ડર આપવા લાગ્યા છે અને કામ શરૂ થઈ ગયું છે. મુંબઈગરાઓ તરફથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને અમારી કળાને માત્ર ખરીદનાર જ નહીં પણ એનાં વખાણ કરનાર પણ આ શહેરમાં એટલા જ મળી રહે છે.’ 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK