Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 'સવાયા ગુજરાતી' ફાધર વાલેસનું સ્પેનમાં 95 વર્ષની વયે નિધન

'સવાયા ગુજરાતી' ફાધર વાલેસનું સ્પેનમાં 95 વર્ષની વયે નિધન

09 November, 2020 02:38 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'સવાયા ગુજરાતી' ફાધર વાલેસનું સ્પેનમાં 95 વર્ષની વયે નિધન

ફાધર વાલેસ

ફાધર વાલેસ


'સવાયા ગુજરાતી' નામે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાર્લોસ જોસે વાલેસ (Carlos G. Vallés), ફાધર વાલેસ (Father Valles)નું 95 વર્ષની ઉંમરે તેમના વતન સ્પેનમાં નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મેલા ફાધર વાલેસે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. તેઓ ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. તેઓએ માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા અને ભાઇની સાથે લોગરાનો છોડીને નીકળી ગયા. પોતાની માતાની કાકીને ત્યાં રહેવા ગયા. કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી તેમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો એટલે પંદર વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ ધર્મસેવક બની ગયા.



જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો. 1960થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતા.


પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાવ સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. તેમણે ગુજરાત યુનિવર્સિટી માટે ગણિતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો વિદેશી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા. આ પુસ્તકો પણ ગણિતના વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું.

ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાક તો બેસ્ટ સેલર બની રહ્યા. તેમણે ગાંધી- હિંસાનો વિકલ્પ, ભારતમાં નવરાત્રિ, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરે જેવા પુસ્કતો લખીને ગુજરાતીઓમાં પ્રખ્યાત થયા છે.


ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 02:38 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK