(રોહિત પરીખ)
ઘાટકોપર, તા. ૨૧
ઘાટકોપર (ઈસ્ટ)માં મહાત્મા ગાંધી રોડ પર વલ્લભબાગ લેન કૉર્નર પર એક ગુજરાતી સિનિયર સિટિઝન મહિલાને પૂરઝડપે જઈ રહેલા પાણીના ટૅન્કરે ટક્કર મારતાં તે મહિલાને ડાબા પગમાં ફ્રૅક્ચર થયું હતું.
ગઈ કાલના અકસ્માતની પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ અકસ્માતને નજરે જોનારા એક દુકાનદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજના ૫.૩૦ વાગ્યાની આસપાસ જમનાબહેન બોહરા ચાલતાં-ચાલતાં ગાંધી માર્કટ પાસે આવેલી હવેલીમાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલું પાણીનું ટૅન્કર તેમને અથડાતાં જમનાબહેન રસ્તા પર પડી ગયાં હતાં. તરત જ લોકો તેમને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.’
અમને અકસ્માતના સમાચાર મળતાં તરત જ અમે બા પાસે પહોંચી ગયા હતા એમ જણાવીને જમનાબહેનના પુત્ર સુનીલ બોહરાએ કહ્યં હતું કે ‘રાજાવાડી હૉસ્પિટલમાં ગુજરાતી નગરસેવક પ્રવીણ છેડા અમારી વહારે આવ્યા હતા. તેમણે બાને ઘાટકોપર (વેસ્ટ)માં રેલવે-સ્ટેશન સામે આવેલી હિન્દુ સભા હૉસ્પિટલમાં દાખલ કરાવી તેમની સારવાર શરૂ કરાવી દીધી હતી. બાને ડાબા પગમાં ફ્રૅક્ચર આવ્યું છે, પણ બા આ અકસ્માતથી ખૂબ જ ગભરાઈ ગયાં છે. અમે આ બાબતની પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’