ગુજરાતી રંગભૂમિના તખતાઓ રડી રહ્યા છે ચોધાર આંસુએ, બંધ બારણે

Published: Sep 03, 2020, 17:13 IST | Latesh Shah | Mumbai

૨૦૨૦ના ઐતિહાસિક કોરોના કાળમાં વર્તમાન સમયમાં કોરોના કાળમાં રંગભૂમિ પર લટાર મારી આવીએ.

 ભવિષ્યકાળ ભાડેથી આપેલો સમય છે માટે સમયને પોતાનો કરવા માટે જલસાથી વર્તમાનમાં  જીવો.
ભવિષ્યકાળ ભાડેથી આપેલો સમય છે માટે સમયને પોતાનો કરવા માટે જલસાથી વર્તમાનમાં જીવો.

ગયા ગુરુવારે અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાનાં હકડેઠઠ ભરચક શોમાં કે. સી. કૉલેજના રામા વાટુમલ ઑડિટોરિયમમાં હું છુપાઈને બૅક સ્ટેજના અંધારામાં ઊભો રહી શો જોતો હતો. અચાનક મારા પગથી એચ. આર. કૉલેજના પ્રિન્સિપાલનો પગ કચડાઈ ગયો અને પ્રિન્સિપાલ મિસ્ટર અડવાણીએ તોતિંગ ચિસોટો પાડ્યો અને એનો પડઘો પ્રેક્ષાગૃહમાં ફેલાઈ ગયો એ સાંભળીને શત્રુઘ્ન સ્ટેજ પરથી બૅક સ્ટેજમાં દોડી આવ્યો અને પરશુરામ સમાન ગુસ્સાવાળા અડવાણી સર સાથેની વૉર સ્ટોરી શરૂ થઈ કે લવ સ્ટોરી ૧૯૭૨-૭૩માં શરૂ થઈ એ વાત કરતાં પહેલાં ૨૦૨૦ના ઐતિહાસિક કોરોના કાળમાં વર્તમાન સમયમાં કોરોના કાળમાં રંગભૂમિ પર લટાર મારી આવીએ. 
 શ્રાવણ મહિનો એટલે ધમાલ મહિનો. એક બાજુ વરસાદ આવે ક્યારેક ઝરમરિયો, ક્યારેક  ધીમો, ક્યારેક ધોધમાર તો ક્યારેક બેસુમાર  અને એમાંય અઢળક  તહેવારો એટલે ધમાલ, ઉમંગ, ઉલ્લાસ, ઉત્સવ અને જલસો હોય. પણ કોરોનામાં બધા તહેવારો ફુસ થઈ ગયા. ગણપતિ બાપાનો તહેવાર પણ ઘરમાં જ ઊજવાયો. એ નાચ-ગાન, સર્જન-વિસર્જન વગર તહેવારો ફીકાફસ લાગે. 
કોરોના વાઇરસથી સૌથી મોટો ફટકો રંગભૂમિને લાગ્યો છે. જીવંત ધબકતી ઝબકતી રંગભૂમિ અત્યારે મૃતઃપાય થઈ ગઈ છે. અમુક સાહસિકો ઑનલાઇન શો કરવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યા છે પણ જીવંત દાદ, પ્રતિસાદ, લાફ્ટરો, તાળીઓ વગર કલાકારો કે પ્રેક્ષકોને નાટક જોવાની અથવા ભજવવાની મજા જ ન આવે. જો મજા ન આવે તો નાટકના જીવોને પાત્રને પામવાની, જીવવાની, ભજવવાની રુચિ જ ન રહે. સૌથી વધુ નુકસાન રંગભૂમિને થયું છે. 
મેં હમણાં ૨૯/૮/૨૦ના શનિવારે ઝૂમ પર બધા ગુજરાતી રંગભૂમિના લગભગ કલાકારો ભેગા કર્યા હતા. સિદ્ધાર્થ રાંદેરિયાનું કહેવું હતું કે હજી છ મહિના રાહ જોવી પડશે. સ્ટેજ પર લાઇવ  પર્ફોર્મ કરવાની પરમિશન મળશે તો પણ ઑડિયન્સ થિયેટરમાં આવતાં ડરશે. સંજય ગોરડિયાએ કહ્યું કે પ્રેક્ષકો માસ્ક પહેરીને હસશે તો ખબર કેવી રીતે પડશે? 
કૌસ્તુભ ત્રિવેદીનું કહેવું હતું કે રંગભૂમિને જીવંત થતાં વરસ પાકું લાગશે. ત્યાં સુધી રંગકર્મીઓને સર્વાઈવ થવું અઘરું છે. મનીષા પુરોહિતે ડ્રાઇવ ઇન થિયેટર કન્સેપ્ટની વાત કરી. સુજાતા મહેતાએ નવા આયામો શોધીને ગુજરાતી રંગભૂમિને જિવાડવાની વાત કરી. પૉકેટ થિયેટર, ઓપન ઍર થિયેટર, ગાર્ડન થિયેટર, ટેરેસ થિયેટર, કૅફેટેરિયા થિયેટર જેવા આયામ ઊભા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મિહિર ભુતાએ કહ્યું કે ફક્ત વ્યવસાયિક રંગભૂમિ સાથે પ્રાયોગિક રંગભૂમિને પણ મહત્ત્વ આપો. જેવી રીતે લતેશ શાહે સ્ટ્રીટ પ્લે કર્યા એ જ રીતે નવા પ્રકારની, નવી પ્રકૃતિની રંગભૂમિનું સંશોધન કરો. પરેશ રાવલે બીજા દિવસે ફોન કરીને કહ્યું કે આટલા મહિના ધીરજ ધરી તો બેચાર મહિના વધારે ધીરજ ધરો. નાટકો તો ધબકતી દાદ-સાદ દેતા, જીવતા-જાગતા પ્રેક્ષકો સામે જ ભજવવાની મજા છે. દિનકર જાનીનાં મંતવ્ય પ્રમાણે નવી રીતે નાટકો કરવાની જરૂર છે જેથી નાટકોમાં સેટથી શરૂ કરીને અભિનયના અલગ જાદુથી લોકો આકર્ષાય અને આતુરતાથી અને ઉત્સુકતાથી આવવું પડે. પરેશે કહ્યું, લતેશ, આ સોલ્ડ આઉટ શોની રમતે પથારી ફેરવી નાખી છે. હવે નાટકો જોવા સંસ્થાઓ દ્વારા જ પ્રેક્ષકો આવે છે. પબ્લિક શોમાં લોકો આવતા ઓછા થઈ ગયા છે એટલે આપણે વધુ ને વધુ નાટકોની જગ્યાએ ફાર્સ પીરસવામાં ગુંથાઈ ગયા છીએ જેના લીધે નવું અને યુવાન ઑડિયન્સ ગુમાવતાં જઈએ છીએ. કોરોનાના લીધે હજી આવતાં માર્ચ સુધી રંગભૂમિ અને  કલાકારો સુધી પ્રેક્ષકો નહીં પહોંચી શકે. પ્રવીણ સોલંકી ટેક્નિશ્યન અને નાના ઍક્ટરોને નાટકો શરૂ થાય ત્યાં સુધી સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા નોકરી અપાવવા માટે મહેનત કરશે. મિલન અજમેરાએ પહેલાં પણ ટેક્નિશ્યનોને ફાઇનૅન્શિયલ સપોર્ટ કર્યો હતો અને હમણાં પણ મદદ માટે તૈયાર થઈ ગયા. દિલીપ સોમૈયાએ અનાજની કિટ્સ ભેગી કરીને વહેંચવાની તૈયારી બતાવી છે. તે કોરોના પૉઝિટિવ આવ્યા ત્યારે ગુજરાતી રંગભૂમિના કલાકારોએ ભેગા મળીને તેમની ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ખર્ચ ઉપાડ્યો હતો. અત્યારે અમુક પ્રેક્ષકો પણ સપોર્ટ આપવા આગળ આવ્યા છે. તેમનો પણ ખૂબ-ખૂબ આભાર. 
ગુજરાતી રંગભૂમિ બહુ જ કપરા કાળમાંથી ગુજરી રહી છે. જો પ્રેક્ષકો અને સેલિબ્રિટીઝ અલગ, ઇનોવેટિવ અને ક્રીએટિવ લેવલ પર નિઃસ્વાર્થ ભાવે નવા વિષયો અને નવી માવજત સાથે રંગભૂમિ પર નવી રીતે નાટકો લાવે અને પ્રેક્ષકો  સંપૂર્ણ સહકાર આપી નાટકો પૈસા ખર્ચી જોવા આવે તો ગુજરાતી રંગભૂમિને બચાવી શકાય. નહીં તો ગુજરાતી રંગભૂમિ ડાયનોસૉરની જેમ લુપ્ત થઈ જશે, ગુજરાતી ભાષાને પણ વાઇરસ લાગશે એટલે ગુજરાતી રંગભૂમિના માંધાતાઓ અને ગુજરાતી રંગભૂમિને પ્રેમ કરતા રસિક જનો, જાગો. 
જય જય ગરવી ગુજરાતી રંગભૂમિ! 
પ્રાચીન અને અર્વાચીન રંગભૂમિ પર ઉતાર-ચડાવની હારમાળાઓ સર્જાઈ છે એમાં પણ ગુજરાતી રંગભૂમિ ઝઝૂમતી, અથડાતી, કુટાતી પણ સચવાઈ રહી છે. ભવાઈથી ભાંગવાડીથી  આજની  રંગભૂમિ  સુધી, ઊંચાનીચા સ્તરે જળવાઈને સમાજમાં સમકાલીન સ્તરે, સંસ્કૃતિના વિકાસમાં અને મનોરંજનના માધ્યમને ટકાવી રહી છે. અત્યારે તો રંગભૂમિના બજાર, તખતાઓ બંધ બારણે પોક મૂકીને રડી રહ્યા છે. જેમ ફિલ્મનાં સિનેમા થિયેટરો એક પછી એક બંધ થઈ રહ્યાં એમ અમને પણ કસાઈવાડે તો મૂકવામાં નહીં આવેને? 
નાટ્યશાસ્ત્રના રચયિતા મહર્ષિ ભરત મુનિનું નિદાન છે કે સમાજની સંસ્કૃતિને બચાવવી હોય તો નાટકો અને આર્ટનાં બધાં ફૉર્મ જળવાવાં અતિ આવશ્યક છે. 
હવે ફરીથી ૧૯૭૨-૭૩માં પહોંચી જઈએ. પ્રિન્સિપાલ અડવાણીની બૂમ સાંભળીને પ્યુન લલ્લને બૅક સ્ટેજની લાઇટ ઑન કરી દીધી. હું ઝડપાઈ ગયો. શત્રુઘ્ન પણ દોડતો બૅક સ્ટેજમાં આવ્યો. અમિતાભે પણ મિમિક્રી બંધ કરી અને બૅક સ્ટેજ તરફ જોવા લાગ્યો. યંગ કૉલેજિયન ઑડિયન્સમાં કલબલાટ મચી ગયો. બધાનું અટેન્શન મળતાં જ અડવાણીનો પારો સાતમે આસમાને પહોંચ્યો. તેણે મનમાં આવે એમ અંગ્રેજી-સિંધીમાં ભાંડવા માંડ્યું. મને બન્ને ભાષાઓ આવડતી નહોતી એટલે હું બહુ દુખી થવામાંથી બચી ગયો અને સ્માઇલ સાથે સૉરી-સૉરી કહેતો રહ્યો. પ્રિન્સિપાલ અડવાણી વધુ ચિડાયો. અમિતાભ કે શત્રુઘ્ન એ વખતે મારા બચાવમાં કંઈ ન બોલ્યા. જેવી રીતે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં કોઈ નથી બોલતું એવી રીતે જ મારી જીવતેજીવત દશા હતી. ફરક એટલો જ હતો મારા કેસમાં તેમને ખબર નહોતી કે હું કૉલેજનો ઉજ્જવળ કલાકાર છું. 
પ્રિન્સિપાલનો ગુસ્સો શાંત થાય એ પહેલાં તો બૅક સ્ટેજમાં ભીડ જમા થઈ ગઈ. પ્રિન્સિપાલ અડવાણી તાવમાં આવી ગયો. મને ઘસડીને સ્ટેજ પર લઈ ગયો. ઑડિયન્સે હુરિયો બોલાવ્યો.  અમિતાભની મિમિક્રી સાઇડમાં રહી ગઈ અને અડવાણી હીરો બની ગયા અને હું વિલન બની ગયો. એમાં તેને ખબર પડી કે હું એચ. આર. કૉલેજનો વિદ્યાર્થી નથી એટલે તેનો પારો દસગણો વધી ગયો. મારી સાથે સ્ટેજમાં ઇન્ચાર્જ પ્યુન લલ્લન પર પણ વરસી પડ્યો. મને કે. સી.ના પ્રિન્સિપાલ કુંદનાનીને કહીને રસ્ટિકેટ કરવાની ધમકી આપી. 
મને બાવડેથી ઝાલી રાખ્યો જેથી હું ભાગી ન જાઉં. પણ મોકો જોઈને અમિતાભ બચ્ચન અને  શત્રુઘ્ન સિંહા પાછલા દરવાજેથી નીકળી ગયા. પ્રેક્ષકો બધા બહાર નીકળી ગયા. બન્ને હીરોને નજીકથી જોવા અને ધક્કામુક્કીમાં ચાન્સ મળે તો ફોટો ખેંચાવવા બધાએ બહાર જવા ધસારો કર્યો. પ્રોગ્રામ વિખરાઈ ગયો એટલે પ્રિન્સિપાલ અડવાણી વધુ ગિન્નાયો. મને કહે, અભી કા અભી ચલો પ્રિન્સિપાલ કુંદનાની કે પાસ. મારું આવી બન્યું. મારા હાથ અને પગ ધ્રૂજવા લાગ્યા. લાગ્યું કે હું તો ગયો બારના ભાવે. જોઈએ શું થાય છે એ આવતા ગુરુવારે.
shahlatesh@wh-dc.com

માણો અને મોજ કરો, જાણો અને જલસા કરો
રાહ જોયા કરવા કરતાં વર્તમાન સમયમાં જલસાથી વર્તવાની મજા છે. રાહ જોવી એ ભવિષ્ય કાળની ભૂલભુલામણીભરી રમત છે, જેમાં ક્યારેક જ ગમત હોય છે. મોટે ભાગે પુરુષાર્થને નામે મજૂરી અને આશ્વાસન જ હોય છે. અપરંપાર વખત ભૂલા પડી જવાય અને ભૂતકાળમાં સરી પડાય. વર્તમાનનો સમય જ આપણો છે. ભૂતકાળ ભાડેથી લીધેલો સમય છે. ભવિષ્યકાળ ભાડેથી આપેલો સમય છે માટે સમયને પોતાનો કરવા માટે જલસાથી વર્તમાનમાં  જીવો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK