અન્ય ભાગ વાંચો
1 | 2
સમીત (પૂર્વેશ) શ્રોફ
‘રોજ સવારે તને છાપું ઉખેળવાની ટેવ. આજે અખબારને અડ્યો પણ નહીં!’
અરે વાહ, મુંબઈ આવ્યા પછી તમે દીકરાનું કેટલું ધ્યાન રાખતા થઈ
ગયા - આવું કંઈક કહેવાને બદલે ઉત્ક્રાંતે ખભા ઉલાળ્યા, ‘મૂડ નથી, પપ્પા.’
અમૂલખરાયના કપાળે કરચલી ઊપસી. પોતાના કૉફી મગ પર આંગળી રમાડતાં સામે બેઠેલા દીકરાને જોયો. તેની પડખે ઊભી વહુ તરફ અછડતી દૃષ્ટિ ફેંકી અનુમાન ઉચ્ચાર્યું,
‘શું થયું? વહુ, કંઈ બોલી?’
શ્વશુરજી માટે ટોસ્ટ-બટર તૈયાર કરતી અવનિના હાથમાંથી ટોસ્ટ વચકી પડ્યો. ‘હું? નહીં તો.’ કહી તે રસોડામાં સરકી ગઈ.
‘ઝઘડો થયો છે, બેટા, અવનિ સાથે?’ દામ્પત્યમાં નાના-મોટા મનમોટાવ થતા રહેવાના...’ અમૂલખરાયે કન્સર્ન જતાવી, ‘બાકી તમે બન્ને સમજદાર છો. મારો કેટલો ખ્યાલ રાખો છો. મહિનાથી અહીં છું ત્યારે થાય છે કે હરિયામાં એકલવાસ વેઠી મેં શું ગુમાવ્યું છે!’
પપ્પા ભાગ્યે જ આ રીતે લાગણી દાખવતા... ઉત્ક્રાંતે ધન્યતા અનુભવી, ‘તો પછી અહીં જ કેમ નથી રહી જતા, પપ્પા!’ પછી પાણીનો જગ લઈ પ્રવેશતી પત્નીનો સાથ માગ્યો, ‘તું પણ સમજાવને, અવનિ.’
અવનિ પિતાની કેટલી કાળજી રાખે છે એનો ઉત્ક્રાંતને ખ્યાલ હતો. પોતાને સમય ન હોય તો તે પપ્પાને મૉલ કે મંદિરે લઈ જતી.
‘અહીં રહેવા માટે મને કોઈએ સમજાવવાનો ન હોય...’ વહુને બોલતાં વાર થઈ એટલે અમૂલખરાયે જ વાત ઊચકી, ‘પણ પછી ત્યાં આપણાં ખેતર રઝળી પડે એનું શું?’
થોડી વારે બધું સમેટી અવનિ રસોડામાં ગઈ ત્યાં સુધી અમસ્તી જ વાતો ચાલી. મોટા ભાગે બાપ-દીકરો બોલતા રહ્યા. અવનિ મૂક શ્રોતા જેવી રહી.
‘કંઈક તો થયું છે અવનિને,’ વહુ રસોડે જતાં અમૂલખરાયે અવાજ ધીમો કર્યો, ‘હમણાંની થોડી ખોવાયેલી નથી રહેતી? ફરિયાદ નથી કરતો, પણ પાછલા પખવાડિયામાં મને ક્યાંય લઈ નથી ગઈ. રૂમમાં જ પુરાઈ રહે.’
સાંભળીને ઉત્ક્રાંતની ચિંતા વધી. પખવાડિયાની સમયમર્યાદાએ ઝબકારો થયો કે રાતે ઊંઘમાં ચીસ પાડવાનું પણ પાછલા પંદર દિવસથી જ બન્યું છે!
‘મારું આગમન તેને નહીં રુચ્યું હોય એમ કહી વહુની કાળજીનું અવમૂલ્યન નહીં કરું. તુંય એવું મનમાં ન આણીશ... અવનિની ચિંતા છે, માટે કહું છું. તું તેના મનની ભાળ કાઢ અને કહેવા જેવું હોય તો મને કહે.’
ઉત્ક્રાંતને થયું, ચીસની વાત કહી પપ્પાને નાહક વધુ ચિંતિત શું કામ કરવા? તેમણે આટલો ઇશારો આપ્યો એ જ પૂરતો છે.
‘હાલ તો એવું કંઈ છે નહીં, પપ્પા.’
રસોડાની દીવાલસરસી થઈ કાન માંડી ઊભેલી અવનિએ ઉત્ક્રાંતના અંતિમ જવાબથી હાશકારો અનુભવ્યો.
* * *
‘આજે બહુ જલદી તૈયાર થઈ ગયા!’
રૂમમાં પ્રવેશતી અવનિ ઉત્ક્રાંતને ટાઈ બાંધતો જોઈ સહેજ નવાઈ પામી.
અગિયાર વાગ્યે ઑફિસે પહોંચવા ઉત્ક્રાંત સાડાદસે જમીને નીકળતો. આજે સવાનવમાં તેને રેડી જોઈ અચરજ થવું સ્વાભાવિક હતું, ‘વહેલા જવાનું તમે ગઈ કાલે બોલ્યા નહોતા...’
(કેમ કે ગઈ કાલ સુધી તારું સપનું હું જાણતો નહોતો.)
‘રસોઈને હજી વાર છે, ઉત્ક્રાંત,’ અવનિ થોડી અકળાઈ.
(તું જ વિચાર, અવનિ, મારું થોડુંક અણધાર્યું વર્તવું તને આટલું પજવતું હોય તો તારી ચીસોએ મને કેટલો પજવ્યો હશે! આજે એનું નિરાકરણ કરવા જ જાઉં છું.’
‘ઉત્ક્રાંત, તમે...’
‘શીશ. કૂલ ડાઉન,’ ઉત્ક્રાંતે પત્નીના ગાલે ટપલી મારી, ‘બૉસે અર્જન્ટ મીટિંગ ગોઠવી છે. માટે વહેલા જવાનું છે. મેસેજ હમણાં જ મળ્યો.’
‘ઓહ!’ અવનિને ધરપત થઈ, ‘ઉત્ક્રાંત પ્લીઝ. રાતની વાત ભૂલી જજો. હું અમથી ગભરાઉં છું. જોશીની આગાહીથી મારે ડરવાનું ન હોય...’
જોશીની આગાહી. ઉત્ક્રાંતે શ્વાસ ઘૂંટuો. રાતે ચીસ બાબત પોતે ઇન્સિસ્ટ કરતાં અવનિએ કહ્યું હતું કે મને વિચિત્ર સપનું આવે છે... તમે હવાઈ જહાજમાં બેઠા છો ને એ પ્લેન ક્રેશ થઈ જાય છે! હું ચીસ પાડીને જાગી જાઉં છું.
ઉત્ક્રાંતથી મનાયું નહોતું. સપનું જો આ જ હતું તો પહેલી ચીસે અવનિ મને જણાવી શકી હોત... એ વાત છાવરી રહી છે કે છુપાવી રહી છે? ઉત્ક્રાંતે ન માન્યાનું જોકે દર્શાવ્યું નહોતું, ‘મારે નજીકમાં તો કોઈ ઉડાન ભરવાની નથી, અવનિ... પણ તને સપનામાં હવાઈ અકસ્માત જ કેમ દેખાય છે?’
‘હેં! કારણ કે... મંગળસૂત્ર રમાડતી અવનિએ કારણ ધરેલું, ‘જોશીનું ભવિષ્યકથન.’ માર્ગ મળી ગયો હોય એવી રાહત તેના અવાજમાં વર્તાયેલી, ‘ઉત્ક્રાંત, પાર્લામાં વિદ્વાન જ્યોતિષી રહે છે - વિદ્યાસાગર જોશી. નેહરુ રોડ પર દસ માળનું હીરા-મોતી બિલ્ડિંગ છે, એના સાતમા માળે તેમનું રહેઠાણ છે. કદાચ નીચેવાળાં નયનાબહેને તેમનો રેફરન્સ આપ્યો હતો, મે બી, મને ચોક્કસપણે યાદ નથી, પણ પપ્પાના અકસ્માત પછી આપણા ત્રણેના જન્માક્ષર બતાવવાની ઇચ્છા હતી એટલે હું તેમને ત્યાં પહોંચી.’
ઉત્ક્રાંત પત્નીનો શબ્દેશબ્દ ઝીલતો હતો. તેના હાવભાવ પર ચકોર નજર ટેકવી હતી, ‘તમારી કુંડળી જોઈ તેમણે કહ્યું કે તમને હવાઈ સફરની ઘાત છે, બસ, ત્યારથી ફફડી જાઉં છું.’ નજર ઝુકાવી બોલતી અવનિનું બયાન ઉપજાવેલું હોવાનો વહેમ ત્યારે જ ઉત્ક્રાંતને થયો હતો. સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર પિતાની વાતોથી ખાતરી થઈ ગઈ. અકસ્માતના સપનાની અવનિ ચીસ પાડી જાય ત્યાં સુધી ઠીક, પણ તેને મનમાં રાખી તે મૂંઝાયેલી રહે, પપ્પાને ફરવા ન લઈ જાય એ વધુપડતું ગણાય. ઍટલીસ્ટ ત્યારે, જ્યારે ઍર-ફ્લાઇંગનો મારો પ્લાન જ નથી!
રાતની આટલી ચર્ચા પછી સવારે મારું વિચારવશ રહેવું સ્વાભાવિક હતું, પરંતુ કહ્યા પછી પણ અવનિ કેમ ખોવાયેલી રહી?
આજ સુધી અમારે એકમેકથી કશું છુપાવાનું બન્યું નથી. આજે અવનિ જૂઠ બોલતી હોય કે પછી સત્ય સંતાડતી હોય તો એની પાછળ સધ્ધર કારણ હોવાનું.
કારણના મૂળ સુધી પહોંચવાની યાત્રા કયો ભેદ ઉજાગર કરવાની છે એની ઉત્ક્રાંતને ક્યાં ખબર હતી?
‘હૅવ ફેઇથ.’ અત્યારે પણ પત્નીને આલિંગનબદ્ધ કરી તેણે હેતથી કપાળ ચૂમ્યું, ‘મને કંઈ જ થવાનું નથી.
મૃત્યુ પણ આપણને જુદાં નહીં કરી શકે, સમજી!’
આંખો મીંચતી અવનિ વેલની જેમ પતિને વીંટળાઈ.
* * *
આ રહ્યું હીરા-મોતી બિલ્ડિંગ.
કાર ગેટમાં લેતાં ઉત્ક્રાંતે વૉચમૅનને પૂછી ખાતરી કરી કે અહીં સાતમા માળે વિદ્યાસાગરજી રહે છે અને જોષ જોવામાં માહેર ગણાય છે.
અર્થાત્ અવનિએ જોશીનું નામ સાચું દેવાની ચોકસાઈ રાખી. કદાચ મારી સમક્ષ વધુ જૂઠ ન બોલાયું હોય એટલે કદાચ તેના જૂઠમાં સચ વર્તાય એટલે.
લિફ્ટમાં દાખલ થઈ તેણે સાતનો આંકડો દબાવ્યો : હવે જોઈએ, જોશીએ આવી કોઈ ખાતરી કરી છે ખરી?
ઉત્ક્રાંતની શંકા સાચી ઠરી. પત્રિકા જોતાં જ પચાસીમાં પહોંચેલા જોશીજીએ કહી દીધું : આ કુંડળી હું પહેલી વાર જોઉં છું... તમને કોઈએ ભેરવ્યા, મહાશય. હવાઈ શું, તમારા જન્માક્ષરમાં દૂર-દૂર સુધી મામૂલી માર્ગ-અકસ્માતનો પણ યોગ નથી!
જાણવા જોગ જાણી લીધા પછી દક્ષિણા ધરી વિદાય લેતાં ઉત્ક્રાંતને છેલ્લી ઘડીએ સૂઝ્યું ‘જોશીજી, પંદરેક દિવસ અગાઉ મારી વાઇફ આપને મળવા આવી હતી.’
‘બની શકે, પણ અમે મળ્યાં નથી,’ કહી તેમણે ફોડ પાડ્યો, ‘હું અહીં હોઉં તો મળુંને? કુટુંબમાં લગ્નને કારણે અમે સૌ મહિનો-માસથી બનારસ હતાં. ઘરે તાળું હતું.’
‘યા-યા. એટલે પછી આજે તેણે મને મોકલ્યો’નો મલાવો કરી ઉત્ક્રાંતે રુખસદ લીધી.
લિફ્ટમાં ઊતરતાં તેના મગજમાં ફટાફટ ગણતરી મંડાતી હતી : અવનિ ધારો કે અહીં આવી હોય તો પણ જોશીને મળી નથી. અર્થાત્ આગાહીનો ભય ખોટો, ને તેનાં સપનાની વાત બનાવટી!
નિષ્કર્ષ તારવ્યા પછી ઉત્ક્રાંતની મૂંઝવણ વધી : તો પછી ચીસ પાછળનો ભેદ શું? એવું તે શું હોય જેથી અવનિ છળી મરે, જેના વિશે તે મને કહી ન શકે?
જાણું છું, મારાથી છુપાવીને તે વધુ રિબાતી હશે. તેના મનનો તાગ મારે કેમ પામવો?
* * *
‘સિંહાસર આજે લેટ આવશે.’
ઑફિસે થોડા વહેલા પહોંચેલા ઉત્ક્રાંતને તેના અસિસ્ટન્ટે માહિતી આપી, ‘બૉસ તેમનાં વાઇફને લઈ દવાખાને ગયા છે.’
૫૨-૫૩ વર્ષના મધુકર સિંહા ઉત્ક્રાંતના ઇમિજિયેટ બૉસ હતા. પાછા ડિપાર્ટમેન્ટ હેડ એટલે તેમની હાક વર્તાતી. જોકે ઉત્ક્રાંત જોડે તેમના રિલેશન્સ સ્મૂધ હતા.
‘મિસિસ સિંહાના યંગર બ્રધરે સુસાઇડ કરતાં થોડા વખતથી તેઓ ડિપ્રેશનમાં રહે છે.’
કાર્યસ્થળે કેટલાક માણસો ઇધર-ઉધરકી ખબર રાખવામાં ઉસ્તાદ હોય છે. ઉત્ક્રાંતનો મદદનીશ દત્તા આમાંનો એક હતો. ઉત્ક્રાંત પોતે જોકે પર્સનલ - પ્રોફેશનલ લાઇફનું અંતર ચોક્કસપણે જાળવતો, પણ એથી ખબરીલાલ જેવા દત્તાને બોલતો ઓછો બંધ કરાય!
‘સાહેબ મૅડમને દવાખાને લઈ ગયા છે એટલે ઑર્ડિનરી ફિઝિશ્યનને બતાવવા ગયા એમ ન સમજશો. વાસ્તવમાં મૅડમની સારવાર ચાલે છે - સાઇકિયાટ્રિસ્ટની.’
ઉત્ક્રાંતને આની જાણ હતી, પરંતુ સાઇકિયાટ્રિસ્ટ પાસે જનારાનું માનસિક સંતુલન ખોરવાયું હોય એવો અભિગમ તેને ન રુચ્યો.
‘આમાં કશું ખોટું નથી, દત્તા. મનનો તાગ મનોચિકિત્સક પાસેથી જ મળી શકે.’ બોલ્યા પછી ઉત્ક્રાંતે ક્યાંય સુધી આ વાક્ય મમળાવ્યા કર્યું.
‘અરે દત્તા...’ કશોક ઝબકારો થતાં તેણે પૂછી લીધું, ‘મારા ઘરેથી ફોન નહોતોને...’ રખેને અવનિએ લૅન્ડલાઇન નંબરે ફોન જોડી મીટિંગની ખાતરી કરવા ધારી હોય તો!
સદ્ભાગ્યે એવું બન્યું નહોતું અને સાઇકિયાટ્રિસ્ટની ક્લુ મળ્યા પછી ઉત્ક્રાંતે વધુ વિચારવું નહોતું : જોશીના જૂઠની ચોખવટ કરીશ તો અવનિ કોઈ નવું જૂઠ ઉપજાવશે. એના કરતાં મનોચિકિત્સકની મદદ લેવી શું ખોટી?
‘અમારા નેબરને જરૂર છે.’ એવું બહાનું ઊપજાવી તેણે સિંહાસાહેબ પાસેથી જ ડૉક્ટરનું રેકમેન્ડેશન મેળવ્યું: અફર્સોસ, હી ઇઝ અ ગુડ ડૉક્ટર. તારાથી ત્રણ-ચાર વરસ જ મોટો હશે. બે-ત્રણ મીટિંગમાં જ સુભદ્રાને રાહત વર્તાઈ છે. સો આઇ ટ્રસ્ટ હિમ. તેની નિપુણતા બેમત છે. પાછો યંગ છે, ઍટ્રૅક્ટિવ છે. ખારનું તેનું ક્લિનિક ઝાઝું દૂર પણ ન ગણાય, કહી તેમણે ડૉક્ટરનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું.
પોતાની કૅબિનમાં પહોંચી ઉત્ક્રાંતે ધ્યાનથી કાર્ડ નિહાળ્યું : ‘મનની સારવાર, હૃદયથી’નું મથાળે સૂત્ર હતું. પછી ‘મન ક્લિનિક’નો લોગો, નીચે નામ હતું : ડૉ. આશ્રય મહેતા!
ઉત્ક્રાંતે કાર્ડમાં લખેલો નંબર જોડ્યો.
* * *
બીજી સાંજે...
‘ઉત્ક્રાંત, હું કેવી લાગું છું?’ કારના મિરરમાં જોઈ મેક-અપ ટચ-અપ કરતી અવનિએ વધુ એક વાર પૂછ્યું, ‘તમે સવારથી સિંહાસાહેબને ત્યાં ફંક્શનમાં જવાનું કહી રાખ્યું હોત તો હું એ મુજબ તૈયાર રહેત...’
‘આવું કોઈ ફંક્શન છે જ નહીં, અવનિ, પપ્પાને મૂકી બહાર જવાનું કારણ ઊભું કરવા મેં જૂઠ કહ્યું હતું...’ ઉત્ક્રાંતે ધડાકો કર્યો, ‘ખરેખર તો આપણે સાઇકિયાટ્રિસ્ટને મળવા જઈએ છીએ.’
અવનિ ડઘાઈ. પછી આશ્રયના નામે સળવળાટ થયો : આ નામ ક્યાંક સાંભળ્યું છે... યાદશક્તિને જોર દેતાં ચિત્તમાં બાર-પંદર વરસનો છોકરો તરવર્યો : વરસો અગાઉ મારા પિયરના પાડોશમાં રહેનારો આશ્રય જ તો આ નહીં હોયને?
એ જ હોય તો મારે ડરવાની જરૂર નથી. જેને પોતાને વળગાડ હતો એ આશ્રય મારા મનનો તાગ શું પામવાનો!
(ક્રમશ:)
અન્ય ભાગ વાંચો
1 | 2