કથા સપ્તાહ - ગાઇડ (ગાતા રહે મેરા દિલ... - ૫)

Published: 7th December, 2012 08:16 IST

ફતેહપુર-સિક્રીની અડધા દિવસની ટૂર લજ્જાને ગમી. ગાઇડ આફતાબના સથવારાને કારણે મુંબઈના ટૂર એજન્ટ થ્રુ તેમનું બુકિંગ થયેલું.


અન્ય ભાગ વાંચો

1 | 2 | 3 | 4 | 5


સમીત (પૂર્વેશ) શ્રોફ


‘દિલ્હી કરતાં અહીંનો ગાઇડ સારો છે.’ આગ્રાથી નીકળતાં તે પડખે બેઠેલા અભિને સંભળાય એમ બોલી, પણ આફતાબે સાંભળી લીધુ હોય એમ તે મલક્યો,

‘ધન્યવાદ મૅડમ. મને થોડું-થોડું ગુજરાતી આવડે છે. તમારા જેવા ટૂરિસ્ટની સોબતમાં શીખ્યો છું.’

‘યા, અમે ગુજરાતીઓ ફરવામાં એક્કા!’

પછી તો બન્ને જામી પડ્યાં. રાવી સૂતી હતી, અભિ મૂંગો હતો. તાજમહલ શુક્રવારે બંધ રહે છે. સિકંદરામાં અકબરની કબર છે. કેળવાયેલા ગાઇડની રૂએ આફતાબ કહેતો ગયો. ધીરે-ધીરે વાત અંગત વિશ્વમાં પ્રવેશી.

‘તમારી બેબી બહુ ક્યુટ છે! કેટલાં વરસની થઈ?’

જવાબ વાળતી લજ્જાએ પૂછી લીધું, ‘તાજમહલના શહેરમાં તમને કોઈ મુમતાઝ મળી કે નહીં?’

દુખતી રગ પર હાથ મૂક્યો હોય એવી વેદના આફતાબના ચહેરા પર અંકાઈ. ‘નહીં રે.’ વ્યથા છુપાવવાની તેણે મિથ્યા કોશિશ કરી.

સ્ત્રીસહજ રીતે લજ્જા સમજી ગઈ કે ગાઇડે પ્રણયમાં ચોટ ખાધી હોવી જોઈએ! આ જખમને બહુ ખોતરવાના ન હોય.

તેણે વાત બદલી, આફતાબને એથી રાહત વર્તાઈ

* * *

‘જેના આશિષથી બાદશાહ અકબરને સંતાનપ્રાપ્તિ થઈ તે સંતની દરગાહ ફતેહપુરમાં છે, જ્યારે સિક્રીમાં ઊભો છે રાજાનો મહેલ...’

મોગલકાળની ઇમારત જોતાં દંગ થઈ જવાયું. અભિને જોકે રસ નહોતો. રાવીને તેડી તે અમસ્તો જ ટહેલતો હતો. થોડી વાર પૂરતું તેની ચિંતા ત્યજી લજ્જાએ નવું જોવા-જાણવામાં ચિત્ત પરોવ્યું.

‘રાજા અકબરને ત્રણ રાણીઓ

હતી - મુસ્લિમ, હિન્દુ અને ખ્રિસ્તી.’

જોધાબાઈના મહેલ સમક્ષ ઊભો રહી ગાઇડ આટલું કહે છે ત્યાં... ‘પણ મને તો કોઈએ એકની એક રાણી બનાવવાનું વચન આપ્યું હતું.’

મધુર રણકારે લજ્જાનું ધ્યાન ખેંચાયું. મરૂન રંગના ચૂડીદારમાં તે છોકરી કેવી રૂપાળી લાગી.

‘રઝિયા, તું!’ આફતાબે આસપાસ જોયું, ‘અહીં!’

‘મને હવે દુનિયાની પરવા નથી... મેં બહુ જાતતપાસ આદરી, આફતાબ, પણ તારા બદલાવનું રહસ્ય...’

‘રહસ્ય? રઝિયા, હું બીજી લડકી સાથે શાદી કરવાનો, પછી...’

‘જૂઠ...’ રઝિયાનાં નાખોરાં ફૂલી ગયાં, અવાજ જોકે તેણે સંયત રાખ્યો, ‘હું તારાં મમ્મીને મળીને આવી છું. આફતાબ, તે બિચારાં તો કંઈ જાણતાં

જ નથી!’

તેમની પ્રેમકહાની હવે બીજાને પલ્લે પડતી હતી.

‘આફતાબ, આવી રૂપાળી છોકરીને ઠુકરાવે છે, શું કામ?’

આ જવાબની રઝિયાને પણ

તલાશ હતી, પરંતુ આફતાબે હોઠ સીવેલા રાખ્યા. તે અભિ તરફ વળ્યો ત્યારે રઝિયાએ લજ્જાનો હાથ

થામ્યો, ‘તમે મને હમદર્દ જેવાં લાગો છો. આ એક પ્રશ્નનો જવાબ મળે તો મને જરૂર કહેજો...’

અશ્રુ વહાવતી તે દોડી ગઈ ત્યારે સૂરજ પણ અસ્તાચળમાં ધસતો હતો.

* * *

વળતી સફરમાં ઢાબા પર ખાણું લેવા રોકાયાં. એ દરમ્યાન લજ્જાએ આફતાબની પ્રણયગાથા જાણી. આફતાબ પ્રત્યે માન ઊપજ્યું, એમ રઝિયા સમક્ષ ખુલાસો કરવાનું પણ નક્કી કરી લીધું.

અભિ ઝાઝું બોલતો નહોતો. બીજા સંજોગોમાં તેણે કદાચ ગાઇડને જોડે જમવા પણ બોલાવ્યો ન હોત... લજ્જા આ બધું પણ નોટિસ કરતી હતી અને ગૂંચવાતી હતી : આખરે અભિના મનમાં છે શું?

અભિ વૉશરૂમ ગયો, લજ્જા હૅન્ડવૉશ કરવા ગઈ એ દરમ્યાન રાવીનો હવાલો આફતાબે સંભાળ્યો. ભાગ્યે જ કોઈ પાસે જતી રાવીને આફતાબ સાથે અજાણ્યું ન લાગ્યું. તેને રમાડવામાં આફતાબ રઝિયાની મુલાકાતનો ગમ ભૂલી ગયો.

* * *

કાર હોટેલની પૉર્ચમાં ઊભી રહી. આફતાબે ઊતરી દરવાજો ખોલી આપ્યો. છેલ્લે અભિ ઊતર્યો. આફતાબ દરવાજો બંધ કરવા ગયો એમાં સહેજ વાર માટે અભિની આંગળી આવતી રહી ગઈ.

‘યુ ફૂલ!’ અભિએ પાધરોક તમાચો વીંઝ્યો, ‘દેખાતું નથી, યુ બ્લડી બ્લાઇન્ડ!’

આફતાબ સ્તબ્ધ હતો. અભિ માટે ગુસ્સો સહજ હતો, છતાં તેનું આ રૂપ લજ્જા માટે નવું હતું.

‘આઇ ઍમ સૉરી, આફતાબ...’ લજ્જા આટલું કહે છે ત્યાં અભિ ઑર ઊકળ્યો, ‘તું શું કામ સૉરી કહે છે? તને સ્ટેટસનું ભાન છે કે નહીં?’

ગરમ થતો અભિ રાવીને તેડી અંદર જતો રહ્યો, લજ્જાએ પાછળ દોરાવું પડ્યું, હાજર વેઇટર્સ-કસ્ટમર્સ કંઈ બોલી ન શક્યા.

ગાલ પંપાળતો આફતાબ કંઈક ખેદપૂર્વક હસ્યો, કારમાં બેઠો ને ગાડી હંકારી મૂકી.

* * *

બિચારાં લજ્જામૅડમ! કેવી રીતે આવા તામસી પુરુષને સહેતાં હશે?

ગાલ પરના સોળ આફતાબે અંતરમાં ઊઠવા દીધા નહોતા, કોઈ ટૂરિસ્ટ ફૅમિલીની આટલું નજીક

આવી જવાય એવું કદાચ પહેલી વાર બન્યું હતું.

ખેર, અત્યારે તો મારે કાદિર પર નજર રાખવાની છે! આફતાબે દૃષ્ટિ સતેજ કરી : અરે, દાઢીધારી આદમી જોડે તે શું ગુફતેગૂ કરી ર?ાો છે?

તેણે કાન સરવા કર્યા, જેમ-જેમ સંભળાતું ગયું એમ આંખો પહોળી થતી ગઈ!

* * *

‘હું આજે કામ પર નહીં આવું...’ આફતાબે શનિવારની સવારે ફોન

જોડી કાદિરને તમાચાવાળો હેવાલ આપ્યો, આવા બેકાર કસ્ટમર જોડે આપણને નહીં ફાવે, ત્યાં કોઈ માથાફરેલાને જ મોકલજો.

કાદિર આમ પણ આજે આફતાબની ડ્યુટી બજાવવાનો નહોતો, પોતે જે કામ હાથ પર લીધું એમાં આફતાબ જેવાની ગેરમોજૂદગી જરૂરી હતી... ત્યાં તે જ રજા પર ઊતર્યો એટલે નિરાંત!

કાદિરે વાગોળ્યું : આજે સાંજે સનસેટમાં તાજમહલ નિહાળી કપલ રેડ ફૉર્ટનો લાઇટ-શો જોવા જવાનું છે. બસ, ત્યાંના ટોળામાંથી તેમની બેબીને તફડાવી ચૌધરી (વિશ્વાનંદ) ગેટ બહાર આવે ત્યારે મારે તેને કારમાં તે કહે ત્યાં પહોંચાડવાની છે! આવડા કામના લાખ રૂપિયા શું ખોટા? મામુજાન પાસે મેં છુટ્ટી અને કાર લઈ જવાની પરમિશન લઈ લીધી છે. લાગે છે, કુદરત મારી ફેવરમાં છે?

સાંજે છ વાગ્યે છૂટવાની રાહ જોતા કાદિરને બપોરના બે વાગ્યે હાર્ટબ્રેકિંગ ન્યુઝ મળ્યા : તમે સાંભળ્યું? આપણો આફતાબ ટુરિસ્ટની બેબીને કિડનૅપ કરી ફરાર થઈ ગયો!

હેં!

* * *

‘મને મારી રાવી પાછી જોઈએ, અભિ...’ રડમસ લજ્જાએ અભિનો કૉલર પકડ્યો, ‘લાખ વાર તમને સમજાવ્યા કે ગુસ્સા પર કાબૂ રાખો, ક્યારેક નહીં બનવાનું બની જશે! જોયું એનું ફળ? તમે કાલે આફતાબને તમાચો માર્યો તો તે આજે આપણી દીકરીને ઉઠાવી ગયો!’

તેના આક્રંદમાં માની મમતા પોકારતી હતી. અભિ હતપ્રભ હતો. તાજ રોડ પર આવેલા સુપરમૉલમાં પ્લે-ઝોનમાં રમતી રાવી ભનક ન પડે એ રીતે અદૃશ્ય થઈ ગઈ, અભિ લજ્જા પર ઊકળ્યો. રાવીનો મૉલમાં ક્યાંય પત્તો ન લાગ્યો ત્યારે કૅમેરાનાં ફુટેજ જોવાયાં, એના પરથી જાણ્યું કે તેને આફતાબ ઉઠાવી ગયો છે! અભિએ ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી. ઇસ્માઇલશેઠનો સંપર્ક સધાયો. આફતાબની હરકત તેઓ પણ માની ન શક્યા. ગમે એમ તોય આગ્રામાં તેમની પ્રતિષ્ઠા હતી. અભિ-લજ્જાને વિનવી તેઓ પોતાના ઘરે લઈ આવ્યા, વગ વાપરી રાવીની શોધનું દબાણ કર્યું.

અત્યારે પણ લજ્જાના વલોપાતે તેમનું હૈયું દ્રવી ઊઠ્યું, ફાતિમાબેગમે તેની પીઠ પસવારી, આફતાબ તેમને હવે જાલિમ લાગતો હતો : એક તમાચાનું આવું વેર? અરે, વસમું લાગ્યું તો અભિ જોડે મરદની જેમ લડવું હતુંને... કાદિર સાચો હતો, આફતાબની ખોટ આજે ઉઘાડી પડી ગઈ? જોકે ડર મને રઝિયાનો છે...

રઝિયાની ઉદાસી તેમનાથી અજાણી નહોતી. આફતાબે તેનું દિલ તોડ્યાનું સમજી જવાયું, છોકરાએ અમારી મુલાકાતનું સત્ય નથી કહ્યું એ પણ સમજાય એવું હતું. અન્યથા, રઝિયા મારી જોડે ઝઘડી હોત... પ્રેમમાં જખમી થયેલો માણસ બંડ પોકારતો જ હોય છે! એવું બન્યું નહીં, હવે સમય જ પ્રીતનો ઘા રૂઝવી દેશે એમ માનતાં હતાં ત્યાં આ નવો ફણગો.

આફતાબને સૌ ઘાતકી માનવા લાગ્યા છે ત્યારે રઝિયાનો પ્રેમ ફૂટે

નહીં તો સારું! ફાતિમાબેગમની

બંદગી એળે ગઈ, લજ્જા આફતાબ પર શાપ વરસાવવા લાગી એ રઝિયાથી સહ્યું ન ગયું,

‘મારા આફતાબને કશું ન કહેશો... તે અલ્લાહનો બંદો છે, શયતાન નથી. જરૂર આમાં કોઈ ભેદ છે!’

રઝિયાના ખુલ્લા બચાવે

તેનું પ્રેમપ્રકરણ પિતા-ભાઈ સમક્ષ

ખોલી દીધું.

‘મને તારા આફતાબ પ્રત્યે હમદર્દી હતી...’ લજ્જાએ રઝિયાના હૃદયભંગના ખરા કારણનો ભેદ ખોલતાં સૌ ફાતિમાને તાકી રહ્યા, પછી લજ્જા તરફ કાન માંડ્યા, ‘પણ એ ભરોસો ઊઠી ગયો. અરે ફિરૌતી માગવાને બદલે તે નરાધમે મારી ફૂલ જેવી દીકરીને રહેંસી મૂકી તો...’

કમકમાં આવતાં હોય એમ અભિ ફસડાઈ પડ્યો. પોતાના ક્રોધની જલદ પ્રતિક્રિયાએ તેની આંખો ખોલી દીધી હતી, ‘આઇ ઍમ સૉરી લજ્જા... તારો, મારી દીકરીનો ગુનેગાર છું હું! પણ જાણે છે? તેના આમ જવામાં માના બચવાનો સંકેત પણ છે!’

ઠેઠ ત્યારે લજ્જાને અભિના બદલાવનું સત્ય લાદ્યું!

‘હું જેને તરછોડી ન શક્યો તેને કોઈ આમ ઉઠાવી ગયું...’ અભિના સ્વરમાં ઉદાસી હતી. દીકરીને ગુમાવી મા બચ્યાની ખુશી કોણ મનાવી શકે?

‘ઓહ, અભિ!’ રડતી લજ્જા તેને વળગી, ‘શા માટે બાબાજીને આટલું મહત્વ આપો છો!’

પતિ-પત્નીએ એકમેકમાં સહારો શોધ્યો ત્યારે ઇસ્માઇલમિયાં ફાતિમાને ઠપકારતા હતા, ‘તમે મને કહ્યું નહીં, સીધાં જ આફતાબને મળી લીધું?’

‘કાદિરે મને ચેતવેલી. જે હોય એ, આફતાબ નીકળ્યો તો હેવાન જને!’

‘નહીં, અબ્બુ, ભાઈજાન, અમ્મીની ગલતફહમી છે. કાદિર પર મને યકીન નથી...’ રઝિયાના કાલાવાલા દરમ્યાન તેનો મોબાઇલ રણક્યો. ફાટી આંખે તે સ્ક્રીનને તાકી રહી. એમાં ઝબૂકતું હતું : આફતાબ કૉલિંગ!

વિશાળ દીવાનખંડમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ.

* * *

‘મહારાજ, કિનારે આવેલું નાવ ડૂબી ગયું,’ આગ્રાની લૉજની રૂમમાં ચૌધરીના વેશમાં રહેલો વિશ્વાનંદ કાળભૈરવના મંદિર પધારી વિધિ શરૂ કરી ચૂકેલા રામર્તીથને મોબાઇલ જોડી હેવાલ આપે છે, ‘આપણા પહેલાં એક ડ્રાઇવર બાળકીને ઉઠાવી ગયો!’

‘શરૂ થયેલી વિધિ મોકૂફ નહીં થાય... અભિ ધારવા કરતાં પોચટ નીકળ્યો, દીકરીને ત્યજી ન શક્યો. ખેર, બલિ તરીકે રજસ્વલા ન હોય એવી કન્યા ચાલે, આગ્રામાંથી કોઈ બીજી કન્યા ઉઠાવી જલદી આવ!’

હવે તો એ જ એક રસ્તો રહ્યો... વિશ્વાનંદ શિકારે ચડવાની તૈયારી કરે છે ત્યાં દરવાજો ઠોકાયો.

બહાર પોલીસ ઊભી હતી!

* * *

‘આ તો વિશ્વાનંદજી!’ ચૌધરીનાં દાઢી-મૂછ ઊતરતાં જ અભિને તેમની ઓળખ થઈ.

તમાચાનો પ્રસંગ ન બન્યો હોત તો કદાચ આફતાબે સગા કાને સાંભળેલો કાદિર-ચૌધરીનો રાવીને કિડનૅપ કરવાનો પ્લાન સીધો જ અભિ-લજ્જાને કહ્યો હોત... તમાચાનો બદલો લેવા હું તેમને ઊંધા રવાડે ચડાવવા માગું છું એમ માની અભિ મને ધૂત્કારી કાઢે એ તો ઠીક, પણ એથી બદમાશો પોતાની મકસદમાં ફાવી ન જાય એટલે એક જ માર્ગ સૂઝ્યો : રાવીને મારે જ કિડનૅપ કરી જવી! સુરક્ષિત સ્થળે પહોંચી તેણે રઝિયાને ફોન જોડ્યો : હું તારા પર જ વિશ્વાસ મૂકી શકું એમ છું... કહી આખી ઘટના વર્ણવી. આફતાબને એક તક આપવા માગતા હોય એમ ઇસ્માઇલમિયાંએ ઇન્સ્પેક્ટરને વિશ્વાસમાં લીધા. બન્નેને જોડે આવેલા જોઈ કાદિરના પેટમાં તેલ રેડાયું. બે ધોલમાં તેણે વટાણા વેરી નાખ્યા, ને વિશ્વાનંદ છટકે એ પહેલાં પોલીસે તેને ઝડપી લીધો! થોડી મરમ્મત પછી તેણે વિધિનો ભેદ ઉજાગર કરી દીધો.

થાણામાં અન્યો જોડે આફતાબ-રાવીને પણ મોજૂદ જોઈ વિશ્વાનંદે મનમાં દાઝ ઘૂંટી, પણ શું થાય! રઝિયાએ ફોન કરતાં તે હાજર થઈ ગયેલો. રાવી હેમખેમ હતી.

‘તું સાચે જ મારા જીવનનો ગાઇડ-માર્ગદર્શક પુરવાર થયો...’ અભિએ હાથ જોડી તેને ગળે વળગાડ્યો, ‘મારા ગુસ્સાને નાબૂદ કર્યો, અંધવિશ્વાસની પટ્ટી ઉતારી. બાળકીનો ભોગ ચડાવનાર કદી સાચો સાધુ ન હોય, એથી જ તેની વાણીનું વજૂદ ન હોય. માની બીમારીને રાવી સાથે કશી લેવા-દેવા હોઈ જ ન શકે. તેનો દાક્તરી ઇલાજ શોધીશું, ખરુંને લજ્જા?’

પતિનું નવું રૂપ લજ્જા સજળ નેત્રે નિહાળી રહી.

‘હવે કોઈ મને પણ સાંભળો.’ ફાતિમાબેગમ ટહુક્યાં, ‘આફતાબે આજે પોતાની નેકી, ચારિત્ર્ય સિદ્ધ કરી દીધું છે. રઝિયાના અબ્બુ, તમારી મરજી હોય કે ન હોય, મારી રઝિયા માટે મેં આફતાબ પસંદ કરી લીધો છે!’

આફતાબ-રઝિયા ઝળહળી ઊઠ્યાં. આ મિલનમાં કોઈને વાંધો હોઈ શકે જ નહીં. વિશ્વાનંદ સાથે લૉક-અપમાં પુરાયેલા કાદિરનો જીવ બળ્યો, પણ બૂરાઈનો અંજામ તો બૂરો જ હોય છેને!

સૌ ખુશહાલી વાગોળતા હતા ત્યારે પોલીસવૅન કાળભૈરવના મંદિર તરફ પ્રયાણ કરતી હતી - પાખંડી સાધુ રામર્તીથની ધરપકડ કરવા!

(સમાપ્ત)


અન્ય ભાગ વાંચો

1 | 2 | 3 | 4 | 5
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK